Monday 31 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોઈને માફ કરવામાં ક ર્મનો સિદ્ધાંત જોવાનો નહીં (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈને માફ કરવામાં કર્મનો સિદ્ધાંત જોવાનો નહીં!
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

 

 

 

 

કથાનો આજે આઠમો દિવસ. મન સહેજ ઉદાસ છે. કાલે કથાનો છેલ્લો દિવસ. એક અલગ જ રૂટિન સેટ થઈ ગયું છે છેલ્લા થોડાક દિવસ દરમ્યાન. વહેલી સવારે ઊઠીને નહાઈને તૈયાર થઈને આઠ વાગ્યે નીકળી પડવાનું. નાસ્તો કરીને કથાના સ્થળ પર. અયોધ્યાની શેરીઓ સાંકડી છે. કથા નિમિત્તે વાહનોનો ખૂબ ભરાવો છે. અહીં એટલું સારું છું કે અડધોઅડધ રિક્શાઓ બેટરી ઓપરેટેડ છે. દેખાવમાં પણ નાજુક નમણી. છતાં ચાર જણ તો સહેલાઈથી બેસે. એક વખત ૧૩ મુસાફરો જોયા હતા. નવ વાગ્યે કથા મંડપમાં પ્રવેશી સ્થાન લઈ લેવાયું. શાર્પ દસના ટકોરે બાપુનાં પગલાં થાય. નૉન સ્ટોપ દોઢ-પોણા બે સુધી કથા ચાલે. જતી વખતે પાછી ભીડ. બહેતર છે કે પંદરેક મિનિટ છો ત્યાં જ બેસી રહો. બહાર નીકળીને શેરડીના તાજા રસના પ્યાલાઓ ગટગટાવવાના પછી ભોજન. આજે પહેલીવાર કથાના આયોજકો તરફથી ગોઠવાયેલી વ્યવસ્થા માણી. બાપુ ઘણી વખત કથામાં રમૂજ ઊભી કરવા 'આજનું મેનુ' વાંચતા હોય છે. આજે 'આલુ ધમાકા'ની સબ્જી ઉપરાંત બીજી અવનવી વાનગીઓ હતી. બીજે ક્યાંય લાંબા થવાને બદલે 'માનસ સદન'માં રાખવામાં આવેલી આ ભોજન વ્યવસ્થામાં સામેલ થઈ ગયા. રોજ હજારો શ્રોતાઓ પ્રસાદ લે. ભીડ કાબૂમાં રહે એ માટે બે-ચાર અલગ અલગ જગ્યાઓએ ભોજનનો પ્રબંધ હોય પણ રસોઈ બધી એક જ રસોડે બને, એક સરખી વાનગીઓ, એક સરખી ક્વૉલિટી, એક સરખો સ્વાદ. પૂજ્ય મોરારિબાપુનાં આયોજનોની આ ખાસિયત હોય છે. ભોજનમાં કોઈ વહેરો-આંતરો નહીં, સૌ કોઈ સમાન. આ બાબતનો સાક્ષી છું એટલે વિશ્ર્વાસપૂર્વક કહી શકું છું.

 

ભોજન પછી જાણે એક દિવસ પૂરો થઈ ગયો હોય એવું લાગે. ઉતારે આવીને વિશ્રામ કરવો પડે. સાંજે ચાર વાગે અને સાંજ ઢળવા માંડે. પાંચ વાગે તો અંધારું છવાઈ જાય. છ વાગ્યે રાત પડી જાય. કથા વિશે લખવાનું કામ રાત્રે સાડા નવ-દસ વાગ્યા સુધી સતત ચાલે. 'ગુડ મોર્નિંગ'નો નૉર્મલ પીસ લખું એના કરતાં લગભગ ત્રણથી ચારગણો સમય લાગે. બાપુનો એક પણ શબ્દ મિસ-ક્વૉટ ન થઈ જાય એનું ગર્ભિત ટેન્શન રહે. બાપુની કોઈ વાતને ઈન્ટરપ્રીટ કરવા જતાં એમને જે અભિપ્રેત ન હોય એવા અર્થોનું દોઢ-ડહાપણ ન કહી બેસીએ એની સાવચેતી રાખવાની હોય. તલવારની ધાર પર ચાલતાં ચાલતાં ક્યારેક લોહીના ટશિયા ફૂટી નીકળે તો નીચેથી ચા મગાવીને કાંટો ચઢાવીએ અને દસ મિનિટના અલ્પવિરામ બાદ લેખનો દોર ફરી સાંધી લઈએ.

 

આ નવા રૂટિનમાં એવા સેટ થઈ ગયા છીએ કે આવતી કાલ પછી જૂનું રૂટિન પાછું ચાલુ થઈ જશે એ વિચારે મન સહેજ ભારે થઈ  જાય છે. બાપુની કથાથી છૂટવું આસાન નથી. અયોધ્યા સાથે એવો લગાવ થઈ ગયો છે કે રામ-લક્ષ્મણ-જાનકી ૧૪ વરસ પછી વનવાસ પૂરો કરીને પુષ્પકમાં આવે એની રાહ જોતાં અહીં જ રહી પડીએ એવું થાય છે. મુંબઈનું કામ મુંબઈ જાણે. આપણા વિના વળી મુંબઈ શહેરનું કયું કામ અટકી પડવાનું છે.

 

પછી વિચાર આવે કે બાપુ આવી ઈમોશનલ ભરતી-ઓટને કેવી રીતે પોતાનામાં સમાવી લેતા હશે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મહુવા શહેરના નાના અમથા, અને હવે વર્લ્ડ ફેમસ થઈ ગયેલા તલગાજરડા ગામમાં જન્મ્યા, મોટા થયા અને આજની તારીખે પણ ત્યાં જ કાયમી નિવાસ. વરસમાં પંદરેક જેટલી નવ દિવસીય કથા માટે આખા ગુજરાતમાં, ભારતમાં અને વિશ્ર્વમાં પરિભ્રમણ કરી પાછા તલગાજરડા આવી જવાનું. કથાના દિવસો દરમ્યાન તો એ શહેરમાં ભરચક કાર્યક્રમ હોય જ. કથા ન હોય ત્યારે પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા તલગાજરડાથી દૂરદૂરના પ્રવાસો થતા રહે. આપણે પગ વાળીને નિરાંતે બેઠા હોઈએ તો બેસી જ રહીએ. બાપુના જીવનનું કેન્દ્ર તલગાજરડા અને એમના વર્તુળનો પરિઘ આખા વિશ્ર્વમાં. ક્યાંથી આવતી હશે આવી ઊર્જા. અડધી સદી કરતાં વધુ સમયથી બાપુ રામકથા કરે છે. ૭૨ પૂરાં કરીને ૭૩ થયાં. બાપુએ પરમ દિવસે કહેલું: 'એક સાધુએ મને પૂછેલું કે તમે યુવાનીમાં શેનો શેનો ત્યાગ કર્યો હતો? ત્યારે મેં એને જવાબ આપ્યો હતો: હજુ મને યુવાન તો થવા દો, આ તો મારી બાલ્યાવસ્થા છે - કુમાર અવસ્થા છે.'

 

'માનસ : ગણિકા'ના આઠમા દિવસની કથાના આરંભે બાપુએ આજે સવારે જ કરેલો મનોરથ વ્યક્ત કર્યો. ભવિષ્યમાં અયોધ્યામાં ચરૈવેતિ કથા કરવી છે. હરતીફરતી કથા. આજે અહીં તો કાલે ત્યાં. ગયા વર્ષે બાપુએ આ જ રીતે 'માનસ : વ્રજચોરાસી' કરી હતી. વૃંદાવનમાં એક સ્થળેથી બીજા સ્થળે જતાં જતાં બાપુએ પાણીપુરીના ખુમચાવાળાઓને જોઈને ફોન કરીને કહ્યું: 'પાણીપુરી જોઉં છું ને તમે યાદ આવો છો!'

 

કવિ હરીન્દ્ર દવેને પાન લીલું જોઈને કો'ક યાદ આવતું બાપુને પાણીપુરી જોઈને અમે યાદ આવીએ! ખુશનસીબ છીએ. અતિ અતિ ખુશનસીબ છીએ.

 

'માનસ: અયોધ્યાકાંડ'નો મનોરથ એવો છે કે અયોધ્યાથી કથાનું મંગલાચરણ કરવું. બીજો દિવસ પણ અયોધ્યામાં જ. ત્રીજો દિવસ તમસાના તીરે. ચોથો દિસ શ્રૃંગવેરપુર, પાંચમો દિવસ પ્રયાગ, છઠ્ઠો વાલ્મીકિ આશ્રમ, સાતમો ચિત્રકૂટ, આઠમો ફરી અયોધ્યા અને નવમા દિવસે નંદીગ્રામમાં પૂર્ણાહુતિ.

 

બાપુ કહે છે: આવો મનોરથ છે. બે-ત્રણ વર્ષ સુધી તો સમય જ નથી પણ પછી વિચાર છે. થાય તો હરિકૃપા અને ન થાય તો હરિ ઈચ્છા. અમારે મન તો કથા ગાજરની પિપૂડી છે. વાગે ત્યાં સુધી વગાડવાની, પછી...

 

બાપુની આ ફિલસૂફીને કારણે જ તેઓ આટલા મોટા ચિંતક હોવા છતાં પોતાના ચિંતનના ભાર હેઠળ દબાઈ જવાને બદલે હળવાફૂલ રહી શકે છે. આગ્રહો નહીં રાખવાના, જીદ તો બિલકુલ નહીં. છતાં પોતાને જે કામ કરવું છે તે કરતાં રહેવાનું. સપનાંઓ સેવવાનાં. મનોરથો પણ કરવાના. એ પૂરા થાય, ન થાય એની ચિંતા નહીં રાખવાની. સાચો ચિંતક એ જ કહેવાય જે ચિંતન કરે, ચિંતા નહીં. (જોયું, અમે પણ બાપુની સ્ટાઈલનું અનુકરણ કરતા થઈ ગયા!)

 

વાલ્મીકિ રામાયણમાં સમુદ્રમંથનની વાર્તા પણ આવે છે, બાપુ કહે છે. સૌથી પહેલાં વિષ નીકળે છે. એ પછી વાલ્મીકિ નોંધે છે કે સમુદ્રમંથનમાંથી વિષ નીકળ્યા પછી વૈદોના વૈદ ધન્વંતરિ પ્રગટ થાય છે, એક પછી એક સૌ કોઈ નીકળી રહ્યા છે - સમુદ્રમંથનમાંથી. એ પછી અપ્સરાઓ નીકળી - અપ્સરા નહીં, અપ્સરાઓ. અપ્સરાઓ પ્રગટ થઈ. અપ એટલે જળ. જળ અને રસથી જે પ્રગટ થાય છે તે અપ્સરા છે.

 

વાલ્મીકિજી કહે છે કે ૬૦ કરોડ અપ્સરાઓ પ્રગટ થઈ. ષષ્ટિ કોટ્યો અને આ ૬૦ કરોડ અપ્સરાઓની પરિચારિકાઓ તો અગણિત. આપણા દિમાગમાં ન ઊતરે એવી આ વાતો છે. વાલ્મીકિ ઉપર સંતો-મનીષોએ ઘણાં ભાષ્યો કર્યાં છે. એક સમાધાન વ્યાસપીઠને એ મળે છે કે ૬૦ કરોડ પણ હોઈ શકે છે, વાલ્મીકિ જે કહે છે એનો સીધોસાદો અર્થ કરવામાં આપણને શું આપત્તિ હોઈ શકે? સ્વીકારી લઈએ. પણ માણસનું દિમાગ છે: ૬૦ કરોડ કેવી રીતે હોઈ શકે? તો એવું સમજીએ કે 'કોટિ' તો એક અર્થ થાય છે 'પ્રકાર'. ૬૦ પ્રકારની અપ્સરાઓ પ્રગટ થઈ હશે જેમાંની કોઈ આ હશે, કોઈ આ હશે, કોઈ આ હશે. અને આ ૬૦ પ્રકારની અપ્સરાઓની પરિચારિકાઓ એમની વૃત્તિઓ છે. આપણી વૃત્તિઓ અગણિત છે. ઈવન, આપણી જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે તે પોતાનો સ્વધર્મ ન નિભાવે અને વિપરીત ધર્મમાં યાત્રા કરે તો એ પાંચેય જ્ઞાનેન્દ્રિયોને ગણિકા કહી છે. જીભ. એનો ધર્મ છે સ્વાદ પારખવાનો, બેસ્વાદને નકારવાનો. જિહ્વાથી જે વાણી પ્રગટ થાય છે એ વાણી જો પોતાનો સ્વધર્મ ન જાળવે તો એ વાણી ગણિકા છે.

 

બાપુ સહેજ ફંટાઈને મમરો મૂકે છે કે યુવાનોને એક જ વાત કહેવાની છે કે ભારતીય સંસ્કૃતિને લાંછન લાગે એવી દરેક વાતથી દૂર રહેજો. આજકાલની જે પાર્ટીઓ થાય છે. ભણેલાગણેલા અને સંપન્ન લોકોને એમાં એમની બહેન બેટીઓનું જે વર્તન હોય છે. માત્ર એને લેબલ નથી લાગ્યું. શું ફરક છે આ બંનેમાં - આપણે સાહસ તો કર્યું કે મેદાનમાં આવી (બાપુ જમણી તરફ બેઠેલી બહેનબેટીઓ તરફ હાથ કરે છે). શ્રોતાઓ બાપુની આ ચોટદાર કમેન્ટને સ્વીકારી લે છે એટલું જ નહીં, તાળીઓથી વધાવી પણ લે છે.

 

બાપુ ગૌતમ ઋષિ અને ઋષિપત્ની અહલ્યાની વાત માંડે છે. ઈન્દ્ર ભગવાન ગૌતમઋષિની ગેરહાજરીમાં ગૌતમઋષિનો વેશ ધારણ કરીને આવે છે અને અહલ્યા ભોળવાઈ જાય છે. ગૌતમ ઋષિને ખબર પડે છે ત્યારે પત્નીને શાપ આપે છે. અહલ્યા શલ્યા થઈને, પથ્થર બનીને ગુમનામીના અંધકારમાં ખોવાઈ જાય છે. ભગવાન રામ આવીને એનો ઉદ્ધાર કરે છે. રામના ચરણની રજથી અહલ્યાનો ઉદ્ધાર થયો. બાપુ કહે છે અહલ્યાની જેમ જ આ લોકોને (જમણી તરફ હાથ) સમાજે જોયા જ નહીં, અંધારામાં જ રાખ્યા. એમનાં કર્મનો હિસાબકિતાબ કરવાવાળા આપણે કોણ? અહલ્યાનાં કર્મોનો હિસાબકિતાબ કર્યા વિના ભગવાને એને ડાયરેક્ટ તારી લીધી. કર્મનો સિદ્ધાંત એની જગ્યાએ ઠીક જ છે પણ અહીં એનાથીય ઉપર ઉઠવાની વાત છે. તુલસીએ રાઘવના હાથે અહલ્યાનો ઉદ્ધાર કરાવીને પોતાના શીલનું પ્રમાણ આપ્યું. શ્રાવણ વદ સાતમ તુલસીનો જન્મદિવસ. તુલસી જયંતીના આ દિવસને નિર્ણયસાગર પંચાગ 'શીલ સપ્તમિ' તરીકે ઓળખે છે.

 

સાધુના શીલ વિશેની પ્રસ્તાવના માંડીને સાધુનાં ૧૬ શીલ વિશે વાત કરતાં પહેલાં બાપુ કર્મના સિદ્ધાંતની ભગવાન દ્વારા અવગણના થઈ તેને વાજબી ઠેરવતાં આજના સંદર્ભમાં એક જબરજસ્ત દાખલો આપે છે. સુપ્રીમ કોર્ટે પણ જેને દેહાન્ત દંડની સજા સુણાવી હોય એવો ગુનેગાર રાષ્ટ્રપતિને જ્યારે દયાની અરજી કરે છે ત્યારે એનો ગુનો સાબિત થઈ ચૂક્યો હોવા છતાં રાષ્ટ્રપતિ ધારે તો એને દેહાંત દંડમાંથી મુક્તિ અપાવી શકે છે.

 

છાશવારે ત્રાજવું લઈને લોકોના વર્તન-વિચારોને તોળ્યા કરતા આપણા જેવા જજમેન્ટલ લોકોને બાપુ જબરજસ્ત લપડાક મારે છે. અહલ્યાએ કરેલા કર્મનો બદલો એને મળવો જોઈએ એવું જો શ્રીરામે માન્યું હોત તો એમણે અહલ્યાનો ઉદ્ધાર ન કર્યો હોત. સમજવાવાળાઓ માટે આટલો ઈશારો કાફી છે. બાપુ જે વાતો કહે છે એના સૂચિતાર્થો સમજીને જેઓ કથા શ્રવણ કરતા હશે તે સૌને જિંદગીભર ન ખૂટે એવાં રત્નોનો ખજાનો મળ્યા કરવાનો.

 

બાપુ કહે: અહલ્યાનો ઉદ્ધાર કરવા માટે અયોધ્યાવાળો આપવાનો જ છે. અને તમે (જમણી તરફ હાથ) સ્વયં અયોધ્યા આવી ગયા છો.

 

સાધુનાં ૧૬ શીલ ગણાવતાં પહેલાં બાપુ કહે છે કે સાધુ એટલે માત્ર કોઈ ખાસ વેશ જેણે ધારણ કર્યો હોય તે નહીં. જેની વૃત્તિ સાધુની છે, એવી વ્યક્તિ. બાપુની આ વાત હું જેટલી સમજ્યો છું તે પ્રમાણે આ ૧૬ શીલ વત્તેઓછે અંશે ધરાવતી કે પોતાનામાં આવી વૃત્તિઓ ઉછરતી રહે તે રીતે જીવતી કોઈ પણ વ્યક્તિ સાધુ છે - સંસારમાં ગળાડૂબ હોવા છતાં.

 

સાધુનું પ્રથમ શીલ. તે મનનશીલ હોય. સદૈવ, નિરંતર મનન કરતો રહે. જેના માટે એણે મૌનશીલ બનવું પડે. બહુ બોલ બોલ ન કરે. મૌન રહે. એ બોલે તો દિશાઓ ફાટી જાય અને મૌન રહે તો આખું આકાશ નિ:શબ્દ બની જાય.

 

સાધુ વચનશીલ હોય. એના વચનમાં શીલ ટપકે. એની વાણીમાં શીલ પ્રગટે.

 

સાધુ વિનયશીલ હોય. બીજાઓના અપરાધ પણ પોતાના માથે લઈને એમને હળવાશ બક્ષે. સાધુ કૃપા શીલ હોય. સાદુ બલશીલ હોય. એનામાં આત્મબળ બહુ હોય. એ કાયર ન હોય - બળવાન હોય. એ મરણશીલ હોય. મૃત્યુનું ચિંતન એનો સ્વભાવ હોય. ઓશો આચાર્ય હતા ત્યારે દ્વારકાની શિબિરમાં એમણે પ્રવચનો કર્યાં હતાં: મૈં મૃત્યુ સીખાતા હૂં. સાધુ અધ્યયનશીલ હોય-પુસ્તકોનું જ નહીં, જમાનાના મસ્તકનું પણ અધ્યયન કરનાર હોય. સાદુ કર્મશીલ હોય. આજકાલના તથાકથિત ઍક્ટિવિસ્ટો જેવો કર્મશીલ નહીં પણ વિનોબા, ગાંધી, રવિશંકર મહારાજ કે ઠક્કરબાપા જેવો કર્મશીલ.

 

સાધુ ધર્મશીલ હોય, સાધુ નમનશીલ હોય. સકલ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે... સાધુ સ્વરશીલ હોય, એનું જીવન છંદોબદ્વ હોય, ક્યારેય સ્વ-સૂર ચૂકે નહીં. સાધુ કરુણાશીલ હોય. સાધુ વૈરાગ્યશીલ હોય. વૈરાગ્ય ત્યાગથી પણ ઉપરની કક્ષા છે. હાથથી છૂટે તે ત્યાગ અને હૈયાથી છૂટે તે વૈરાગ્ય. (બાપુની વાત સાંભળીને અમને નિષ્કુબાનંદજી સ્વામી યાદ આવે છે: ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી, અંતર ઊંડી જે ઈચ્છા રહે, તે કેમ કરી તજાયજી). સાધુ ધ્યાનશીલ હોય. ક્યારેય બેધ્યાન ન હોય. સાધુ રસશીલ હોય. નીરસ ન હોય. ચીડચીડો ન હોય બહુ તપ કરીને સિરિયસ થઈ ગયેલો ન હોય. જે તપ તમારું સ્મિત છીનવી લે એ શું કામનું? અને છેલ્લે: સાધુ ભજનશીલ હોય.

 

સાધુના આ ૧૬ શીલ વિશે બાપુ ધારે તો એક આખી સ્વતંત્ર કથા કરી શકે પણ એમણે આ સાગરને ગાગરમાં ભરીને આપ્યો. અયોધ્યાથી પાછા જવાનું ઘરે થશે ત્યારે આખો સાગર તો ઊંચકાવાનો તો નથી, ગાગર જ ભલી.

ગણિકા કલ્યાણ ફંડમાં કુલ સાડા છ કરોડ જેવી જંગી રકમ ભેગી થઈ ગઈ છે. આજે કવિ નીતિન વડગામા જેનું નિષ્ઠાપૂર્વક સંપાદન કરે છે તે બાપુની દરેક કથાનો સાદ સમાવી લેતી સચિત્ર-રંગીન એવી બે પુસ્તિકાઓનું બાપુએ લોકાર્પણ કર્યું. એક લખનૌની 'માનસ: અરણ્યકાંડ' છે અને બીજી થાણેની 'માનસ: ક્ધિનર. હિંદી તથા ગુજરાતીમાં પુસ્તિકારૂપે અને અંગ્રેજીમાં પી.ડી.એફ. વર્ઝનમાં પ્રગટ થાય છે. નિ:શુલ્ક વિતરણ થાય છે. કોઈપણ વ્યક્તિને મળી શકે છે. તમારે તમારું નામ, કઈ ભાષામાં જોઈએ છીએ તે તથા સરનામું અહીં ઈમેલ કરી દેવાનું:માત્ર ટેક્સ્ટ મેસેજ આ નંબર પર મોકલી આપવાનો: + ૯૧ ૭૦૪ ૫૩ ૪૨ ૯૬૯.

 

નીતિન વડગામા અને એમની ટીમ ખૂબ જહેમતપૂર્વક ભારે ચોકસાઈ રાખીને આ એક કાયમી ડૉક્યુમેન્ટેશનનું કામ કરી રહ્યા છે. સૌ રામકથા પ્રેમીઓના અભિનંદનના તેઓ અધિકારી છે. હૈયું એકદમ ભારે છે. વધુ શું લખું.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvrBZJ7BB2Qe30MStKe%3D1BzF1aehun6bR-dASJYsGGK_w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment