Friday, 28 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માણસ, કાયદો અને ન્યાય (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માણસ, કાયદો અને ન્યાય!
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

 

 

 

અમેરિકાના અલાબામા રાજ્યના મોન્ટેગોમેરી શહેરની બસમાં એક હબસી સ્ત્રી, મિસિસ રોઝા પાર્ક્સ ટિકિટ લઈને હબસીઓ માટેની સીટમાં બેસે છે. એ વખતે બસમાં હબસીઓ માટેની બેઠકો બસમાં જુદી હતી. આગળના બસ સ્ટોપ પર થોડા ગોરા ઉતારુઓ બસમાં ચડે છે. બસમાં બેસવાની જગ્યા નથી. પરંતુ આવું તો કાયમ બનતું હતું. ડ્રાઈવર પાછળ નજર કરીને હબસીઓને તેમની બેઠકો ઉપરથી ઊભા થઈને ગોરા ઉતારુઓને જગ્યા કરી આપવા કહે છે. હબસીઓ ઊભા થઈ જાય છે. ગોરા સદ્ગૃહસ્થો અને સન્નારીઓ માટે બેઠકો ખાલી કરી આપે છે.

પરંતુ એક હબસી સ્ત્રી ઊભી થતી નથી. એ છે મિસિસ રોઝા પાર્ક્સ. બસ ચિક્કાર ભરેલી છે. એકવાર જો એ ઊભી થાય તો આખે રસ્તે એને ઊભા જ રહેવું પડે. પાસે ઊભેલો ગોરો, સીટ પર બેસવા માટે ઉતાવળો થતો હતો.

હબસી સ્ત્રી, રોઝા પાર્ક્સના મનમાં એકાએક વિદ્રોહ જાગી ઊઠે છે- કાયમનું આ અપમાન કયાં સુધી? સીટ પરથી ઊભા થવાનો એ ઈન્કાર કરે છે.

બસના ઉતારુઓ અને ડ્રાઈવર બધા ડઘાઈ જાય છે. એક હબસી સ્ત્રીની આટલી હિંમત? ડ્રાઇવર ફરી એકવાર ઊંચા અવાજે હબસી સ્ત્રીને ઊભા થઈ જવાની આજ્ઞા કરે છે. ડ્રાઈવરની એ ફરજ પણ હતી. પરંતુ સ્ત્રી પોતાની બેઠક છોડવા તૈયાર નથી. છેવટે ડ્રાઈવર પોલીસને બોલાવે છે અને હબસી સ્ત્રી રોઝા પાર્ક્સને પોલીસ ગિરફતાર કરે છે. પોલીસની એ ફરજ હતી. પોલીસ એ વખતના કાયદાનું પાલન કરી પોતાની જવાબદારી અદા કરી રહી હતી.

બીજો એક એવો જ બનાવ ઈતિહાસને પાને નોંધાયો છે એ આ પ્રમાણે છે.

એક માણસને રોજ સવાર-સાંજ ચાલવા જવાની ટેવ છે. ક્યારેક થોડું વધારે કામ આવી ગયું હોય તો થોડું વહેલું-મોડું થઈ જાય, પણ ચાલવા જવાનું એટલે જવાનું જ, એમાં કોઈ ફેરફાર નહિ. ટેવ પ્રમાણે એક દિવસ એ ચાલવા નીકળે છે.

પરંતુ એ વખતે, એ પ્રદેશમાં કાળા લોકોને ગમે ત્યાં ફરવાની છૂટ નહોતી. ગોરાઓની ફૂટપાથ પણ સ્પેશિયલ ખાસ હતી. એના ઉપર કાળા લોકોને ચાલવાની મનાઈ હતી. ફૂટપાથ ઉપર ચાલતાં પેલા માણસને જોઈને એક પોલીસ ખિજાઈ જાય છે. નિયમોનો ભંગ કરનારને ધક્કા મારીને એ ફૂટપાથ ઉપરથી નીચે પાડી દે છે અને ઉપરથી એક લાત લગાવી દે છે.

ફૂટપાથ ઉપર ચાલનાર વ્યક્તિ એટલે બીજું કોઈ નહિ પણ, મોહનદાસ કરમચંદ ગાંધી. આફ્રિકાના ભારતીય સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ. અને એ પોતે બેરિસ્ટર છે. એની એવી સ્થિતિ જોઈને થોડે દૂરથી પસાર થનાર એક ગોરા મિત્રે દોડી આવીને કહ્યું, 'મિત્ર ગાંધી, તમે એ સિપાઈ ઉપર કેસ કરો. એ માણસે તમારી સાથે ખરાબ વહેવાર કર્યો છે. હું સાક્ષી આપીશ.' (આવો વહેવાર હબસી સાથે કર્યો હોત તો એ સહજ હતું!)

ગાંધી સ્વસ્થતાથી કહે છે. 'એ સિપાઈને મન તો કાળા એટલે કાળા જ. હબસીઓને ફૂટપાથ ઉપરથી એ આ રીતે ધક્કા મારીને જ ઉતારતો હશે ને?'

કાયદાપાલનની ફરજ જ પોલીસે બજાવી હતી!

યુરોપિયનો ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે પણ એમના કાયદાઓનો અમલ કરતા હતા. જે ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ સમજી શક્તા નહોતા. કારણ કે, આદિવાસીઓના કાયદા જુદા હતા. અંગત મિલકત શું કહેવાય તે આદિવાસીઓ જાણતા નહોતા. આદિવાસીઓની નજરે જે કાયદો હતો તે યુરોપિયનોની દ્રષ્ટિએ ગુનો હતો.

આદિવાસીઓમાં એવો કાયદો હતો કે જે માણસ શિકાર કરે તેની માલિકી તેની ગણાય.

યુરોપિયનો ખેતી કરતા અને ઘેટાં ઉછેરતાં. યુરોપિયનોની દ્રષ્ટિએ ઘેટું જેણે ઉછેર્યું હોય તેની માલિકીનું ગણાય. આદિવાસીઓ જ્યારે કોઈ ઘેટાંનું ટોળું જોતા તો અત્યંત આનંદમાં આવી જતાં અને ભાલાઓ અને બીજા હથિયારો લઈને એનાં ઉપર તૂટી પડતાં. યુરોપિયનો આદિવાસીઓને લૂંટારા માનીને તેમના ઉપર ગોળીઓ ચલાવતા. બંનેના કાયદાઓ અલગ હતા. અનેક આદિવાસીઓએ આ રીતે પોતાના જીવ ખોયા હતા.

એવી જ રીતે કોઈ આદિવાસી સ્ત્રી યુરોપિયનોના ખેતરમાં જઈ ચડતી તો વિના સંકોચે બટાકાના કંદને ખોદીને લેવા માંડતી. એના મત પ્રમાણે ધરતીમાંથી જે કંઈ મળે તેના ઉપર એ કાઢનારનો સ્વાભાવિક જ અધિકાર હતો; પણ ખેતરના યુરોપિયન માલિકને ખબર પડતી ત્યારે એ બંદૂક લઈને ધસી આવતો અને પોતાના ખેતરમાં ઘૂસી જનાર ચોરને જરાય અચકાયા વિના ગોળી મારીને મારી નાંખતો.

આદિવાસીઓ સમજી શક્તા નહોતા કે, એમને વગર ગુનાએ શા માટે મારી નાખવામાં આવતા હતા! પણ યુરોપિયનો માટે એ કાયદેસર હતું.

સોક્રેટિસની વાત તો લગભગ આપણે બધાં જ જાણીએ છીએ. સોક્રેટિસ ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે દેવી-દેવીઓનો અનાદર કરે છે અને યુવાનોને ગેરરસ્તે દોરે છે. એ આરોપસર એના ઉપર કામ ચાલ્યું અને તત્કાલિન એથેન્સના કાયદા પ્રમાણે તેને મૃત્યુની સજા કરવામાં આવી. સોક્રેટિસે પોતે જ પોતાના હાથે ઝેરનો કટોરો પીને મરી જવાનું હતું. અને સોક્રેટિસે સજાનો સ્વીકાર કરીને ઝેરનો કટોરો પીધો ત્યારે એની ઉંમર બ્યાંશી વર્ષની હતી. જગતના મહાન ફિલોસોફરને આ રીતે એટલે કે કાયદેસર રીતે જ મારી નાંખવામાં આવ્યો હતો. એમાં ગેરકાયદેસર કશું નહોતું.

આનાથીયે વધારે એક ક્રૂર કિસ્સો છે. જેને જગત ક્યારેય ભૂલી નહિ શકે, એ ઈસુ ખ્રિસ્તનો છે. કાયદાના પાલન માટે જ એ વખતના ડાહ્યા અને વિદ્વાન આગેવાનોએ ઈસુ ખ્રિસ્તને હાથમાં અને પગમાં ખિલ્લા ઠોકી દઈને અત્યંત ક્રૂર રીતે ક્રોસ પર લટકાવીને મારી નાખવાની સજા કરી હતી, પણ એ કાયદેસર હતું.

આપણે બધાં જાણીએ છીએ કે હજુ હમણાં સુધી જગતમાં ગુલામીની પ્રથા હતી. એમાં માનવીના વેચાણનું ખુલ્લું બજાર ભરાતું અને બજારમાં સ્ત્રીઓ અને બાળકોનું પણ લિલામ થતું અને એ બધું કાયદેસર હતું. શિષ્ટ અને સંસ્કારી ગણાતાં માણસે ગુલામ સ્ત્રી-પુરુષ અને બાળકો ઉપર સદીઓ સુધી જે ત્રાસ ગુજાર્યો છે એ માનવ ઈતિહાસની સૌથી કલંકિત-કાળી બાજુ છે.

હબસી સ્ત્રી રોઝા પાર્ક્સની વાત હોય, બેરિસ્ટર ગાંધીની વાત હોય કે, યુરોપિયનોએ ઓસ્ટ્રેલિયામાં આદિવાસીઓને ગોળીએ દીધાની વાત હોય, સોક્રેટિસના ઝેરના પ્યાલાની વાત હોય કે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની વાત હોય, એ વખતે એ બધું કાયદેસર હતું. ગુલામોને રાખવા એ પણ કાયદેસર જ હતું. અરે, પ્રતિષ્ઠિત પણ હતું.

આજે આપણને પ્રશ્ન થાય છે કે એ બધું કાયદેસર હતું, પણ શું ન્યાયી હતું? કાયદેસર હોવું એટલે ન્યાયી હોવું એવું માનવું ક્યારેક ભૂલ ભરેલું હોય છે અને આવી ભૂલો બહુ મોટા ગણાતાં માણસો કરતા હોય છે.

એટલે કાયદાના કડક પાલન માટે તમે આગ્રહ રાખો ત્યારે થોડું અટકી જઈને, એક માનવી તરીકે જરૂર એટલો વિચાર કરજો કે તમે કોઈને અન્યાય તો કરતા નથી ને? કારણ કે, કાયદેસર હોય, એ બધું ન્યાયી નથી હોતું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovb77tMRedP3z9c%2BE4A1bof%3DvHNMhij2R6hfuyABSMeBA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment