Sunday, 30 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૅકિસકો: મૃતદેહો શોધતી મહિલાઓ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૅકિસકો: મૃતદેહો શોધતી મહિલાઓ!
દર્શના વિસરીયા

amdavadis4ever@yahoogroups.com

દૂર ડુંગર પર મહિલાઓનું એક ટોળું હાથમાં પાવડો લઈને ચઢી રહ્યું હતું અને સ્થળ હતું મૅક્સિકો. જો તમે વિચારી રહ્યા હોવ કે આ મહિલાઓ કોઈ સમાજસેવાની પ્રવૃત્તિ માટે આ રીતે નીકળી પડી છે તો અહીં તમે મોટી ભૂલ કરી રહ્યા છે. આ મહિલાઓ નીકળી છે પોતાના પરિવારના ગુમ થઈ ગયેલા સ્વજનોની ભાળ મેળવવા માટે. હવે તમને થશે કે પાવડો લઈને કઈ રીતે સ્વજનોની ભાળ મેળવી શકાય તો તમારે તમારી આ જિજ્ઞાસાને થોડી કાબૂમાં રાખવી પડશે.

મેક્સિકોમાં અત્યારે એક સળગતો પ્રશ્ર્ન છે જ્યાં માણસો ગુમ થવાની વાત બહુ સામાન્ય બની ગઇ છે. આજે લોકોના ઘરમાં જે વ્યક્તિ હયાત હોય તે કાલે હશે કે નહીં તેની ખાતરી નથી હોતી. વળી લોકોને એ પણ નથી ખબર હોતી કે તે વ્યક્તિ ક્યાં ગઇ હશે અને તેનું શું થયું હશે. તેનું કારણ ત્યાં થતાં અપહરણો, માનવ તસ્કરી, ગુંડાગેંગ વગેરે છે. પણ ત્યાંની કેટલીક મહિલાઓએ એક અભિયાન આદર્યું છે અને તેમના સ્વજનો તો તેમને પાછા નથી મળતા પણ તેમના આત્માની સદ્ગતિ માટે તેમના મૃતદેહોને શોધીને તેમનો અંતિમ સંસ્કાર કરે છે.

સરકારી આંકડાઓ પર વિશ્ર્વાસ કરીએ તો ૨૦૦૬થી લઈને અત્યાર સુધીમાં ૨૫૦૦૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને ૩૭,૦૦૦થી વધુ લોકો મૅક્સિકો અને તેની આસપાસના વિસ્તારમાંથી અચાનક જ ગુમ થઈ ગયા છે. ગુમ થયેલી વ્યક્તિઓ દુનિયામાંથી એ રીતે ગાયબ થઈ જાય છે કે જાણે ક્યારેય એવી કોઈ વ્યક્તિનું ધરતી પર અસ્તિત્વ જ હતું કે નહીં એવો પ્રશ્ર્ન ચોક્કસ થઈ જાય.

મૅક્સિકોના ઉત્તરી રાજ્ય સિનાલોઆની એક મહિલા મિર્ના નેરેઈડા મેડિના, ક્વીઓનેઝ (૪૭) આમ તો એક નિવૃત્ત શિક્ષિકા છે અને ૨૦૧૪માં તેનો દીકરો ગુમ થઈ ગયા બાદ તેને શોધવા માટે તેણે લૅસ રાસ્ત્રેઆદોરાસ દેલ ફ્યુસે નામનું ગ્રુપ બનાવ્યું. મિર્નાએ બનાવેલા આ ગ્રુપમાં ૬૦થી ૭૦ લોકો છે અને તેમાં મોટાભાગની મહિલાઓ છે.

આ ગ્રુપ ગુમ થઈ ગયેલી વ્યક્તિઓની ભાળ મેળવવા માટે કામ કરે છે અને બધા સાથે મળી શહેરમાં જ્યાં ક્યાંય પણ કોઈ મૃતદેહને ગેરકાયદેસર રીતે દફનાવવામાં આવ્યો હોવાની માહિતી મળે એટલે ખભા પર કુહાડી, પાવડો લઈને નીકળી પડે છે અને સાથે જ મનમાં કોઈક ખૂણે એવો ડર પણ હોય જ છે કે મળનારો મૃતદેહ કે તેના અવશેષો પોતાના ગુમ થયેલી નજીકની વ્યક્તિના તો નહીં હોય ને?

'ગુમ થયાના ત્રણ વર્ષ બાદ એટલે કે ૨૮મી જુલાઈ, ૨૦૧૭ની એક બપોરે મને મારા દીકરા રૉબર્ટોના મૃતદેહના અવશેષ મળી આવ્યા. ત્રણ વર્ષ પહેલાં ઘટનાને નજરે જોનારાઓનું કહેવું હતું કે ૧૪મી જુલાઈના રૉબર્ટો તેની રોજિંદી આદત અનુસાર ગામની બહાર આવેલા પેટ્રોલ સ્ટેશન પર સીડી વેચતો હતો. અચાનક જ એક કાળા રંગની ટ્રક પેટ્રોલ સ્ટેશન પર આવીને ઊભી રહે છે અને રૉબર્ટો એ ટ્રકમાં બેસીને નીકળી ગયો. બસ એ દિવસ પછી ક્યારેય કોઈએ રૉબર્ટોને જોયો જ નહોતો અને તે મને મળ્યો એ પણ આ રીતે...' કહે છે મિર્ના.

વાત અહીં એકલી મિર્નાની નથી. આવી તો કંઈ કેટલીય માતા, પત્ની, પિતા, ભાઈ, પતિ કે પછી દીકરા-દીકરી છે જે વર્ષોથી પોતાના ગુમ થયેલાં સંબંધીઓની ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુમ થયેલાં લોકોમાંથી મોટા ભાગના લોકોનું મૃત્યુ થઈ ગયું છે એવું માનવામાંં આવી રહ્યું છે.

સિનાલોઆથી ૮૦ કિલોમીટર દૂર આવેલા અલ ફ્યુરેતે ગામમાંથી જ ૧૯મી નવેમ્બરના મહિલાઓને એક સાથે છ મૃતદેહ મળી આવ્યા હતા અને તેમનું આ સર્ચ ઓપરેશન ફેસબુક પર લાઈવ કરવામાં આવ્યું હતું. છેલ્લાં ચાર વર્ષમાં આ ગ્રુપે આ રીતે ૨૦૦થી વધુ ગેરકાયદેસર કબર ખોદી કાઢી છે અને તેમાંથી ૮૮થી વધુ લોકોના મૃતદેહના અવશેષો તેમના પરિવારને સોંપી દીધા છે.

નેશનલ રજિસ્ટ્રી ઓફ મિસિંગ ઓર ડિસઅપિયર્ડ પર્સનના આંકડાઓ પર વિશ્ર્વાસ કરીએ તો એકલા સિનાલોઆમાંથી જ ૩૦૦૦ હજાર જેટલા લોકો અચાનક ગુમ થઈ ગયા છે, જ્યારે આખા દેશમાંથી ગુમ થનારી વ્યક્તિઓની સંખ્યા તો ૩૩,૦૦૦ જેટલી છે.

હાલમાં મૅક્સિકોના અલ ફ્યૂર્તે, લૉસ મૉકીસ, ગ્યુઆસૅવ અને ચ્વોઈક્સ જેવા ચાર શહેરની ૬૦ જેટલી મહિલાઓ આ સર્ચ ઓપરેશનમાં ભાગ લે છે. જેમાંથી માત્ર ૨૫ મહિલાઓ જ દૂર દૂર સુધી જઈને મૃતદેહની ભાળ કાઢવા જાય છે, જ્યારે ગ્રુપના અન્ય સભ્ય તો ઘરની નજીકના વિસ્તારમાં જ આવા ગુમ થયેલા લોકોની શોધ કરવા નીકળી પડે છે.

આખું ગ્રુપ કઈ રીતે કામ કરે છે અને તેમને કઈ રીતે ક્યાં ગેરકાયદે મૃતદેહ દફનાવવામાં આવ્યા છે તેની માહિતી મળે છે એ વિશે વાત કરતાં મિર્ના જણાવે છે કે 'મોટાભાગે અમને સોશિયલ મીડિયા પરથી ગુમ થયેલી વ્યક્તિઓની માહિતી મળી રહી છે. હવે વાત કરીએ ગ્રુપ કઈ રીતે કામ કરે છે તો એની. સોમ-મંગળવાર અને ગુરુ-શુક્રવારના અમે બધા કોઈ એક નક્કી કરેલી જગ્યા પર એકઠા થઈએ છીએ અને કઈ જગ્યાએ મૃતદેહો દફનાવી શકાય એ વિશેની ચર્ચા કરીએ છે. જ્યારે બુધવાર અને રવિવારે મૃતદેહો દફનાવી શકાય એવી જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, જૂના વર્તમાનપત્રમાં મૃતદેહ મળી આવ્યા હોય એવા છપાયેલાં ન્યૂઝનો અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત ઘણી વખત તો સોશિયલ મીડિયા પર જ લોકો અમને તેમની આસપાસના વિસ્તારમાં કંઈ પણ શંકાસ્પદ જણાઈ આવે તો તેની જાણ કરે છે.'

ઘણી વખત તો આ ગ્રુપના જ સભ્યોના ઘરના દરવાજા નીચેથી ફલાણી ફલાણી જગ્યાએ મૃતદેહ દફનાવવામાં આવ્યા હોય એવી હિન્ટ આપતી ચિઠ્ઠી કે પત્ર મળી આવે છે. 'અમે જ્યારે પણ મૃતદેહની શોધમાં નીકળીએ છીએ ત્યારે પહેલાં જમીનમાં લાકડી કે સળિયો નાખીને ખાતરી કરી લઈએ છીએ. જેટલી તીવ્ર દુર્ગંધ આવે એટલો જ મૃતદેહ કોહવાયેલો મળી આવે. જો મૃતદેહ પર તેની ઓળખ છતી કરતી કોઈ પણ નિશાની મળી આવે તો ઠીક નહીં તો પછી ડીએનએ ટેસ્ટ કરીને રૅકોર્ડ્સમાં રહેલાં સેમ્પલ્સ સાથે તેને મૅચ કરવામાં આવે છે. જેના પણ ડીએનએ મૅચ થઈ જાય તેના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવે છે.' એવું મિર્ના વધુમાં જણાવે છે.

સિનાલોઆમાં અપહરણ એ એક સામાન્ય બાબત બની ચૂકી છે અને જે લોકો પાસે પૈસા હોય એ લોકોનું ફિરૌતી (રૅન્સમ) માટે અપહરણ કરવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં બળજબરીથી યુવકોને ગુનેગારોની ગૅન્ગમાં સામેલ કરવામાં આવે છે અને બે જૂથ વચ્ચેની અથડામણમાં અનેક વખત અપહરણ કરાયેલા યુવકનું મૃત્યુ થઈ જાય છે. આ ઉપરાંત યુવતીઓનું અપહરણ માનવતસ્કરી માટે કરવામાં આવે છે અને મોટાભાગના કેસમાં તો પરિવારને ખબર જ નથી પડતી કે તેમની નજીકની વ્યક્તિ સાથે હકીકતમાં થયું છે શું?

દીકરાના અકાળ થયેલા મૃત્યુ બાદ તૂટી પડવાને બદલે મિર્ના હવે બમણા ઉત્સાહ અને જોશથી આ મિશન પર કામ કરી રહી છે અને અન્ય પરિવારોને તેમની ગુમ થયેલી વ્યક્તિઓની ભાળ મેળવવામાં મદદ કરે છે. એવું નથી કે આ ગ્રુપમાં માત્ર મહિલાઓ જ છે, કેટલાક પુરુષો પણ આ ગ્રુપના સભ્યો છે અને આવા જ એક સભ્ય છે ડૉન પેન્ચો.

છેલ્લાં ચાર વર્ષથી ડૉન પેન્ચો તેમના ગુમ થયેલાં દીકરાને શોધી રહ્યા છે. ડૉન પેન્ચોની આ શોધ ક્યારે પૂરી થશે એ તો ખબર નહીં, પણ તે સુખદ નીવડે એવી આશા તો રાખી જ શકાય ને? એવું નથી કે માત્ર માતા-પિતાઓ જ પોતાના ગુમ થયેલાં સંતાનોની રાહ જોઈ રહ્યા છે કે પછી તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, કેટલાક એવા દીકરા-દીકરીઓ પણ છે કે જે માતા-પિતાની રાહ જોઈ રહ્યા છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou3syP0bc1vakDAN-F89jEcUrvwPzRcQnKJTy5FLKh82Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment