|
સરકારી શાળામાં શિક્ષણ આપવાથી લઇને, કેરાલા વૉટર ઑથોરિટીમાં પ્યુન તરીકે કામ કરવું, ગ્રામ પંચાયતમાં ક્લર્ક બનવા જેવા વિવિધ કામો કર્યા પછી અંતમાં ખંત, મહેનત અને દૃઢ મનોબળથી બહુ ભારેખમ કહેવાતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી એ તો કોઇ દૃઢ મનોબળવાળો વીરલો જ કરી શકે. વળી તે પણ અનાથાશ્રમમાં રહીને ઉછેર થઇ રહ્યો હોવા છતાં. માતા અને ભાઇ-બહેનો હોવા છતાંય તેમને અનાથાશ્રમમાં રહેવું પડતું, કારણ કે તેમના ઘરમાં આર્થિક તંગી હતી અને માતા માટે બાળકોનું ભરણપોષણ એકલે હાથે કરવું શક્ય ન હતું. પિતાના અવસાન પછી આ વિકટ પરિસ્થિતિ ઉભી થઇ હતી. પણ આવી પરિસ્થિતિમાં પણ હિંમત અને ધીરજ રાખીને જીવન બનાવવું અને એ પણ એકલે હાથે તે આજના યુવાવર્ગ માટે બહુ પ્રોત્સાહનની વાત કહેવાય, જેમને સરળતાથી સુખ-સાહ્મબી મળતી હોવાથી મહેનત કરવામાં માનતા નથી.
એ યુવાન છે આઇએએસ મોહમ્મદ અલી શિહાબ! તેમનો જન્મ કેરળના માલાપ્પુરમ જિલ્લામાં કોન્ડોટ્ટી નજીક આવેલા એડાવન્નાપ્પારામાં થયો હતો. નાનપણમાં તે મુક્ત પંખીની જેમ ઉડતા બાળક તરીકે ઉછરી રહ્યા હતા. ઘણી વખત સ્કૂલમાં ન જવું હોય તો અનેક નવા નવા બહાના શોધી રાખે. તેમના જીવનનું એક સપનું હતું કે તેમની પોતાની એક નાનકડી દુકાન હોય, જેવી રીતે ૧૯૮૦ના દાયકામાં સામાન્ય રીતે ગામડાના યુવાનો વિચારતા હોય છે. જોકે, સ્કૂલમાંખી છુટ્ટી લેવાનું કે ગુટલી મારવાનું મુખ્ય કારણ તેમનો રમતિયાળ સ્વભાવ કે ભણવામાંથી મુક્તિ મેળવવાનું ન હતું, પણ તેમ કરીને તેઓ તે સમયમાં પોતાના અસ્થમાથી પીડાતા પિતાને તેમની મેકશિફ્ટ પાનની દુકાનમાં મદદ કરવા માગતા હતા. તેમની દુકાનમાં બામ્બુના બાસ્કેટ્સનું પણ વેચાણ થતું હતું.
પણ કુદરત એવી છે કે તે પોતાના ચહિતા માણસોને જીવનમાં કંઇક આપવા માગતી હોય તો તેની પાસેથી પહેલા થોડુંક છીનવી લે છે અને પછી તેને ખુશી આપે છે એ પણ મહેનત અને સંઘર્ષ કરાવીને. એવુંજ બન્યું મોહમ્મદ અલી શિહેબસાહેબના જીવનમાં. તે ૧૧ વર્ષના હતા અને પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના પિતા કોરોથ અલીનું અવસાન થઇ ગયું હતું. તે સમયે તેમના ઘરમાં તેમની માતા ફાતિમા અને પાંચ બાળકો હતા. તેમના ઘરમાં આર્થિક પરિસ્થિતિ એટલી કથળેલી હતી કે માતાને પોતાના એક દીકરાને અને બે પુત્રીને કોઝીકોડેના અનાથાશ્રમમાં મૂકવાની ફરજ પડી.
આથી અલીના તે પછીના ૧૦ વર્ષ અનાથાશ્રમમાં વીત્યા. ત્યાં ગયા પછી શિહાબના જીવનમાં જે કમી હતી અને બહુ જરૂરી હતી તે શિસ્ત આવી ગઇ. અહીં સ્ત્રોત અને તકો બહુ મર્યાદિત હતી પણ તેની સામે પડકારો બહુ મોટા સ્વરૂપે હતા. પણ તેમનામાં જોશ હતું, હિંમત હતી અને કંઇક કરવાની ધગશ હતી. આથી ધીરે ધીરે તે પોતાના શિક્ષણમાં વિકાસ સાધવા લાગ્યા અને એસએસએલસી સારા માર્કે પાસ કરી. તે પછી તેમણે પ્રી-ડિગ્રી ટીચર ટ્રેઇનિંગ કોર્સ કર્યો. દિવસે ભણવાનું પતી જાય પછી તે રાત્રે આઠ વાગે ડિનર માટે અનાથાશ્રમમાં આવતા અને મધરાતે અભ્યાસ માટે જાગી જતા. તેમની પથારીની શીટ નીચે ટોર્ચના આછા અજવાળામાં તે બહુ ધ્યાનથી અભ્યાસ કરતા અને તેમના રૂમમાં તેમની નજીકના બેડ પર સૂતેલા તેમના મિત્રો જાગી ન જાય તેની તકેદારી રાખતા. તે પછી તેઓ સ્નાતકની ડિગ્રી નિયમિત કોલેજમાંથી લેવા માગતા હતા ત્યારે પોતાના ગામ પાછા ફર્યા અને પોતાના કુટુંબને વાત કરી, પણ આર્થિક મુશ્કેલીઓને કારણે તેમને જોઇએ તેવો સપોર્ટ તેમના તરફથી ન મળ્યો. આથી તેમણે એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
પણ હજુ જીવનમાં આગળ વધવું હતું. એટલા પૈસા કમાઇને સંતોષ માનવો કે શાંતિથી જીવન જીવ્યા કરવાનો ધ્યેય ન હતો. આથી મર્યાદિત શિક્ષણની લાયકાત હોવા છતાંય તેમણે
રાજ્યસ્તરની જાહેર સેવા પંચની પરીક્ષા (પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ્સ) પાસકરી.
કેરાલા વૉટર ઑથોરિટી માટે તેઓ પ્યુન તરીકે કામ કરતા હતા. તે દરમિયાન તેમણે કાલિકટ યુનિવર્સિટીમાં ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા ઇતિહાસમાં બીએ ભણવા માટે પ્રવેશ મેળવ્યો. ત્રણ વર્ષ સુધી તે જુદા જુદા સરકારી ખાતામાં નાના કામ કરતા રહ્યા અને અભ્યાસ ચાલુ રાખ્યો. આમ કરતાં કરતાં તે ૨૭ વર્ષની ઉંમરે સ્નાતક થઇ ગયા. જોકે,પછી શું કરવું તે વિચાર્યું નહોતું. તેમને તો ખબર પણ ન હતી કે સિવિલ સર્વિસીઝ કોને કહેવાય. તે અંગે વાત કરતા તે કહે છે, 'મારાભાઇને ખબર પડી કે મેં રાજ્યની પીએસસીની પરીક્ષા પાસ કરી છે તો તેણે મને કહ્યું કે તું સિવિલ સર્વિસિસ માટે પ્રયત્ન કર.તે સમયેહું જાણતો ન હતો મારે શું કરવું. તે પછી મેં નિર્ણય કર્યો કે સિવિલ સર્વિસિસની પરીક્ષા આપવી. તે માટે મેં અનાથાશ્રમમાં વાત કરી જેમણે મને તે માટે આર્થિક મદદ કરશે તેમ કહ્યું.' શિહાબે પરીક્ષા પાસ કરી અને તે પછી તેઓ નવી દિલ્હી ગયા. તેમનેઅંગ્રેજી નહોતું આવડતું એટલે પોતાની માતૃભાષા મલયાલમમાં પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂ પણ ટ્રાન્સલેટરની મદદથી આપ્યો. આમ તેમના ભવ્ય પ્રયાસોથી અને શુભેચ્છકોના ટેકાથી સિવિલ સર્વિસિસની પરીક્ષા ૨૦૧૧માં ત્રીજા પ્રયાસમાં પાસ કરી.
૨૦૦૬માં તેમના લગ્ન થઇ ગયા હતાઆયશા ફેમિના સાથે. તેમને અત્યારે લિયા નવલ નામની પુત્રી પણ છે, જેના હાથમાં પેરેલિસિસ થયેલો છે. આથી તેને નિયમિત ફિઝિયોથેરાપી કરાવવી પડતી. જોકે, હવે તેને ૯૦ ટકા સારું થઇ ગયું છે. પણ તે દરમિયાનતેમણે અભ્યાસ ને પરીક્ષાઓહોવા છતાંય ઘર અને હૉસ્પિટલમાં ભાગદોડ કરવી પડતી. આમ, તેમને જીવનમાં આગળ વધતા વધતા ઘણી તકલીફો સહન કરવી પડેલી.
તેકહે છે, 'મેં અમારા કેડરની ભાષાની તાલીમ લીધી જે મારા કેસમાં નાગાલેન્ડની હતી.આથી હું મારી માતૃભાષાની જેમ જ નાગામીઝ ભાષા પણ એકદમ મસ્ત બોલવા લાગ્યો અને સર્વિસની સેવા વિશેની રીતભાતો અને જ્ઞાન મેળવ્યું લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાંથી.'
તેમણે સૌપ્રથમ દિમાપુર જિલ્લામાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કામ કર્યું. તે પછી તે કોહિમી જિલ્લામાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે, મ્યાનમારની સરહદે આવેલા મોન જિલ્લામાં એડિશનલ ડેપ્યુટી કમિશનર, નાગાલૅન્ડ સેક્રેટરિએટ એન્ડ પ્રોજેક્ટ ડિરેક્ટર આઇએફએડી (ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ)ના વીજળી વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે પણ કામ કર્યું.
તે પછી ૨૦૧૭માં નવેમ્બર મહિનામાં તેમની કિફિરે ખાતે ટ્રાન્સફર થઇ જેને દેશના ૧૧૭ આશાસ્પદ જિલ્લાાઓમાંના એક તરીકે વડા પ્રધાન અને નિતી આયોગે જાહેર કર્યો હતો. આ ભારતનું એકદમ દૂરના જિલ્લાઓમાંનું એક છે. કિફિરે પહોંચવા માટે પહાડી વિસ્તારમાંથી જવું પડે અને ૧૨થી ૧૫ કલાક પહોંચતા લાગે. નાગાલેન્ડનો કિફિરે એ એકમાત્ર જિલ્લો છે જે આશાસ્પદ જિલ્લાઓની યાદીમાં છે. તેમના નેતૃત્વ હેઠળ જિલ્લામાં અત્યારે વિકાસ તરફના કેટલાક પગલાં ભરાઇ રહ્યાં છે. આ જિલ્લો બહુ પછાત છે અને તેની રચના ૨૦૦૪માં થઇ હતી. કેટલાક આદિવાસીઓના રહેવાસથી તેની શરૂઆત થઇ હતી. ત્યાં કાયદા-કાનૂન અંગે બહુ સમસ્યા છે. ઉપરાંત તે આંતરરાષ્ટ્રીય સરહદો અને મ્યાનમાર સાથે પણ જોડાયેલું છે. જોકે, ત્યાં મુખ્ય પડકાર તો સામાજિક-આર્થિક રીતે પછાતપણાંનો છે, એમ તેઓ કહે છે.
અત્યારે તે શિક્ષણ, કૃષિ ખાતું, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ, બેઝિકઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેન્કિંગ જેવા છ ક્ષેત્રો પર ફોકસ કરી રહ્યા છે. તેકહે છે, એ આશ્ર્ચર્યની વાત નથી કે નાગાલૅન્ડ તહેવારોની ભૂમિ છે, પણ અમે અહીં દરેક દિશામાં સંપૂર્ણ વિકાસ તરફ આગળ વધવા માગીએ છીએ.
આ આઇએએસ અધિકારીએ તેમની આત્મકથા પણ લખી છે, જે મલયાલમ ભાષામાં છે અને તેનું શીર્ષક છે 'વિરાલાટ્ટમ'. તેનો અર્થ થાય છે 'આંગળીની ટોચ'.
તે યુવાવર્ગને સંદેશ આપતા કહે છે કે 'કેરાલાનો મારા જેવો છોકરો જો આટલી બધી વસ્તુ જીવનમાં કરી શક્તો હોય તો અન્ય કોઇ કેમ નહીં. ભારત બહુ મોટો દેશ છે. અહીં આપણી પાસે તકોની ભરમાર છે. જો તમે સખત મહેનત કરો તો તમારા સપનાં પૂરાં કરી જ શકો છો. આથી વિશ્ર્વના ઘોંઘાટના દરિયામાં તમારા અવાજને ડૂબવા દેશો નહીં અને તમારા આદર્શને અનુસરો.' |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OskRvr9EOFVqnXZuud9Xsedy_kEQ%3D2MGrhi8btf%2BHLD%3Dg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment