વચ્ચે જેન્ટલમૅન્સ ગેઝેટની યુટ્યુબ પરની ઘણી વીડિયો જોઈ, એટિકેટ વગેરે વિશે. એમાં કોઈ બ્રાઈટ સાઈડ કરીને એક યુટ્યુબ ચેનલ છે તે હડફેટે ચડી ગઈ. એમાં એટિકેટ કે રીતભાત વિશે વિગતે 25 ટિપ્સ આપેલી છે. સારી વાતો છે. ક્યુરોસિટી હોય તો જોઈ લેજો. એમાંની એક ટિપ વિગતે વાત કરવાની લાલચ રોકી શકાતી નથી. આમ તો એ બધી કૉમન સેન્સ જ છે અને એ વિશે ચાણક્યે ઘણી સારી સલાહ આપી છે. ટિપ છે કે અમુક વાતો ક્યારેય કોઈની સાથે શેર કરવાની નહીં. તમે જેમને તમારી ખૂબ નજીકની (કે ખૂબ નજીકના) મિત્ર માનતા હો એમની સાથે પણ નહીં, કુટુંબીઓ સાથે પણ નહીં, જેનામાં તમે હન્ડ્રેડ પર્સેન્ટ ભરોસો મૂકતા હો એમની સાથે પણ નહીં. શું કામ? યાદ છે કવિ રાજેન્દ્ર શાહની 'બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ' વાળી કવિતા. મને ટેન્થમાં ભણવામાં હતી. એમાં એક પંકિત આવે છે. 'આપણી વ્યથા, અવરને મન રસની કથા' અવર એટલે બીજાઓ. આપણા દુખદર્દની વાતો બીજાઓ માટે માત્ર મસાલેદાર વાતો જ હોય છે. સાંભળનારનો ઈરાદો ખોટો ન હોય પણ તમારી પાસેથી આવી ચટાકેદાર વાતો સાંભળીને તેઓ એમના પોતાના ડિયર ને નિયર વન્સ સાથે શેર કર્યા વિના નહીં રહી શકે. અને જેમની સાથે તેઓ તમારી આ વાતો શેર કરશે તેઓ એમના ડિયર-નિયર વન્સ સાથે શેર કરશે અને જોતજોતામાં તમારી ખાનગી વાત તમારા માટે એમ્બેરેસિંગ બની જાય એ હદ સુધી પબ્લિક બની જશે, 9 વાતો કહી છે. કઈ કઈ? એક તો, તમારે કોઈની સાથે ફૅમિલીમાં ઝઘડો થયો એની વાત. ક્યારેક પિતા સાથે, ક્યારેક દીકરા સાથે, ક્યારેક ભાઈ તો ક્યારેક કાકા-મામા સાથે ઝઘડો થઈ ગયો હોય તો એ દુ:ખ મનનું મનમાં જ રાખવાનું. તમને અન્યાય થયો હોય એવું લાગતું હોય તો પણ આ ઝઘડાની વાત બીજાઓ સાથે શેર કરીને સહાનુભૂતિ ઉઘરાવવાનો ખોટનો ધંધો કરવા નહીં જવાનું. તમારા પતિ-પત્નીના, લવર્સના કે બે ફ્રેન્ડ્ઝના ઝઘડાઓ તો ક્યારેય કરતાં ક્યારેય કોઈનીય સાથે શેર નહીં કરવાના, કારણ કે આવા અંગત ઝઘડાઓની બાબતમાં તો ત્રીજી વ્યક્તિ ફાચર મારીને ખાઈ વધુ પહોળી કરીને પોતાનો ફાયદો કરવાની લાલચ નહીં રોકી શકે. દાખલા તરીકે તમે તમારા પતિ વિશે ફરિયાદ કરતાં તમારી પડોશણને કહેશો કે મને મારા હસબન્ડ પર ડાઉટ છે તો એ પડોશન નક્કી તમારી જાણ બહાર તમારા પતિની વધુ નજીક આવવાની કોશિશ કરવાની. આવું જ પત્ની ઉપરની શંકાની બાબતમાં, કે બે મિત્રો વચ્ચેની કે બે પ્રેમીઓ વચ્ચેની શંકાની બાબતમાં થવાનું છે. અપાર્ટ ફ્રોમ ધૅટ, તમારે શું કામ તમને કોઈની સાથે બને છે કે નથી બનતું એનો ઢંઢેરો પીટવો છે? શક્ય છે કે આજે જેની સાથે નથી બનતું તેની સાથે જ કાલે વધારે નજીક આવવાનું થાય, ગાઢ સંબંધ થાય, કોઈ અગત્યના કામ કે પ્રોજેક્ટમાં ભેગા મળીને જવાબદારી ઉઠાવવાની થાય. એવા પ્રસંગે જો તમારા એની સાથે વણસી ગયેલા સંબંધોની વાત બઢાવી-ચઢાવીને છાપરે ચડી ગઈ હશે તો મુશ્કેલીઓ તમારી જ વધવાની છે. માટે ફૅમિલી કે અંગત વ્યક્તિઓ સાથેના જ નહીં, કોઈની પણ સાથેના ઝઘડાની વાતો કોઈનેય કરવાની નહીં. ભૂતકાળમાં મારે મારા સિનિયર અને હું જેમની કલમનો પ્રેમી છું એવા ચંદ્રકાન્ત બક્ષી સાથે બેચાર વાતોમાં જાહેરમાં તડાફડી થઈ હતી ત્યારે હું અંગત વાતચીતોમાં શું થયું ને શું નહીં એની વિગતો રસપૂર્વક બોલતો જેનો ગેરફાયદો ઘણા હરામીઓ ઉઠાવી ગયા અને પછી જ્યારે મારી અને બક્ષીસાહેબ વચ્ચે ખરેખર એકબીજા માટેના હૂંફના સંબંધો સ્થપાયા ત્યારે પેલા બદમાશોએ ડહોળી નાખેલું અમારું વાતાવરણ મને ખૂબ કઠતું રહ્યું. ખૈર. શીખવા મળ્યું. હવે તો હું એટલો સાવધ થઈ ગયો છું કે જેમના સેક્યુલર કે ડાબેરી વિચારો સાથે મારે ઊભેય ન બનતું હોય એવા પરિચિત લોકો વિશે પણ હું પર્સનલ વાતચીતમાં ક્યારેય ઘસાતું બોલતો નથી. મને ખબર છે કે આપણને મિસક્વોટ કરીને, આપણા શબ્દોને સંદર્ભ બહાર લઈ જઈને વળ ચડાવીને ટાંકીને, આપણા જ ખભા પર પોતાની બંદૂક મૂકીને ફોડનારાઓ આપણી આસપાસ હોવાના છે. આટલી અક્કલ આવ્યા પછી લાઈફ ઈઝી થઈ ગઈ છે.
બીજી વાત. ઝઘડા જેવું જ અપમાનનું છે. કોઈએ તમારા વિશે કશુંક ખરાબ લખ્યું, કહ્યું કે છાપ્યું તો તમારે એનો ઢંઢેરો પીટવાની જરૂર નથી. આણે તો મારું આ રીતે અપમાન કરી નાખ્યું એવું હું જ્યારે કોઈ બીજી વ્યક્તિને કહું છું ત્યારે મારામાં ફરી એકવાર અપમાનિત થવાની લાગણી જન્મતી હોય છે. આપણે જાતે જ શું કામ બીજીવાર આપણું અપમાન કરાવવું? લાગ મળ્યે પેલાને ઈંટનો જવાબ પથ્થરથી આપીને ચૂપ કરી દેવાનો - જો એ તમારી હેડીનો હોય તો. પણ જો એ કોઈ છૂછું હોય તો ગટરના કીડાઓ સાથે શું મોઢે લાગવાનું? મોદીજી પાસેથી શીખવાનું. બચ્ચનજી પાસેથી શીખવાનું. રામદેવજી પાસેથી શીખવાનું. એ લોકોનું સોશ્યલ મીડિયામાં અપમાન કરનારા હજારો નવરાઓ છે. ક્યારેય આવા તણખલાંઓને જવાબ આપે છે. મારા લેખક મિત્રોને પણ મેં આ જ સલાહ આપી છે. કોઈ તમારું અપમાન કરે તો એ વાત દોહરાવવાની નહીં, જવાબ આપવાનો નહીં, કોઈની સાથે એ વિશે ચર્ચા કરવાની નહીં. જિંદગીમાં કરવા જેવાં બીજાં ઘણાં કામો છે.
અપમાનની જેમ તમારી પ્રશંસા થઈ હોય તો એ વિશે પણ બધાને કહેતા નહીં ફરવાનું. તમે બડાશ હાંકતા લાગશો. ક્યારેક એ જ કારણે કોઈને તમારી ઈર્ષ્યા પણ થઈ આવે ને એ તમારું વગર લેવેદેવે બગાડવાની કોશિશ કરશે. કદાચ તમારી કોઈએ પ્રશંસા કરી છે એવું બીજાઓને કહેવાની આદત પડી જશે તો તમારામાં અહંકાર જન્મવાની શક્યતા પણ ભરપૂર. આપણી પ્રશંસા થઈ હોય તો એ પણ ખાનગી રાખવી, બીજાઓ આગળ બણગાં ફૂંકવાની જરૂર નથી. તમારા કામની, તમારા સ્વભાવની, તમારા વ્યક્તિત્વની, તમારા રૂપની પ્રશંંસા કોઈ કરે તો કરે. તમને ખબર નથી કે એ પ્રશંસા કરવા પાછળના ગર્ભિત હેતુઓ, અલ્ટિરિયર મોટિવ્સ ક્યા હતા. પ્રશંસાની આવી વાતોને ગંભીરતાથી નહીં લેવાની. લાઈટલી લઈને ભૂલી જવાની. તમે જે છો તે છો. કોઈ પ્રશંસા કરે એનાથી કંઈ તમે વધારે મોટા બની જતા નથી. તમને ખબર છે કે તમારું કદ કેટલું છે. અંગત વાતચીતની પ્રશંસાને જ નહીં, પબ્લિક માનસન્માનને પણ લાઈટલી લેવાના હોય અને બને ત્યાં સુધી તો એ બધાથી દૂર જ રહેવાનું હોય. લોકો તો સામે ચાલીને પોતાનું સન્માન કરાવવા માટે સમારંભો ગોઠવતા હોય છે. નાનોમોટો સરકારી ઍવોર્ડ પામીને કે નાનીમોટી સંસ્થા દ્વારા ઈનામ અકરામ પામીને ફુલાઈ જતા હોય છે. હમણાં એક મિત્રે પૂજ્ય મોરારિબાપુુએ કહેલા શબ્દો કહ્યા. બાપુ પોતે સરકારી (કે ઈવન બિનસરકારી) એવૉર્ડ-સન્માનો સ્વીકારતા નથી. બીજાઓને પણ આવા ખેલતમાશાઓથી દૂર રહેવાની પ્રેમાળ સલાહ આપતા હોય છે. એમના શબ્દો છે: તમે કોઈ એવૉર્ડ સ્વીકારો તો તમારું કદ ઘટીને એ એવૉર્ડની જે ટ્રોફી હોય એવડું થઈ જતું હોય છે!
બીજું શું શું ખાનગી રાખવાનું? નવમાંની ત્રણ વાતો વિશે ગઈ કાલે ચર્ચા કરી કે તમારે કોઈની સાથે ઝઘડો થયો હોય કે કોઈએ તમારું અપમાન કર્યું હોય કે કોઈએ તમારી પ્રશંસા કરી હોય તે વિશે તમારે બીજા કોઈ આગળ કશુંય બોલવાનું નહીં, વાત ખાનગી રાખવાની. ચોથી ખાનગી રાખવા જેવી વાત તમારા મેડિકલ પ્રોબ્લેમ્સ. નાની મોટી શારીરિક તકલીફો સૌ કોઈને હોવાની અને દરેક જણ પોતપોતાની રીતે એ સમસ્યાઓનો સામનો કરવાનું છે. સોનિયા ગાંધીને કે અત્યારે રિશી કપૂરને કઈ બીમારી છે એની તમને ખબર છે? ડોનલ્ડ ટ્રમ્પ કે અમિતાભ બચ્ચન રોજ કેટલા પ્રકારની ગોળીઓ ગળે છે એની તમને જાણ છે? નથી અને ન જ હોવી જોઈએ. સેલિબ્રિટીઓ જ નહીં, આપણા જેવી નૉર્મલ વ્યક્તિઓની મેડિકલ કંડિશન વિશે પણ ફેમિલીમાં લાગતીવળગતી એકાદ બે વ્યક્તિઓ સિવાય બીજા કોઈને ખબર ન હોવી જોઈએ. તમને કબજિયાત હોય તો એ તમારો પ્રોબ્લેમ છે (બહુ બહુ તો ભાવનગરવાળા શેઠ બ્રધર્સનો પ્રૉબ્લેમ છે). ગામ આખાને એની જાણકારી આપવાની જરૂર નથી. એવું જ બીપી, કોલેસ્ટરોલ, શુગર સહિતની દસ ડઝન નાની મોટી કંડિશન્સ વિશે માનવું. કોઈ પૂછે કે તબિયત કેમ છે ત્યારે ગયા મહિને કઢાવેલા કમ્પ્લીટ બોડી ચૅકઅપનો રિપોર્ટ આપતા હોઈએ એમ વિગતો આપવા નહીં બેસી જવાનું. જલસા છે, એમ જ કહેવાનું. લોકોના દેખતાં તમારી રોજની લાલપીળી ટેબ્લેટ્સની ડબ્બી ખોલીને નાસ્તો કરવા નહીં બેસી જવાનું. જમ્યા પછી આઈસક્રીમ ન ખાવો એવું ડૉક્ટરે કહ્યું તો એટલી ચરી પાળવાની, પણ જેમણે આઈસક્રીમની ઑફર કરી હોય એને તમારે કહેવાની જરૂર નથી કે: ના હોં. ખબર છે કાલે શુગર અઢીસો થઈ ગઈ'તી. એ જ રીતે તમને માનસિક પ્રૉબ્લેમ હોય તો કયા સાઈક્રીએટ્રિસ્ટની તમે ટ્રીટમેન્ટ લો છો એનો ઢંઢેરો પીટવાની જરૂર નથી. લોકો તમને ગાંડા ગણશે. બાયપાસ કરાવી હોય, સ્ટેન્ડ મુકાવ્યા હોય, કિડનીના પ્રોબ્લેમ્સ સોલ્વ કરાવ્યા હોય કે પછી સ્વામી રામદેવની શિબિરોમાં જઈને ઘૂંટણના વાની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો બધાને કહેવાની જરૂર નથી. જિંદલ ફાર્મમાં જવું હોય તો મહિનો બેન્ગલોરનો આંટો મારી આવવાનો. આવ્યા પછી સ્લિમ ઍન્ડ ટ્રીમ થઈ ગયા હો તો બડાશ હાંકવાની જરૂર નથી કે તમે કેવી રીતે ત્રીસ દિવસ સુધી માત્ર રોજની ત્રણ કિલો પલાળેલી કાળી દ્રાક્ષ ખાઈને કાઢ્યા અને એ દરમ્યાન તમારા મળના રંગમાં કેવા કેવા ફેરફારો થયા. છી કોઈને તમારી છી છીમાં રસ નથી. તમે કયા કયા ડૉક્ટરોની કઈ કઈ ટ્રીટમેન્ટો લીધી એની વિગતોમાં પણ કોઈને રસ નથી. તમારી ઉંમર કંઈ પણ હોય 25, 35, 45, 55, 65, 75 કે પછી 85 કે 95 - તમારી મેડિકલ હિસ્ટરી તમારી પાસે જ રાખવાની હોય, તમને મળેલા પદ્મશ્રી અવૉ ર્ડની જેમ - બધાને એની ફાઈલ બતાવ બતાવ કરવાની ન હોય.
પાંચમી વાત જે ખાનગી રાખવાની હોય છે તે તમારી ઉંમર. બધા જાણે છે એ તો કે ક્યારે કોઈનેય એમની ઉંમર પૂછવાની ન હોય, સ્ત્રીને તો ખાસ નહીં. ગમે એટલી નાની ઉંમરની યુવતી હોય કે મોટી ઉંમરની કાકી હોય. ક્યુરોસિટી બહુ હોય તો કઈ સાલમાં એસ.એસ.સી. પાસ કર્યું કે કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું એવું પણ નહીં પૂછવાનું. ના એટલે ના. એવી કોઈ આડકતરી ચાલબાજી પણ ના ચાલે. ઉંમર ઉપરાંત તમારે ક્યારેય તમારી આવક કે તમારી પાસે કેટલી મિલકત છે એની પણ માહિતી કોઈને આપવાની ના હોય. કોઈ પૂછે તો કહી દેવાનું કે ભગવાનની મહેરબાની છે. અને જેમને કલ્પના કરવી હોય તે તમારી ગાડી કે તમારા ફલેટ-બંગલા પરથી કલ્પના કરી લે, પણ તમારી આર્થિક સદ્ધરતા (કે પછી આર્થિક પડતી) વિશે તમારા ઉપરાંત જો બીજા કોઈને એની માહિતી હોય તો તે માત્ર તમારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને જ હોવી જોઈએ. જેમ તમારી શારીરિક કે માનસિક બીમારીઓ વિશે તમે જેમની પાસેથી સારવાર લેતા હો એમને જ ખબર હોય એવું જ આર્થિક બાબતોનું છે.
નવમાની છ વાત થઈ ગઈ. સાતમી વાત છે તમારા પ્રેમ સંબંધોની. તમને ભૂતકાળમાં ક્યારે કોની જોડે પ્રેમ થયેલો કે અત્યારે તમારું કોની જોડે અફેર ચાલે છે કે તમે કેટલાં વન નાઈટ સ્ટેન્ડ્સ કર્યાં છે કે તમે હજુય તમારી/તમારા ઍક્સના ટચમાં છો કે નહીં એની વાતો તમે એકલા જ જાણો, બીજું કોઈ નહીં - ફૉર ઑબ્વિયસ રિઝન. દોસ્તીમાં કે મજાકમાં કે દારૂ પીને છાકટા થઈને કે ઈમોશનલ થઈને કે પછી એણે એની આટલી ખાનગી વાત રિવીલ કરી તો હું પણ મારી એવી વાતો એની પાસે ઉઘાડી પાડું એવા કોઈ ભાવાવેશમાં તણાવાનું નહીં. તમારા અંગત સંબંધો માત્ર તમારી જ નહીં, જેની સાથે એ અંગત સંબંધો હતા કે છે - એ વ્યકિતની પણ મૂડી છે, આ સહિયારી મિલકત કહેવાય. એને એકપક્ષીય નિર્ણય લઈને વેડફી ન દેવાય.
આઠમી વાત તમારા ધર્મ-સંપ્રદાય-તમારી ધાર્મિક માન્યતા-આસ્થાની વાતો. કોઈની સાથે એની ચર્ચા કરવાની નહીં. તમને ફલાણા ધર્મગુરુમાં આસ્થા હોય અને બીજું કોઈ ઢીંકણા સંપ્રદાયનું અનુયાયી હશે તો નાહક તમારી વચ્ચે કલેશ અને કલેહ ઊભો થશે.
છેલ્લી અને નવમી વાત એકદમ યુનિક છે. તમને મળેલી ભેટ, ગિફટ્સ વિશે ક્યારેય ઢંઢેરો પીટવાનો નહીં. કોઈ તમારા સેન્ટનાં કે તમારી પેનનાં કે તમારા ઘરની કોઈ ચીજનાં વખાણ કરે ત્યારે એવું કહેવાની જરૂર નથી કે મને ભેટમાં મળ્યું છે કે આ તો ફલાણાં કે ફલાણીએ અમુક પ્રસંગે મને ગિફ્ટ આપી હતી, કારણ કે આવું સાંભળ્યા પછી જેને તમે આ બધું કહી રહ્યા છો. એને કદાચ એમ પણ લાગે કે આ વ્યક્તિ ઈન્ડાયરેક્ટલી એમ કહી રહી છે જુઓ, મને તો આ લોકો ભેટ આપે છે, તમે કેમ ક્યારેય કશું આપતા નથી!
આ દિવાળીએ જીવનમાં ખાનગી રાખવા જેવી નવ વાતો વિશે જણાવીને મારા વાચકોને મેં જે ભેટ આપી છે તે તમને કોની પાસેથી મળી છે તે કોઈને કહેતા નહીં. બીજા લેખકોને માઠું લાગશે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtvRzZjOZA6Fih1XXWP2-ARAP3qqo4Epam8h%2BA-vKyx4g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment