લિપસ્ટીક જરા સૅક્સી શબ્દ છે. અહીં લખવામાં કે સારા માણસોની હાજરીમાં બોલવામાં ઘ્યાન રાખવું પડે. પણ કોક પ્રતિષ્ઠિત મહિલાએ હમણાં જાહેરમાં એવું કીઘું હતું કે, 'સૅક્સી' શબ્દ જ સૅક્સી નથી. આઈ મીન... સૉરી, શી મૅન્ટ... કે, કોઈ સ્ત્રી સુંદર લાગતી હોય, તો એ 'સૅક્સી' લાગે છે, એવું કહેવામાં કોઈ વિનયભંગ થતો નથી. બઘું બરોબર જ છે. (લાગતી હોય ને કહેવાનું રહી જાય, તો વિનયભંગ થાય!)
જો કે, શબ્દોના મામલે હું જરા હતપતીયો ખરો, એટલે ''ઈ તો કિયે હવે...''ના ધોરણે ઑક્સફર્ડ ડિક્શનૅરીમાં તપાસ કરી જોઈ તો ખબર પડી કે, આમ તો 'સૅક્સી' બેશક ઘૂમધડાકા કરાવનારો શબ્દ છે, પણ ઑક્સફર્ડવાળાઓએ આજની પેઢીનો વપરાશ જોતા નવો અર્થ ઉમેર્યો છે કે, કોઈ પૈસેટકે કે લોકપ્રિયતાની દ્રષ્ટિએ ઝાકઝમાળવાળું લાગતું હોય કે દેખાવમાં જરા ઈન્ટરેસ્ટિંગ લાગતું હોય તો એને માટે 'સૅક્સી' શબ્દ વાપરવાનો વાંધો નથી... આમાં તો સાલું, માયાવતિ કે કરસનભાઈ પટેલને ય 'સૅક્સી' કહી શકાય... જય અંબે.
હું થોથવાતો હતો કે, લિપસ્ટીક વિશે લખીએ તો લોકોના મોંઢા કે હોઠ તો નહિ ચઢી જાય ને? ને? લિપસ્ટીક એમ કાંઈ ઉઘાડેછોગ બોલાય એવો શબ્દ નથી... લિપસ્ટીક ઉઘાડેછોગ વપરાય ખરી. પંજાબણો અને સિંધણો લિપસ્ટીકના મામલે આખા વર્લ્ડમાં સૌથી વઘુ વજન ઉચકે છે. ઘણા કૅસોમાં તો એમનું આખું બૉડી હોઠ ઉપર... આઈ મીન, લિપસ્ટીક ઉપર લટકી રહ્યું હોય છે. કહે છે કે, એ લોકો માંદીઓ પડે તો બ્લડને બદલે લિપસ્ટીકના બાટલા ચઢાવવા પડે. પંજાબી સ્ત્રીઓના અલમસ્ત હોઠ પરાઠા, નાન ને તંદુરી રોટી જેવા તગડા હોય છે. એ હિસાબે તો, આપણી ગુજરાતણોના હોઠ ઘીવાળી રોટલી જેવા પતલા-પતલા અને સ્વાદિષ્ટ હોય છે, નહિ? (જવાબ : પતલા-પતલા સુધી બરોબર છે, બાકીનું તમે જાણો, દવે સાહેબ... જવાબ પૂરો)
મહારાષ્ટ્રીયન સ્ત્રીઓ જવલ્લે જ લિપસ્ટીક વાપરે છે. આમ તો એ આખો ક્લાસ જ નોકરિયાત હોવાથી, ઑફિસમાંથી ગીફ્ટ-કૂપનમાં લિપસ્ટીક આવી હોય તો વાપરી નાંખવાની ને બહુ શોખ હોય તો સરકારી ધોરણો મુજબ ફક્ત જાહેર રજાના દિવસોએ જ વાપરવાની. રાજસ્થાની સ્ત્રીઓ લિપસ્ટીક વાપરે છે, પણ એમની લિપસ્ટીકો અદ્રશ્ય હોય. દુકાનનું શટર ઊંચુ કરો, એમ એનો ધૂંઘટ ઊંચો કરો, તો લિપસ્ટીક દેખાય. એમનો બનાવ-સિંગાર ધૂંઘટની આડમાં હોય. મૅઇક-અપના આ મોટા થપેડા કર્યા હોય, જલારામના તાળા જેવા નાકમાં ચૂના પહેર્યા હોય કે કાનમાં તત્તણ લાખના ઍયરિંગ્સ પહેર્યા હોય... રામ કસમ, ધૂંઘટનો પલ્લુ નીચે ઉતારે તો ખબર પડે ને? ઘરની બહાર નીકળ્યા પછી આપણા કરતાં સાવ ઊલટું... એ લોકોમાં ગોરધન દસ ડગલાં આગળ ચાલતો હોય ને આવી ઠાઠ ઠઠારો કરેલી વાઈફો પાછળ, બોલો!... સાલી બધી હિંમતો રાજસ્થાનમાં જ ભેગી થઇ છે!
ગુજરાતમાં હજી લિપસ્ટીક કલ્ચર ડૅવલપ થયું નથી. પાર્ટી-બાર્ટી કે લગન-બગન ઠીક છે, બાકી ગુજરાતણોને એ હજી બહુ વાપરતા આવડી નથી. ગમે તેમ લપેડા કરી લાવે છે. વાપરવાની ખાસ કાંઈ આવડત ન હોય એટલે કેટલીક તો લાલ મૂછો કરીને આઈ છે કે લિપસ્ટીક લગાડી છે, તે તપાસી જોવું પડે. એમ તો કેટલીક સ્ત્રીઓને ટુથબ્રશ અને લિપસ્ટીક વચ્ચેના તફાવતની ખબર પણ છે, પણ બધીઓને નહિ... એમના હોઠો ઉપર લિપસ્ટિકના લબ્દા ચોંટ્યા હોય! કેટલી લિપસ્ટીક લગાવવી, ચોપડવી કે ઘસવી, એનો દર વખતે સરખો અંદાજ ન રહેતો હોવાથી લાકડાના વેલણ ઉપર લોટનો લૂવો રહી ગયો હોય, એવા માલમલીદા એમના હોઠો ઉપ જમા થયા હોય...!
આપણને એમ થાય કે આ બધીઓની બાઓ ય ખીજાતી નહિ હોય? ...આ તો એક વાત થાય છે. પંજાબમાં તો બાઓ ય લિપસ્ટીક લગાડીને કિર્તન કરતી હોય.
ઈન ફૅક્ટ, લિપસ્ટીક લગાવવી કલા છે. મકાન ધોળવા અને રંગવા જેટલો ફરક છે. કોડીયાની દીવેટને કેવી નાજુકાઇથી આંગળી અડાડીને ઊંચી કરવાની હોય... એમ અહીં પણ બારીકાઈથી કામ લેવાનું છે. પોસ્ટ ઑફિસનું પરબીડીયું ચૂસતી હોય, એમ હોઠ પર લસરકો ન મરાય, બેન! વળી, હોઠના રિવરફ્રન્ટ જેવા આખા પટ ઉપર એકસરખો રંગ લાગવો જોઈએ... કરફ્યૂ દરમ્યાન રસ્તા ઉપર ઢેખાળા ઢોળાયા હોય, એમ હોઠ પર રંગના છુટક છુટક ટપકાં ન દેખાવા જોઈએ. ખોટી વાત છે મારી? ના આવડતી હોય તો આપણા જેવા કોકને કહે તો લગાવી ય આપીએ ને લૂછી ય આપીએ. લગ્નમાં આવેલી ઘણી મણીબેનોની લિપસ્ટીક એમના દાંત ઉપર ચોંટેલી દેખાય છે. કહે છે કે, એ લોકો લગાવવા ગયા'તા દાંત ઉપર... ને લાગી ગઇ હોઠ ઉપર! મારા ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન અનેક સ્ત્રીઓને મેં ભૂલમાં આંખનું કાજલ લિપસ્ટીકની જગ્યાએ ને આંખમાં લિપસ્ટીક આંજતા જોઈ છે. આઈ મીન, એવું કશું લગાડ્યું ન હોય... ઓરિજીનલ રંગો જ આંખ અને હોઠ ઉપર છલક્યા હોય!
લિપસ્ટીક લગાવવાની પહેલી શરત એ છે કે, ડાર્ક લિપસ્ટીક લગાવી હોય, તો આંખોનો મૅઇક-અપ બહુ લાઈટ જોઈએ. નહિ તો ખોળામાં પ્રહલાદને લઇને હોળી માતા પ્રગટ થયા હોય એવીઓ લાગે.
લિપસ્ટીક લગાવતા પહેલા લિપ બામ, બ્રશ અને ગ્લૉસની જરૂર પડે. બ્લૉટિંગ-પેપર પણ જોઈએ. પુરૂષ મૂછ કાપતી વખતે અરીસામાં જોઈને હોઠ પહોળા કરતો હોય, એવા જડબે સ્ત્રીઓએ લિપસ્ટીક લગાવતી વખતે અરીસામાં જોવું જોઈએ. વળી, બહાર નીકળ્યા પછી દર બબ્બે કલાકે લિપસ્ટીક ફરી લગાવવી પડે. પુરૂષોને બહાર નીકળ્યા પછી દર કલાકે દાઢીઓ કરવાની આવી બબાલો તો નહિ!
વિનોદ ખન્નાની ફિલ્મ 'અચાનક'માં એ, મૅઇક-અપ કરવા બેઠેલી હીરોઈન લીલી ચક્રવર્તીને કહે છે, ''આજ સુધી તારા પેટમાં દસેક કીલો લિપસ્ટીક જમા થઇ ગઈ હશે, નહિ?'' જવાબમાં લીલી કહે છે , ''અડધી તારા પેટમાં!''
પુરૂષોને આમ લિપસ્ટીક-જગત સાથે લેવા-દેવા નહિ, પણ એના કારણે હાળું ભરાઈ બહુ જવાય છે.
એક વાર મોડી રાત્રે અમે ઘરે પાછા આવતા હતા. અડધી ઊંઘમાં હકી મારા ખભે માથું મૂકીને ગાડીમાં સુઈ ગઈ, એમાં એની લિપસ્ટીકનો ડાઘો મારા ખભા ઉપર રહી ગયો.
...એ રાત્રે અમે જે ઝગડ્યા છીએ.. જે ઝગડ્યા છીએ... હું બચાવ કરી કરીને અધમૂવો થઈ ગયો કે, આજના આ ડાઘની તો મને ય ખબર નથી કે કોનો છે? (સારૂં થયું શનિવારવાળા ડાઘનું એણે નહોતું પૂછ્યું!) મેં કીઘું ય ખરૂં કે, આ તો ભદ્રકાળીના મંદિરના માડીનું ફક્ત કંકુ ખર્યું છે. એને ય યાદ ન આવે કે, વો બદનૂમા દાગ ઉસી કા હી થા...! વળી આપણને ભોળાઓને તો આવા ડાઘો ઘણા પડતા હોય... કેટલા યાદ રાખીએ?
એ તો સવારે ઉઠ્યા પછી, મારા ખભા ઉપર ધબ્બા મારી મારીને એણે હસવાનું શરૂ કર્યું, ''આ લ્લે લે... અસોક... તમે ય કાં ભૂલી ગીયાં?...? ઈ લિપસ્ટીકનો ડાઘ તો મારો જ હતો... કાં, હું ગાડીમાં તમારી પડખે નો'તી બેઠી? પણ નીંદરમાં મને યાદ નો આયવું...! મારા જલાબાપા મને કોઈ 'દિ માફ નંઇ કરે કે, મેં મારા ભોળા અને નિસ્કલંક હશબંડ ઉપર શકું કઈરા...!'' ('શકું' એટલે 'શક'નું બહુવચન! 'નિસ્કલંક' એટલે 'નિષ્કલંક')
આ ઘટના પછી, હકી ભલે સાથે ન હોય, ગાડી ચલાવતી વખતે હું હવે ડાબા ખભે નૅપકીન રાખતો થઇ ગયો છું. હું સ્વચ્છતાનો પહેલેથી બહુ આગ્રહી. (આ કેસમાં તમે લોકો પંખો ચાલુ કરી દેજો!)
ઓહ. ઈશ્વરે જે ચેહરો આપ્યો છે, એમાં સારા ફેરફારો તો એ પોતે ય કરાવી શકે એમ નથી. કોઇને બદસૂરત એ બનાવી શકે છે... ખૂબસુરત બનાવવાનું એના હાથમાંય નથી. અર્થ એ થયો કે, ભગવાને જે કોઈ ચેહરો આપ્યો છે, એને બની શકે તેટલો પ્રસ્તુત (પ્રૅઝન્ટેબલ) બનાવવો જોઈએ. હોય એને બગાડવો ન જોઈએ. માટે જ, લિપસ્ટીક લગાવનારીઓ કે રોજ મુલાયમ ક્લીન-શૅવ દાઢી કરીને પરફ્યૂમ સાથે સુંદર કપડાં પહેરનારા પુરૂષો ય મને ગમે છે. લિપસ્ટીક લગાવનારી, કમ-સે-કમ એ દિવસે તો ચાર્મિંગ લાગે જ છે. માથે ખચાખચ તેલ નાંખે, એના કરતા હોઠ પર લાલી લગાવનારી વધારે સોહામણી નથી લાગતી?
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ova_yyqjZBnnBeTyF1e9ZTfd--WHBKn-VwmdnOvwm8E-A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment