Wednesday, 26 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સાપ નીકળ્યો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાપ નીકળ્યો!
અશોક દવે

 

 


અસોક... અસ્સોક... આપણાં ફલૅટમાં સાપ નીકર્યો છે... પ્લીઝ, જલ્દી હાઇલાં આવો.... મને બવ બીક લાગે છે !''


એના અવાજ અને રજુઆતમાં થથરતો ગભરાટ હતો. આમ તો હું એનો પતિ છું અને મારી પાસે એની સાબિતીઓ ય છે, પણ ફોન કોઇ મદારીને કર્યો હોય એમ હકીએ ફોન પર જ સૂચનાઓ આપવા માંડી, ''જોવો અસોક... કાળો ભઠ્ઠ નાગ છે... રસ્તામાંથી સાપ પકડવાનો કોઇ સારા માઇલો સાણસો અને એને પૂરવા હાટું નેતરનો મજબુત કરંડીયો લેતા આવજો...! આંઇ તો બવ માણસું ભેરાં થઇ ગીયા છે....!''


સાપ પકડવાના મામલે હું ખાસ કોઇ બહાદુરી, ચપળતા અને મારી ઑફિસનું આઇડૅન્ટિટી-કાર્ડ બતાવી શકું, એટલો મજબુત માણસ નથી. સાપ, નાગ અને અજગરો મેં ફિલ્મો કે ટીવી પર જ જોયા છે. કોઇનામાં બહુ ઊંડા ઉતરવાની મને આદત નથી, એટલે શહેરના મદારી-ફૅમિલીઓ સાથે પણ એકબીજાના ઘેર જમવા-બમવાના સંબંધો નહિ. હું સારા કપડાં પહેરૂં ત્યારે કલર-પસંદગીને ધોરણે મદારી જેવો લાગું છું અને હકીને લઇને કોઇના ઘેર જાઉં છું, તો એ લોકો ફર્માઇશો કરે છે કે, ''પેલો સ્નૅક-ડાન્સ બતાવો ને ! સાંભળ્યું છે કે, તમે બીન બજાવો ત્યારે હકીભાભી સર્પણનો ડાન્સ બહુ ફાઇન કરે છે.''


હા. કેટલાક મદારીઓ સાઇડ-ફૅસથી 'અશોક દવે' જેવા લાગે છે, એવા રીપૉર્ટ્સ મને મળ્યા છે. કહે છે કે, ફૂટપાથો પર સાપને સહારે ઘણીવાર તો એ લોકો 'બુધવારની બપોરે' કરતા ય વધારે હસાવે છે. મારા સાસુ મને લાડમાં 'કિંગ-કોબ્રા' કહેતા...(પણ એ લાડમાં નહિ, દાઝમાં કહેતા, એવો સસ્પૅન્સ હજી હમણાં મારી સાળીએ ખોલ્યો!)


હું પહોંચ્યો ત્યારે અમારા ફલૅટની બહાર માણસ ભેગું થઇ ગયું હતું. સાપ મારા ફલૅટમાં દેખાયો હતો. હકીએ રાબેતા મુજબની ચીસાચીસ કરી મૂકી, એટલે કોક બોલ્યું ય ખરૂં કે, ''બેન, અરીસો જોઈને તમે બી ગયા હશો...! સાપ-બાપ કંઇ ના હોય !''


સાપનું મારા ઘરમાંથી આમ નીકળવું, આમ તો પહેલી નજરે શુકનવંતુ સાબિત થયું કારણ કે, જેવો મને જોયો કે, ગભરાટની મારી હકી દોડતી આવી અને, ફિલ્મ 'સિલસીલા'માં રેખા દોડતી આવીને બચ્ચનને ભેટી પડે છે, એમ હકી મને રડતી રડતી ભેટી પડી. આ ઘટના પૂરા ૧૫-૨૦ વર્ષો પછી બની રહી હતી. (ઘરમાંથી સાપ નીકળવાની નહિ, હકી મને ભેટી પડી હોય એની !) એ બહુ હૃદયદ્રાવક દ્રષ્ટ હતું. ૧૫-૨૦ વર્ષો પહેલાંની વાત બરોબર હતી, પણ હવે મારાથી લોખંડના કબાટ જેટલું વજન લાંબો સમય છાતી પર ઉચકી શકાતું નથી. જોનારાઓ તો અમને છુટા પાડવાની મદદ કરવા તૈયાર હતા, પણ આમ પાછો હું જરા પઝેસિવ ખરો !


''હાળું....આવી ભરચક વસ્તીમાં સાપો ક્યાંથી નીકળવા માંડ્યા...?'' કોક બોલ્યું.


''ભ'ઇ, એમાં તો કહે છે કે, જ્યાં પાપનો ભાર વધી ગયો હોય, ત્યાં સાપ નીકળે !' કોકે જવાબ દીધો.


''પોલીસને ખબર આપી?....''


''અરે, આપણી મોટા ગોળમટોળ પેટવાળી પોલીસ ચોરને પકડી શકતી નથી, ત્યાં સાપને શું ઘંટડી પકડવાની હતી ?'' કોક ચીડાઈને બોલ્યું.


માણસ વધતું જતું હતું, એમ હવે તો અજાણ્યા રાહદારીઓ ય સલાહ આપવા માંડ્યા હતા, ''જો ભ'ઇ, આમ સાપ ઘરમાં બહુ પડ્યો રહે, એ સારૂં નહિ. ક્યાંક છોકરૂં-બોકરૂં રમતું હોય ને કરડી જાય તો દોડાદોડ થઇ જાય....!'


ત્યાં બાજુવાળા શાહ સાહેબ નવકાર મંત્રો બોલતા બોલતા આવ્યા, ''દવે સાહેબ, આ લખવા-બખવાના ધંધા છોડીને કોઇ ધરમ-ઘ્યાન કરો તો સાપ ન નીકળે.'' સામેવાળા પટેલ જરા ગરમ મીજાજના પટેલ છે ને વાતવાતમાં, ''એક મ્હેલે ને ભોડામોં....!'' બોલી નાંખે છે, એ એમના છોકરાનું ક્રિકેટ-બૅટ લઇ આવ્યા અને મને સજેશન કર્યું, ''સાપની બૂમો પડી એટલે હું ઉપર બેઠો બેઠો આ પુસ્તિકા વાંચતો હતો... એમાં લખ્યું છે, સાપ પકડવાનો સૌથી સહેલો ઉપાય એ છે કે, મદારીને બોલાવી લાવવો. જાતે કષ્ટ ન કરવું... ક્યાંક આપણી વાઇફને કરડે તો ઝેર સાપને ચઢે અને મરી જાય...! પાપમાં આખી સોસાયટી પડે.''


''ભ'ઇ, આપણે અહીં ફક્ત વાતો કરીએ છીએ, એના કરતા અશોકભ'ઇના ઘરમાં જઇને સાપ કાઢીએ....''


''ના બા... હું તો મારા વરને ના જવા દઉં.... ક્યાંક વળગે તો ?''


જ્યાં ને ત્યાં અને જેને ને તેને વળગવાનો એમના ગોરધનનો સ્વભાવ અમારા સાપને નડી ગયો, પણ આ વખતે બેનજી સાપ એમના ગોરધનને વળગે, એની ફિકરમાં હતા. તો ય જો કે, થોડાઘણા પડોસીઓ તો મારા ઘરમાં આવ્યા. સાપને બદલે સિંહને પકડવા આવ્યા હોય, એમ હોંકારા-પડકારા કરવા માંડ્યા. કહે છે કે, હોંકારા પાડીએ તો ગભરાઇને કોઇ બી જનાવર બહાર નીકળી જાય...! કેટલાક વિદ્વાન જમાઇઓ પોતાના ઘરે લાંબા સમયથી ચોટેલી સાસુને બહાર કાઢવા માટે હોંકારાવાળો આ ઉપાય અજમાવતા હોય છે, પણ સમય જતા બહુ તરફડેલા ઘણા જમાઇઓના ગળાં ખોંખારા ય જામી ગયા હોય છે, તેથી આવા નિઃસહાયો હોંકારા-પડકારા તો ક્યાંથી લાવી શકે ? ભાગ્યની વાત છે. લોકો ગમે તે વાતો કરે પણ, બઘું અહીંનું અહીં ભોગવવાનું છે.


અમારામાંથી કેટલાક સાચે જ હિંમતબાજ હતા, તેઓએ ધૂંટણીયે પડીને લાંબો ડંડો કબાટની નીચે ગપોલીઓમાં ફેરવવા માંડ્યો. એક-બે જણાએ ફર્નિચર ખસેડવા માંડ્યું. કહે છે કે, આવામાં ગૂગળનો ઘૂપ બહુ સારો. એ ય કરી જોયો. રોડ પરથી એક ભૂવો પસાર થતો હશે, તે કોક એને બોલાવી લાવ્યું. મને એમ કે, સાપ ઉતારવા માટે ભૂવો બોલાવ્યો હશે પણ નીચેના ફલૅટવાળા મેહતાએ વિશ્વાસપૂર્વક કીઘું, ''આપણા ફલૅટમાં કોઇ પિશાચી આત્મા ભટકી રહ્યો છે... એને કાઢો. નહિ તો આવી વસ્તીમાં સાપ આવે ક્યાંથી ?'' ભૂવાએ મોરના પીંછાવાળો લાંબો સાવરણો મારા મોંઢા ઉપર ફેરવ્યો, એમાં મારૂં મગજ તો જાય ને ?  મેહતાનું બૈરૂં, કપાળ ઉપર કંકુનો લપેડો મારીને , આંખો બંધ કરીને, છુટા વાળ સાથે બન્ને હાથ ઊંચા કરીને ''હો હો... બોલ મારી અંબે... હો હો''ના પડકારા કરતી હતી. હું ઇવન મારા ય ધાર્યા કરતા વધારે ઉશ્કેરાઇ ગયો. મેં બધાને હટાવતા ઘાંટો પાડીને કીઘું, What the hell is going...? (આ બઘું શું ચાલી રહ્યું છે ?)''


''એ... આ તો ઇંગ્લિશ ભૂત છે... કોઇ ધોળીયાનો આત્મા ભરાયો છે... કાઢો એને.. કાઢો એને... બોલ મારી અંબેએએએએ... જય જય અંબે !''


...અને નીચેથી કોઇકે બૂમ પાડી, ''સાપ તો અશોકભાઇની ગાડીમાં ભરાયો છે.... નીચે આવો, નીચે આવો....!'' આખો કાફલો હૂડુડુડુડુ કરતો નીચે. તાત્કાલિક કારના દરવાજા ખોલી નાંખ્યા. ગભરાયેલો સાપ બહાર નીકળીને અજાણતામાં રોડ ઉપર ભાગ્યો... એક ગાડી પૂરપાટ નીકળી....


પણ સાપની આખી વાત ભૂતમાં ક્યાંથી ટ્રાન્સફર થઇ ગઇ, એની જ સમજ ન પડી. લોકોને તમાશો જોઇતો હોય છે. ટીવી પર રોજ કાંઇ મજેદાર પ્રોગ્રામો આવતા હોતા નથી.

 

 


સિક્સર
- ''શતાબ્દી''ની ચૅર-કારમાં ભરૂચ આવ્યું ને એક NRI મહિલાએ કૉચના બન્ને દરવાજા બતાવીને મને પૂછ્યું, ''ભરૂચ આ દરવાજેથી...?''
-''મેં કહ્યું,''ના...આ દરવાજેથી !''


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oto6NVazTU3b%2BQ1%2B_k1X3-5rutxsexc0s%2B94VVXJZ2rgQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment