Wednesday, 26 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઇસુપિતા પાસે પ્રેમ અને કરુણા સિવાય બીજી કઈ સંપત્તિ હતી? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઇસુપિતા પાસે પ્રેમ અને કરુણા સિવાય બીજી કઈ સંપત્તિ હતી?
ગુણવંત શાહ

 

 

 


નાતાલના પવિત્ર દિવસોમાં પ્રતિક્ષણ મને ઇસુપિતાનું સ્મરણ થતું રહે છે. ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટરનું એક વિધાન નાતાલના દિવસો દરમિયાન મારે હૈયે વર્ષોથી વસી ગયું છે. સાંભળો:

ઇસુ ભગવાન
તમારે ઘરે આજે બપોરે જ
આવવાના હોય એ રીતે
તમારી દિનચર્યા ગોઠવજો.


રમજાનના દિવસોમાં મને લગભગ આ જ રીતે રસૂલેખુદા મોહંમદસાહેબનું સ્મરણ મધુર રીતે પજવતું રહે છે. આ જ છે, મારું સેક્યુલરિઝમ! સાચું કહું?

1. મુસલમાનોના આચરણ પરથી પયગંબરનું મૂલ્યાંકન ન કરશો.
2. ખ્રિસ્તીઓના આચરણ પરથી ઇસુપિતાનું મૂલ્યાંકન ન કરશો.
3. હિંદુઓના ઉધામા પરથી રામ અને કૃષ્ણનું મૂલ્યાંકન ન કરશો.
4. ચેલકાઓના દુરાચરણ પરથી ગુરુનું મૂલ્યાંકન ન કરશો.


તમે માનશો? વિજ્ઞાનના આજના આવિષ્કારોની દિશા ઇશાવાસ્યવૃત્તિને સંકોરનારી છે. વિજ્ઞાન દુનિયાને જેમ જેમ નાની બનાવતું જાય, તેમ તેમ આપણાં હૃદય વિશાળ બનતાં જાય, તો જ સ્વસ્થ જીવન શક્ય બને


આટલું કહ્યા પછી લેખક યુવાલ નોહહચરિની એક તોફાની વાત પણ સાંભળી રાખો. '21 Lessons for the 21st Century' જેવા વિશ્વવિખ્યાત પુસ્તકમાં એક મૌલિક વાત કરે છે. એ કહે છે કે એકેશ્વરવાદ થકી માનવજાતનું નૈતિક ધોરણ ઊંચું નથી આવ્યું. લેખક કહે છે: શું તમે ખરેખર માનો છો કે મુસલમાનો હિંદુઓ કરતાં વધારે નીતિવાન છે? એટલા જ કારણસર કે તેઓ એક જ અલ્લાહમાં માને છે અને હિંદુઓ અનેક ભગવાનોમાં માને છે? શું અમેરિકાનાં મૂળ રહેવાસી એવા નાસ્તિકો કરતાં તો ખ્રિસ્તી ચડાઇ કરનારાઓ ઘણા અસહિષ્ણુ હતા.


જેઓ બહુઇશ્વરવાદી એવા તેઓ તો, અન્ય પ્રજાઓ ગમે તે ભગવાનને ભજે તે માટે સર્વથા ખુલ્લા હતા. એ લોકોએ ભાગ્યે જ અન્યધર્મીઓને યુદ્ધમાં રગદોળ્યા છે કે તેમની કત્લેઆમ કરી છે કે મોતને ઘાટ ઉતાર્યા છે. એની સામે જેઓ એક જ ઇશ્વરમાં માનનારા હતા, તેમણે તો એવું માન્યું કે એમનો ભગવાન તો એકમાત્ર એવો ભગવાન છે અને એ જ ભગવાનના તાબામાં આખી દુનિયાએ રહેવું જોઇએ.


પરિણામ એ આવ્યું કે ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનો ફેલાવો દુનિયાભરમાં થયો તેમાં ક્રુસેડ અને જેહાદની ભયંકર દુર્ઘટનાઓ બનવા પામી. વળી સાથોસાથ સુધારકો પર સજા માટે ખટલા ચલાવવાનું અને ધાર્મિક ભેદભાવ આચરવાનું પણ ચાલ્યું (પાન-191). આ મહાન લેખકનું પ્રવચન તા. 16મી ડિસેમ્બરે મુંબઇમાં ગોઠવાયું, પરંતુ એ સાંભળવા નહીં જવાય તેનો ગમ મને સતાવે છે. લેખકનું દર્શન કેવું હોય તે પ્રત્યક્ષ પામવાની ઇચ્છા પૂરી નહીં થાય.


લેખક સમ્રાટ અશોકનું ઉદાહરણ આપે છે. ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં થયેલા સમ્રાટ અશોક અને રોમન સમ્રાટોનું વલણ કેવું હતું? સમ્રાટ અશોકે અનેક સંપ્રદાયો, પંથો અને ગુરુઓ સાથે રાજ્યનું શાસન કર્યું. એણે પોતાને માટે 'દેવોના પ્રિય-પ્રિયદર્શી અશોક' એવું અનોખું વિશેષણ પ્રયોજ્યું હતું. રોમન સામ્રાજ્યમાં એનાથી સાવ જ ઊલટું બન્યું. 500 વર્ષ પછી શું થયું?


રોમન સમ્રાટોએ બધાં જ બિનખ્રિસ્તી દેવળો કે સ્થાનકો બંધ કરાવી દીધાં અને સમ્રાટ થિયોડોસિયસે તો એક ઢંઢોરો પણ પિટાવ્યો અને બધાં જ pagan રીતરિવાજો પર બંધી ફરમાવી. 'થિયોડોસિયસ' નામનો અર્થ જે થાય છે: 'ભગવાનનો દીધેલો.' નવા કાયદા પ્રમાણે જ્યુપીટર અથવા મિથ્રાસની પૂજા કરે તે મનુષ્યને મૃત્યુદંડ દેવામાં આવે એવી જોગવાઇ કાયદામાં કરવામાં આવેલી. અશોકની રાજનીતિ કરતાં આ રાજધર્મ સાવ જ ઊલટો હતો. એનું સૂત્ર હતું: 'અમારો ભગવાન એ જ ભગવાન છે, અન્ય કોઇ ભગવાન નથી-'


આવી દૃષ્ટિને પરિણામે 'યહૂદી પદાર્થવિજ્ઞાન અને ખ્રિસ્તી પ્રાણીવિજ્ઞાન' જેવા શબ્દપ્રયોગો જાણીતા બન્યા. યહૂદીઓની વસતિ દુનિયાની વસતિના 0.2 ટકા કરતાં પણ ઓછી હોવા છતાં, એમનું પ્રદાન વિજ્ઞાનના ક્ષેત્રે પ્રમાણમાં વધારે ગણાય. આપણને ખબર નથી કે (યહૂદી) આઇન્સ્ટાઇનના વડવાઓ ગેલિલિયો અને ન્યૂટનના કાળમાં શું કરતા હતા, પરંતુ એવો પૂરો સંભવ છે કે તે કાળે તેઓ તાલમુદ (યહૂદી ધર્મગ્રંથ)ના અભ્યાસમાં પ્રકાશના અભ્યાસ કરતાં વધારે રસ ધરાવતા હશે. આ પરિસ્થિતિમાં ખરું પરિવર્તન 19મી અને 20મી સદીમાં આવ્યું, જ્યારે ધર્મથી અલગ એવી વિચારશૈલીનું 'સેક્યુલરાઇઝેશન' થવા પામ્યું.


આજે પણ જે લોકો પોતાના ધર્મ પ્રત્યેની મમતાને કારણે અન્ય ધર્મોને અને અન્યધર્મીઓને નીચા ગણવાનું ગંધાતું ખાબોચિયું મનમાં લઇને ફરે છે, તેમને વિજ્ઞાનવૃત્તિ જરાપણ પજવતી નથી. આવાં ખાબોચિયાં પોતાના ધર્મમાં રહેલાં સારાં તત્ત્વોને જીવનમાં ઉતારવાનો કોઇ નિષ્ફળ છતાંય પ્રામાણિક પ્રયત્ન કરે છે ખરા? એક ચીની કહેવત આ વાત સમજવામાં ખપ લાગે તેવી છે:


જે માણસ યાર્ડ (વાર)ની વાતો કરે,
અને ઇંચને હિસાબે આચરણ કરે,
તેની સાથે કામ પાડવામાં
ફૂટનું ધોરણ રાખવું સારું!


માનશો? વિજ્ઞાનના આજના આવિષ્કારોની દિશા ઇશાવાસ્યવૃત્તિને સંકોરનારી છે. વિજ્ઞાન દુનિયાને જેમ જેમ નાની બનાવતું જાય, તેમ તેમ આપણાં હૃદય વિશાળ બનતાં જાય, તો જ સ્વસ્થ જીવન શક્ય બને. ઉપનિષદના ભાષ્યમાં મેં નવી ફોર્મ્યુલા આપી હતી:
ઇલેક્ટ્રોનિક્સ=એકતા+શૂન્યતા+અનંતતા.


સર્વોદયના વિકાસમાં આ ફોર્મ્યુલા ખૂબ જ ખપ લાગવાની છે. વિનોબાજી વિશ્વગ્રામની વાતો કરતા રહ્યા. એલ્વિન ટોફલરે 'ઇલેક્ટ્રોનિક ઝૂંપડી'ની વાત કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇકોલોજી વચ્ચેનો સમન્વય સર્વોદયના નિર્માણનું નિમિત્ત બની રહેશે. જીવન એક એવી મુસાફરી છે, જેમાં સામાન ટ્રેનમાં મૂકીને ઊતરી પડવાનો રિવાજ છે. શરત એટલી જ કે 'વન મસ્ટ ટ્રાવેલ લાઇટ.' આવી યાત્રામાં મહાન સિકંદર એક તણખલું પણ સાથે લઇ જઇ શકતો નથી. ઇશાવાસ્યવૃત્તિનો આ જ સાર છે.

 

 


પાઘડીનો વળ છેડે
જ્યારે સૂર્ય ઊગે ત્યારે હું કામે લાગું છું.
જ્યાર સૂર્ય આથમે ત્યારે હું ઊંઘી જાઉં છું.
કૂવો ખોદું છું અને એનું પાણી પીઉં છું.
ખેતરમાં કામ કરું છું અને મને ખાવાનું મળે છે.
જે કાંઇ પેદા થાય તેને હું વહેંચું છું.
સમ્રાટ પણ આનાથી વધારે શું કરી શકે?
ઇ.સ. પૂર્વે 500 વર્ષના ગાળામાં પ્રચલિત એવી ચીની ઉક્તિ
(નોંધ: સર્વોદયનો સાર! ઇસુ પાસે પ્રેમ અને કરુણા સિવાય બીજી કઇ સંપત્તિ હતી?)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os6Z7wDbswLGxTUTmRGannOWxcQXbgs3s6wLjBBAtnHhQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment