Wednesday, 26 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તો માણસ અને પશુનું સહજીવન શક્ય બને (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તો માણસ અને પશુનું સહજીવન શક્ય બને!
સાંપ્રત-શિલ્પા શાહ

 

 

 

માણસ અને પશુનું સહજીવન શક્ય છે કે નહીં એ વિષય પર જગતભરમાં ખાસ્સી ચર્ચા, વિવાદોના વંટોળિયા ફૂંકાયા છે. દરેક જણે એ માટે પોતાના મત રજૂ કર્યા છે તો વિદ્વાનોએ અણમોલ વચનો બોલીને માણસ અને જનાવરને સાથે રહેવા વિશે માણસને શીખ આપી છે. 'જંગલી પશુ માટે પાંજરાનું જે મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ સ્વાર્થી માણસને કાયદાનું હોય છે', એમ ઈંગ્લિશ ફિલોસોફર હર્બર્ટ સ્પેન્સરે લગભગ ૧૭૫ વર્ષ અગાઉ કહ્યું હતું. કદાચ એ કાળ જુદો હતો કદાચ ત્યારે વન્ય પશુઓ માટે જંગલ અખિયાતું હતું અને માણસ માટે શહેરો કે ગામડાં હતાં એટલે વિદ્વાને સ્વાર્થી માણસને જ પશુ સાથે સરખાવ્યો હતો જ્યારે લગભગ ૧૦૦ વર્ષ અગાઉ અનાતોલ ફ્રાન્સ નામના ફ્રેન્ચ કવિ, પત્રકાર, નવલકથાકારે એ જ વાત કદાચ આજે પણ યથાર્થ ઠરે એ પ્રમાણે કહી હતી! એમણે કહ્યું હતું કે 'જ્યાં સુધી માણસ જનાવરને ચાહતો નથી ત્યાં સુધી એનો આત્મા અજાણ-અભાન રહે છે.' આ બાબત આજે પણ યથાર્થ છે એ જોઈએ.

મુંબઈનાં પરાં બાન્દ્રામાં સર્પમિત્રોને (સાપને બચાવનારાઓ)ને આ વર્ષના જાન્યુઆરી મહિનાથી લગભગ ૬૨ અજગરો મળી આવ્યા હતા. આટલા પ્રમાણમાં અજગર બહાર આવવાનું કારણ શું એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. થોડા વખત પહેલા માહુલમાં દીપડો દેખાયાની ચર્ચા ચાલી હતી. આવી કેટલીક અન્ય ઘટનાઓ પણ નોંધાઈ છે ત્યારે સવાલ થાય છે કે શું શહેર મુંબઈનાં જંગલની, નિસર્ગની સીમા ઉલંઘીને વધુ ને વધુ અંદર ઘૂસી રહ્યું છે?

મુંબઈમાં લગભગ બધે જ વિવિધ વિકાસકાર્યો અને બાંધકામો ચાલી રહ્યા છે અથવા જ્યાં જમીન બહુ ઊંડે સુધી ખોદવામાં આવે છે ત્યાં સાપ સલામત નિવાસની શોધમાં બહાર આવે છે. બાન્દ્રા-કુર્લા સંકુલ (બીકેસી)માં પણ લગભગ આવું જ ચિત્ર છે. અહીં જ જાણે મેટ્રોનાં કામનો વિરોધ હોય એમ અજગર મળ્યાની બાતમીને સમજણ અને જાણપૂર્વક છોડવામાં આવે છે કે શું, એવો સવાલ ઊભો કરવામાં પણ આવે છે. જોકે, આમાંની અનેક ઘટનામાં શાસ્ત્રીય પદ્ધતિથી દસ્તાવેજીકરણ કરવામાં આવતું હોઈને વિકાસકામનો વિરોધ ન હોવાનું જાણી શકાય છે. અગાઉ ધારાવી ખાતે મહારાષ્ટ્ર નિસર્ગ ઉદ્યાન (મહારાષ્ટ્ર નેચર પાર્ક) વસાવતી વખતે ત્યાં ઉંદરોની વસતિ બહુ મોટા પ્રમાણમાં હતી. આ પાર્ક કચરાના ઢગલાં પર ઊભો કરાયો હતો એટલે ઉંદરોની વસતિ વધી ગઈ તો એને નિયંત્રણમાં લાવવા માટે સાપ, અજગર આ ઉદ્યાનમાં છોડવામાં આવ્યાં હતાં. મીઠી નદીમાં પણ સાપ અને અજગરનો વસવાટ છે. ફક્ત છેલ્લા બે વર્ષમાં જ આ વિસ્તારમાં સાપ, અજગર મળી આવવાનું પ્રમાણ વધ્યું હોવાના સંદર્ભે કાળજી લેવી આવશ્યક બની ગઈ છે. બીકેસીમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. એથી યંત્રોના વપરાશના આંચકાદાયક આંદોલનો-તરંગો જમીનમાં બહુ ઊંડા સ્તર સુધી જતાં હશે એવું મોટા પાયે માનવામાં આવે છે. બાન્દ્રા-કુર્લા સંકુલમાં વર્ષમાં જેટલા પ્રમાણમાં અજગરો નીકળી આવ્યાં હતાં એટલા પ્રમાણમાં મેન્ગ્રોવ્ઝ ધરાવતા અન્ય વિસ્તારોમાંથી મળ્યાં નથી. આ વિકાસ કામને પગલે મીઠી નદીની આજુબાજુમાં આવેલી મેન્ગ્રોવ્ઝ વનસ્પતિને માથે જેટલું જોખમ છે એટલું જોખમ અન્ય ઠેકાણેની મેન્ગ્રોવ્ઝને નથી, એવું કહેવામાં આવે છે. જોકે, અજગરો બહાર આવી જવાનું કારણ શોધવામાં હજી સુધી કહી શકાય એવો શાસ્ત્રોક્ત અભ્યાસ થયો નથી, એમ વનવિભાગ અને કેટલાક સર્પમિત્રો દ્વારા કહેવામાં આવે છે. એ સાથે જ જંગલમાં, પશુઓનાં નૈસર્ગિક રહેઠાણ વિસ્તારમાં આપણે અતિક્રમણ કરી રહ્યા છીએ એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવે છે. આ શંકા એમ તો અંદાજ મૂક્યાના સ્તર પર જ છે. આંકડા અને પુરાવાના આધારે તૈયાર થનારું ચિત્ર સામે આવે ત્યાં સુધી માણસે જંગલની, નિસર્ગની સીમામાં અતિક્રમણ કર્યું છે એમ આંખો અને મગજ બંધ રાખીને કહી ન શકાય. આ સંદર્ભે જનજાગૃતિની જરૂર છે. માનવ-પ્રાણી સહજીવનનો અર્થ વિવિધ સંસ્થા અને પ્રાણીપ્રેમીઓએ ઉકેલ્યા અગાઉ આ મુદ્દાને માનવ-પ્રાણી સંઘર્ષ તરીકે જ જોવામાં આવતો હતો.

મુંબઈની સીમા હંમેશાં જંગલ-પ્રકૃતિ સાથે લગભગ એકરૂપ થયેલી છે. હાલના કાળમાં સીસીટીવીને કારણે શહેરની હદમાં પ્રવેશી જતું વન્યજીવન લોકોની સમક્ષ આવે છે. એથી એની ચર્ચા વધારે પ્રમાણમાં થાય છે. એવી જ રીતે મુંબઈની હદમાં કચરાનું પ્રમાણ વધે છે. આ કચરો પણ દીપડા અને અજગર એવા બેઉ વન્યજીવો માટે શહેરી વસતિ તરફ ખેંચાવાનું કારણ છે. કચરાનાં ઢગલાંની આસપાસ રખડતાં રહેતાં ઉંદરો અને કૂતરાંના આકર્ષણથી આ બેઉ પ્રોટેક્ટેડ-સંરક્ષિત વન્યજીવો નાગરી-શહેરી વિસ્તાર તરફ ખેંચાઈ આવે છે. આ કારણે જ કચરાનાં સંપૂર્ણ નિર્મૂલનનો વિકલ્પ પણ વિચારમાં લેવો જરૂરી છે. એ સાથે સર્પમિત્રો અને અન્ય વન્યજીવપ્રેમી સંસ્થાઓના સ્વયંસેવકો જનજાગૃતિ અર્થે લોકો સુધી પહોંચ્યા હોઈને પ્રાણીઓને ઉગારી લેવાની વિનંતી કરવાની સંખ્યામાં પણ વધારો થયાનો મુદ્દો પણ પ્રકાશમાં આવ્યો છે.

મુંબઈ અને વન્યપ્રાણીનો મુદ્દો વિગતે કહેતી વખતે માણસે સહજીવનની બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ, એમ મુંબઈકર ફોર એસજીએનપીના પ્રકલ્પના સોનૂ સિંહ ઊલટથી કહે છે. વળી વિગતમાં ઊતરતાં જણાવે છે કે, ફક્ત વન-જંગલ કે ફક્ત વિકાસ કાર્ય એટલી એક જ બાજુ ધ્યાનમાં રાખીને ચાલવાનું નથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે દીપડાનાં જતન અને માણસ તથા દીપડાનાં સંઘર્ષને નિવારવા માટે 'મુંબઈકર ફોર એસજીએનપી (એસજીએનપી એટલે સંજીવ ગાંધી નેશનલ પાર્ક) નામે એક પ્રકલ્પ શરૂ કર્યો છે. મુંબઈની જેમ અન્ય શહેરોનો વિકાસ કરવામાં આપણે ક્યાંક ઊણાં ઊતરીએ છીએ એટલે પણ દેશના ખૂણે ખૂણેથી કામધંધો-રોજગાર શોધવા લોકો આવવાનાં જ. શહેર પર વધતો જતો વસતિનો બોજ સમાવી લેવામાં હાલની મુલ્કી-શહેરી વસતિ કાચી પડે છે. આ કારણે શહેરની ઊંચાઈ વધારવી બહુ જરૂરી બની જાય છે. એમ પણ શહેરના હરિયાળા પટા પર આપણે કેટલું અતિક્રમણ કરવાનું? બફર ઝોન કેટલા પ્રમાણમાં ગળી જવાનો, દબાવી દેવાનો? આ બાબતે કોઈ ને કોઈ અંકુશો-નિયંત્રણો મૂકવા જ પડશે... મૂકવા જ જોઈએ! વાંદરા જ્યારે માનવ વસતિમાં આવીને હુમલા કરે છે, આક્રમણ કરે છે એવી માહિતી આપવામાં આવે ત્યારે આ જગ્યામાં અગાઉ એમનો વસવાટ હશે એ મુદ્દો, તેમનાં અગાઉની તેમની પેઢી અહીં વસવાટ કરતી હશે, એ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ. એ બાબતનો પણ વિચાર કરવો ઘટે. રહેણાંકની વસ્તી સુધી પહોંચી જનારા હાથી, રેલવે લાઈન પાર કરવાનો પ્રયાસ કરનારા હાથી, વરસોવા જેવા સ્થળ પરથી મળેલાં ઑલિવ રિડલે કાચબાનાં ઈંડાં અથવા કિનારે પહોંચેલી કાચબાની માદા વગેરે ઘટનાઓ દર્શાવે છે કે આપણી સાથે પ્રાણીઓને પણ વસવા-જીવવાનો અધિકાર છે. એ સમજવામાં પણ આ ઘટનાઓ મદદ કરે છે. આ જ કારણે ફક્ત માણસનો જ વિકાસ એ એક મુદ્દા પર ભાર મૂક્યા કરવાથી ચાલવાનું નથી. શહેર અને જંગલની સીમા બાબતે ચર્ચા કરતાં એક નિષ્ણાત વન્યજીવનશાસ્ત્રીએ કહ્યું હતું કે, આરે જેવા સ્થળે પણ માનવ વસ્તી વધી રહી છે. આરેમાં આજે પણ હરણ, સાબર જેવા પ્રાણીઓ જોવા મળે છે ત્યાં પહેલેથી જ દીપડા-ચિત્તાની મુક્ત અવરજવર હતી. માનવવસ્તીને કારણે જો પશુ-પ્રાણીઓની હકની જગ્યા આંચકી લેવાતી હશે તો સંઘર્ષનાં પગલાં ઊમટવાની શરૂઆત થવાની જ. પહેલેથી જ અહીં વસીને રહેનારા લોકોને અહીં વન્યપ્રાણીઓનાં અસ્તિત્વની જાણ છે જ. એ લોકોએ પહેલેથી જ આ પ્રાણીઓને જીવન જીવવાના ભાગ રૂપે સ્વીકારેલાં જ છે એટલે જ જ્યારે આ સ્થાનિક આદિવાસી રહેવાસીઓ સાથે વાત કરતાં એ લોકો બીલકુલ ભય વિના 'દીપડો અમારા ઘર પાસેથી જ જાય છે' એમ સહજભાવે કહે છે ત્યારે નવાઈ લાગતી નથી. નવેસરથી ઊભી થતી વસ્તી માટે આ અનુભવ સહજ સ્વીકાર્ય નથી હોતો. એમને એ ગળે જ નથી ઊતરતું કે એમના રસ્તેથી દીપડો કે ચિત્તો નીકળે એટલે જ આ પ્રાણીઓને માથે પણ જોખમ ઊભું થાય છે. એમાં જો પ્રાણીએ હલ્લો કર્યો તો એમના વિરોધની ધાર તીવ્ર બને છે. એક તરફ માનવ-વસ્તીની સીમા વધતી જતી હોઈને અને સામે પક્ષે પ્રાણીઓને તેમની સીમા ધ્યાનમાં ન રહેતી હોઈ સંઘર્ષની તીવ્રતા ઘેરી બને છે ત્યારે આ મામલે જનજાગૃતિ બહુ આવશ્યક છે. માહુલમાં ચિત્તો મળી આવ્યાની ચર્ચા પછી જનજાગૃતિ હાથ ધરાઈ હતી. આ વિસ્તારમાં અગાઉ ક્યારેય ચિત્તો આવ્યાનું કે જોવા મળ્યાનું સાંભળવામાં આવ્યું નહોતું, એમ આ પ્રદેશમાં કાર્યરત સ્વયંસેવકોનું કહેવું છે. જ્યાં ક્યારેય વન્યજીવોનાં પગલાં પડ્યા નથી એવા સ્થળો પર જો ચિત્તા-દીપડાના પગલાં ઊમટતાં હોય તો લોકોમાં જાગૃતિ પ્રસારવાનો એ યોગ્ય સમય છે, એવું સમજી-જાણી એ માટે પ્રયાસો કરવા જરૂરી છે. આમ જનજાગૃતિ કરાશે તો શહેર અને જંગલનું સહજીવન શક્ય થશે નહીં તો વન્યપશુઓ સાથે સંઘર્ષ થયા કરશે. સમયસર કાળજી નહીં લેવાતા માણસોના મૃત્યુ થશે. એમાંથી પછી પ્રાણીઓને વિષ આપીને કે ગોળી મારીને મારી નાખવાનો સમય આ શહેરની સીમા પર આવીને ઊભો રહેતાં વાર નહીં લાગે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuMdSiDRwbvJC4oOv%3DkHA%3DSahw40%2BwoqsYjXnj7VzRkXw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment