Wednesday, 26 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સામાન્ય શરદી ને સાઇનસ વચ્ચેનો ફરક જાણી લો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સામાન્ય શરદી ને સાઇનસ વચ્ચેનો ફરક જાણી લો!
જિગીષા જૈન

 

 

જ્યારે શરદી ખૂબ ભરાઈ જાય તો આપણે કહીએ છીએ કે સાઇનસની તકલીફ થઈ ગઈ છે, પરંતુ મેડિકલ ટર્મમાં એને સાઇનસાઇટિસ કહે છે. આ તકલીફને ઘણા સામાન્ય શરદી સાથે જોડે છે. હકીકતમાં એ બન્ને અલગ છે. વળી લોકો સમજે છે કે શિયાળામાં આ રોગ થાય છે, પરંતુ એ પણ ખોટી માન્યતા છે. સાઇનસાઇટિસ વિશે આ મૂળભૂત માહિતી જાણી લો


આપણું શરીર અને એની રચનાઓ ઘણી જ રસપ્રદ છે. ઘણા લોકોને માથું દુખે કે ખૂબ શરદી ભરાઈ ગઈ હોય ત્યારે તે કહેતા હોય છે કે તેમને સાઇનસ થઈ ગયું છે. ખરા અર્થમાં એ તકલીફનું નામ સાઇનસ નથી, પરંતુ આપણા શરીરની એક રચનાને સાઇનસ કહે છે. એ સાઇનસમાં જયારે ઇન્ફેક્શન આવે ત્યારે તકલીફ શરૂ થાય છે અને એને સાઇનસાઇટિસ કહે છે. ઘણા લોકો સામાન્ય શરદી અને સાઇનસાઇટિસ વચ્ચેનો ફરક સમજતા નથી. જોકે એ ફરક સમજવો એટલો સરળ પણ નથી. એક નિષ્ણાત ડૉક્ટર જ એ ફરક જણાવી શકે છે. વળી સામાન્ય શરદી સાઇનસાઇટિસ થવાનું એક કારણ હોઈ શકે છે, પરંતુ એવું પણ શક્ય છે કે માણસને શરદી ન થઈ હોય અને તેને સાઇનસાઇટિસની તકલીફ હોય. આજે આ રોગને વ્યવસ્થિત રીતે સમજીએ.


સાઇનસાઇટિસ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે અને કોઈ પણ ઉંમરે થઈ શકે છે. વળી એવું પણ નથી કે આ રોગ બધાને જ થાય. આમ તો સાઇનસ થવાનું કોઈ ખાસ કારણ હોતું નથી. ઘણા લોકો માને છે કે આ રોગ શિયાળામાં વધુ થાય છે એ પણ હકીકત નથી. સીઝન ચેન્જ થવાને કારણે જે ઇન્ફેક્શન લાગવાનું પ્રમાણ વધી જતું હોય છે અને એને કારણે સાઇનસ થવાની શક્યતા પણ વધી જતી હોય છે. બધા જ સાઇનસ નાક સાથે જોડાયેલા હોવાથી નાકમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થાય અથવા કોઈ બીજા ભાગમાં થયેલા ઇન્ફેક્શનની અસર નાક પર થઈ હોય તો આ ઇન્ફેક્શન આગળ સ્પ્રેડ થઈને સાઇનસ સુધી ફેલાઈ શકે છે અને સાઇનસમાં ઇન્ફેક્શન થઈ શકે છે.


સાઇનસ
આપણી ખોપડીને એક આકાર આપવા અને વધુ ભારી ન થઈ જાય એ માટે હાડકાંઓની વચ્ચે ખાલી જગ્યાઓ રાખવામાં આવી છે. સાઇનસ એટલે શું એ સમજીએ તો આપણી ખોપડીને જો અધવચ્ચેથી બે ભાગ કરીએ તો ચહેરાની જમણી અને ડાબી બન્ને બાજુએ સરખી રીતે ફેલાયેલી સ્પેસ એટલે કે ખાલી જગ્યા છે. એને સાઇનસ કહે છે. આ સાઇનસ કપાળમાં આઇબ્રોની ઉપરના ભાગમાં, આંખ અને નાકની વચ્ચેના ભાગમાં, નાકની પાછળના ભાગમાં તથા નાકની નજીક ગાલમાં આમ ચાર જગ્યાએ ચહેરાની બન્ને બાજુએ ફેલાયેલા છે. આ સાઇનસની કામગીરી વિશે જણાવતાં જોબનપુત્રા ક્લિનિક, કાંદિવલીના ચ્ફ્વ્ સજ્ર્યન ડૉ. ભરત જોબનપુત્રા કહે છે, 'આ સાઇનસ સતત એક પ્રવાહી બનાવે છે જે નાકને સાફ રાખે છે અને ઇન્ફેક્શનથી બચાવે છે. જમણી અને ડાબી બાજુ ફેલાયેલાં આ ચાર-ચાર સાઇનસ નાકમાં આવીને ખૂલે છે. આ સાઇનસ સાથે ટિશ્યુની લાઇનિંગ જોડાયેલી હોય છે, જે આપણા શ્વાસમાં લીધેલી હવાને ગરમ અને ચોખ્ખી કરવાનું કામ પણ કરે છે. જ્યારે આ સાઇનસમાં કોઈ પણ કારણોસર ઇન્ફેક્શન લાગે અને એને લીધે એની આ લાઇનિંગમાં સોજો આવે તો આ તકલીફને સાઇનસાઇટિસ કહે છે.'


સાઇનસાઇટિસ
સાઇનસાઇટિસમાં સાઇનસની હાલત શું થાય છે એ વિસ્તારથી સમજાવતાં ઓમ ચ્ફ્વ્ ક્લિનિક, અંધેરીના ચ્ફ્વ્ સજ્ર્યન ડૉ. શૈલેશ પાન્ડે કહે છે, 'સામાન્ય રીતે સાઇનસમાં હવા ભરાયેલી હોય છે, પરંતુ જ્યારે સાઇનસ કફથી ભરાઈ જાય એટલે કે બ્લૉક થઈ જાય તો એ સાઇનસની અંદર કીટાણુ ડેવલપ થાય છે. આ કીટાણુ કોઈ પણ હોઈ શકે છે. વાઇરસ, બૅક્ટેરિયા કે ક્યારેક કોઈ કેસમાં ફંગલ પણ હોય છે. જેમ-જેમ આ કીટાણુ વધે છે એમ-એમ સાઇનસનું ઇન્ફેક્શન વધી જાય છે. આ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને સાઇનસાઇટિસ જ કહેવાય છે. સામાન્ય રીતે ઇન્ફેક્શનની શરૂઆત વાઇરલ ઇન્ફેક્શનથી જ થતી હોય છે. ઘણી વાર એ ઇન્ફેક્શન લંબાઈ જાય તો એ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનમાં પરિણમતું હોય છે. જ્યારે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે ત્યારે સાઇનસમાં પસ ભરાઈ જાય છે. ઘણા ડાયાબિટીઝના દરદીઓમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. આ દરદીઓને સાઇનસમાં ફંગલ ઇન્ફેક્શન થયું હોય છે. આવા સંજોગોમાં હાલત ગંભીર થઈ શકે છે. ઘણી વાર ઑપરેશનની મદદથી આ ઇન્ફેક્શનને દૂર કરવું પડે છે. ઘણી વાર ફંગલ ઇન્ફેક્શન વધી જાય તો એ હાડકાને ખાઈ જાય છે. આ સંજોગોમાં એ જીવલેણ સાબિત થઈ શકે છે.'


લક્ષણો
સાઇનસનાં ટિપિકલ લક્ષણો જાણીએ જોબનપુત્રા ક્લિનિક, કાંદિવલીના ENT સર્જન ડૉ. ભરત જોબનપુત્રા પાસેથી.


સાઇનસાઇટિસનાં લક્ષણો સામાન્ય શરદીને મળતાં આવતાં હોય છે. જેમ કે આંખમાંથી પાણી ગળવું, નાક ઠસાઈ જવું, માથું દુખવું, તાવ આવવો વગેરે. પરંતુ મહત્વની વાત એ છે કે જરૂરી નથી કે શરદી જેવાં લક્ષણો એમાં જોવા મળે જ.


સાઇનસાઇટિસમાં ચહેરા પર અમુક જગ્યાએ દુખાવો રહે છે, મોઢા પર સતત ભાર લાગ્યા કરે છે, નાક એકદમ કફથી ભરાઈ ગયું હોય એવું લાગી શકે છે.


ઘણી વાર એ ગળતું પણ હોઈ શકે છે; જેને લીધે વ્યક્તિ ગંધ પારખી શકતી નથી, નાક ઠસાઈ ગયું હોવાને કારણે નાકથી શ્વાસ લેવો મુશ્કેલ બને છે અને વ્યક્તિ મોઢામાંથી શ્વાસ લેવા લાગે છે. મોઢામાંથી શ્વાસ લેવાને કારણે વ્યક્તિના મોંમાંથી વાસ આવે છે.


નાકની અંદર ક્યારેક કોઈ વ્યક્તિને પસ થઈ ગયું હોય છે તો ઘણા લોકોને દાંતનો દુખાવો પણ થાય છે.


આ બધાં જ લક્ષણોમાં અમુક લક્ષણો હોય તો અમુક ન હોય એવું બને છે, પરંતુ સામાન્ય રીતે એક લક્ષણ હોય જ છે. એ છે માથાનો દુખાવો, જે લગભગ દરેક વ્યક્તિને સાઇનસ થાય એટલે રહેતો જ હોય છે.


સાઇનસાઇટિસની તકલીફ ઓળખવી સામાન્ય માણસ માટે સરળ નથી એટલે જ્યારે તે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર તેને ચેક કરીને કહે છે કે આ વ્યક્તિને સાઇનસાઇટિસ થયું છે કે નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtWqmydzUH1x4Fne-K8OvXMXbs6gSShOEwaVG66OY3wKQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment