Saturday 29 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બ્રિટન ના રાજા રાણી ના માન માં બનાવ્યો 'ગેટ વે ઓફ ઇન્ડિયા' (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બ્રિટન ના રાજા રાણી ના માન માં બનાવ્યો ગેટ વે ઓફ ઇન્ડિયા!
દેવેન્દ્ર પટેલ

 

 

 

તમે  મુંબઇ ગયા હોવ અને સમુદ્રના કિનારે 'ગેટ વે ઓફ ઇન્ડિયા' ના જોયો હોય તેવું કદી ના બને. 'ગેટ વે ઓફ ઇન્ડિયા' પણ બ્રિટિશ રાજ વખતની એક યાદગાર ઇમારત છે.


ગેટ વે ઓફ ઇન્ડિયા એક ઐતિહાસિક સ્મારક છે અને મુંબઇની હોટલ તાજની બરાબર સામે છે. આ સ્મારક દક્ષિણ મુંબઇના એપોલો બંદર વિસ્તારમાં અરબી સમુદ્ર પર સ્થિત છે. તેની ઊંચાઇ ૮૫ ફૂટ છે. અરબી સમુદ્ર દ્વારા આવવાવાળાં જહાજો વગેરે માટે તે ભારતનું દ્વાર 'ગેટ વે ઓફ ઇન્ડિયા' કહેવામાં આવે છે.  તે મુંબઇના જાણીતા પર્યટન સ્થળો પૈકીનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ છે. અહીં પ્રવેશ દ્વાર પાસે જ  સહેલાણીઓ માટે સમુદ્ર ભ્રમણ માટે નૌકાઓ પણ ઉપલબ્ધ છે.


ગેટ વે ઓફ ઇન્ડિયાનો ઇતિહાસ રસપ્રદ છે. એ જમાનામાં ભારતમાં બ્રિટિશ રાજ હતું. બ્રિટનના રાજા કિંગ જ્યોર્જ પાંચમા બ્રિટિશ ભારતના પણ સમ્રાટ કહેવાતા હતા. એક વખત બ્રિટનના કિંગ જ્યોર્જ પાંચમા અને ક્વીન મેરીએ ભારતની મુલાકાતે આવવાનો નિર્ણય લીધો. એ ૧૯૧૧નું વર્ષ હતું. તેમની યાદમાં ગેટ વે ઓફ ઇન્ડિયાનું નિર્માણ થયું હતું.


વાસ્તુકલાના હિંદુ અને મુસ્લિમ એ બંને પ્રકારોને ધ્યાનમાં રાખી ગેટ વે ઓફ ઇન્ડિયાની આધારશીલા તા. ૩૧ માર્ચ, ૧૯૧૩ના રોજ મૂકવામાં આવી હતી. તેનું નિર્માણ કિંગ જ્યોર્જ અને ક્વીન મેરીએ કરાવરાવ્યું હતું. અલબત્ત, કિંગ જ્યોર્જ અને ક્વીન મેરી તો ગેટ વે ઇન્ડિયાનું કાર્ડબોર્ડનું મોડલ જ નિહાળી શક્યા હતા.


આ ઇમારતની ડિઝાઇન વાસ્તુકાર જ્યોર્જ વિટેટે તૈયાર કરી હતી. આ સ્મારક ૨૬ મીટર ઊંચું છે અને તેને ચાર મિનારા છે તેની બારીઓમાં શિલ્પકામનો અદ્ભુત નજારો જોવા મળે છે. ભારતીય સાર્સેનિક શૈલીમાં બનેલી આ ઇમારતમાં ગુજરાતી વાસ્તુકલાની શૈલીની પણ પ્રભાવ છે. આ સંરચના સ્વયં મનમોહક છે અને પેરિસમાં આવેલા આર્ક ડી ટ્રાયમ્ફની તે પ્રતિકૃતિ છે.


ઇતિહાસ એવો છે કે ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ અને ક્વીન મેરીના સ્વાગત અને તેની યાદગીરી માટે નિર્માણ પામનાર આ ઇમારતનું કામ ૧૯૧૫ સુધી શરૂ થઇ શક્યું જ નહીં. તા. ૩૧, માર્ચ ૧૯૧૩ના રોજ બામ્બેના ગવર્નર સર જ્યોર્જ સિડનીહેમ દ્વારા તેની આધારશીલા મૂકવામાં આવી.  આર્કિટેક્ટ જ્યોર્જ  વિટેટે તૈયાર કરેલી તેની ડિઝાઇનની મંજૂરી છેક તા. ૩૧ માર્ચ ૧૯૧૪ના રોજ મળી.


જે સ્થળે આ ઇમારત  બાંધવાની હતી તે સ્થળે- દરિયાકિનારે ક્રૂડ જેટી હતી. સ્થાનિક માછીમારો આ બંદરની માછલીઓ પકડવા માટે ઉપયોગ કરતા હતા. તે પછી તે બિટિશ ગવર્નર્સ કે વીઆઈપી આવતા તેમના માટે આ સ્થળનો ઉપયોગ શરૂ થયો. તે બધાનાં દરિયાઇ જ્હાજો અહીં લાંગરતાં.


ઇ.સ. ૧૯૧૫ અને ૧૯૧૯માં એપોલો બંદરનું પુનનિર્માણ કરવામાં આવ્યું. જેથી અહીં ગેટ વે ઓફ ઇન્ડિયા  બાંધી શકાય. તેનો પાયો ૧૯૨૦ સુધીમાં પૂરો થયો જ્યારે ગેટ વે ઓફ ઇન્ડિયાનું બાંધકામ છેક ૧૯૨૪માં પૂરું થયું. તા.૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ બ્રિટિશ વાઇસરોય દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.


આ ઇમારતનો ગુંબજ તૈયાર કરવાનું ખર્ચ ૧૯૨૪માં રૂ. ૨૧ લાખ થયું. ગેટ વે ઓફ ઇન્ડિયા વાસ્તુ શિલ્પનો એક ઉત્કૃષ્ઠ નમૂનો ગણાય છે. સાદી ભાષામાં સમજવું હોય તો તેની ઊંચાઇ આઠ માળની ઇમારત જેટલી છે. અહીં હવે છત્રપતિ શિવાજી મહારાજ અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.


ઇ.સ. ૧૯૨૪માં ગેટ વે ઓફ ઇન્ડિયા બની ગયા પછી ભારતના જે નવા વાયસરોય  કે બોમ્બેના નવા ગવર્નર્સ આવે તેમનો પ્રવેશ અને સ્વાગત આ પ્રવેશ દ્વાર દ્વારા થવા લાગ્યો.


નોંધપાત્ર વાત એ છે કે જે ગેટ વે ઓફ ઇન્ડિયા બ્રિટિશ વાઇસરોયસ અને  ગવર્નર્સના સ્વાગત પ્રવેશ માટે બનાવવામાં આવ્યો હતો તે જ ગેટ વે ઓફ ઇન્ડિયા આઝાદી બાદ બ્રિટિશ સેનાની ભારતમાંથી વિદાય માટે પણ થયો.


ભારત સ્વતંત્ર થયું તે પછી બ્રિટિશ સેનાની ફર્સ્ટ બટાલિયન ઓફ સોમરસેટ લાઇટ ઇન્ફ્રન્ટી- ટુકડીએ આ જ ગેટ વે ઇન્ડિયા દ્વારા તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ ઇંગ્લેન્ડ પાછા જવા વિદાય લીધી. અને તે પણ બ્રિટિશ રાજના અંતના દસ્તાવેજો પર સહી કર્યા બાદ.


આ ઇમારતના નિર્માણ માટે  પીળા પથ્થરો અને રિઇન્ફોર્સ કોંક્રીટનો ઉપયોગ થયો છે. ગેટ વે ઓફ ઇન્ડિયાનો ડોમ ૪૮ ફૂટના ડાયામીટરનો છે. તે ગ્રાઉન્ડથી ૮૩ ફૂટ ઊંચે છે. અંદર વિશાળ હોલ છે જેમાં એક સાથે ૬૦૦ માણસો ઊભા રહી શકે છે.  આ ઇમારત માટેનું બધું ખર્ચ ઇમ્પિરિયલ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ ઉઠાવ્યું હતું. પરંતુ પૈસાની ખેંચના કારણે એ વખતે તેને જોડતા એપ્રોચ રોડ બાંધી શકાયા નહોતા.


આ ઐતિહાસિક ઇમારત તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ મુંબઇમાં ત્રાસવાદી હુમલો થયો તેની સાક્ષી છે. કારણ કે ત્રાસવાદીઓએ ગેટ વે ઓફ ઇન્ડિયાની સામે જ આવેલી હોટલ તાજમહાલ હોટલની નજીક ઊભી રહેલી એક ટેક્સીમાં જ બોમ્બ હતો. જેના વિસ્ફોટથી તાજ હોટલને ભારે નુકસાન થયું હતું. એ ભયાનક ધડાકાથી ડરી ગયેલા અને ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે ઊભેલા કેટલાક લોકોએ બચવા દરિયામાં ઝંપલાવ્યું હતું.


ગેટ વે ઓફ ઇન્ડિયા મુંબઇના ફિલ્મકારો માટે પણ ફિલ્મોના શૂટિંગ માટે આકર્ષણનું કેન્દ્ર  રહ્યો છે. ઘણાંયે કલાકારોને પ્રેક્ષકોએ અહીં ચણા ફાકતા સ્ક્રીન પર નિહાળ્યા હશે.


આ ઇમારતે કેટલાક બીજા પણ કરુણ ગ્શ્યો નિહાળેલા છે. તા.૧૩ ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ એક માનસિક બીમાર વ્યક્તિએ મણિપુરથી આવેલી બે યુવતીઓને ચાકુ મારી દીધું હતું.  ૨૦૦૭ની સાલની નૂતન  વર્ષની સાંજે એક ટોળાંએ એક સ્ત્રી સાથે અજુગતું વર્તન કર્યું હતું.


'ગેટ વે ઓફ ઇન્ડિયા' ભલે આકર્ષક ઇમારત હોય પરંતુ આ દેશને વર્ષો સુધી ગુલામ રાખનાર બ્રિટિશરોના સામ્રાજ્યવાદની ગમે કે ના ગમે તેવી યાદ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuUNxPrMiroif1T44hrmQtnbuiP8xEOM76t%2BwKE1C6Hnw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment