ટાઢ એટલી છે અયોધ્યામાં કે સવારે કથામાં જવા નીકળીએ ત્યારે વાત કરતી વખતે મોઢામાંથી 'ધુમાડા' નીકળે! ઠંડીમાં વરાળ થઈને થીજી જતી શ્ર્વાસની હવા બર્ફીલા હિલ સ્ટેશનો પર માણી હોય. પણ આ થથરાવતી ઠંડી કથામંડપમાં ઉષ્મામાં ફેરવાઈ જાય. અને પૂજ્ય મોરારિબાપુની વાણી શરૂ થાય ત્યારે તો એ હૂંફમાં પરિવર્તન પામે. ક્યાં ક્યાંથી લોકો કથાશ્રવણ માટે આવે છે. એક 19 વર્ષીય ટીનેજર એના 25 વર્ષના દોસ્તાર સાથે છેક પંજાબથી, નવી નવી નોકરીમાં દસ દિવસની રજા લઈને, અયોધ્યા આવ્યો છે. એક વિનોદકુમાર સપત્નીક કાઠમંડુથી આવ્યા છે. અમારા જેવાઓ મુંબઈથી અને ગુજરાત તથા દેશભરમાંથી રામભક્તો પધાર્યા છે - બાપુની કથા સાંભળવા. સ્થાનિકોમાં તો જબરો ઉત્સાહ છે. રામકથાના શ્રવણ માટે તો તેઓ હોંશથી ઊમટી પડે જ છે, કથાના અન્ય શ્રોતાઓની નાનીમોટી સગવડો સાચવી લેવા માટે સદા તત્પર હોય છે. નાનીમોટી ચીજ વેચનારા ફેરિયાઓ, દુકાનદારો, હોટલ-રેકડીવાળાઓ કે રિક્શા-ટેક્સીવાળા સૌ કોઈ જય સિયારામ સાથે અભિવાદન કરીને પોતાના માલસામાન કે સેવાના બદલામાં એક રૂપિયો વધારાનો માગતા નથી, આપો તો લેતાય નથી. કનકભવન નામની ફેમસ જગ્યાએ ભોજનની થાળીમાં ગાયનું દેશી ઘી ચોપડેલી ગરમાગરમ રોટલીઓ આગ્રહ કરી કરીને પીરસ્યા કરે, સાથે બે અતિ સ્વાદિષ્ટ શાક-દાળ, ભાત વગેરે પેટ ભરીને જમાડે અને પેટ ભરીને જમી લીધા પછી અમને કહે: આજે બરાબર જમ્યા નહીં આપ! બિલ ચૂકવીએ ત્યારે ખબર પડે કે એક અનલિમિટેડ થાળીના માત્ર રૂપિયા 60 (સાઠ). મુંબઈની એસી રેસ્ટોરાંમાં તો આટલાનો ખાલી પાપડ આવે. અને એય શેકેલો. ફ્રાઈડ મગાવો તો નેવું અને મસાલા પાપડ ખાવો હોય તો સવાસો. કોણ કહે છે કે ભારતમાં મોંઘવારી વધી ગઈ છે? એક છોટુ અમારા માટે પાણીની બાટલીઓનું ભારેખમ બોક્સ ઊંચકીને ઉપરના માળે આપવા આવ્યો તો મેં પાકિટમાંથી વીસની નોટ કાઢીને એને આપવા માંડી. એ કહે: 'નીચે તમારા જે મિત્રે મોકલ્યું છે એણે ઑલરેડી દસ રૂપિયા દીધા છે.' આવું કોઈ કહે? મેં એને ધરાર વીસની નોટ આપી. બીજા પણ વીસ આપવા જોઈતા હતા. કોણ કહે છે કે ભારતમાં સાદગી નથી, વિવેક નથી, પ્રામાણિકતા અને સજ્જનતા નથી? આપણામાં ના હોય એટલે શું બીજા બધામાંય ના હોય? જરા ઘરની બહાર નીકળીને જોઈએ તો ખરા. ઉદારતા પણ ભરપૂર છે. બાપુએ ગણિકાઓની તબીબી સારવાર માટે ફંડ ઊભું કરવાની ઘોષણા કરતાં પ્રથમ 11 લાખની રકમ પોતાની નોંધાવી એ પછી ત્રણ દિવસમાં જ કુલ આંકડો કૂદકે ને ભૂસકે વધીને આજે 4 કરોડ 38 લાખને આંબી ગયો છે એવી જાહેરાત થઈ. કથામાં હાજરી આપનારાઓ માટે તો મંડપમાં જ ડોનેશન બોક્સ છે પણ બહારગામના તેમ જ પરદેશના દાતાઓ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા જાહેર નહોતી થઈ જે આજે માઈક પરથી કરવામાં આવી. યુ.કે. તેમ જ એની આસપાસના દેશોના જે લોકો પાઉન્ડમાં રકમ મોકલવા માગતા હોય એમણે ૠખજઙ ઋજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ અ/ભ ગજ્ઞ. 14858067 નંબર નોંધી લેવો. જઘછઝ ઈઘઉઊ: 23-05-80. અમેરિકા-કેનેડા વગેરેથી ડૉલરમાં ડોનેશન મોકલનારાઓએ ઝિીવિં, કજ્ઞદય, ઈજ્ઞળાફતતશજ્ઞક્ષ ઈવફશિફિંબહય ઋજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ ના ઈવફતય ઇફક્ષસ, ઈજ્ઞહીળબીત, ઘઇંઈંઘ ના અ/ભ ગજ્ઞ. 707711680 માં રકમ ભરવી અને ઠશયિ ઝફિક્ષતરયિ માટે 044000037 નંબર વાપરવો. ભારતમાંથી જે લોકો રકમ મોકલવા માગતા હોય એમણે નીતિનભાઈ (9374140686) અથવા નરેશભાઈ (6147748795)નો સંપર્ક કરવો. માત્ર ટેક્સ્ટ મેસેજ કરીને પોતાનું નામ, ડોનેશનની રકમનો આંકડો તથા ફોન નંબર જણાવવો. એમને યોગ્ય સૂચના આપવામાં આવશે. માત્ર મેસેજ મૂકવો. વાત કરવાનો આગ્રહ ન રાખવો. એક બહુ મોટું કામ બાપુ દ્વારા થઈ રહ્યું છે જેમાં એશિયાનું સૌથી જૂનું અખબાર 'મુંબઈ સમાચાર' પણ આડકતરી રીતે મદદરૂપ થઈ રહ્યું છે જેનો અહીં સૌ કોઈને આનંદ છે. કથારંભે બાપુએ કહ્યું કે ગણિકાના શબ્દકોશમાં અનેક અર્થ છે જેમાંનો એક અર્થના પાયામાં 'ગણના' છે. એક એવી સ્ત્રી જે તમારી સાથેના સંસર્ગ દ્વારા પામી જાય કે તમે કેટલી ગણનામાં છો, (માણસ તરીકેની) તમારી હેસિયત શું છે, તમારી ઔકાત કેટલી છે. બીજી એક માહિતી બાપુએ આપી: દક્ષિણ ભારતના વિજયનગર રાજ્યના સમ્રાટ ધર્મદેવે એક ગણિકાને પત્નીનું સ્થાન આપ્યું હતું. એમના પુત્ર-પુત્રીઓને ગણિકાઓ સંગીત શીખવતી, સંસ્કાર આપતી. દરબારમાં શાસ્ત્રાર્થ વખતે ચૂક થતી તો એ ભૂલને ગણિકાઓ સુધારી શકતી એટલી તેઓ પ્રજ્ઞાવાન પણ હતી. વિજયનગર રાજ્યમાં ગણિકાનગર વસાવવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં ગણિકાઓને બહુ મોટો દરજ્જો આપવામાં આવ્યો હતો. એમના ચાલવા માટે ખાસ માર્ગ બનાવવામાં આવતા જેના પર કોઈ ઐરાગેરાની અવરજવર વર્જ્ય હતી. બાપુ કહે છે: વેદોં તક ઈનકા ઉલ્લેખ હૈ. એક પ્રાચીન કથા છે, બાપુ વાત માંડે છે: એક યુવક ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે ગયો. ઋષિએ એને શિષ્ય બનાવતાં પહેલાં એનું ગોત્ર પૂછ્યું. યુવક કહે કે મને ખબર નથી. ઋષિએ કહ્યું, જા તારા ઘરે જઈને જાણી લાવ. યુવક ઘરે ગયો. માતાને પૂછ્યું. માતાએ કહ્યું કે: મને પણ ખબર નથી કે તારું ગોત્ર કયું છે કારણ કે મેં તો કંઈ કેટલાય મહાપુરુષોની સેવા કરી છે. મેં સેવેલા પુરુષોમાંથી તારો પિતા કોણ હશે એની મને ખબર નથી. યુવકે આ વાત ઋષિ પાસે આવીને કહી. ઋષિ યુવકની માતાની નિર્ભિકતા પર વારી ગયા. ઋષિએ કહ્યું કે તારી માતાનું નામ શું? યુવકે કહ્યું: જાબાલ. ઋષિએ કહ્યું કે આજથી તારું ગોત્ર તારી માતાના નામથી ઓળખાશે. યુવકનું નામ સત્યકામ. જે પાછળથી સત્યકામ જાબાલ તરીકે જાણીતો થયો. આ વાર્તા સંભળાવવા પાછળનો બાપુનો હેતુ સત્યના ઉચ્ચારણનો મહિમા કરવાનો છે તેની હવે તમને ખબર પડે છે. બાપુ કહે છે કે અસત્યની સુરક્ષા આપણે કરવી પડે છે જ્યારે સત્ય આપણી રક્ષા કરે છે. અસત્ય હોય ત્યારે કેટકેટલી પળોજણ હોય-આ તર્ક લડાવું, આ સાવધાની રાખું, આ પ્રમાણ લાવું, આનો આધાર લઉં, અસત્યની રક્ષા કરવાની જવાબદારી આપણી બની જાય છે જ્યારે સત્ય આપણી રક્ષા કરવાની જવાબદારી નિભાવે છે. બાપુ કહે છે કે એક યુવકે પ્રશ્ર્ન કર્યો છે કે તમે વાલ્મીકિ રામાયણનું પ્રમાણ આપીને ગણિકાનું મહાત્મ્ય ગાયું, શું તુલસી રામાયણમાં ગણિકાનું મહિમાગાન થયું છે? બાપુ કહે છે: કેમ નહીં, ઠેર ઠેર થયું છે, તમે અભ્યાસ તો કરો, માનસમાં ડૂબકી તો લગાવો, પોતાની મેળે ઉત્તરો મળતા થશે. રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં જ્યારે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે ત્યારે ગોસ્વામીજી લખે છે: નભ દુંદુભિ બાજી વિપુલ ગંધર્વ ક્ધિનર ગાવ હિં/નાચ હિં અપ્સરાવૃંદ પરમાનંદ સુસ્મુનિ પાવ હિં. દેવગણિકાઓ નર્તન કરી રહી છે. ક્ધિનર ગંધર્વ ગાન કરી રહ્યા છે. વિપુલ માત્રામાં દુંદુભિ વાગી રહ્યા છે. આ નૃત્યને જોઈને બે સમાજ પરમાનંદનો અનુભવ કરી રહ્યા છે. આમાંથી એક સમાજ છે સુર સમાજ, બીજો છે મુનિ સમાજ. પરમાનંદ સુર મુનિ પાવ હિં-એવું લખ્યું છે. આનંદ, પરમાનંદ અને બ્રહ્માનંદ-ત્રણ પ્રકાર છે. એક અર્થમાં, આનંદને જોડી શકાય છે, આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે, નવો શબ્દ બનાવી શકાય છે-કર્માનંદ. આપણને આપણા કર્મથી આનંદ મળવો જોઈએ. એક લેખકને એની લેખિનીથી આનંદ આવવો જોઈએ. કવિતાના સર્જકને સર્જનથી આનંદ મળવો જોઈએ. ગાયકને ગાવામાંથી આનંદ મળવો જોઈએ. આદમી કો અપને કર્મ કા આનંદ આના ચાહિયે ક્યોંકિ હમ કર્મ કે બિના એક ક્ષણ ભી જી નહીં સકતે ઐસા ગીતાકાર કા શાશ્ર્વત વચન હૈ. એક કિસાન કો ખેતી કરને કા આનંદ આના ચાહિયે. એક બહન-બેટી કો રસોઈ કા આનંદ આના ચાહિયે-કરે તો! ફાસ્ટ ફૂડના જગતમાં-કરે તો! કર્માનંદ. માનસમાં ક્રાંતિકારી સૂત્રો ઠેર ઠેર છે. અમે કથા ગાઈએ છીએ તો અમને કથા ગાવાનો આનંદ આવવો જોઈએ. જેને તુલસી સ્વાન્ત: સુખાય કહે છે. જે વ્યક્તિને પોતાનામાંથી આનંદ નથી મળતો એનું મન ક્યારેય સ્થિર નથી હોતું. વિવિધ ઉપકરણોથી આનંદ મેળવવાની કોશિશ કરતાં રહીશું તો ઉપકરણ નહીં હોય ત્યારે આનંદ ખંડિત થઈ જશે. મને જો ખીર ખાવામાંથી આનંદ મળતો હોય ને મને ખીર કોઈ નહીં આપે તો મારો આનંદ ખંડિત થઈ જશે. ઉપકરણોના આધારે મળતો આનંદ અખંડ નથી હોતો, ખંડિત થઈ જતો હોય છે. જેને પોતાનામાંથી આનંદ મળતો થઈ જાય છે તેનું મન સ્થિર થઈ જાય છે એવું ગોસ્વામી કહે છે: નિજ સુખ બિનુ મન હોઈ કિ થીરા. પરસ કિ હોઈ બિહિન સમીરા. કેટલો વૈજ્ઞાનિક સૂત્રપાત છે. (થીરા એટલે સ્થિર, પરસ એટલે સ્પર્શ). જેમ પવન ન હોય તો કોઈ કોઈને સ્પર્શ નહીં કરી શકે. એમ માણસને જો પોતાનો આનંદ ન હોય તો એનું મન સ્થિર ન થઈ શકે. આનંદ અને સુખની વ્યાખ્યાઓ જુદી જુદી છે પણ અહીં ગોસ્વામી સ્વાન્ત: સુખની વાત કરે છે ત્યારે એ બેઉને જોડી દઈએ. કર્માનંદ. નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિએ આપેલા ગણિકાના પર્યાય શબ્દો વર્ણવીને બાપુ કહે છે કે બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં, જૈન ધર્મશાસ્ત્રમાં, ઈસાઈ પરંપરામાં-દરેક ઠેકાણે ગણિકાઓના માનભેર ઉલ્લેખો થયા છે. અહીં બાપુ સાંઈરામ દવે રચિત એક હૃદયસ્પર્શી કવિતાનું પઠન કરે છે: કિસીને મેરી રુહ કે છાલે નહીં દેખે મૈં વો કમરા હૂં જિસને ઉજાલે નહીં દેખે બડે બડે નામ હૈ, ઓહદે હૈ જિનકે શહર મેં મેરે કમરે ને તો ઈજ્જતવાલે નહીં દેખે અપની અપની પ્યાસ લે કે રોજ આતે લોગ કિસી કે હાથોંમેં નિવાલે નહીં દેખે કૈદ હૂં મૈં ઝરૂરત-એ-જિસ્મ કી આંધી મેં પૂજારી દેખે હૈ, શિવાલય નહીં દેખે હાથ મેરા થામ કર કમરે સે નિકાલે મૈંને ઐસે દિલવાલે નહીં દેખે શરાબ કમ પડી તો મુઝે પી ગયે થે લોગ યહાં કભી કિસીને ખાલી પ્યાલે નહીં દેખે બાપુ કહે છે કે બહાર તો બહુ ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે (આ રામકથા 'માનસ : ગણિકા' વિશે) પણ અયોધ્યામાં તો કેટલી શાંતિ છે! સાધુસંતોના આશીર્વાદ છે, બહેનબેટીઓ પણ આવી છે. કોઈ મને પૂછે છે કે બાપુ, તમે જ્યાં ગયા હતા ત્યાં જ (કામાઠીપુરામાં) જઈને કથા કેમ નથી કરતા. હું કહું છું કે ત્યાં જગ્યા નથી, તમે લોકોએ જ રહેવા દીધી નથી! બાપુની આ ચાબૂકના સોળ તથાકથિતોની પીઠ પર યુગો સુધી રહેવાના. બાપુ કહે છે: કોઈએ મને પૂછ્યું છે કે તમે લોકસભામાં ચૂંટાઈને જાઓ તો શાસક પક્ષમાં બેસો કે વિપક્ષમાં? બાપુ બુલંદ અવાજે બોલે છે: હું કોઈ પક્ષમાં બેસવાને બદલે મારી વ્યાસપીઠ લગાવીને રામકથા સંભળાવીશ પણ જે લોકો રામનામથી ડરે છે એમની સાથે બેસાય કેવી રીતે. સૂરસમ્રાજ્ઞી લતાજી રાજ્યસભામાં નોમિનેટ થયાં પછી ત્યાં ગૃહમાં હાજરી નહોતા આપતાં ત્યારે કોઈએ પૂછ્યું તો એમણે કહ્યું: બેસૂરોની સાથે કેવી રીતે બેસાય? બાપુ કહે: દેશમાં રામરાજ્ય આવ્યું કે નહીં એની ખબર નથી પણ રામકથા રાજ્ય જરૂર આવી ગયું છે. અહીં અવધમાં તો ગલીએ ગલીએ રામકથા થાય છે. (બાપુની વાત સાચી છે. અમારા ઉતારાના ખંડમાંથી ગઈકાલ સાંજથી આજ વહેલી પરોઢ સુધી રામચરિત માનસનો અખંડ પાઠ થઈ રહ્યો હતો જેની ચોપાઈઓ અને તબલાં-હાર્મોનિયમના સૂર અમને ઊંઘમાં પણ કથામંડપમાં જ હોઈએ એવો આનંદ આપતા હતા). બાપુ આજે આનંદ-વિનોદના મૂડમાં છે. ખૂબ હળવાફૂલ કરી નાખ્યા બધાને. બાપુ કહે: કોઈએ મને પ્રશ્ર્ન પૂછ્યો છે: બાપુ, તમે તમારા હાથે ચા બનાવો છો? બાપુ જવાબમાં કહે: બિલકુલ બનાવું છું. કૈલાસ-માનસરોવરની કથા વખતે પણ ત્યાં બનાવી હતી. ચા બનાવવામાં તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જતો હોય છે! બાપુને પોતાના જીવનમાં આવેલા શત્રુઓ વિશે લખવાનું કહેવામાં આવ્યું એ સંદર્ભમાં બાપુ કહે: આ દુનિયામાં મારો કોઈ મિત્ર નથી. અને એનો ફાયદો એ છે કે મારે કોઈ શત્રુ પણ નથી! ગીતામાં કહ્યું છે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ પોતાનો શત્રુ છે. રામકથામાં આજે રામજન્મ થયો છે. અયોધ્યાની કથામાં બાપુ રામજન્મની ચોપાઈઓ અને દોહાઓ જે ઉમંગથી ગાતા હોય તે રૂબરૂ જોવાનો-સાંભળવાનો લહાવો મળી રહ્યો છે. કથાએ આજે બપોરે બે વાગ્યા પછી વિરામ લીધો. શ્રોતાઓને જાણે બોનસ મળી ગયું. પણ અમને હંમેશાં નવાઈ લાગી છે: બાપુ ચાર-પાંચ કલાક સુધી પાણીનું એક ટીપું પીધા વિના કેવી રીતે બુલંદ અવાજે કથા ગાઈ શકે છે. પલાંઠી મારીને કલાકો સુધી એક આસને કેવી રીતે બેસી શકે છે. આપણે તો ખાલી સાંભળવાનું છે તોય અડધો કલાક-કલાક થાય અને પલાંઠી ખોલીએ, પગ લાંબા કરીએ, પાછા વાળીએ. પાણીનો ઘૂંટડો પી લઈએ. બાપુ પાસે ઘણું ઘણું શીખવાનું છે. શરૂઆત અહીંથી તો કરીએ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvRkh1wfu3TgAWJ7m%2BGF4BHXAWZDA%3DFgm5JXDX9-DXZ3Q%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
Mobile number specified in this blog is wrong. Please delete this number Or change the number.
ReplyDeleteDon't call on 93....number it is not related to this. Bymistske Or purposly this number is written on this blog. Don't call on this number.
ReplyDelete