Monday 31 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ૨૦ વર્ષ + ૧૫૯ દિવસ + ૨૯,૦૦૦ કિલોમીટર = વેદાંગી કુલકર્ણી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૨૦ વર્ષ + ૧૫૯ દિવસ + ૨૯,૦૦૦ કિલોમીટર = વેદાંગી કુલકર્ણી!
પ્રાસંગિક-મૌસમી પટેલ

 

 


મૂળ પુણેની મરાઠી મુલગી આજે આખા એશિયાનું ગૌરવ બની ગઈ છે અને તેણે એવું કરતબ કરી દેખાડ્યું છે કે જે તમે કે હું કરતાં પહેલાં ૧૦૦ વખત વિચાર ચોક્કસ કરીએ. જી હા, વીસ વર્ષની વેદાંગી કુલકર્ણીને ૧૫૯ દિવસ એટલે કે લગભગ પાંચ મહિનામાં સાઈકલ પર ૨૯,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને દુનિયાની ઝડપથી પરિક્રમા પૂરી કરનારી પહેલી એશિયાઈ મહિલા હોવાનું માન મળ્યું છે.


આમ તો પર્યાવરણપ્રેમીઓ દ્વારા અવારનવાર સાઈકલ ચલાવવાના ફાયદા ગણાવવામાં આવતા જ હોય છે પણ જો કોઈ તમને કહે કે તમારે એકલાએ જ સાઈકલ ચલાવીને આખી દુનિયાની પરિક્રમા પૂરી કરવાની છે તો? હાજા ગગડી જાય ને? ગાઢ જંગલો, એકદમ વિપરીત વાતાવરણ, જંગલના પ્રાણીઓનો ભય સહિતના કંઈ કેટલાય જોખમો અને મુશ્કેલીઓ આંખો સામે તરવરી ઊઠે અને તેમાં પણ જ્યારે તમે એક મહિલા કે યુવતી હોવ ત્યારે તો આ પડકારો અનેકગણા વધુ હોય એવા પ્રતીત થવા લાગે. પણ વેદાંગી તો આ બધા જોખમોને ગણકાર્યા વિના નીકળી પડી તેની લાઈફની ઍડવેન્ચર ટૂર પર.


પોતાની આ સફર વિશે વાત કરતાં વેદાંગી કહે છે કે 'મારી એડવેન્ચર રાઈડ ખરા અર્થમાં એડવેન્ચર પુરવાર થઈ હતી. મને કેટલીય જગ્યાએ સારા અનુભવો થયા તો કોઈક જગ્યાએ મને ખરાબ અનુભવ પણ થયા. પણ આ તો દુનિયાનો નિયમ છે. ૧૪ દેશોમાંથી પસાર થતી વખતે મારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આવો એક અનુભવ થયો કૅનેડામાં. કૅનેડામાં જ્યારે હું સાઈકલ ચલાવી રહી હતી ત્યારે એક રીંછ મારી પાછળ પડી ગયું હતું અને આ રીંછ ખૂબ લાંબા સમય સુધી મારો પીછો કરી રહ્યો હતો તો પછી રશિયામાં બરફાચ્છાદિત ચાદરથી ઢંકાયેલા અનેક રસ્તાઓ પર મારે એકલા રાતો પસાર કરવી પડી હતી. સ્પેનનો અનુભવ તો ખૂબ જ ડરામણો હતો કારણ કે અહીં તો ચાકુની ધાકે મને લૂંટી લેવામાં આવી.'


વેદાંગીનું મૂળ ટાર્ગેટ તો ૧૩૦ દિવસમાં આ આખી મુસાફરી કરીને સાઈકલ પર દુનિયાની ઝડપથી પરિક્રમા કરનારી સૌથી નાની ઉંમરની મહિલા બનવાનું હતું, પણ અમુક કારણોસર તેનું આ ટાર્ગેટ તે પૂરું નહીં કરી શકી પણ તેમ છતાં તેણે મેળવેલી આ સિદ્ધિ કંઈ નાની સુની નથી. આ અનોખા પ્રવાસ દરમિયાન વેદાંગીએ ઝીરોથી વીસ ડિગ્રી કરતાં ઓછા ઉષ્ણતામાનથી લઈને ૩૫ ડિગ્રી સુધીના ઉષ્ણતામાનનો સામનો કરવો પડ્યો હતો. આખી દુનિયાની પરિક્રમા કરવા માટે વેદાંગીએ સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આઈસલેન્ડ, પોર્ટુગલ, ન્યૂ ઝીલેન્ડ, કૅનેડા, જર્મની, ડેનમાર્ક, સ્વિડન, ફિનલેન્ડ અને રશિયામાંથી પસાર થવું પડ્યું હતું.


રોજની આશરે કેટલા કિલોમીટર સાઈકલ ચલાવવી પડતી હતી અને આ દરમિયાન શું મુશ્કેલીઓ આવતી હતી એ વિશે વાત કરતાં તે કહે છે કે '૧૫૯ દિવસના મારા આ પ્રવાસ દરમિયાન હું ૧૪ દેશોમાંથી પસાર થઈ અને રોજની લગભગ ૩૦૦ કિલોમીટર જેટલું અંતર હું સાઈકલ પર કાપતી હતી અને આખરે કોલકત્તામાં આ માટે આવશ્યક ૨૯,૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.'


વેદાંગીએ જુલાઈ, ૨૦૧૭માં પર્થથી તેની આ સફરના શ્રીગણેશ કર્યા હતા અને આ રૅકોર્ડને પૂરો કરવા માટે તે ફરી પર્થ જશે. જોકે આ પહેલી વખત જ નથી કે વેદાંગીએ આ રીતે જોખમી રૂટ પર સાઈકલિંગ કર્યું હોય. આ પહેલાં જુલાઈ, ૨૦૧૬માં ભારતના સૌથી અઘરામાં અઘરા ગણાતા અને મનાલી-ખારડુંગલા રૂટ પર પણ સાઈકલિંગ કરી ચૂકી છે.


દીકરીની આ સિદ્ધિ પર વારી ગયેલાં પિતા વિવેક કુલકર્ણી કહે છે કે 'હજી તો વેદાંગી માત્ર ૨૦ જ વર્ષની છે અને આટલી ઓછી ઉંમરે આવી સિદ્ધિ મેળવનારા ખૂબ જ ઓછા લોકો હોય છે. આ ગણતરીના લોકોમાં મારી દીકરીનો સમાવેશ થાય એ મારા માટે ગૌરવની વાત છે. મારી દીકરી સૌથી ઝડપથી દુનિયાની પરિક્રમા કરનારી પહેલી એશિયાઈ મહિલા છે જેનો મને ખૂબ જ આનંદ છે.'


કોઈ પણ સિદ્ધિ મેળવવી હોય કે સફળ થવું હોય તો તે માટે સૌથી વધુ મહત્ત્વનું છે પરિશ્રમ, ઈચ્છાશક્તિ અને લગન. આ ઉપરાંત પરિવારનો સપોર્ટ પણ એટલો જ મહત્ત્વનો છે અને આ વિશે વાત કરતાં વેદાંગી જણાવે છે કે 'મારા માતા-પિતાએ મને આ માટે ખૂબ જ પહેલાંથી સપોર્ટ આપ્યો છે અને પ્રોત્સાહન પણ આપ્યું છે અને એથી પણ વધુ આનંદ તો મને એ વાતનો છે કે મારા પરિવારે મારામાં જે વિશ્ર્વાસ દેખાડ્યો તે વિશ્ર્વાસને મેં જાળવી રાખ્યો છે.'


જોકે વેદાંગી પહેલાં બ્રિટનની ૩૮ વર્ષીય જેની ગ્રાહમ નામની મહિલાના નામે હતો. વેદાંગી બ્રિટનના બૉઉર્નેમાઉથ યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે અને આ સાઈકલિંગ માટે તેણે કેવી અને કયા પ્રકારની તૈયારીઓ કરી હતી એ જણાવતા તે કહે છે કે 'આ પડકારની તૈયારીઓ તો મેં બે વર્ષ પહેલાંથી જ શરૂ કરી દીધી હતી અને ૮૦ ટકાથી વધુની મુસાફરી મેં એકલીએ જ પૂરી કરી છે, એટલું જ નહીં મેં મારી આ આખી જર્નીને કૅમેરામાં કેદ કરી લીધી છે.'


વેદાંગી તેની આ એડવેન્ચરિયસ રાઈડ પર એક ડૉક્યુમેન્ટ્રી પણ બનાવવાની યોજના અંગે વિચાર કરી રહી છે અને તેણે એનું ટાઈટલ વિચારી રાખ્યું છે. આ ડૉક્યુમેન્ટ્રીનું ટાઈટલ હશે 'લિવિંગ એડવેન્ચર, શૅરિંગ ધ ઍડવેન્ચર'. વેદાંગી જીવનમાં વધુને વધુ રૅકોર્ડ પોતાના નામે કરે એવી શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuF7dCvP_h%2BM13YHOvVoMP3DEDp2YMMyYxcGLyks%3D8oLg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment