Monday, 31 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુરોપનો બૌઆ સિંઘ અચાનક ખલી બની ગયો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુરોપનો બૌઆ સિંઘ અચાનક ખલી બની ગયો!
મોન્ટાજ-અભિમન્યુ મોદી

amdavadis4ever@yahoogroups.com

એક જ જિંદગીમાં થોડા વર્ષના અંતરે વામન અને વિરાટ આ બંને સ્વરૂપો અનુભવ્યા હોય એવો એકમાત્ર દાખલો ઓસ્ટ્રિયાના એડમ રેનરનો છે. તેની વીસેક વર્ષ સુધી હાઈટ પાંચ ફૂટથી ઓછી હતી અને જયારે તે અવસાન પામ્યો ત્યારે તેની ઊંચાઈ હતી આઠ ફૂટથી થોડીક જ ઓછી

 

'ઝીરો' ફિલ્મ કેવી લાગી હોય એ તો જોનારા જુદા જુદા દર્શકોને ખબર પણ શાહરૂખનું પાત્ર 'બૌઆ સિંઘ' ખાસ્સું પ્રખ્યાત થયું અગર તો તેને પ્રખ્યાત કરવાના પ્રયત્નો થયા. હિન્દીમાં વામન માટે શબ્દ છે 'બૌના'. તેની સાથે પ્રાસ મળે અને દર્શકોના કાને એ નામ પડે એવું તરત તેઓના મનમાં એક બટકો માણસ આવે એવા વિચાર સાથે જ ફિલ્મના દિગ્દર્શકે બૌઆ સિંઘના નામ ઉપર મંજૂરીની ફાઈનલ મોહર મારી હશે. જુદી શારીરિક સંરચના ધરાવનાર માણસો પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમનો ભાવ ઉપજાવવામાં નિષ્ફળ જનાર ઝીરો ફિલ્મ ઉપર જોક્સ ને મીમ્સ બન્યા. ભારતીયોએ મોટા પડદા ઉપર નાના કદ ધરાવતા પાત્રોને ભૂતકાળમાં તો સ્વીકાર્યા હતાં. અપ્પુ રાજા તેનું જાણીતું ઉદાહરણ છે. ગેમ ઓફ થ્રોન્સમાં વામન એવા પીટર ડીંકલેજનું પાત્ર ભજવનાર કલાકાર ટાયરીન લેનીસ્ટર પણ વિશ્ર્વપ્રસિદ્ધ થયો. સરકસમાં કે જોકર તરીકે સ્વતંત્ર મનોરંજન કરનાર ઓછી શારીરિક ઊંચાઈ ધરાવનાર અમુક કલાકારો ક્યારેક ક્યારેક નજરે ચડતા હોય છે અને યાદ પણ રહી જતા હોય છે.

પણ ઈતિહાસમાં એકમાત્ર કિસ્સો એવો બન્યો છે કે એક માણસ તેની જિંદગીની શરૂઆતમાં ઠીંગુજી પણ હતો અને પછી ખલી જેટલો જાયન્ટ સાઈઝનો પણ થયો. એક જ જિંદગીમાં થોડા વર્ષના અંતરે વામન અને વિરાટ આ બંને સ્વરૂપો અનુભવ્યા હોય એવો એકમાત્ર દાખલો ઓસ્ટ્રિયાના એડમ રેનરનો છે. તેની વીસેક વર્ષ સુધી હાઈટ પાંચ ફૂટથી ઓછી હતી અને જયારે તે અવસાન પામ્યો ત્યારે તેની ઊંચાઈ હતી આઠ ફૂટથી થોડીક જ ઓછી. પોતાના કદ-કાઠીને કારણે ઈતિહાસમાં અમર થઇ જનાર આન્દ્રે ધ જાયન્ટની હાઈટ પણ સાત ફૂટ ચાર ઇંચ હતી જ્યારે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે એડમ રેનરની ઊંચાઈ સાત ફૂટને દસ ઇંચ સુધી પહોંચી ગઈ હતી!

ઓસ્ટ્રિયાના પાટનગર વિયેના શહેર પછી દેશના સૌથી મોટા પરગણા એટલે દક્ષિણમાં આવેલા સ્ટીરીયાના પાટનગર ગ્રેઝમાં એડમ રેનરનો જન્મ 1899માં થયો હતો. વિજ્ઞાન પણ કહે છે કે મમ્મી-પપ્પાની ઊંચાઈ જેટલી હોય અંદાજિત એટલી જ ઊંચાઈ તેના સંતાનોની થાય. એડમના વાલીઓની શારીરિક ઊંચાઈ સામાન્ય હતી, પણ એડમના શારીરિક ઘાંટઘૂંટ અસામાન્ય થયા. તેની હાઈટ વધતી જ ન હતી. નાનપણમાં બધા તેને ત્યાંની સ્થાનિક ભાષામાં બટકો કહીને જ બોલાવતા. પરંતુ તેના મમ્મી-પપ્પાએ તેની શારીરિક સ્થિતિને નજરઅંદાજ કરીને પ્રેમથી ઉછેર કર્યો હતો.

ઈ.સ. 1918માં એડમ અઢાર વર્ષનો થયો ત્યારે તેની ઊંચાઈ હતી ત્રણ ફૂટને સાત ઇંચ. હવે એ વર્ષે જ પહેલું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળ્યું. ત્યારે જોકે તે મહાયુદ્ધ કહેવાતું. ઘણાં બધા દેશો એક પછી એક યુદ્ધમાં શામેલ થઇ રહ્યા હતા. આમ સૈનિકોની કમી હોવાથી દેશના જુવાનોને લશ્કરમાં જોડાવવા માટે હાકલ પડી હતી. મા-બાપના લાડકવાયા એવા એડમને પણ સૈનિક બનવું હતું. પણ લશ્કરના ડૉક્ટરોએ તેની તપાસ કરી અને તે રીજેક્ટ થયો.

ડૉક્ટરોએ તેની ઊંચાઈને થોડા સમય માટે અવગણીને બધા ટેસ્ટ કર્યા પણ નાછૂટકે છેવટે સર્ટિફિકેટ આપવું પડ્યું કે ભીષણ સંગ્રામમાં ખરાખરીની લડાઈ લડી શકે તેના માટે શારીરિક સ્થિતિના માપદંડો અમુક રેન્જમાં હોવા અનિવાર્ય છે. એડમ રેનર તે રેન્જમાં ફીટ બેસતો ન હોવાથી સલામતીના ધોરણો ઉપર તેને લશ્કરમાં સ્થાન ન મળ્યું. કુદરતની ખોટને કારણે વાસ્તવિક જિંદગીમાં હારનો સામનો કરવો પડ્યો, એડમને બહુ દુ:ખ થયું.

શક્ય છે કે તે સમયે એડમે ખૂબ ઊંચાઈ ધરાવતા લોકોની ઈર્ષ્યા કરી હોય અથવા તો ભગવાનને પ્રાર્થના કરી હોય કે પોતે પણ તાડ જેટલો ઊંચો હોવો જોઈએ. ઘણી વખત આપણે પ્રાર્થના કરીએ, કશુક માંગીએ અને એ માંગણી વધુ પડતી સંતોષાઈ જાય તો કેવી વિપરીત અસર આવી શકે તેનું ઉદાહરણ આ એડમ રેનર છે. અઢાર વર્ષની ઉંમરે જયારે લશ્કરના કુશળ ડૉકટરોએ તેને 'વામન' અર્થાત ઠીંગણા માણસનો કરાર આપીને જતો કર્યો ત્યારે તેઓએ એક બાબત માર્ક નહિ કરી હોય અને કરી હશે તો ભવિષ્યની ધારણા નહિ બાંધી હોય. ચાર ફૂટની હાઈટ હોવા છતાં એડમના હાથના અને પગના પંજા બહુ મોટા હતા, જે તેના શરીરના હોર્મોનનું ઈમબેલેન્સ સૂચવતા હતા.

એડમ રેનર એકવીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તેની હાઈટ વધુ બે ઇંચ વધી હતી. પણ તે પાતળો હતો અને તેનું શરીર નબળું હતું. એકવીસ વર્ષ પછી સામાન્ય રીતે કોઈ માણસનો શારીરિક વિકાસ ન થાય, ઊંચાઈના સંદર્ભમાં. એડમ રેનરની હાઈટ એકવીસ વર્ષ પછી ડબલ સ્પીડે વધી. તે એકત્રીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો સાત ફૂટ ઉપર એક ઇંચનો તે થઇ ગયો હતો. પહેલા તે ડૉકટરોને હાઈટ વધારવાની દવા વિષે પૂછતો હતો હવે તે ડૉકટરોને હાઈટ ન વધે તેના માટે પૃચ્છા કરવા માંડેલો અને બંને પરિસ્થિતિમાં ડૉક્ટર લોબી નિરુત્તર હતી. આવો ચમત્કાર મેડિકલ હિસ્ટરીમાં ક્યાંય નોંધાયો ન હતો.

અમુક હદ કરતાં વધુ હાઈટ શરીરને નબળું કરે. ચહેરો વિચિત્ર થઇ જાય, હોઠ જાડા થાય, બે દાંત વચ્ચે જગ્યા વધી જાય. બૂટ અને કપડાં સીવડાવવા પડે એ તો હજુ સહ્ય તકલીફો કહેવાય., એડમ રેનરને પીઠમાં સતત દુખાવો થતો રહેતો હતો. ઈ.સ. 1930 માં ડૉ. વિન્ડલોઝ અને ડૉ. મેન્ડલે નિદાન કર્યું કે એડમની પીચ્યુટરી ગ્રંથિમાં ગાંઠ છે જેને કારણે ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ અતિશય માત્રામાં થાય છે. 1931 પછી તેનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન જોખમી હતું પણ સકસેસફૂલ રહ્યું. જો ઓપરેશન ન કર્યું હોત તો એડમની ઊંચાઈ વધતી જ રહેતી હોત.

એડમ રેનરની કરોડરજ્જુને કાયમી ધોરણે નુકસાન થયું હતું એટલે તે સીધો ટટ્ટાર ઊભો રહી શકતો ન હતો. તેને સતત પથારીમાં સૂવું પડતું અને તેનો પીઠનો દુખાવો ક્યારેય મટ્યો નહિ. શરીર નબળું પડતું ગયું અને એકાવન વર્ષની ઉમરે 1950માં તેનું મૃત્યુ થયું. એડમ રેનરના નામે વિશ્ર્વનો એકમાત્ર વામન માણસ જે સમય જતા વિરાટ બન્યો તે રેકોર્ડ આજ સુધી બોલે છે અને અકબંધ છે. આવી રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કંડીશન ન ભૂતો ન ભવિષ્યતિ હોય છે. આપણે આવા વિક્રમથી અચંબિત થઈએ પણ નિયતિના ધણીને આખી જિંદગી જે પારાવાર મુશ્કેલી ભોગવવી પડી હોય તેનો અંદાજ આપણને ક્યાંથી હોય?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYTtPfE1LuMGHRhALqkOUXUQNW8eM_ajaNiSxNW9Naqg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment