Wednesday, 26 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શું ન હોય તો જીવન અધૂરું છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શું ન હોય તો જીવન અધૂરું છે?
તડકભડક : સૌરભ શાહ

 

 

 

કોઈ પૂછે કે સંબંધો વિશે આટલું બધું વિચારવાનું શું કામ? ત્યારે જિદ્દુ કૃષ્ણમૂર્તિના આ શબ્દો એમને યાદ દેવડાવવાના. એમણે કહ્યું :

'કોઈપણ વ્યક્તિ સંબંધો વિના જીવી શકે જ નહીં. તમે સંસાર છોડીને હિમાલય ભેગા થઈ જાઓ કે જંગલમાં સાધના કરવા જતા રહો, સંન્યાસી બની જાઓ તો પણ કોઈ ને કોઈ સંબંધથી તમે બંધાયેલા-જોડાયેલા રહેવાના. આ હકીકતથી તમે છટકી શકવાના નથી. તમે ક્યારેય તમારી જિંદગીમાં એકલા નથી રહી શકવાના.'

જે. કૃષ્ણમૂર્તિના આ શબ્દો માનવીય સંબંધોના સંદર્ભમાં છે. કુદરત સાથે કે ભગવાન સાથે નાતો જોડીને કોઈ કહે કે જુઓ મારી લાઈફમાં જે સંબંધ છે એ તો અમાનવીય છે, અલૌકિક છે તો એવી વ્યક્તિ પણ માનવીય કે લૌકિક સંબંધ માટે તો તરસતી હોવાની જ અને ક્યારેક ને ક્યારેક એવા સંબંધો બાંધવાની. પાળેલાં પંખી-પશુ સાથે પારાવાર પ્રેમ કરનારને પણ માનવીય સંબંધની ભૂખ રહેવાની અને એવા સંબંધ ન બંધાય ત્યાં સુધી એ ઝૂરતી રહેવાની.

બીજી વાત. જે. કૃષ્ણમૂર્તિ જે વાત કરે છે તે કાકા, મામા, ભાઈ, બહેન, પિતા, માતા, સંતાનો કે પાડોશીઓ સાથેના સંબંધની વાત નથી કરતા. આત્મીય અને મૈત્રીના સંબંધની વાત કરે છે. લોહીની સગાઈને કારણે સર્જાયેલા કે પરિસ્થિતિ કે સંજોગવશ મજબૂરીથી સ્થપાયેલા સંબંધની આમાં વાત નથી. હા, આત્મીય સંબંધ લોહીની સગાઈના પણ હોઈ શકે છે. તમે તમારા પિતાને કે ભાઈને કે માતાને એટલું ચાહો કે એ તમારા મિત્ર બની જાય અને આજીવન તમારા બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે એ શક્ય છે. પણ જરૂરી નથી કે દરેક પિતા, માતા, ભાઈ વગેરેની લોહીની સગાઈમાં આવા સંબંધો સ્થપાય જ. ક્યારેક તમારા વર્ષો જૂના વિશ્વાસુ અને વફાદાર સેવક સાથે પણ તમારો આત્મીય સંબંધ સ્થપાઈ શકે.

સંબંધ. ચાહે એ પ્રેમના હો, ચાહે મૈત્રીના, ચાહે ૨૪ કલાક એકબીજા સાથે રહીને એ સંબંધો આગળ વધતા હોય કે પછી એ રીતે સાથે રહ્યા વિના એકબીજા દ્વારા થતી સભાન કાળજીને કારણે ઉછર્યા કરતા સંબંધો હોય. આવા કોઈ સંબંધો વિનાનું જીવન હોઈ શકે જ નહીં. જે.કૃષ્ણમૂર્તિ જે કહેવા માગે છે તે આ વાત છે.

માણસ આઈસોલેશનમાં ન જીવી શકે. દુનિયાનો ત્યાગ કરી દે પણ આત્મીય સંબંધોને એ ન છોડી શકે.

એના વિના એ અધૂરો છે. એવું નથી કે એ હોય તો સંપૂર્ણ બની જશે. જિંદગીમાં શ્રેષ્ઠ સંબંધો હોવા છતાં એ પોતાને અધૂરો અનુભવી શકે. જિંદગીમાં એવી બીજી કેટલીય તમન્નાઓ હોય જે હજુ સુધી પૂરી ન થઈ હોય એટલે અધૂરપ લાગતી હોય. પણ તમામ ખ્વાહિશો પૂરી થઈ ગઈ હોવા છતાં જો જીવનમાં કોઈ સંબંધની. કમી હોય તો એને જરૂર લાગવાનું કે પોતે હજુ અધૂરો છે.

જિદ્દુ કૃષ્ણમૂર્તિ જેવા ભારતના વીતેલી સદીના શ્રેષ્ઠ અધ્યાત્મપુરુષે શા માટે સંબંધો વિનાનું જીવન હોઈ જ ન શકે એવું કહ્યું હશે? એ તો આજીવન અપરિણીત હતા. જીવનની તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે આપણા જેવા હજારો-લાખો પામર જીવો એમની પાસે દોડી જતા. એમનાં પ્રવચનો, વાર્તાલાપો અને પુસ્તકોમાંથી આ સમસ્યાઓનો જવાબ શોધવાની કોશિશ આજે પણ કરીએ છીએ, એમના દેહત્યાગને સવા ત્રણ દાયકા થઈ ગયા એ પછી પણ એમના શબ્દોની આંગળી પકડીને જીવનના અટપટા નકશા પર સાચો માર્ગ શોધવાની કોશિશ કરીએ છીએ. જરૂર એમણે એવું કંઈક આવા સંબંધોમાં અનુભવ્યું હશે. જેને કારણે આ શબ્દો એમના હોઠે આવ્યા.

શું અનુભવ્યું હશે?  

કદાચ, આ માણસ ગમે એટલું પામીને, પ્રાપ્ત કરીને બેઠો હોય તોય એને આ બધું જ કોઈની સાથે વહેંચવાની તાલાવેલી હોય. કોઈ આત્મીયની સાથે. બીજા સાથે એ ગમે એટલું વહેંચે જેની એને વખાણ-પ્રશંસાના રૂપે રસીદ પણ મળે, છતાં કોઈ આત્મીય વ્યક્તિ સાથે આ બધું વહેંચવું હોય છે. દીકરી-દીકરાનાં લગ્નમાં ખૂબ ઉત્સાહથી ઊજવણી કરે, સૌ કોઈ એનાં વખાણ કરે, પણ જો કોઈ એક વ્યક્તિ એવી ન હોય જીવનમાં, જે આવીને આ ઉમળકો પર્સનલી શેર કરે તો આ બધા જ મંગળપ્રસંગોમાં અધૂરપ લાગે. પત્ની ન હોય અને પિતા એકલા હાથે સંતાનોનાં લગ્નપ્રસંગો ઉજવતા હોય કે પતિ ન હોય અને પત્ની એકલપંડે સંતાનોનાં લગ્નપ્રસંગો ઉજવતી હોય ત્યારે તેમને ખ્યાલ આવે કે તેઓ પોતાની જાતને કેટલી અધૂરી મહેસૂસ કરી રહ્યા છે. આ તો એક દાખલો છે. આવા તો ઘણા નાના-મોટા સારા માઠા પ્રસંગો જીવનમાં આવતા જ રહેતા હોય છે. ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય જ્યાં કેન્દ્રમાં કોઈ પ્રસંગ ન હોય, લોકો પણ ન હોય. તમે એકલા હો અને કોઈ વાત શેર કરવાનું મન થાય, કોઈ વિચાર, કોઈ લાગણી, કંઈક યાદ આવે ને તમારે હસવું હોય કે પછી કોઈ વાતે વ્યથા પ્રગટ કરવી હોય, પણ જો આ લાગણી શેર કરવા કોઈની હાજરી ન હોય તો બીજી બધી જ રીતે જીવન સમૃદ્ધ હોવા છતાં તમને તમારી જાત ગરીબ લાગે.

આપણે જે કંઈ ખાનગીમાં વિચારીએ છીએ તેને ક્યારેક ને ક્યારેક કોઈની આગળ વ્યક્ત કરવા માગીએ છીએ, બધાની આગળ નહીં, કોઈકની જ આગળ. કારણ કે બધાની આગળ વહેંચવા જેવી એ વાત છે કે નહીં એની આપણને ખબર નથી. પણ એ વિચારનો પડઘો સાંભળવો છે.

આપણે ખાનગીમાં જે કંઈ કરીએ છીએ એ વિશે પણ કોઈક ને કોઈક વ્યક્તિને કહેવું છે. બધાની આગળ નથી કહેવું. કારણ કે કહીશું તો સારા લાગીશું કે ખરાબ એની ખબર નથી. પણ કોઈકને તો કહેવું છે. આપણે જે કર્યું છે તે કામ દર્પણમાં જોવું છે. બસ, એટલા માટે જ કૃષ્ણમૂર્તિએ આ કહ્યું. પણ પચાસ વર્ષો પહેલાં સ્વ.કુમુદ પટવા નામનાં કવયિત્રી કહી ગયાં. આંસુઓનાં પડે પ્રતિબિંબ એવાં દર્પણ કયાં છે, કહ્યા વિના સઘળુંય સમજે એવાં દર્પણ કયાં છે?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtuhiD-3%2BLzofwb-W7Lhqtt1WGtX%3Dec7%2BUOLy4taK2yPA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment