Sunday 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ધુમ્મસ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ધુમ્મસ!
માવજી મહેશ્વરી

 

 

 


નેહા આટલીવાર હોય ? ટાંકી ખાલી કરી નાખવી છે કે શું ?

નેહાનો પાણીનું ડબલું રેડવા ઉંચો થયેલો હાથ અટકી ગયો. કંઈક નંદવાઈ ગયું હોય એવું લાગ્યું. આંખો પર રેલાતા પાણીને હથેળીથી સાફ કરતાં તેણે કહ્યું

બસ નીકળું જ છું.

જાણે પાણી જોયું જ ન હોય એમ રોજ બાથરૂમમાં પડી રે છે.

નેહાને લાગ્યું કદાચ મમ્મી ધોવાના કપડાં ડોલમાં નાખી રહી છે. નળમાંથી હજુ પાણી બાલદીમાં પડતું હતું. તે બાલદીમાં પડતાં પાણીનો અવાજ સાંભળતી રહી. તેને થયું ભલે ને ઉપરની ટાંકી ખાલી થઈ જાય. આ બાલદી ભરાતી રહે. પોતે શરીર પર પાણી રેડતી રહે. ગરદન પરથી પાણી સરસરાટ કરતું પીઠ અને છાતીને થપથપાવતું નીચે સરતું રહે. ઘરમાં કોઈ જ ન હોય. ક્યાંયથી કોઈ અવાજ ન આવતો હોય. અવાજ માત્ર પાણીના બાલદીમાં પડવાનો, ડબલુ ભર્યાનો, રેડ્યાનો હોય. ન તો મમ્મીની રાડારાડ હોય કે ન ભાભીનો ટહુકો !

નેહાએ નળ બંધ કર્યો. એકદમ શાંતિ પથરાઈ ગઈ. બહારના અવાજ અંદર ધસી અવ્યા. તે શરીર સાફ કરવા લાગી. બાથરૂમની દીવાલમાં જડેલા અરીસામાં જોવાઈ ગયું. તેની મમ્મીએ બૂમ પાડી.

નેહા તને કેટલીક વાર કહેવું. હવે બહાર નીકળવું છે કે નહીં ?
અરે ! આવું  છું, આવડી રાડો શા માટે પાડે છે ?

આ છોરીની જીભ બહુ લાંબી થઈ ગઈ છે. હમણાં હમણાં શી ખબર શું ભૂત ભરાયું છે તે બાથરૂમમાં જશે તો બહાર નહીં નીકળે, ઉપર એકલી એકલી સૂનમુન બેસી રહેશે. કંઈ કહીશું તો વડચકા ભરી લેશે.

કંઈ કામ છે બા ? નેહાની ભાભીએ પૂછ્યું.

અરે ! આ બહાર નીકળે તો કંઈ સુઝે ને. તુ દાળ પલાળી નાખ.
હા, પલાળું છું. પછી નેહા સાથે બજાર જવુ છે.

પહેલા એને બાથરૂમમાંથી તો નવરી થવા દે.

બાથરૂમમાં શરીર લૂછતી નેહા સાંભળતી હતી. તેને મમ્મીની કચકચ  ગમતી ન હતી પણ તે છતાં બાથરૂમમાં રોજના સુખનો લોભ જતો કરી શકાતો ન હતો. તેણે પોતાના અનાવૃત શરીરને જોયા કર્યું. પીઠ પરથી ટુવાલ છાતી પર આવતો ત્યારે ઝણઝણાટી થઈ જતી હતી. નમીને પીંડીઓ સાફ કરતી વખતે આંખોને પોતાના જ અંગો ઘેરી લેતા. હવા કોઈ સુંવાળી ભીસ દેતી હોય તેવું લાગતું. ક્યારેક બાથરૂમની લીસ્સી ભીંતને પીઠ ટેકવી, આંખો બંધ કરી બેસી રહેવાની ઈચ્છા રોકી શકાતી નહીં. તે વખતે શ્વાચ્છોશ્વાસ ઝડપી બની જતા. હોઠ સુકાવા લાગતા. ધ્રુજતી આંગળીઓ જ્યાં અડતી ત્યાં ડામ દેવાતા હોય તેવી વેદના થતી. પોતાના જ હાથ વડે શરીરને મસળી નાખવાનું મન થઈ જતું. તંગ થઈ ગયેલા શરીરનું શું કરવું તેની પીડામાં આંખ મીંચઈ જતી. નાનકડા બાથરૂમમાં શ્વાસ ઘૂંટાતા હોય તેવું લાગતું. શરીર પરસેવે રેબઝેબ થઈ જતું. નેહા મુંઝાઈ જતી કે આ શું થઈ રહ્યું છે. તેને કશું સમજાતું નહીં. તેમ છતાં ખૂબ ગમતું. બાથરૂમમાં જતાંવેંત આ સુખની યાદ આવતી. ક્યારેક અચાનક મમ્મીની હાક સંભળાતી.

નેહા તુ નાહવા બેઠી કે રમત કરવા ?

ચોંકી જવાતું. જાણે બાથરૂમની બારીમાંથી મમ્મીએ કશુંક જોઈ લીધું હોય તેમ અજ્ઞાત બીક લાગતી. કશુંક ખોટું કર્યા જેવુંય થતું. તેમ છતાં બાથરૂમમાં પેસતાં જ .....

નેહાબેન બજારે જવું છે ને ?

નેહાની ભાભીએ એટલું કહ્યું ત્યાં જ બાથરૂમનો દરવાજો ખુલ્યો. ભાભી સાથે આંખ મેળવ્યા વગર નેહા બેડરૂમમાં ચાલી ગઈ.

ઘરમાં તેની મમ્મી અને ભાભી સિવાય કોઈ ન હતું. તેના ભાઈ અને પપ્પા દુકાને ચાલ્યા ગયા હતા. નેહા બેડરૂમમાં જઈ કપડા પહેરવા લાગી. અચાનક આવી ચડેલી તેની ભાભીએ તેના બેય ખભા પકડીને  લાડ કરતાં કહ્યું

મારા નેહાબેન હવે મોટા થઈ ગયા છે હોં.

જાણે કોઈ ચોરી પકડાઈ ગઈ હોય તેમ નેહાએ પોતાની ભાભી સામે જોયું. તેને ખબર કે ભાભી રમતિયાળ છે. હાલતાં ચાલતાં મસ્તી કરવાનો તેનો સ્વભાવ છે. તેમ છતાં નેહાની આંખો ઝૂકી ગઈ. તેની ભાભીએ કહ્યું.

નેહા આજે તારા માટે એક નવી વસ્તુ લેવાની છે હોં.

નેહા સહેજ વિસ્મયથી પોતાની ભાભીને જોઈ રહી. તેની ભાભીને પરણી આવ્યે ત્રણ વર્ષ થયા હતા. નેહાને તેની રુપાળી, જરા નીચા કદની ઢીંગલી જેવી ભાભી ખૂબ ગમતી. પણ હમણાં હમણાં નેહા ભાભીને જુએ છે ત્યારે તેને ન ગમવા જેવું થાય  છે. સવારે બેડરૂમની બહાર નીકળતી ભાભીના વિખરાયેલા વાળ કે ગાઉનના ખૂલેલા હૂક જોઈ તેને મૂંઝારા જેવું થતું. તે પોતાની ભાભીની ગોરી પીઠ અને થરકતા નીતંબને જોયા કરતી.

નેહાએ ભાભી સામે ફરતા પૂછ્યું, શું લેવું છે મારા માટે ?

એ બજારમાં કહીશ. તમે જલ્દી તૈયાર થઈ જાવ નહીંતર બા વળી રાડો પાડશે.

નેહા ભાભીના ગળાની હાંસળી પર દેખાતા રતુંબડાં ચાઠાંને જોઈ રહી. એની ભાભીને ખ્યાલ આવતાં તેણે હસીને સાડીનો છેડો સરખો કરવાના બહાને એ ચાઠું ઢાંકી દીધું. તે નેહા તરફ ત્રાંસી આંખે હસી. નેહાને ભાભીનું આમ હસવું ગમ્યું તે છતાં અદેખાઈ જેવો ભાવ આવી ગયો. પહેલા તો એને થયું કે પૂછું કે ભાભી આ લાલ ડાઘ શેનો છે. પણ હવે ભાભી સાથે વાત કરવાનું જ ક્યાં મન થાય છે ? પોતાની સખી જેવી ભાભી પણ હવે કોઈ અજાણી સ્ત્રી હોય એવું લાગે છે.

નેહાની ભાભી બારણા પાસે જઈ સેન્ડલ પહેરવા લાગી. તેની મમ્મી કપડાં ધોતી હતી. પંખો ફૂલ સ્પીડમાં ફરતો હતો તોય ગરમી લાગતી હોય તેવું લાગતું હતું. તે અરીસા સામે ઊભી રહી પોતાને જોવા લાગી. દુપટ્ટો છાતી પર બરાબર ગોઠવ્યો ત્યાં જ તેની ભાભી બોલી,

નેહાબેન શણગાર સજી લીધાં ?
                                                      ***

નાઈટ લેમ્પનો ઝાંખો બ્લ્યુ પ્રકાશ ઓરડામાં રૂની ફોતરીઓની જેમ ઉડી રહ્યો હતો. અચાનક નેહાની આંખ ખુલી ગઈ. તેને લાગ્યું કે પાંચેક વાગ્યા હશે. પણ ઘડિયાળ તો એકનો સમય બતાવતી હતી. તે પથારીમાં પડી પડી છતને તાકી રહી. ગળામાં શોષ પડતો હતો. તેના મમ્મી પપ્પા ઉપરંના રૂમમાં ચાલ્યા ગયા હતા. હમણાં સુધી ઉપરનો રૂમ નેહાની પાસે હતો. દસમાંની પરીક્ષા પુરી થઈ એટલે નેહાએ  હવે નીચે સુવાનું ચાલુ કર્યું હતું. તેના નીચેના રૂમની બાજુમાં ભાઈ ભાભીનો બેડરૂમ આવેલો હતો. અચાનક તેને ભાભી યાદ આવી. પોતાની તોફાની ભાભી. તે સાથે જ યાદ આવ્યું બજારનું દશ્ય.

ભાભી બેધડક સ્ટોરના પગથિયાં ચડી ગઈ ત્યાં સુધી સમજાયું ન્હોતું કે ભાભીને લેવું શું હતું. તેણે સેલ્સમેનને સીધું જ કહેલું. બ્રા બતાવો ને !

ત્યારે જ નેહાના પગ પાણી પાણી થઈ ગયેલા. જે રીતે ભાભીએ કહ્યું તે રીતે પેલા સેલ્સમેને પણ સહજ રીતે કહેલું, બેન કયા માપની બતાવું ?

ભાભીએ પેલાની હાજરીમાં જ નેહાની છાતી પર નજર નાખતાં કહ્યું

નેહા બત્રીસ બરાબર રેશે કાં ?

જાણે ભાભીએ કપડા ઉતરાવીને માપ લીધા જેવું થયું. ભોંયમાં પેસી જવાની ઈચ્છા થઈ અવી. પેલો યુવાન કદાચ પોતાના ધંધાને કારણે અનુભવે ઘડાયો હશે. તેના મોં પર સ્મિત આવી ગયું. તે સહેજ મલક્યો. તે વખતે ગળું સુકાવા લાગેલું. અનાયાસે ભાભીનું કાંડું પકડી લેવાયું. ભાભી સમજી ગઈ હોય તેમ તેણે ટૂંકમાં પતાવ્યું. બત્રીસની બતાવો.

સેલ્સમેને જાત જાતની બ્રા કાઢી એક પછી એક ખૂબીઓ બતાવતો જતો હતો. ભાભી ભાવની રકઝક કરે રહી હતી. પેલોય મચક આપતો ન હતો.

બેન જુઓ આમા અમારે ઝાઝું કમાવવાનું ન હોય. તમે ક્વોલીટી તો જુઓ. આમા ગરમી નહીં થાય. અને ઈલાસ્ટીક જરાય ઢીલી નહીં પડી. તમારા માન સારું બે રુપિયા ઓછા આપજો બસ. તોય ભાભી પાંચ રુપિયા ઓછા કરાવી ને જ રહી. ભાભી ઝટ પતાવે તેની રાહમાં ક્ષણો ખુટતી ન હતી. અને ભાભીય ગજબની સ્ત્રી. અજાણ્યા યુવાન સાથે બ્રાની ચર્ચા કરતી હતી. એટલું ઓછું હોય તેમ સાંજે મમ્મી બહાર ગઈ ત્યારે બેડરૂમમાં ટોપ ઉતરાવીને ધરાર બ્રા પહેરાવી.

ભાભી હું પહેરી લઈશ. તમે બહાર જાઓ હું પહેરીને બતાવું છું. પ્લીઝ ભાભી મને શરમ આવે છે. આવું કેટલુંય કહ્યું તે છતાં ભાભીને અસર જ ન થઈ. ઉલ્ટાનું તેણે ખભા પકડીને અરીસા સામે ફેરવતાં કહેલું,
આજથી પેટીકોટ પહેરવાનું બંધ. બેનબા આટલું શરમાશો ને તો હેરાન થશો. મારી સામે થોડી શરમ કરવાની હોય. જો તો કેટલી મસ્ત લાગે છે.

ખરેખર ગોરી ચામડી પર ઉપસતા ઢોળાવને ઢાંકી દેતી ગુલાબી બ્રા સુંદર લાગતી હતી. જોયા કરવાનું ગમતું હતું તે છતાં જલ્દી જલ્દી ટોપ પહેરી લીધું. ભાભી સાથે બહાર આવીને બેઠા પછી એવું થયા કરતું હતું જાણે બેડરૂમમાં જઈ અરીસા સામે ઉભી રહી જોયા કરું.

ઓ મા....

નેહાએ ચોંકીને વસાયેલા કમાડ સામે જોયું. ભાભીનો અવાજ હતો. એના કાનમાં ઘૂસી ગયેલો એ અવાજ નેહાની નાભીમાં જઈને અથડાયો. તેણે મનને કેટલુંય સમજાવ્યું તોય કાન સરવા થઈ ગયા. તે શ્વાસ રોકીને સાંભળતી રહી. ભાભીનું ધીમું હાસ્ય. તેના ઘૂઘરીવાળા ઝાઝરનો અવાજ. અને ... અને....

ના, ના, આ પાપ કહેવાય. મારે આ ન સાંભળવું જોઈએ. એવું કેટલુંય વિચાર્યું છતાં થઈ શક્યું નહીં. તે શ્વાસ થંભાવી સાંભળતી રહી. બેડરૂમમાંથી આવતા અસ્પષ્ટ અવાજો તેને વિટળાવા લાગ્યા. તેણે પગને આંટી મારી દીધી.

તેણે ધીમેથી ઉઠીને નાઈટ લેમ્પ ઓલવી નાખ્યો. અંધારુ ઘેરી વળ્યું. તે શેટી પર ચતીપાટ સુઈ ગઈ. બેડરૂમમાંથી આવતા અવાજો હવે બંધ થઈ ગયા હતા. નેહાની બંધ આંખો સામે દશ્યો ખુલવા લાગ્યા. તેણે માથું ધુંણાવ્યું તોય કશું હટતું ન હતું. તેણે જુદી જાતના વિચારો કર્યા. મમ્મીની વાતો યાદ કરી જોઈ. ઘરમાં મૂકેલી માતાજીની મૂર્તિ અને મમ્મીની પૂજા યાદ કરી જોઈ. તે છતાં બધું હટાવી દેતું તોફાન તેની આરપાર થઈને નીકળી રહ્યું હતું. નેહાથી સહેવાતું ન હતું. તેના શ્વાસ ઝડપી બનતા જતા હતા. તેણે ગોળ તકિયો મોઢા પર દાબી દીધો. તેને લાગ્યું જાણે કોઈ વેગવાન પાણી તેને તાણી જઈ રહ્યું છે. તે બચવા માટે કશું જ કરતી નથી. તેણે શરીરમાં ભયંકર તાણ અનુભવી. ફેફસાં ફાટી જશે કે શું ? ચામડી નીચે જીવડાંનું લશ્કર દોડી રહ્યું છે. કોઈ અણીદાર ચાકૂથી ચીરા પાડી દે એવી ઈચ્છા જાગે છે. આ તોફાન શેનું છે ?

ભાભી, ભાભી ક્યાં છો તુ ? અહીં આવ. મને સમજાવ આ શું થઈ રહ્યું છે ?

એકાએક તેનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. ખૂબ દોડીને આવ્યા પછી લાંબા થઈને પડી રહેવાનું ગમે એવું થયું. તે ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. મન અજંપાથી ભરાઈ ગયું.

તેણે ઉઠીને નાઈટ લેમ્પની સ્વીચ ઑન કરી. બારી પાસે ઊભા રહીને બહાર અંધકારને તાક્યા કર્યું. સવાર પડવાને હજુ ઘણીવાર હતી. નેહાની ઊંઘ ઉડી ગઈ. તેને થયું, ક્યારે સવાર પડશે ? હજુ કેટલો સમય આમ બારીના સળિયા પકડીને ઉભા રહેવાનું છે ?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OusW8SNDdPnaiJ5yPfbAqY08C12a4TDCgtB_yOb%2BG2Hvg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment