Monday, 31 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સુખનો ટાપુ જેમ નજીક જાવ તેમ દૂર સરકતો રહે છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુખનો ટાપુ જેમ નજીક જાવ તેમ દૂર સરકતો રહે છે!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

 

 

 

જીવનમાં સુખદુ:ખ, ચડતી-પડતી અને ઉતાર ચડાવ આવ્યા કરે છે. દુ:ખ અને મુસીબતથી ગભરાઈ જવાની જરૂર નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેનાં કારણો શોધી કાઢીને આ અંગે સાવધ રહેવું જોઈએ. આમ છતાં જીવનની ઘટમાળમાં જે બનવાનું છે તે બન્યા કરવાનું છે, પણ તેના કારણે માથે હાથ મૂકીને બેસી જવાની જરૂર નથી. જીવનમાં કાંઈક પ્રાપ્ત કરવું હોય, સફળતા મેળવવી હોય તો આ બધા પરિતાપો સહન કરવા પડે છે. કેટલીક વખત દુ:ખ અણધાર્યું આવી પડે છે અને માણસ હલબલી ઊઠે છે. દુ:ખની જ્યારે કલ્પના પણ ન હોય અને એકાએક મુસીબતના ડુંગરો ખડકાઈ જાય તો આકરું લાગે છે અને હતાશા-નિરાશા ઊભા થાય છે. દુ:ખ અને આફતના સમયે ધૈર્ય રાખવું અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢવો એ ડહાપણભર્યું છે. આવા સમયે જો માણસ આત્મવિશ્ર્વાસ ગુમાવી બેસે, નાસીપાસ થાય અને સંતુલન ગુમાવી બેસે તો ફરી બેઠા થવાનું મુશ્કેલ બને છે. દુ:ખના સમયમાં જ આપણને અંતરમાં ડોકિયું કરવાનો સમય મળે છે. ભૂલો અને ક્ષતિઓ તરફ નજર કરવાની તક મળે છે. જીવનની સુખદ કે દુ:ખદ ઘટનાઓ કાંઈક ને કાંઈક બોધ આપતી જાય છે. સોનું અગ્નિમાંથી પસાર થાય ત્યારે તે વધુ શુદ્ધ બને છે. દુ:ખમાં વાસ્તવિક પરિસ્થિતિનું જેટલું ભાન થાય છે તેટલું સુખમાં થતું નથી.

જીવનમાં આશા-નિરાશા તો ઊભી થવાની છે, પણ આપણે તેને કઈ રીતે મન પર લઈએ છીએ તેની પર બધો આધાર છે. કેટલીક વખત કાલ્પનિક દુ:ખોથી પણ પરેશાની અનુભવવી પડે છે. ભવિષ્યમાં આવું બનશે એવી કલ્પના માણસને ડરાવતી હોય છે. જે માણસ ખોટું કામ કરે છે, અવળે રસ્તે ચાલે છે અને પોતાની જાતને છેતરે છે તેને એવો ડર રહેવાનો. કેટલાક માણસો સહેજ મુશ્કેલી આવે તો ડગમગી જાય છે, જ્યારે હિંમતવાન માણસો સ્વસ્થતાથી તેનો મુકાબલો કરે છે. દુનિયામાં ભયભીત થવા જેવું કશું નથી. મન મક્કમ હોય અને અડગ નિર્ધાર હોય તો માણસ ધાર તે કરી શકે છે. સુખ અને દુ:ખ એક સંજોગ છે. આપણી ધારણાથી જે વિપરીત બને અને જેમાં ધનહાનિ અને માનહાનિ થવાનો સંભવ ઊભો થાય તેને આપણે દુ:ખ માનીએ છીએ. જેનાથી ધન, યશ અને કીર્તિ વધે તે આપણા માટે સુખ બની જાય છે. હકીકતમાં તો માણસને જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ જાય તો દુ:ખ જેવું કશું નથી. દુ:ખનું મોટું કારણ એ છે કે માણસને પોતાની જરૂરિયાત કરતાં વધુ

જોઈએ છે.

આપણે ઘણી વાર દુ:ખ અને આપત્તિઓને હોય તેના કરતા મોટું સ્વરૂપ આપી દઈએ છીએ અને તેનાં પરિણામો અંગે મનને ચગડોળે ચડાવી દઈએ છીએ. તેના કારણે આ દુ:ખ વધુ ઘેરું બની જાય છે. ઉંમર વિત્યા પછી ઘણાને લાગે છે. જીવનમાં જેટલું ધાર્યું હતું તેટલું કરી શકાયું નથી. કેટલાકને કહેવાતા બધા સુખો મળ્યા હોવા છતાં ખાલિપો લાગે છે. જીવન નિષ્ફળ ગયું હોવાનો ભાસ થાય છે. ઉંમર વધતા કશુંક વધુ મેળવવાની, પ્રાપ્ત કરવાની ઝંખના વધુ પ્રબળ બને છે. કશું છૂટતું નથી, સંતોષ થતો નથી.

પાછલી ઉંમરે જીવનમાંથી જે કાંઈ પસાર થઈ ગયું છે તેની કિંમત સમજાય છે. લોકો પોતાના ભૂતકાળને વાગોળ્યા કરે છે. તેને એમ લાગે છે કે આના કરતા પહેલાં સારું હતું. ઓછું હતું પણ મોજ કરતા હતા. હવે બધું છે, પણ શાંતિ નથી, નિરાંત નથી. સુખ અને દુ:ખ દરેક સમયમાં હોય છે ત્યારે પણ તે સમય તેમને કપરો જ લાગતો હતો. ત્યારે સહન કરવાની સંઘર્ષ કરવાની શક્તિ હતી એ અત્યારે ન હોય એટલે પણ એવું લાગતું હોય. જીવન એટલે સંઘર્ષ અને પડકાર. કોઈ પણ બાબતમાં સુખ અને આનંદ જેને શોધતા આવડે છે તેમના માટે કોઈ પણ સમય કઠિન નથી. મન અને તન સ્વસ્થ હોય તો બધું સારું લાગે. આમાંથી એક પણ બગડે તો જીવન જીવવા જેવું લાગે નહીં. અમુક ઉંમરે પૈસાનું બહુ મૂલ્ય રહેતું નથી. ગમે તેટલું હોય પણ ભોગવી શકાતું નથી. સમયાનુસાર જે કાંઈ મળતું રહે તેનો આનંદ માણી શકાય તો તે પ્રભુની કૃપા સમજવી. જેટલી જરૂરિયાત ઓછી તેટલો માણસ સુખી. જે માણસ સાદું-સરળ જીવન જીવે છે અને સહજભાવે રહે છે તેને વધુ ઉધામા કે વલોપાત કરવો પડતો નથી. આપણે વર્તમાનમાં જીવતા નથી. ભૂતકાળને યાદ કર્યા કરીએ છીએ અને ભવિષ્યનાં સ્વપ્નો જોઈએ છીએ. આ રીતે વર્તમાન હાથમાંથી સરકતો રહે છે અને તે ભૂતકાળ બન્યા પછી આપણને એમ લાગે છે કે એ સમય સારો હતો. જીવનની દરેક અવસ્થાનો આનંદ હોય છે, પણ આ માટે આપણે સમય અને સંજોગોને અનુરૂપ બનવું પડે છે. જીવનનું આ સીધુંસાદું ગણિત છે, પણ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને ઝંખનાઓને કારણે જીવનનો દોર વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. સંપૂર્ણ ઈચ્છિત સુખ કોઈને પ્રાપ્ત થતું નથી. આ ટાપુ પર કોઈ પહોંચી શકાતું નથી. આપણે જેમ નજીક જઈએ તેમ આ ટાપુ દૂર ખસતો રહે છે. મૃગજળ જેવી આ સ્થિતિ છે.

માણસના નકારાત્મક વલણમાંથી પણ દુ:ખો સર્જાતા હોય છે. લોભ, સ્વાર્થ, અહંકાર અને ઈર્ષ્યા તેને સુખેથી રહેવા દેતી નથી. માણસને પોતે જે કાંઈ છે તેમાં સંતોષ નથી. તે બીજાની સાથે સરખામણી કરીને દુ:ખી થતો રહે છે. માણસ પોતાની પાસે શું છે તેના કરતાં બીજા પાસે શું છે તેનો વિચાર કરીને જીવ બાળે છે. તેને એમ લાગે છે કે આ સ્થાને પહોંચવા માટે તેને ઘણું કરવાનું બાકી છે. કદાચ એ સ્થાન મળી જાય તો પણ બીજું ઊંચું સ્થાન હાજર હોય છે. ગમે તેટલું મળે તો પણ કોઈ ને કોઈ તો આપણાથી ચડિયાતો રહેવાનો જ છે. કેટલા સાથે સ્પર્ધા કરશો? દરેક જગ્યાએ શેરને માથે સવાશેર છે. આપણાથી અનેક લોકો અનેક ક્ષેત્રમાં આગળ રહેવાના જ છે. આવું વિચારવાનો કોઈ અર્થ નથી.

માણસ પાસે જે કંઈ છે તે પર્યાપ્ત છે. પ્રભુએ તેને પૂરતી શક્તિ અને તાકાત આપેલી છે. પોતાના ગુણધર્મો અનુસાર આગળ વધવાનું હોય છે. આપણે બીજાના ગુણોને જીવનમાં ઉતારી શકીએ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકીએ પણ આપણે તેમના જેવા બનવાની કે કોઈની નકલ કરવાની જરૂર નથી. આપણે બીજાનું વ્યક્તિત્વ આપણામાં આરોપિત કરી શકીએ નહીં. આપણે જે કંઈ છીએ તે બની રહીએ અને બિનજરૂરી બીજાથી પ્રભાવિત ન થઈએ. આ અંગે એક દૃષ્ટાંત કથા...

અકબરે પોતાના દરબારમાં નવ રત્નોને બોલાવ્યા અને કહ્યું, આ દેશમાં મેં રામાયણની ખૂબ પ્રશંસા સાંભળી છે. હું કાંઈ રામથી નાનો રાજા નથી તો મારા જીવન પર રામાયણ કેમ લખી ન શકાય?

બધા ચૂપ રહ્યા. બોલે પણ શું?

અકબર ભલે ગમે તેટલો મહાન હોય, પરંતુ તેના જીવન પર રામાયણ કઈ રીતે લખી શકાય, પરંતુ બાદશાહને આ સાચી વાત સમજાવે કોણ?

છેવટે બિરબલ બોલ્યો, હજૂર લખી શકાય, શા માટે ન લખી શકાય? આપનામાં શું ખામી છે? રામનું રાજ્ય તો આપના કરતા પણ નાનું હતું. આપના જીવન પર હું રામાયણ લખીશ, પરંતુ આ કાર્ય ખૂબ મહેનતનું છે. આ માટે એક લાખ અશરફી અને એક વર્ષનો સમય લાગશે.

બિરબલ તો એક વર્ષ સુધી મોજમજા કરતો રહ્યો. તેને આ રામાયણ ક્યાં લખવી હતી. એક વર્ષ પૂરું થયું. અકબરે બિરબલને બોલાવ્યો અને પૂછયું, મારા જીવન પરની રામાયણ લખાઈ ગઈ?

બિરબલે કહ્યું, હજૂર બધું લખાઈ ગયું છે બસ માત્ર એક પ્રસંગ અંગે આપને પૂછવાનું છે તે વગર રામાયણ પૂરી નહીં થાય.

અકબરે કહ્યું, પૂછી લો વાંધો શો છે? બિરબલે કહ્યું: મહારાજ, અમારા રામની સીતાનું રાવણે અપહરણ કર્યું હતું. આપની બેગમનું કોણે અપહરણ કર્યું હતું તે જણાવો એટલે રામાયણ પૂરી થાય.

અકબર આ સાંભળીને ગુસ્સે થઈ ગયો. તેણે તલવાર કાઢવા મ્યાન પર હાથ મૂક્યો અને બોલ્યો, તું પાગલ થઈ ગયો છે. મારી બેગમ સામે કોઈ આંખ ઊંચી કરે તો તેની આંખો ફોડી નાખું, કોઈ બોલે તો ખરું તેની જીભ કાપી નાખું. તું કેવી વાત કરી રહ્યો છે. બીજો કોઈ હોત તો મેં તેનું માથું વાઢી નાખ્યું હોત!

બિરબલે કહ્યું: હજૂર તો પછી રામાયણ નહીં લખી શકાય. મૂળ રામાયણમાં સીતાનું અપહરણ થયું હતું અને રામ તેને યુદ્ધ કરીને છોડાવી લાવ્યા હતા.

અકબરે કહ્યું: આમ હોય તો મારે રામાયણ લખાવવી નથી. જવા દે એ વાત.

બિરબલે કહ્યું, હજૂર આમ નિરાશ ન થાવ. આપના જીવન પર રામાયણ ભલે ન લખી શકાય પણ મહાભારત તો લખી શકાય ને?

અકબરે કહ્યું: તેમાં અપહરણની કોઈ મુસીબત નથી ને? બિરબલે કહ્યું, જહાપના આમાં અપહરણ જેવી કોઈ વાત નથી.

બિરબલે પાછી એક વર્ષ સુધી મોજમજા કરી અને વર્ષ પૂરું થતા દરબારમાં આવ્યો અને કહ્યું: મહારાજ મહાભારત લખાઈ ગયું છે પણ એક નવી ગૂંચવણ ઊભી થઈ છે. તેના વગર આ ગ્રંથ અધૂરો રહેશે. મહાભારતમાં દ્રોપદીના પાંચ પતિ હતા. બેગમના આપ એક પતિ છો બીજા ચાર પતિ કોણ છે?

આ વખતે તો અકબરે તલવારને મ્યાનમાંથી ખેંચી કાઢી અને ત્રાડ નાખીને કહ્યું, તું શું સમજે છે તારા મનમાં.

બિરબલે કહ્યું: મહારાજ, શાંત થાવ. મારો એમાં શું વાક? હું તમારા પર લખવા જાઉં છું અને મુસીબત ઊભી થાય છે હવે તમે કહો તેમ કરું.

અકબરે કહ્યું: મારે કાંઈ પણ લખાવવું નથી. હું બીજા કોઈની ચરિત્રકથા મારામાં આરોપિત કરવા માગતો નથી. આ વાત હવે મને સમજાઈ ગઈ છે.

ઓશોએ ટાંકેલી આ કથાનો સાર માત્ર એટલો છે આપણે આપણી ચાલે ચાલવાનું છે. બીજાની ચાલે ચાલવા જઈએ તો ઠોકર લાગતા વાર લાગે નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvvBCm-2TzZmbmjK5jLJJ25cHfK6izbx4G-JrLFzDeg1w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment