Wednesday, 26 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચેટિંગ, ડેટિંગ એન્ડ લાઇફ ઑફ સેટિંગ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચેટિંગ, ડેટિંગ એન્ડ લાઇફ ઑફ સેટિંગ!
કાજલ ઓઝા વૈધ

 

 

33 વર્ષનો હામિદ નિહાલ અન્સારી પાકિસ્તાનની જેલમાં છ વર્ષ રહીને પાછો ફર્યો છે. પ્રેમમાં પડેલો આ ભણેલો-ગણેલો છોકરો ખૈબર પખ્તૂનખ્વા નામના વિસ્તારમાં રહેતી એક છોકરીને ઇન્ટરનેટ ઉપર મળ્યો. હામિદનાં અમ્મી ફૌઝિયા સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. એના પિતા નિહાલ અન્સારી બેંકર છે. એક સારા પરિવારનો સમજદાર છોકરો 2012માં પરિવારને એવું કહીને નીકળ્યો કે એ એરલાઇન્સમાં ઇન્ટરવ્યૂ આપવા માટે અફઘાનિસ્તાન જાય છે.


માતા-પિતા સલાહ આપે છે, સૂચનો કરે છે, પણ સંતાનોનું પૂરું સાંભળતાં નથી.... કદાચ એટલે નવી પેઢીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને પોતાનું નવું ધર બનાવી લીધું છે


અફઘાનિસ્તાન પહોંચ્યા પછી એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, ચિંતામાં પડેલાં માતા-પિતાએ હેકરની મદદથી એનું લેપટોપ ઓપન કરાવ્યું. જાણ થઈ કે હામિદ પાકિસ્તાનમાં એક છોકરી સાથે ચેટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યો હતો. એણે પાકિસ્તાનના અનેક લોકોનો સંપર્ક કર્યો હતો, એ જાણવા માટે કે વિઝા વગર પાકિસ્તાન કેવી રીતે પહોંચી શકાય. એણે ગૂગલ ઉપર આ રસ્તો શોધી કાઢ્યો... મેપની મદદથી એ અફઘાનિસ્તાનના રસ્તે ખોટી આઇડેન્ટિટી સાથે પાકિસ્તાન પહોંચ્યો ત્યાં સુધી એનાં માતા-પિતાને કલ્પના સુધ્ધાં નહોતી કે એ શું કરવા જઈ રહ્યો છે. 2012માં એને પકડવામાં આવ્યો, 2015માં ગુનેગાર ઠેરવીને સજા કરવામાં આવી... જતીન દેસાઇ નામના એક એક્ટિવિસ્ટની મદદથી એ આજે પાછો તો આવ્યો છે પણ આવી સ્થિતિમાં ફસાયેલા બધાને જતીન દેસાઈ મળતા નથી. ફૌઝિયા અને નિહાલ ભણેલાં તથા પહોંચેલાં માતા-પિતા હતાં, પરંતુ આવા કેટલા બીજા હશે જે ઇન્ટરનેટના માધ્યમમાં સપડાઈને પોતાની જિંદગી બરબાદ કરી નાખતા હશે!


ઇન્ટરનેટ ચેટિંગ, પછી ડેટિંગ... ને એમાંથી નીપજતું સેટિંગ કેટલાયને તહસ-નહસ કરી ચૂક્યું છે. ફેસબુક, ટિન્ડર, ઓકેક્યુપિડ, રાયા, પ્લેન્ટી ઓફ ફિશ, કોફી મીટ્સબગેલ, હેપન, ધ લીગ... આવી તો કેટલીય ચેટિંગ એપ્સ અવેલેબલ છે. સવાલ એ છે કે આમાં જણાવવામાં આવતી માહિતી કેટલી સાચી છે એની કોઈને ખબર નથી. એક સર્વે મુજબ ઓનલાઇન ડેટિંગ પ્લેટફોર્મ પર 30 ટકા જેટલી સ્ત્રીઓ અને 70 ટકા જેટલા પુરુષો છે. 18થી 21 વર્ષના આમાં બહુ હશે એમ માનીને જો આવી સાઈટ આપણે જોઈએ તો આશ્ચર્ય થાય, કારણ કે ટિન્ડર અને બમ્બલ જેવી એપ્સ ઉપર 45થી 55 વર્ષના લોકો વધારે સક્રિય છે. આ હકીકત નવાઈ પમાડે એવી છે.


ઇન્ટરનેટ આખા વિશ્વ પર પથરાયેલી એક એવી જાળ છે, જેણે લગભગ તમામ વર્ગ અને ભાષાના લોકોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. આ જાળ એવી તો ફેલાઈ છે કે માત્ર વોટ્સએપ કે ફેસબુક નહિ, સોશિયલ મીડિયા જાણે કોમ્યુનિકેશનનો પર્યાય બની ગયું છે. નવાઈ લાગે એવી વાત એ છે કે આ આપણને સમજાતું નથી અથવા તો સમજાય છે તેમ છતાં આપણે એમાંથી બચી શકતા નથી.


જરાક વિચારીએ તો સમજાય કે આખી એક પેઢી હવે કાગળનો ઉપયોગ નથી કરતી, કલમ નથી વાપરતી. કોઈપણ વસ્તુ માટે એ ફોટા પાડી લે છે અથવા રેકોર્ડ કરી લે છે અથવા વોટ્સએપના માધ્યમથી એમનું આખું કોમ્યુનિકેશન ગોઠવાય છે. હવે આ બાળકો, ટિનેજરો કે યુવાનો ફોન ઉપાડતા નથી... ટેક્સ્ટથી જ એમનો આખો વ્યવહાર ગોઠવાય છે. માતા-પિતા કે વડીલો હજી પણ ફોન કરે છે, પરંતુ આ નવી પેઢીના છોકરાઓને જોઈએ તો સમજાય કે મુંબઈની લોકલ ટ્રેનના સ્ટેશન ઉપર, એરપોર્ટ ઉપર, ક્લાસીસમાં પણ આ છોકરાઓ રિચેબલ છે. વળી, મહત્ત્વનું કામ ચાલતું હોય તેમ છતાં એ છોકરાઓ પોતાના ફોનથી દૂર રહી શકતા નથી. કાનમાં ઈયર ફોન ભરાવીને આ છોકરાઓ વાંચી શકે છે, એમના લેપટોપ પર કામ પણ કરી શકે છે... એ પણ ફોકસ રહીને! એક આખી પેઢી સિંગલ ટ્રેક માઇન્ડ ધરાવતી હતી. અવાજ થતો હોય તો કામ ન કરી શકે... એક કામ કરતા હોય ત્યારે બીજા કામમાં એમનું ધ્યાન ન પરોવાય, અને જો બીજે ધ્યાન જાય તો પેલું કામ અટવાઈ જાય... નવી પેઢી એવી નથી! શતાવધાની શબ્દને સાચો સાર્થક કરે એવી આ પેઢી છે. આપણને આ સમજાય છે કે નહીં, પણ આ પેઢી પાસે ઘણું કરી શકવાની ક્ષમતા છે. માત્ર અભ્યાસ એ એમનું ધ્યેય નથી.


જે માતા-પિતા 50નાં થયાં છે, એ માતા-પિતા એમના પછીની પેઢી માટે ઘર, ઓફિસ, બિઝનેસ કે તૈયાર ખુરશી મૂકીને જવાના છે... હવે મહત્ત્વનો સવાલ એ છે કે આ પેઢીને એ ખુરશી જોઈએ છે ખરી? એ માતા-પિતાના બિઝનેસમાં દાખલ થવા લેવા તૈયાર છે ખરા?


અમિતાભ બચ્ચનના સમયને પૂરો થયાને વર્ષો વીત્યાં તેમ છતાં હજી નવી પેઢી એંગ્રી યંગની ઈમેજમાં જીવ્યા કરે છે. માતા-પિતાનો વિરોધ કરવો કે એમને છેતરવા વિદ્રોહ હોઈ શકે પણ વિદ્રોહમાં બુદ્ધિ હોવી, સમતા અને અક્કલ હોવી પણ જરૂરી છે. દેશમાં એવા કેટલાય કિસ્સા સાંભળવા મળે છે જેમાં યુવાન દીકરી પ્રેમમાં પડીને ઘર છોડીને ભાગી ગઈ હોય, પછી એની સ્થિતિ એટલી દયનીય અને કફોડી થાય કે પાછા ફરવાની પણ જગ્યા ન રહે.


13મી ડિસેમ્બરે મોરારિબાપુએ કમાઠીપુરાની મુલાકાત લીધી. અત્યારે અયોધ્યામાં ચાલી રહેલી રામકથા 'માનસ-ગણિકા'માં આમંત્રણ આપવા માટે બાપુ એ રેડલાઇટ વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં અનેક લોકો પોતાના મોઢા સંતાડે છે, અથવા અણગમો કે સૂગ દેખાડે છે... બાપુના આવતા પહેલાં વ્યવસ્થા કરવા માટે મુંબઈના કમાઠીપુરા વિસ્તારમાં વિતાવેલા ચાર કલાક દરમિયાન એક કર્ણાટકની અને બીજી કાનપુરની બે દીકરીઓ મળી.


એકની ઉંમર 28 ને બીજીની ત્રેવીસ... વોટ્સએપ ઉપર પ્રેમમાં પડેલી આ બે છોકરીઓમાંથી એક ઉચ્ચ જ્ઞાતિની ઉચ્ચ મધ્યમ વર્ગની છોકરી જેવી વિધર્મી છોકરાના પ્રેમમાં પડીને એની સાથે મુંબઈ ભાગી આવી. ઘરમાંથી લાવેલા દાગીના અને પૈસા વપરાઈ ગયા પછી છોકરાએ એને કમાઠીપુરા વિસ્તારમાં વેચી દીધી. કાનપુરથી આવેલી છોકરી પણ વિધર્મી છોકરાના પ્રેમમાં પડી. છોકરાએ એને મુંબઈ આવ્યા ત્યાં સુધી સચ્ચાઈ જણાવી જ નહોતી!!! કોલેજની બહાર ઊભો રહેતો આ છોકરો રોજ એનો નંબર માંગતો હતો અંતે એણે પીગળીને ફોન નંબર આપ્યો, ચેટિંગ શરૂ થયું. બંને જણાં ભાગ્યાં... છોકરી પાસે ખાસ પૈસા નહોતા એટલે એને સીધી જ કમાટીપુરામાં લેન્ડ કરવામાં આવી.


આવી કેટલીયે કથાઓ કહી શકાય તેમ છે.
સવાલ એ છે કે જે માતા-પિતા પોતાના સંતાનને ઉછેરે, શિક્ષણ આપે, એના ભવિષ્ય માટે સપનાં જુએ અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મહેનત કરે. માતા-પિતાને આ બધું કરવામાં એટલો સમય નથી રહેતો કે એ સંતાનના અંગત જીવનમાં ડોકિયું કરે.


આપણે ભારતીયો અજાણતાં જ વહેલા ઘરડા થવા લાગીએ છીએ. લફરાબાજીમાં કે શરાબની મહેફિલોમાં આપણને આપણી ઉંમર નથી દેખાતી. એમાં બધા 'દિલ તો જવાન હૈ' કહીને બચતા રહે છે. વાળ કાળા કરવાથી કે જિમમાં જઈને શરીર સુદૃઢ કરવાથી યુવાની પુરવાર થતી નથી. નવું શીખવાની તૈયારી કે નવા સમયને, જમાનાને અને બદલાતી પેઢીઓને સમજવાથી યુવાની ટકી રહે છે. 15થી 25 ની વચ્ચેના યુવાનો, છોકરો કે છોકરી - મુંબઈ જેવા શહેરમાં લાખ રૂપિયાનો પગાર માગતા થઈ ગયા છે. એમની આવડત પણ એટલી છે કે એમને આવા પગાર મળતા થયા છે. આ પેઢી ઘર ખરીદવામાં, બચત કરવામાં કે ભવિષ્ય માટે કશું સુરક્ષિત કરવામાં માનતી નથી. ક્ષણેક્ષણને જીવી લેવી અને ભાવિની ચિંતા ભવિષ્યમાં કરીશું એમ માનીને જીવતી આ પેઢી અને આખી જુવાની સંતાનો માટે બચત કરવામાં અને સલામતી ઊભી કરવામાં ખર્ચી નાંખનાર મા-બાપ વચ્ચે માત્ર વિચારોનો જ નહીં વાણી, વ્યવહાર અને વ્યક્તિત્વનો પણ ભેદ પડવા માંડ્યો છે. તેની ભાષા જુદી પડે છે, ભોજન જુદું પડે છે પણ જ્યારે ભાવનાઓ જુદી પડવા માંડે છે ત્યારે એકબીજાને છેતરવાનું શરૂ થાય છે.


60 વર્ષના પિતા જો કોઈને ચાહે તો તેમને એ જણાવવામાં અચકાટ ન થવો જોઈએ. પચાસ વરસની મા જો પિતા સાથે સુખી નથી તો એ વાતનો ઘટસ્ફોટ કરવામાં કે જાહેર કરવામાં સૌથી પહેલું સંતાન હોવું જોઈએ. માતા-પિતા સંતાનને છેતરે છે... દંભ કરે છે અને સંતાન સાથે મન ખોલીને વાત કે વ્યવહાર કરી શકતા નથી પછી સંતાન પણ એ જ શીખે છે અને એમ જ કરે છે.


સોશિયલ મીડિયાએ આ યુવાનોને એક નવું જ પ્લેટફોર્મ ખોલી આપ્યું છે. ઘરમાં જે વાત ન થઈ શકે એ બધી સોશિયલ મીડિયામાં ચર્ચી શકાય છે. જાણીતા-અજાણ્યાની સામે મન ખોલી શકાય છે જજ થવાની બીક રાખ્યા વગર. માતા-પિતા સલાહ આપે છે સૂચનો કરે છે પણ પૂરું સાંભળતાં નથી.... કદાચ એટલે આ સંતાનોએ, નવી પેઢીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને ધર બનાવી લીધું છે. માતા-પિતાને સત્ય જણાવીને જવાની હામિદને હિંમત નહીં થઈ હોય, કારણ કે નહીં જવા દે એવી ખાતરી હશે. જો માતા-પિતાને જણાવ્યુ હોત તો કદાચ એના પ્રેમના સંપર્કનો કોઈ જુદો રસ્તો અખત્યાર થઇ શક્યો હોત!


જિંદગીનાં ઉત્તમ વર્ષો જેલમાં વિતાવવા પડે એનો શો અર્થ છે? આવી ભૂલો અટકાવવી હોય તો યુવાન દેખાવાને બદલે યુવાન થઈને વિચારવું પડશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov_6NcR5kY9VmfxsZv2iji1qZPP57xQk6LtC2%3DJh63ErQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment