|
મહેસાણાના કલોલની નજીક ધણાસણા ગામનાં બસ ડેપોમાં એક ટીનેજરે બસમાંથી રસ્તા પરથી જતી એક યુવતીને પોકારીને "ઓય સોણિયે, કાં ચાયલી, અરે નામ તો સાંગત જા ગ... ઓરી છોરી વાહ રે તોરા ઝૂમકા... કહેતો સાંભળ્યો ત્યારે નવાઈ લાગી હતી. આ કઈ ભાષામાં બોલ્યો એ નક્કી કરવામાં વિમાસણ થઈ ત્યાં અમારી ટીમમાંથી એક જણે કહ્યું કે, "ઓત્તારી અહીં મલ્ટિલિંગ્વલો છે? ત્યારે એકદમ બત્તી થઈ કે આ ગામડાંમાં કોઈ બહુભાષી હોવાનો પુરાવો મળ્યો. પછી ખબર પડી કે અહીં પણ છોકરાઓ એકથી વધારે ભાષા બોલી શકે છે. હવે આ ગ્રામીણ વિસ્તારમાં પણ ચોખ્ખું, એટલે કે સ્વચ્છ હિન્દી ભાષામાં વાત કરનારા મળ્યા અને કેટલાક તળપદી ગુજરાતી સાથે ચોખ્ખું હિન્દી અને અંગ્રેજી પણ બોલનારા મળ્યા. આનંદ થયો.
શહેરોમાં તો તમને ગુજરાતી, મરાઠી, હિન્દી, ક્ધનડ, તેલુગુ, ઉર્દૂ, અંગ્રેજી જેવી બે કે બેથી વધારે ભાષા બોલનારા મળી રહે છે. આ સંખ્યા વધતી જાય છે. ભારતની ભાષાવૈવિધ્યતાનું દર્શન સુપેરે કરી શકાય છે.
અધિકૃતપણે બાવીસ અને વપરાશમાં રહેલી ૭૮૦ અને એનાથી વધારે પ્રમાણમાં બોલાતી બોલી-ભાષા દેશમાં કોઈ પણ ઝઘડા વિના આરામથી બોલાય છે. ભારતમાં છે એવી ભાષાસમૃદ્ધિ તે ભાષાસંપન્નતા બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે. આ કારણે પણ દેશમાં બે કે બેથી વધારે ભાષા બોલનારા-જાણનારાની સંખ્યા સ્વાભાવિક જ વધારે હોવાની. આવા બહુભાષીઓની ખાસ કરીને દ્વૈભાષી અને ત્રૈભાષીઓની સંખ્યા ચોક્કસ કેટલી છે, શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં તથા યુવાનો અને પ્રૌઢોની સંખ્યા કેટલી છે વગેરે બાબત જણાવતાં ૨૦૧૧ની વસતિ ગણતરીના આંકડા થોડા વખત પહેલા જાહેર થયા છે. દેશમાં બહુભાષીઓની સંખ્યા વધતી જતી હોવાની માહિતી અને આંકડા ખરેખર આનંદ આપનારા, ખુશ કરનારા જરૂર છે, પરંતુ એની વિગતો અથવા ભાષા સાથે સંબંધિત ઘટનાઓ આપણને ચૂપ થઈ જવાની ફરજ પાડે છે.
આખા દેશમાં દ્વૈભાષી એટલે કે બે ભાષા સારી રીતે બોલનારા-જાણનારા-સમજનારા લોકોનું પ્રમાણ ૨૯ ટકા છે. શહેરમાં એટલે કે અર્બન વિસ્તારોમાં આ પ્રમાણ ૪૪ ટકા અને ગ્રામીણ વિસ્તારમાં છે. શહેરી વિસ્તારમાં ૨૦થી ૨૪ વર્ષની વયના યુવાનોમાં બે ભાષા બોલનારા-સમજનારાઓનું પ્રમાણ બાવન ટકા છે તો દેશમાં ત્રણ ભાષા બોલી શકનારાઓ એટલે કે ત્રૈભાષી લોકોનું પ્રમાણ આઠ ટકા છે, પણ શહેરી યુવાનોમાં આ પ્રમાણ ૧૮ ટકાનું છે.
શિક્ષણનો વધતો જતો વ્યાપ, અંગ્રેજી માધ્યમની સ્કૂલો તરફ વહેવા માંડેલો વિસ્તરતો પ્રવાહ, નોકરી નિમિત્તે અન્ય રાજ્યમાં કરાતું સ્થળાંતર જેવા કારણોસર વધુને વધુ યુવાનો દ્વૈભાષી કે ત્રૈભાષી બને છે એવું એક તારણ કાઢવામાં આવ્યું છે અને ઉપરોક્ત કારણોને પગલે જ આવનારા સમયમાં એકથી વધારે ભાષા બોલનારાઓની સંખ્યા હજુ વધવાની શક્યતા છે. બહુભાષી હોવું એ એક વરદાન છે.
એક કરતાં વધારે ભાષા બોલનારાનું દિમાગ વધારે દમદાર, જોમદાર અને તીક્ષ્ણ હોય છે. તેમની ગ્રહણશક્તિ, સમજણશક્તિ સારી હોય છે, એવું નિરીક્ષણ અભ્યાસ કરનારાઓએ નોંધ્યું છે. ભાષા શીખવાની તીવ્ર ક્ષમતા બાળકોમાં નાની વયમાં કે બાળપણમાં વધારે હોય છે એટલે જ બાળકોને વધારે ભાષા શીખવાની સલાહ આપવામાં આવે છે. આમ બહુભાષીઓની સંખ્યા વધવાની બાબત પણ સારી વાત છે.
ભાષા વૈવિધ્ય અને ત્રિભાષા સૂત્રનો આધાર લઈને ચાલતી આપણી શિક્ષણ પદ્ધતિ પણ આ માટેનું પોષક વાતાવરણ સર્જે છે. એથી પણ બે ભાષા કે ત્રણ ભાષા બોલનારાઓની વધતી સંખ્યા આપણે માટે નવાઈની નથી. (એમ પણ મુંબઈ જેવા શહેરમાં બહુભાષી સોસાયટીઓમાં રહેતાં ત્રણથી ૧૨ વર્ષનાં બાળકો બે કે તેથી વધારે ભાષા બોલતાં લગભગ લોકોએ જોયાં હશે.
દાખલા તરીકે દક્ષિણની કોઈ ભાષા બોલતું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય છે અને ભણવામાં મરાઠી-હિન્દી ભાષા હોય તો એ બાળક પોતાની દક્ષિણી માતૃભાષા, અંગ્રેજી, મરાઠી અને હિન્દી તો બોલતું જ હોય છે, પણ કોઈ બાળક તો વળી રહેણાંક વિસ્તારમાં બહુમતી વસતિને પગલે વધારામાં ગુજરાતી કે બંગાળી, કોંકણી પણ બોલતું થાય છે.) જોકે, આ રીતે એકથી વધારે ભાષા જાણવાનું પોષક વાતાવરણ હોવા છતાં બહુભાષીઓનું કુલ પ્રમાણ ૩૦ ટકાની અંદર જ કેમ છે, એવો સવાલ પૂછવો જોઈએ. વર્ષ ૨૦૧૧ની વસતિગણતરી અનુસાર દેશની કુલ વસતિ ૧૧૭ કરોડની હતી, તેમાંથી ૨૯ ટકા એટલે અંદાજે ૩૪ કરોડ લોકો દ્વૈભાષિક હતા. આનો અર્થ એવો થાય કે, આટલી વિવિધતા હોવા છતાં ૮૩ કરોડ લોકો એક જ ભાષા બોલનારા હતા.
છેલ્લાં સાત વર્ષમાં આ આંકડા બદલાયા હોઈ શકે, તેમ છતાં એના પ્રમાણમાં બહુ મોટો ફરક પડવાની સંભાવના ઓછી છે. મહાનગરો અને વિવિધ રાજ્યમાં સીમાવર્તી વિસ્તારોમાં જ દ્વૈભાષીઓની સંખ્યા અધિક હોવાનું જણાય છે. મહાનગરોમાં બહુભાષીઓનું પ્રતિબિંબ વસતિગણતરીના આંકડામાં ઉમટ્યું જ છે. એમાં દ્વૈભાષીઓ ૪૪ ટકા અને ત્રૈભાષીઓનું પ્રમાણ ૧૫ ટકા છે. આ લોકો કઈ બે કે ત્રણ ભાષા બોલે છે એની વિગતો શહેર પ્રમાણે બદલાતી હોવા છતાં તેમાં માતૃભાષા સિવાય હિન્દી ભાષાનો સમાવેશ નક્કી જ હોવાનો એવું જોઈ શકાય છે. હિન્દી ભાષા બોલનારાઓની વધતી સંખ્યાને જ એનો માપદંડ માનવો પડે. ત્રૈભાષીઓમાં ત્રીજી ઈંગ્લિશ હોઈ શકે એટલે જ હિન્દી અને અંગ્રેજી ભાષા જાણનારા લોકોની સંખ્યા વધે છે અને હિન્દી માતૃભાષા ન હોય એવા દ્વૈભાષી, ત્રૈભાષી કે બહુભાષી બને છે. આને કારણે એવો સવાલ પણ થાય કે મરાઠી, ક્ધનડ, તેલુગુ, બંગાળી જેવી અન્ય ભાષાની સ્થિતિ શી હશે?
વર્ષ ૨૦૧૧ની વસતિગણતરીનો આધાર લઈને જ આ સવાલનો જવાબ શોધી શકાય છે. એ આંકડાઓ અનુસાર, દેશમાં હિન્દી ભાષા બોલનારાઓનું પ્રમાણ ૪૬-૬૩ ટકા હોઇને એમની સંખ્યા ૫૨.૮૩ કરોડ છે. એ પછી બંગાળી (૯.૭૨ કરોડ લોકો-૮ ટકા), મરાઠી (૮.૩૦ કરોડ-૬.૮૬ ટકા), તેલુગુ (૮.૧૧ કરોડ લોકો-૬.૭૦ ટકા), તમિળ (૮.૧૦ કરોડ-૫.૭૦ ટકા), ગુજરાતી (૫.૫૪ કરોડ લોકો-૪.૫૮ ટકા), ઉર્દૂ (૫.૦૭ કરોડ-૪.૧૯ ટકા), ક્ધનડ (૪.૩૭ કરોડ-૩.૬૧ ટકા), ઉડિયા (૩.૭૫ કરોડ લોકો-૩.૧૦ ટકા), મલયાલમ (૩.૪૮ કરોડ-૨.૮૮ ટકા) એવો ક્રમ થાય છે.
આ વસતિગણતરી અગાઉની વસતિગણતરી સાથે આ આંકડાની સરખામણી કરતાં તમામ ભાષીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે, દેશમાં કુલ વસતિ સાથે સરખામણી કરતાં હિન્દીને બાદ કરીને જોઈએ તો તમામ ભાષીઓની સંખ્યાને ઘસારો લાગ્યો છે. દાખલા તરીકે વર્ષ ૧૯૭૧માં મરાઠી ભાષીઓનું પ્રમાણ ૭.૭૨ ટકા હતુું, વર્ષ ૨૦૧૧માં આ આંકડો ૬.૮૬ ટકા પર આવ્યો છે. આજ સમયગાળામાં બંગાળીનું પ્રમાણ ૮.૧૭ ટકા પરથી ઘટીને આઠ ટકા પર આવ્યું છે. તેલુગુભાષીઓમાં પણ લાક્ષણિક ઘટાડો જોવાયો છે. એ આંકડો ૮.૧૬ ટકા પરથી ૬.૧૭ ટકા સુધી નીચે આવ્યો છે.
હિન્દીભાષીઓનું પ્રમાણ માત્ર ૩૬.૯૯ ટકા પરથી વધીને ૪૩.૬૩ ટકા પર પહોંચ્યું છે. એવું બને કે, આ આંકડામાં મહારાષ્ટ્ર સહિત દક્ષિણનાં રાજ્યોમાં હિન્દીભાષી રાજ્યોની સરખામણીમાં વસતિ નિયંત્રણનો કાર્યક્રમનો યોગ્ય રીતે અમલ કરાયો હતો એનું પરિણામ પણ અસરકર્તા નીવડ્યું હોઈ શકે! તેની સાથે ઈંગ્લિશ માધ્યમની સ્કૂલોનું વધતું પ્રમાણ, હિન્દીનો વધતો પ્રભાવ અને માતૃભાષાના શિક્ષણમાંથી કરાતું પલાયનનું પરિણામ હોઈ
શકે છે.
ઈંગ્લિશ માધ્યમની શાળાઓમાં ઈંગ્લિશ એ પહેલી ભાષા, પછી મરાઠી કે ગુજરાતી કે હિન્દી વગેરેને બીજી અને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવે છે. સ્કૂલ જો સીબીએસઈ (સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઍજ્યુકેશન-કેન્દ્રીય પરીક્ષા મંડળ) સાથે સંલગ્ન હશે તો તેમાં ગુજરાતી કે મરાઠી ભણાવવાની સગવડ હોય એવું નથી હોતું. ક્યારેક તો જે તે રાજ્યની ભાષા શીખવવામાં જ નથી આવતી. હિન્દીની સગવડ હોય છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મરાઠી જેમની માતૃભાષા ન હોય એવાં બાળકો સ્કૂલમાં મરાઠી ભાષા શીખતા નથી. હવે તો મરાઠી-ગુજરાતીઓમાં પણ સીબીએસઈ શિક્ષણ પ્રત્યેનું આકર્ષણ વધતું જતું જોવાય છે એટલે જ ઘરમાં ગુજરાતી-મરાઠી બોલાતું હોવા છતાં સ્કૂલમાં પોતાની માતૃભાષા ન શીખનારા લોકોની સંખ્યા મહાનગરોમાં વધારે છે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ક્ે મરાઠી ભાષા માત્ર બોલવા પૂરતી મર્યાદિત રહેશે. એવું બને કે મરાઠી છોકરાઓ હિન્દીની લિપી ઉકેલી શકતા હોઈને જેમતેમ મરાઠી વાંચી પણ શકશે, પણ ગુજરાતી બાળકો એમ નથી કરી શકવાના!
આવી રીતે માતૃભાષા કે કોઈ પણ ભગિની ભાષા પ્રત્યે પીઠ ફેરવવાનું પ્રમાણ વધવા લાગ્યું છે. કોઈ પણ ભાષા ફક્ત બોલવાનું કે વાતચીતનું જ માધ્યમ નથી, એ અભિવ્યક્તિનું પણ માધ્યમ છે એટલા માટે પણ સ્કૂલમાં ભાષાનું શિક્ષણ મળવું અત્યંત મહત્ત્વનું છે. મહાનગરોમાં ઈંગ્લિશ-હિન્દીની સાથે જ જર્મન, સ્પેનિશ, ચાઈનિઝ જેવી પારકી ભાષા શીખવાનું ચલણ અને પ્રમાણ વધતું હોવા છતાં ગુજરાતી-મરાઠી કે પોતાની માતૃભાષા શીખવાની ઈચ્છા-આકાંક્ષા ઓછી જ હોય છે, એને કારણે આવું બેરંગી ચિત્ર આપણને જોવા મળી રહ્યું છે.
આ રીતે બહુભાષીપણું મળતું હોય તો પણ માતૃભાષામાં સશક્ત રીતે અભિવ્યક્ત થવા માટે આ અપૂરતું છે. અન્ય ભાષા જરૂર શીખવી જોઈએ, એના પર પ્રભુત્વ પણ મેળવવું જોઈએ, પણ માતૃભાષાથી અને જે-તે વિસ્તારની ભાષા સાથેની નાળ તોડીને નથી ચાલવાનું એ વાત તો આપણે સૌએ સમજી લેવા જેવી છે. કમનસીબે એવું જ થઈ રહ્યું છે અને એ બાબત જ ચિંતાજનક છે. આપણી ભાષા આપણી સંસ્કૃતિની વાહક હોય છે. આપણી સાચી-ખરી ઓળખ ભાષા દ્વારા ઊભી થતી હોય છે. આપણી પોતાની ભાષા જ જો આપણે નહીં શીખીએ તો આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યનું મૂલ્યાંકન પણ કેવી રીતે થવાનું? |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvshFc_3UJirxi8m88vWGYp4Ff6oDidz-sK%2ByRsUvV5DQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment