Sunday, 2 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ટેક્સીચાલક બન્યો આદર્શ ગામનો ઘડવૈયો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટેક્સીચાલક બન્યો આદર્શ ગામનો ઘડવૈયો!
પ્રાસંગિક-પ્રતીક ખંભાતી

 

 

 

'ખુશી-આનંદ પામવાનું રહસ્ય બીજાઓને મદદ કરવામાં રહેલું છે', એમ જીવનનાં રહસ્યો જાણનારા વિદ્વાનો, સાધુસંતો કહેતા આવ્યા છે. કેટલાકોએ વાંચી-સાંભળીને આ વાતને બીજાઓ તરફ ધકેલી દીધી તો બીજા કેટલાકોએ મદદ કરવાના પ્રયાસો કર્યા, પણ ફાવ્યા નહીં તો એવાય કેટલાક નીકળ્યા જેઓ મક્કમતાથી સાધુસંતોના આ કથનને વળગી રહ્યા, સતત મદદનો હાથ લંબાવતા રહ્યા અને એમનું કામ સરતું રહ્યું, અન્યોના જીવનમાં સારા માટે પલટો લાવતું રહ્યું. આવા કેટલાક લોકોમાં એક છે સુભાષ કદમ (નાથ). સુભાષ કદમ (નાથ) સમક્ષ સારું જીવન જીવવું એટલો જ એક મકસદ નહોતો એમને માટે અસ્તિત્વ ટકાવી રાખવાની વાત ત્યારે મહત્ત્વની હતી. સુભાષના પિતા આ જગતમાંથી વિદાય થયા ત્યારે કદમ ફક્ત ચાર વર્ષના હતા અને તેમની માતાને કુટુંબનાં ભરણપોષણ માટે વેઠ કરવા જવું પડતું હતું. માતાએ કાળી મજૂરીમાંથી જે પૈસા મળે તેમાંથી કુટુંબને જીવાડવાનું હતું.

 

સુભાષ કદમ (નાથ)એ અઢારમા વર્ષે દસમું ધોરણ પાસ કરીને કુટુંબને આર્થિક રૂપે મદદગાર બનવાને આશયે મુંબઈની વાટ પકડી. મુંબઈમાં આવેલા નાથે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું અને પોતાની તથા કુટુંબની જીવનગાડી હંકારવામાં મદદ કરવા માંડી. આવી કૂમળી વયે અને ટેક્સીચાલક તરીકેની ફરજ બજાવતી વખતે પણ નાથના ભેજામાં પોતાના સમાજનો, પોતાના ગામનો ઉત્કર્ષ સાધવાનો ખયાલ રમતો હતો. એ માટે એમને એવું કશું કરવું હતું તેથી એમના સમાજની રહેણીકરણીમાં પલટો આવે. જોકે ત્યારે માતા અને કુટુંબને મદદ કરવાની બાબત સૌથી ઉપરના અગ્રતાક્રમે હોઈને સમાજ માટે ઝાઝું કશું કરી શકાય એવી પરિસ્થિતિ નહોતી.

 

જીવનના ખાડાટેકરાવાળા સમયના તબક્કામાં ટેક્સીચાલક સુભાષ કદમ નાથના એક મિત્રે વર્ષ ૨૦૦૭માં એક આધ્યાત્મિક સંસ્થાના 'હૅપીનેસ પ્રોગ્રામ' વિશે જાણકારી આપી અને એ સંસ્થાનો પરિચય કરાવ્યો હતો. આગળ જતાં નાથે જાતે થઈને એ સંસ્થાના 'યુથ લિડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ (વાયએલટીપી)માં હિસ્સો લીધો હતો. આ કાર્યક્રમે તેમના જીવનને મોટો પલટો આપ્યો એવું ખુદ નાથ કહે છે. આ પ્રોગ્રામ ગ્રામીણ તરુણોની કુશળતાને ઘડવાનું અને યુવાનો પોતાના વિસ્તારમાં પલટો લાવનારા એજન્ટ બની શકે એ રીતે તેમને તૈયાર કરવાનું લક્ષ્ય ધરાવતો હતો.

 

આ વિશે વાત કરતાં નાથે કહ્યું હતું કે, "લગભગ દરેક જણ પોતાની કાળજી લેવા માટે જ જીવતો હોય છે. પોતાની કાળજી ન લઈ શકે એવા અને તેમની મદદ કરી શકનારા કોઈ ન હોય તેવા લોકોનું શું થતું હશે? આવા પોતાની જાતની કાળજી માટે પણ સંઘર્ષ કરનારાઓને મદદનો હાથ આપવા કોઈએ તો આગળ આવવું જોઈએ.

 

બહેનના લગ્ન માટે પૂરતા પ્રમાણમાં બચત કર્યા બાદ નાથ મહારાષ્ટ્રમાં આવેલા પોતાના ગામ જયગાંવ (જળગાંવ નહીં) ખાતે પાછા ફર્યા. શરૂઆતમાં તેમણે ગામનાં વૃદ્ધો અને દિવ્યાંગોને ઉત્તમ પેનશન યોજના અપાવવાનું કામ કરવા માંડ્યું. પુણેના સરકારી અધિકારીઓ નાથના સમાજસેવી કામથી ખાસ્સા પ્રભાવિત થયા અને તેમણે નાથને ગામની અંદર ૭૭ શૌચાલયો બાંધવામાં મદદ કરી હતી.

 

જોકે, ગામના સ્થાનિક નેતાઓ નાથના કામથી એવા પ્રભાવિત નહોતા થયા કે નહોતા તેમની મદદમાં રહ્યા! આ તબક્કે નાથે સ્થાનિક ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. માત્ર ૩૨ વર્ષની વયે નાથ ગામના સરપંચનો હોદ્દો મેળવી શકયા. નાથના ગામની તાતી અને અતિ મહત્ત્વની સમસ્યા પાણીની હતી. ગામમાં પાણીના સ્રોતોની ખાસ્સી ગંભીર અછત હતી. આ જોઈને નાથે તરત જ ગામની પાણીની અછતને દૂર કરવાનું કામ શરૂ કર્યું. એમણે 'સ્ટોપ ધ વૉટર, સેવ ધ વૉટર'ની ઝુંબેશ શરૂ કરી અને ગ્રામવાસીઓને પાણીની જાળવણી કરવાનો કસબ શીખવ્યો, વર્ષો ટેન્કરના પાણી ઉપર નભનારું જયગાંવ આજે ટેન્કર મુક્ત છે. ગામમાં ૨૭ કૂવા છે, ૨૦ ખોદીને બનાવેલા પથ્થરનાં બંધ, ચાર લાખ લિટર સંઘરેલું જળ અને ૧, ૭૫, ૦૦૦૦ ક્યુબિક મીટર બચાવેલું પાણી છે.

 

નાથ વિગતે વાત કરતાં કહે છે કે, "આપણા સ્વાતંત્ર્યના લડવૈયાઓએ દેશને માટે જીવનો ભોગ આપ્યો. આજના જમાનામાં કોઈ તમને તમારું બલિદાન આપવાનું કહેતું નથી, પણ તમારા ગામને, દેશને આદર્શ બનાવવા માટે તમારા કૌશલ્યનો, તમારા નાણાંનો ઉપયોગ કરો, શ્રમદાન કરો. એ કાર્ય માટે વર્ષનો એક મહિનો અથવા મહિનામાં એક સપ્તાહ અથવા સપ્તાહનો એક દિવસ અથવા દિવસનો એક કલાક પણ તમે આપી શકો છો. એ કર્યા પછી જુઓ કે શું બને છે.

 

સુભાષ કદમ (નાથ) માટે તો આ ફક્ત આરંભ છે. તેમની મનીષા તેમના જયગાંવને એક આદર્શ ગામ બનાવવાની છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov0Xbg_vO1TEGx6_rOvE1GN4SfP_%2Bx0Sd0F8hVbLKNRwA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment