Friday, 28 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાડકાંને મજબૂત રાખવાં જરૂરી છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાડકાંને મજબૂત રાખવાં જરૂરી છે!
જિગીષા જૈન

 

 

કુદરતી રીતે જે હાડકાં નબળાં પડે છે એને રોકવું અઘરું છે, પરંતુ લાઇફ-સ્ટાઇલને કારણે નાની ઉંમરથી જ હાડકાં નબળાં ન થાય એની જવાબદારી આપણે લેવી જરૂરી છે. ઓબેસિટી, બેઠાડુ જીવન અને વિટામિન Dની કમી જેવાં કારણોને લીધે તમારાં હાડકાં નબળાં ન પડે એનું ધ્યાન રાખવું જરૂરી છે


હાડકાં ભેગાં મળી શરીરનું કંકાલ તંત્ર બને છે જે શરીરનો આધાર છે. એના પર આ સમગ્ર શરીર ટકેલું છે. આમ એ આપણા સ્વસ્થ અને લાંબા જીવનનો પણ મૂળભૂત આધાર બની જાય છે. આપણા શરીરમાં ૨૦૬ હાડકાં રહેલાં છે જે સતત જરૂરિયાત અનુસાર તેમનો આકાર અને તેમનું બંધારણ બદલતાં રહે છે. હાડકાંનું કામ ફક્ત શરીરને આકાર આપવાનું જ નથી, પરંતુ એના બીજા ઘણા ઉપયોગ છે. શરીરમાં દાંત પછી કોઈ મહત્વનું મજબૂત બંધારણ ધરાવે છે તો એ હાડકાં છે, જેને કારણે શરીરને સપોર્ટ મળે છે. વળી એ શરીરના નાજુક ભાગોનું રક્ષણ કરવાનું મોટું કામ કરે છે. જેમ કે ખોપડી મગજનું રક્ષણ કરે છે. વળી હાડકાંની અંદરના ભાગમાં જેને બોન મૅરો કહે છે એમાં લોહી માટે જરૂરી રક્તકણો બને છે. એ કૅલ્શિયમના લેવલને શરીરમાં નિયંત્રિત રાખે છે, જેને લીધે નળીઓ અને સ્નાયુઓ બરાબર કામ કરી શકે. એ કૅલ્શિયમનો પોતાનામાં સંગ્રહ કરીને પણ રાખે છે.


હાડકાં ગળવાં
કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ માટે દેશી ભાષામાં આપણે સાંભળીએ છીએ કે તેનાં હાડકાં ગળી રહ્યાં છે. ઘણી વખત કોઈ વ્યક્તિ બીમાર હોય અને એ બીમારીની શરીર પર ખૂબ અસર જણાય તો પણ એમ કહીએ છીએ કે તેનાં હાડકાં ગળી ગયાં. પરંતુ હકીકત એ છે કે ૩૫ વર્ષની ઉંમર પછીથી હાડકાં ગળવા માંડે એટલે કે બોન લૉસ થવાનું શરૂ થઈ જાય છે. એ વિશે સમજાવતા બોરીવલીના ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. પીનાકિન શાહ કહે છે, '૩૫ વર્ષની ઉમર વ્યક્તિનો મધ્યાંતર કહી શકાય. જ્યારે તે જીવનના મધ્ય ભાગમાં આવીને ઉભો રહે છે. આ ઉંમર પછીથી શરીરમાં ઘણા ફેરફાર થાય છે તેમાં એક મહત્વનો ફેરફાર બોન લોસ છે. એમાં ધીમે-ધીમે હાડકાંની ઘનતા ઓછી થતી ચાલે છે. આ એક એજિંગ પ્રોસેસ છે જે બધા જ જોડે થાય છે. કોઈને ખૂબ ઝડપી થાય છે કોઈને ધીમે-ધીમે થાય છે. ઍવરેજ દરેક વ્યક્તિને ૩૫ની ઉંમર પછી દર વર્ષે ૧ ટકા જેટલો બોન લૉસ થાય છે. સ્ત્રીઓમાં મેનોપૉઝ બાદ દર વર્ષે ૩ ટકા બોન લૉસ થાય છે. હાલમાં હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી છે જેના વડે આ પ્રોસેસને ધીમી પાડી શકાય અથવા અટકાવી શકાય છે જે ઘણી જ ખર્ચાળ છે.


ખોટી લાઇફ-સ્ટાઇલ
લાઇફ-સ્ટાઇલ વ્યવસ્થિત ન હોવાને કારણે હાડકાં પર અસર થાય છે તે નિã ત છે. એવા ક્યા પરિબળો છે જેને કારણે હાડકા પર અસર થઈ શકે છે એ જાણવું મહત્વનું છે. તેમ સમજાવતા નોવા સ્પેશ્યલ્ટી હૉસ્પિટલના ની ઍન્ડ જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સજ્ર્યન ડૉ. હિતેશ કુબાડિયા કહે છે, 'આપણે એક વસ્તુ સમજવી જરૂરી છે કે જે જિનેટિક પ્રૉબ્લેમ્સ છે કે કુદરતી રીતે જે અમુક ઉંમર પછી બોન લૉસ થાય છે એના માટે આપણે કશું જ કરી શકવાના નથી જેમાં આપણે ફેરફાર કરી આપણાં હાડકાંને વ્યવસ્થિત રાખી શકીએ છીએ તે એક લાઇફ-સ્ટાઇલ જ છે, જેમાં નાના-મોટા બદલાવ લાવી આપણે આપણા હાડકાને મજબૂત રાખી શકીએ તેમ છીએ. ઓબેસિટી, બેઠાડુ જીવન અને ઇન્ડોર સૂર્યપ્રકાશ વગરનું જીવન જેને કારણે વિટામિન Dની ઊણપ આ ત્રણ મુખ્ય કારણો છે, જેને લીધે આજના સમયમાં નાની ઉંમરથી જ હાડકાની શક્તિ ઓછી થતી જાય છે. આ કારણો બાબતે ગંભીર બનવાની જરૂર છે, કારણ કે આ કારણો એવાં છે જેને આપણે રોકી શકીએ છીએ. કાબૂમાં લઈ શકીએ છીએ અને હાડકાંને મજબૂત બનાવી શકીએ છીએ.


હાડકાંની હેલ્થ જાળવવા માટે શું કરવું?
હાડકાંની કાળજીની શરૂઆત માતાની કૂખમાં બાળક હોય ત્યારથી જ થવી જોઈએ. ગર્ભવતી માતા એ કૅલ્શિયમ અને આયર્નની દવાઓ બરાબર લેવી જ. એથી બાળકમાં જન્મથી એની કમી ન હોય.


જન્મ બાદ પણ બાળકની ડાયટનું ધ્યાન રાખવું. સાથે-સાથે ફિઝિકલી ઍક્ટિવ બનાવવું. આજકાલ બાળકોની આઉટડોર ઍક્ટિવિટી ઘટી ગઈ છે જે તેમના હાડકાંના ઘડતર માટે સારી બાબત નથી.  


હાડકાં માટે અત્યંત જરૂરી એવું ઘટક કૅલ્શિયમ છે. એક વયસ્ક વ્યક્તિએ એક દિવસમાં ૧૦૦૦ મિલીગ્રામ કૅલ્શિયમ લેવું જોઈએ. એક સ્ત્રીએ મેનોપૉઝ પછી દરરોજ ૧૨૦૦ મિલીગ્રામ કૅલ્શિયમ લેવું જોઈએ. દૂધ અને દૂધની બનાવટો, કેળાં, સોયાબીન, બદામ વગેરેમાંથી કૅલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે. કૅલ્શિયમ ઉપરાંત મૅગ્નેશિયમ, મૅન્ગેનીઝ, આયર્ન, વિટામિન B અને વિટામિન C પણ હાડકાં માટે ખૂબ જરૂરી તત્વો છે જે શાકભાજી અને ફળોમાંથી મળી રહે છે.


આજકાલ લોકોમાં વિટામિન Dની ભારે કમી જોવા મળે છે, જે હાડકાંની હેલ્થ માટે ખૂબ જ અગત્યનું ઘટક છે. આથી દિવસમાં ઓછામાં ઓછી વીસ મિનિટ શરીરને સૂર્યપ્રકાશ મળે જ એનું ધ્યાન રાખો. દર ૬ મહિને કે વર્ષે વિટામિન D, વિટામિન B૧૨, કૅલ્શિયમની ટેસ્ટ કરાવતા રહો. કોઈ ઊણપ આવે તો તરત ડૉક્ટરને મળો.


એક્સરસાઇઝથી હાડકાં મજબૂત બને છે એ વાત સાચી છે. હાડકાં પર જેટલો લોડ પડશે એટલાં એ વધુ મજબૂત બનશે. આમ તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ મદદરૂપ થશે, પરંતુ યોગ હાડકાંને ફ્લેક્સિબિલિટી આપે છે અને વેઇટ ટ્રેઇનિંગથી હાડકાંની ઘનતા વધે છે. વહેલી સવારની ૪૫ મિનિટની વૉક લો અથવા ગાર્ડનમાં સૂર્યપ્રકાશ મળે એ રીતે સૂર્ય નમસ્કાર, યોગ કે બીજી કોઈ પણ એક્સરસાઇઝ કરો જેથી શરીરને એક્સરસાઇઝ પણ મળી રહે અને સવારનો કૂણો તડકો વિટામિન Dની કમી પૂરી કરે.


ખૂબ નાની ઉંમરમાં તમને થાક લાગવા માંડે, બૅક પ્રૉબ્લેમ એટલે કે પીઠનું દરદ શરૂ થઈ જાય, વાંકા વાળવામાં તકલીફ થાય કે ગોઠણમાં દુખાવો શરૂ થઈ જાય તો તરત જ ડૉક્ટરને મળો. એનો અર્થ એ થાય કે તમારાં હાડકાં નબળાં છે. એની સ્ટ્રેન્ગ્થ વધારવા તમને ડૉક્ટરની જરૂર છે. બને એટલું કામ જાતે કરો. શરીરને કસી શકાય એવી જીવનશૈલી બનાવવાની કોશિશ કરો. કોઈ પણ પ્રકારની હાડકાંની તકલીફમાં મહત્વનું છે કે તમે સ્નાયુઓને એટલા મજબૂત કરો કે એ હાડકાંની શક્તિ વધારે. એ માટે મહેનત સિવાય બીજો કોઈ ઉપાય નથી.


લિફ્ટને બદલે દાદરા વાપરો. અઠવાડિયે એક વાર ઘરની સફાઈ જાતે કરો. બજારમાંથી વસ્તુઓ જેમ કે શાકભાજી કે ફળો ફોન પર ઑર્ડર કરવાને બદલે ખુદ ખરીદીને ઉપાડીને ઘરે લાવો. આવા નાના ચેન્જ પણ મોટો ફાયદો આપે છે.


ઓબેસિટી હાડકાંની હેલ્થની મોટી દુશ્મન છે. જો તમારે હાડકાંને સશક્ત રાખવાં હોય તો ઓબેસિટીથી બચવું જરૂરી છે. હાડકાંની હેલ્થ માટે તમારું વજન ન વધે એની ખાસ કાળજી રાખો. વજન વધારે હોય તો વ્યવસ્થિત ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા ઓછું કરો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ourz7yMXCoYqcEhJy357xHPt1xfyfFHeOEUK3%3DsXveHSg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment