Wednesday, 26 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કરુણાસાગર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કરુણાસાગર!

 

ભગવાન બુદ્ધ જ્યારે રાજકુમાર હતા ત્યારની વાત છે.

રાજપાટનો ત્યાગ કરી સિદ્ધાર્થ સત્યની શોધમાં નીકળી પડયા હતા. ચારેકોર જ્યાં જુવો ત્યાં હિંસા ચાલી રહી હતી. કોઇને સાચું શું છે કે ખોટું શું છે તે જાણવાની-સમજવાની કે વિચારવાની ફુરસદ નહોતી.

સૌ પોતાના ખ્યાલમાં મસ્ત હતા.

એવા સમયે સિદ્ધાર્થ એક જંગલમાંથી પસાર થતા હતા.

એ વખતે એક ભરવાડ કેટલાંક ઘેટાંબકરાંના ટોળાને હાંકી જતો હતો. એ ટોળામાં ઘેટાનું એક બચ્ચું પણ હતું. પરાણે વહાલું લાગે એવા એ ઘેટાના બચ્ચાને પગે કાંટો વાગ્યો હતો એટલે એ ઝડપથી ચાલી શક્તું નહોતું.

ભરવાડ વારંવાર તેને લાકડીનો ગોદો મારતો હતો તેને ઝડપથી ચાલવા-દોડવા ફરજ પાડતો હતો.

પેલું નાનકડું બચ્ચું બિચારું પગમાં કાંટો લાગવાથી દોડી નહોતું શકતું છતાં ભયથી ત્રણ પગે પણ ઝડપથી ચાલવા મથામણ કરતું હતું.

સિદ્ધાર્થે આ જોયું.

તેમના હૃદયમાં તો કરુણા ભરેલી જ હતી. આ દૃશ્ય જોઇ એમનાં હૃદયમાં કરુણા ઊભરાઇ આવી.

તેણે કહ્યું,'ભાઇ ભરવાડ! આ બચ્ચું બિચારું ચાલી નથી શકતું, તેને પગે કાંટો વાગ્યો છે.'

'તેનું તારે શું છે? નહીં ચાલે તો તેને માર પડશે.'

સાંભળીને સિદ્ધાર્થનું મન ભરાઇ આવ્યું. તેણે ફરી વિનંતીભર્યા સ્વરે પૂછ્યું,

'તમને વાંધો ન હોય તો એ બચ્ચાંને હું ઊંચકી લઉં અને તમારી સાથે ઊંચકીને ચાલું.'

'મને શું વાંધો છે? પણ જો બચ્ચાંને લઇને ભાગવાની કોશિશ કરી તો આ ડાંગ સગી નહીં થાય.'

સંમતિ મળતાં સિદ્ધાર્થે એ બચ્ચાને તેડી લીધું, પંપાળવા લાગ્યા. ધીરેકથી તેના પગમાંથી કાંટો પણ કાઢ્યો. બચ્ચું નિર્ભયતાથી સિદ્ધાર્થ સામે જોવા લાગ્યું. એ ઘેટાં-બકરાંને હાંકીને ભરવાડ બિંબિસારના યજ્ઞમંડપમાં જતો હતો.

બિંબિસારે મહાયજ્ઞ માંડ્યો હતો.

એ યજ્ઞમાં હોમવા માટે અને ત્યારપછી જમણ માટે હજારો ઘેટાં-બકરાંની જરૂર હતી. પેલો ભરવાડ પણ બિંબિસારના યજ્ઞમંડપ પાસે આવીને ઊભો રહ્યો. સિદ્ધાર્થ પણ પેલા ઘેટાંના બચ્ચાને ઊંચકી તેની સાથે ઊભા હતા.

યજ્ઞવિધિ ચાલી રહ્યો હતો.

યજ્ઞ-કુંડમાં હોમવાનો સમય આવ્યો. એણે શણગારેલા હ્યુષ્ટપુષ્ટ થયેલા બકરાને આગળ લાવવામાં આવ્યો.

આ દૃશ્ય જોઇ કુમાર સિદ્ધાર્થનું હૃદય દ્રવી ઊઠ્યું.

તેઓ તરત જ વધ કરનાર પાસે ગયા અને પ્રેમથી કહ્યું,'ભાઇ, જો આ મૂંગા પ્રાણીનો વધ કરવાથી ભગવાન રાજી થતા હોય તો મનુષ્યનો વધ કરવાથી ભગવાન વધારે રાજી થશે.'

પેલો વધ કરનાર તો આવનારને જોઇ રહ્યો.

સિદ્ધાર્થે મીઠી વાણીમાં કહ્યું,' ભાઇ, તું એક કામ કર, આ ઘેટાં-બકરાંને છોડી દે અને મારો ભોગ સ્વીકાર.'

યજ્ઞ-મંડપમાં હાહાકાર થઇ ગયો.

આ વળી નવી વાત હતી. આટલાં વર્ષોથી ક્યારેય સાંભળી નહોતી. વાત ઠેઠ રાજા સુધી પહોંચી.

બિંબિસારને પણ આશ્ર્ચર્ય થયું. રાજા પોતે યજ્ઞ-મંડપમાં આવ્યા અને સિદ્ધાર્થને પૂછ્યું,'કેમ? યજ્ઞ વધ બંધ શા માટે રખાવ્યો?'

સિદ્ધાર્થે વિનયથી કહ્યું,'રાજન! મેં યજ્ઞ વધ બંધ નથી કરાવ્યો. હું તો આપને વિનંતી કરું છું કે આ જીવન અમૂલ્ય છે. માનવદેહ મળવો ઘણો કઠિન છે. જીવન પછી ભલે એ મનુષ્યનું હોય, પશુનું હોય, પંખીનું હોય કે જીવજંતુનું હોય, પણ એ જીવન અમૂલ્ય જ છે. જીવન આપણે કોઇને આપી નથી શકતા એટલે કોઇનું જીવન છીનવી લેવું એ યોગ્ય નથી. આપણે સૌ પરમાત્માની કૃપાથી જ જીવીએ છીએ. પ્રાણીઓનો વધ કરવો એના જેવું મહાભયંકર પાપ બીજું કોઇ નથી.'

રાજા બિંબિસારને સિદ્ધાર્થની વાતોમાં પૂરેપૂરું તથ્ય લાગ્યું. તેમણે તરત જ પ્રાણીઓનો વધ બંધ કરાવ્યો. શિલાલેખ કોતરાવ્યો કે આજ પછી મારા રાજ્યમાં જીવહિંસા બંધ છે.

('સંસ્કારી સંતકથાઓ'માંથી સાભાર)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvSOcmfY7SBMc%3DjqE-i7F088oFato6xyMxPMNq%2BpchH6w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment