Friday, 28 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે: મોરારિબાપુ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે: મોરારિબાપુ!
સૌરભ શાહ

 

 

 

 

અયોધ્યામાં 'માનસ : ગણિકા'નો આજે છઠ્ઠો દિવસ છે. હરિ અનંત, હરિકથા અનંતા. કાશ, પૂજ્ય મોરારિબાપુની આ રામકથા નવ દિવસમાં પૂરી થવાને બદલે અનંતકાળ સુધી ચાલ્યા કરે, અમે સાંભળ્યા કરીએ અને ક્યારેય પાછા મુંબઈ ન જઈએ.

 

આજે ઠંડીનું જોર વધ્યું છે. સમયસર તૈયાર થઈને ક્વિક બ્રેકફાસ્ટ માટે નજીકના જૈન દિગંબર દેરાસરની ભોજનશાળામાં પહોંચી જઈએ છીએ. ભગવાન ઋષભદેવની સંગેમરમરની ત્રીસ ફૂટ કરતાંય ઊંચી વિરાટ પ્રતિમા છે. ભવ્ય દર્શનને આંખોમાં સમાવીને અમે તાજા ગરમાગરમ બનાવવામાં આવી રહેલા નાસ્તા (શિંગદાણા નાખેલો સ્વાદિષ્ટ ઉપમા અને વટાણા સાથેના અતિસ્વાદિષ્ટ પૌંઆ પ્લસ-ચા)ને પેટમાં પધરાવીને કથામંડપ પર પહોંચી જઈએ છીએ.

 

બાપુની સંગીતકાર મંડળીના સભ્યો વારાફરતી આવીને વ્યાસપીઠ સન્મુખ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને વાજિંત્રોને ટ્યુનિંગ કરવામાં વ્યસ્ત છે. મુંબઈ-થાણેની કથા દરમ્યાન આ સંગીતકારો સાથે સારી દોસ્તી થઈ ગઈ છે. સૌને પવઈના મારા ઘરે નિમંત્રણ આપ્યું હતું. એક આખી સાંજ એમની સાથે સત્સંગ કર્યો હતો. કેટલાકની સાથે તો એ પહેલાંથી પરિચય હતો.

 

અત્યારે સૌથી નજીક, સબ-સ્ટેજના મારા તરફના છેડે ગજાનન સાળુંકે નજરે પડે છે. શું શરણાઈ વગાડે છે આ મહારાષ્ટ્રિયન મહાશય. એમની બાજુમાં દલાભાઈ છે. પાકા રામભક્ત દલાભાઈનું આ હુલામણું નામ છે. બહુ ઓછાને ખબર હશે કે તેઓ દિલાવરભાઈ સમા છે. સુંદર કંઠે ગાય છે. બાકીના સાથીઓની જેમ રામચરિત માનસ કંઠસ્થ છે. મંજીરાં અને સાઈડ રિધમ દ્વારા પણ સંગત કરે છે. દલાભાઈની બાજુમાં કીર્તિ લિંબાણી છે. નાનપણથી બાપુ સાથે છે. ગજબનો કંઠ છે એમનો. મંજીરાં વગાડતાં મારે એમની પાસેથી શીખવાનું છે. કીર્તિની બાજુમાં બાપુ જેમને હકાના હુલામણા નામે બોલાવે છે એ રમેશ ચંદારાણા હાર્મોનિયમ અર્થાત્ સંવાદિની પર છે. ગાય પણ છે. હકાભાઈની બાજુમાં પંકજ ભટ્ટ બેઠા છે. તબલાંવાદક તરીકે એમને બાપુના અસંખ્ય શ્રોતાઓ પહેચાને છે. પંકજભાઈના યુવાન પુત્ર ભગીરથ ભટ્ટ સિતારવાદક છે. ક્યારેક ભગીરથ પણ આ સંગીતમંડળીમાં સામેલ થાય છે. પંકજભાઈની બાજુમાં બેઠેલા મહેંદીહસન નામના યુવાન પણ તબલાં વગાડે છે. એમને હું પહેલી જ વાર મળ્યો. મઝાના માણસ છે. હવે જે ભાઈ બેઠા છે એમની આંગળીઓને બેન્જો પર નર્તન કરતી તમે ઘણીવાર જોઈ છે. હિતેશ ગોસાંઈને સૌ કોઈ 'હિતેશ બેન્જો' કહે છે. છેક છેવાડે, અને પેલી તરફથી જુઓ તો સૌથી પહેલા હરિશ્ર્ચંદ્ર જોશી ટટ્ટાર મુદ્રામાં બેઠા છે. વિદ્વાન પ્રોફેસર, તત્ત્વજ્ઞાની કવિ. ઘેઘૂર અને બુલંદ કંઠ માટે જાણીતા. એમને ધ્યાનમગ્ન અવસ્થામાં હનુમાન ચાલીસા, શિવસ્તુતિ અને લોકસાહિત્યની રચનાઓ ગાતાં તમે 'આસ્થા' પર કથાના લાઈવ ટેલિકાસ્ટમાં જોયા-સાંભળ્યા છે.

 

બાપુની આ સમગ્ર સંગીતમંડળી પણ બાપુની માફક જ કલાકો સુધી એક જ આસને, પાણીનું ટીપુંય પીધા વિના એકધ્યાને બાપુ શું ગાવાના છે તેની રાહ જોતા હોય છે. માનસની ચોપાઈ, ભજન, ગીત, લોકગીત કે પછી કોઈ રાગ. કશું જ પૂર્વનિર્ધારિત નથી હોતું, બાપુ પોતાની મોજ પ્રમાણે કથા ગાતા રહે. એમના ઈશારાની પણ કોઈને જરૂર નથી. સેકંડના છઠ્ઠા ભાગમાં આ સૌ સંગીતકારો બાપુ જે ચોપાઈ ઉપાડે, લોકગીત શરૂ કરે તેમાં સાથ આપતા થઈ જાય. તમને નવાઈ લાગે કે આટલું સાહજિક કોઓર્ડિનેશન કેવી રીતે થતું હશે? આ જ તો એમનું તપ છે, જે એમના રિયાઝને ભગવા રંગની ઊંચાઈ બક્ષે છે.

 

શરૂઆતના કલાકમાં જે વાતાવરણ બંધાય છે તેમાં વિલંબિત સૂરે લોકાભિરામં રણરંગધીરંથી શરૂ કરીને મંગલભવન અમંગલ હારિ સુધીનાં પદ, સ્તુતિ, ચોપાઈ ગવાય છે. બાપુ આરંભ કરે, સૌ કોઈ ઝીલે.

 

એ પછી કથાનો જે વિષય હોય તેનો કેન્દ્રીય વિચાર જેમાં સ્ફૂટ થાય તે માનસની ચોપાઈ/દોહાનું પુન: પુન: ગાન થાય. 'માનસ : ગણિકા'નો મધ્યસ્થ વિચાર તુલસીદાસના આ શબ્દોમાં વ્યક્ત થાય છે:

અપતુ અજામિલુ ગજુ ગનિકાઉ

ભએ મુકુત હરિ નામ પ્રભાઉ

પાઈ ન કેહિ પતિત પાવન,

રામ ભજિ સુનુ સઠ મના.

ગનિકા અજામિલ બ્યાધ ગીધ

ગજાદિ ખલ તારે ઘના

 

બેઉના અર્થ વારાફરતી સમજી લઈએ: નીચ અજામિલ, ગજ અને ગણિકા પણ હરિના નામથી મુક્ત થઈ ગયા.

 

અરે મૂર્ખ મન, સાંભળ! પતિતોને પાવન કરવાવાળા શ્રી રામને ભજીને કોને પરમગતિ નથી મળી! ગણિકા, અજામિલ, વ્યાધ, ગીધ, ગજ આદિ અનેક દુષ્ટોને એમણે તારી દીધા છે. (વ્યાધ એટલે શિકારી).

 

ગણિકા તબીબ ફંડમાં આજ સુધીમાં રૂપિયા 5 કરોડ 17 લાખ ભેગા થઈ ગયા છે એવી ઘોષણા થઈ.

 

બાપુએ આજે ઋગવેદમાંથી પાંચ શ્ર્લોક ટાંકીને ગણિકાનું સ્થાન સમાજમાં કયા જમાનાથી છે તે સિદ્ધ કર્યું. બાપુ કહે: 'પણ આ કથા કશું સિદ્ધ કરવા નથી થતી, શુદ્ધ કરવા થઈ રહી છે.'

 

તર્કથી કંઈ પણ સિદ્ધ કરી શકો અને કુતર્કથી એ વાતને તમે કાપી પણ શકો, બાપુ કહે છે. દલીલબાજોએ, આર્ગ્યુમેન્ટેટિવ સ્વભાવ ધરાવનારા આપણે સૌ કોઈએ બાપુની આ વાતમાંથી ઘણો મોટો બોધપાઠ લેવો પડશે. લૉજિકથી, તર્કથી તમે કંઈ પણ સિદ્ધ કરી શકો પણ જરૂરી નથી કે સત્ય સુધી પહોંચી જ શકો એવું બાપુ કહેવા માગે છે એમ હું સમજ્યો. સમજફેર હોઈ શકે.

 

રહીમને યાદ કરીને બાપુએ કહ્યું કે રામચરિતમાનસને એણે હિન્દુઓ માટે વેદ અને મુસ્લિમો માટે કુર્રાનનો દરજ્જો આપ્યો. આજે રહીમની જરૂર છે, તથાકથિતોની નહીં, બાપુ ભારપૂર્વક જણાવે છે.

 

કથામંડપમાં ઊંચા આસને બિરાજી રહેલી સાધુ-સંતો-પંડિતો-ધર્માચાર્યોની મંડળી વિશે બાપુ કહે છે કે સાધુસંતોની સભા મળે ત્યાં આપોઆપ અયોધ્યા રચાઈ જાય. અહીં તો અયોધ્યા પણ છે, સાધુસંતોની સભા પણ છે. બાપુ કહે છે અહીંની કથા પૂરી કરીને 19 જાન્યુઆરીએ પ્રયાગરાજ જઈશ, કુંભમેળામાં કથા કરવા. એક તીર્થસ્થળેથી બીજા તીર્થસ્થળે.

 

ઋગ્વેદના એક પછી એક એવા કુલ પાંચ શ્ર્લોકોનું ઉચ્ચારણ કરીને એના અર્થમાં ઝાઝા ઊંડા ઉતરવાને બદલે બાપુ વિવેક રાખીને કુતૂહલપ્રેમીઓને પોતાની મેળે એમાં ઊંડા ઉતરવાનું કહે છે. આજની કથા પણ યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. શ્ર્લોકો એમાંથી સાંભળી લેવા. અમે ક્વોટ કરવા જઈશું તો અણઆવડતને લીધે ખોટું વેતરાઈ જશે.

 

બાપુ કહે છે કે જ્યારે ગણરાજ્યો હતાં ત્યારે ગણિકાઓ નાગરપુત્રો સાથે વેદાધ્યયન કરતી. સામ્રાજ્યવાદ આવ્યા પછી ગણિકાઓએ પોષિતામાંથી શોષિતા બનવું પડ્યું.

 

બાપુએ આજે એક મહત્ત્વની જાહેરાત કરી: આ બેટીઓનો હું બાપ છું. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી દર વર્ષે આમાંની સો બેટીઓને પરણાવવાની જવાબદારી મારી. માત્ર જોડી બનાવીને મારી પાસે આવી જવાનું, મંગલાષ્ટક તમારો આ બાપ ગાશે, તમારું ક્ધયાદાન આપશે. ભારતભરની આવી કોઈ પણ બેટી, ભારતની જ શું કામ વિશ્ર્વમાં ક્યાંય પણ આ કામ કરતી કોઈ પણ બેટી આવે. તમને યુવકો શોધતાં મુશ્કેલી પડવાની, જાણું છું. પણ તમારામાં જ ઘણાને દીકરાઓય હશે. આપસમાં જેમનું ગોઠવાયું હોય તેમણે ગોઠવી લેવાનું. હું સ્વીકારની માત્ર શબ્દોથી વાતો નથી કરતો, સ્વીકાર કરી રહ્યો છું. અયોધ્યામાં સંતોની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ સાથે આટલી નિર્ભિકતાથી ન બોલું તો બીજે ક્યાં બોલું?

 

બાપુને જોકે, ખ્યાલ નહીં હોય (ક્યાંથી હોય? અમને પણ અમારા 'એવા' મિત્રો દ્વારા માહિતી મળી છે કે, ફર્સ્ટ હૅન્ડ જાણકારી નથી) કે બૅન્ગકોકની બેટીઓને પરણવા કેટલાય યુરોપિયન યુવકો ઉત્સુક હોય છે. છેલ્લા દાયકામાં આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે (અને હૉલીવૂડની ફિલ્મોમાં ઝીલાયો પણ છે). આનું મુખ્ય કારણ એ કે બૅન્ગકોકની આ બેટીઓને ઘર ચલાવવાની પાકી તાલીમ મળતી હોય છે. એ જો કોઈની સાથે બે-ચાર દિવસ કે અઠવાડિયું રહે તો પત્નીની જેમ એની ચાકરી કરે. એનાં કપડાં ઈસ્ત્રી કરે, ભોજનની વ્યવસ્થા કરે, બીજા દિવસ માટેનાં કપડાં ગોઠવીને તૈયાર કરી રાખે વગેરે. કાર્યેષુ મંત્રી, ભોજયેષુ માતા અને શયનેષુ રંભા જેવું જ કંઈક. અને એટલે યુરોપના યુવકો એમને પરણવા, એમની સાથે ઘરસંસાર માંડવા આતુર હોય છે. બાપુની આ દીર્ઘદૃષ્ટિભરી જાહેરાત દ્વારા ભારતમાં પણ આવો ટ્રેન્ડ શરૂ થશે. જે દીકરીઓ સંસાર માંડીને સ્થિર થવા માગે છે એમને બાપુના આશીર્વાદથી જરૂર મનગમતો કોડીલો વર મળી જશે.

 

બાપુએ આજે એક વાત ભારપૂર્વક કહી. ભારપૂર્વક એટલે એક શ્ર્વાસે ત્રણ ત્રણ વાર કરી: 'પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે.'

 

કોઈની સમજફેર ન થાય એટલે ત્રણ વાર આ વાક્ય બોલ્યા. આ સૃષ્ટિમાં આસપાસની દુનિયામાં, નજીકના જગતમાં, આપણા પોતાના જીવનમાં, આપણા આંતરિક વિશ્ર્વમાં બધું જ બરાબર હોય, બધું જ એકદમ વ્યવસ્થિત-ઈસ્ત્રીટાઈટ ગડી કરેલું હોય-એવી આશા રાખીને દુ:ખી થયા કરતા લોકો માટે આ ઘણો કામનો શિલાલેખ બાપુએ કોતરી આપ્યો છે: પરમ અવ્યવસ્થા કા નામ પરમાત્મા છે.

 

બીજા શબ્દોમાં સમજવું હોય તો: આ અવ્યવસ્થા જ પરમાત્માની સિસ્ટમ (વ્યવસ્થાનો) ભાગ છે.

 

ગઈ કાલે રામજન્મ રંગેચંગે ઉજવાયો પણ એ ખુશાલીમાં નાચવાનું તો રહી જ ગયું, બાપુએ યાદ દેવડાવ્યું. સૌને પોતપોતાની જગ્યાએ જ ઊભા રહીને ગરબાના સ્ટેપ્સ લેવાનું કહ્યું અને શરૂ કર્યું: અવધ મેં આનંદ ભયો, જય રઘુવર લાલ કી, હાથી દિયો ઘોડા દિયો ઔર દિયો પાલખી, અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કી... અમે પણ ઊભા થઈને, અમારા થેલામાંથી મંજીરાં કાઢીને તાલ પુરાવવા માંડ્યા. એકાદબે મિનિટ પછી આજુબાજુના થોડાક લોકો મારી સામે જોઈને ઈશારો કરવા લાગ્યા. મને થયું કે મારું બેતાલ મંજીરાંવાદન એમને ખટકતું હશે, પણ હું મારી ધૂનમાં હતો. ત્રણચાર વખત આવું થયું પછી કોઈકે ગોદો મારીને મને ઈશારાથી સમજાવ્યું કે બાપુ બોલાવે છે. બાપુએ કીર્તિદાન ગઢવી પાસે 'અમે મહિયારાં રે ગોકુળ ગામના' રાસ શરૂ કરાવ્યો હતો. મંચ પર આવીને મંજીરાં સાથે નર્તન કરવાનો આગ્રહ તેઓ કરી રહ્યા હતા. મને નાચતાં આવડે નહીં. ભીતરમાં થતા નર્તન પૂરતી જ આપણી નૃત્યકળા સીમિત. પણ બાપુના અતિ આગ્રહને માથે ચડાવી અમે મંજીરાં સાથે મંચ પર પહોંચીને આવડે એવા સ્ટેપ્સ લેવા માંડ્યા. બાપુની એક તરફ રામજન્મભૂમિ શિલાન્યાસ ટ્રસ્ટના વયોવૃદ્ધ મહંત શ્રી બિરાજમાન હતા. એમના ચરણસ્પર્શ કરીને યુકેથી આવેલા લૉર્ડ પોપટ, રમેશ સચદે અને કેટલાક ભજનિક, સાધુઓના વૃંદમાં અમે જોડાઈ ગયા. એક નૃત્ય કરતા સાધુએ આવીને મારી પાસે મંજીરાં માગી લીધાં. મેં તરત આપી દીધાં. બાપુએ પોતે તાલ આપવા કરતાલ મગાવી લીધી. મને યાદ આવ્યું કે અમારા થેલામાં પણ કરતાલ છે. મુઠ્ઠી ઉઘાડબંધનો ઈશારો કરીને મગાવી લીધી. બસ, પછી તો પૂછવું જ શું... નરસિંહ મહેતાના શબ્દો છે, કીર્તિદાનનો કંઠ છે અને બાપુની અને અમારી કરતાલની સાથે સંગીત મંડળીની રમઝટ છે: મારે મહીં વેચવાને જાવાં મહિયારાં રે ગોકુળ ગામનાં... રામજીની અયોધ્યાનગરીમાં આજે તો જાણે નંદલાલાની ગોકુળ નગરી ઊતરી આવી હતી.

 

સમયપત્રક કંઈક એવું ગોઠવ્યું છે કે આજની કથા સાંભળ્યા પછી એક જમાનામાં જ્યાં બાબરી ઢાંચો હતો તે સ્થળ પરની રામ જન્મભૂમિની મુલાકાત લઈને ત્યાં બિરાજમાન રામલલ્લાની મૂર્તિનાં દર્શન કરવાં છે. ટૂંક સમયમાં જ ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે એવી સૌ કોઈને શ્રદ્ધા છે. મંદિરની ઈમારતના વિવિધ હિસ્સા સંપૂર્ણ કોતરણી સાથે તૈયાર જ છે. ઉતારેથી કથામંડપ જતાં આવતા રોજ અમે મંદિરના આ હિસ્સાઓ જ્યાં રાખ્યા છે ત્યાંથી પસાર થઈએ છીએ. બસ, 'ઉપરવાળા'નો આદેશ થાય એટલી વાર છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuowRKyNJCsQxG3vSntF8DsnvqSWNN8xz--G5H_8k-Shg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment