ઈશ્વરે આપણને બે કાન આપ્યા છે અને એક જ જીભ આપી છે એનો સંકેત એ છે કે સાંભળવા કરતાં અડધું જ બોલવું, પરંતુ માણસ છે કે એ એથી ઊલટું જ કરે છે. સાંભળવા કરતાં એ બમણું બોલે છે. બોલ બોલ કરીને એ પોતાની જાતને પારાવાર નુકસાન કરે છે તો સાંભળવામાં બેદરકારી રાખીને એથી પણ વધારે નુકસાન કરે છે. બાળક જ્યારે સંસારમાં આવી પડે છે. ત્યારે અમુક સમય સુધી તો જોવા, સાંભળવામાં એ બહુ જ સજાગ હોય છે, પરંતુ ધીમેધીમે ઉંમર વધવા સાથે એની બેદરકારી વધતી જાય છે. બીજી એક વાત એ પણ છે કે માણસ કોઈ એક ક્ષણે એક જ ક્રિયા કરતો હોય એવું બનતું નથી. એ એક જ સમયે ઘણું બધું કરી રહ્યો હોય છે. જમતી વખતે એ માત્ર જમતો જ હોય એવું બનતું નથી. જમવાનો સ્વાદ માણવાના બદલે કેટલીક વખત તો કોઈક બીજી જ ચિંતાઓ વચ્ચે એ ઘેરાયેલ હોઈ શકે છે. એટલે માણસે જોવાનું હોય ત્યારે સારી રીતે જોવાની, સાંભળવું હોય ત્યારે સાંભળવાની કે બોલતાં હોઈએ ત્યારે એકચિત્ત થઈને બોલવાની તાલીમ લેવી પડે છે. આપણે જાણીએ છીએ કે સામાન્ય સંજોગોમાં બોલવાની ક્રિયા એ સાંભળવાની ક્રિયાની આનુષંગિક ક્રિયા છે. એટલે જ બાળક પોતાના ઘરમાં બોલાતી કે પોતાના વિસ્તારમાં બોલાતી બોલીને સાંભળીને એ જ લઢણથી બોલતાં શીખે છે. એક રીતે તો એ નકલ જ છે. ચરોતરમાં વસતું બાળક ચરોતરી લઢણથી બોલતાં શીખે છે તો સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાતમાં વસતાં બાળકની બોલી, ઉચ્ચારો તદ્ન જુદા હોવાનું આપણને માલુમ પડે છે. પાલનપુરી કે સુરતી લઢણ તો આપણને ચકિત કરી દે તેવી હોય છે. બાળક જે સાંભળે છે એ જ બોલે છે, એ જ લહેકાથી, ઉચ્ચારથી બોલે છે, પરંતુ બાળક સારી રીતે સાંભળતાં શીખે એ માટે આપણે જરાય મહેનત કરતા નથી. પણ, ક્યારેક એવું જોવામાં આવે છે કે બાળક મોટું થતું જાય પણ બાળક બોલતાં ન શીખે ત્યારે એ મા-બાપ માટે ચિંતાનો વિષય બની જાય છે અને ડોક્ટર પાસે દોડી જાય છે. તપાસના અંતે ક્યારેક એવું તારણ નીકળે છે કે બાળક સાંભળતું નથી, એટલે કે બહેરું છે માટે એ બોલતાં શીખતું નથી. બાળકને જીભની તકલીફ નથી પણ કાનની તકલીફ છે. બાળકને બોલતું કરવા માટે ડોક્ટર એના કાનની ટ્રીટમેન્ટ કરે છે, જીભની નહિ. સામાન્ય રીતે આપણે 'બોલવાની' વાતને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું 'સાંભળવાની' વાતને મહત્ત્વ આપતાં નથી. સારા વક્તા બનવા માટે પણ સારા શ્રોતા બનવું ખૂબ જ જરૂરી છે, કદાચ એ એની પહેલી શરત છે. અહીં મને મહાન ગાયિકા લતા મંગેશકરની કારકિર્દીની શરૂઆતની એક વાત યાદ આવી જાય છે. સદીઓમાં પણ ભાગ્યે જ પાકે એવી આ ગાયિકા મરાઠી છે. શરૂઆતની એમની ગાયિકીમાં સ્વાભાવિક રીતે જ મરાઠી ઉચ્ચારોની લઢણ આવી જતી હતી. એ જમાનાના વિખ્યાત અભિનેતા દિલીપકુમારે ટકોર કરી કે લતાજીના ઉર્દૂ ઉચ્ચારો બરાબર નથી બસ, લતાજી માટે આ ટકોર પૂરતી હતી. પછીના સમયમાં એમણે ઉર્દૂ ઉચ્ચારો ઉપર ઉર્દૂભાષીઓ કરતાંયે કદાચ વધારે કાબૂ મેળવી લીધો. આપણે જાણીએ છીએ કે 'મોગલ-એ-આઝમ'થી લઈને 'પાકિઝા' જેવી અનેક ફિલ્મોની સફળતામાં એમના ગાયેલાં ગીતોનો મોટો ફાળો રહ્યો છે. અહીં શીખવાની વાત એ છે કે માત્ર બોલવાની આવડતથી નહિ પણ સાંભળવાની કલા હસ્તગત કરવાથી જ લતા મંગેશકર લતા મંગેશકર થઈ શક્યાં છે. એટલે સાંભળતાં શીખવાની કલાને સાવ સામાન્ય ગણવી નહિ. એરિસ્ટોટલે કહ્યું છે કે, 'ઓછું બોલવા જેવા સહેલા કામના ફાયદા ઘણા છે.' પરંતુ કેટલાકને સાંભળવાનું બિલકુલ ગમતું નથી. સાંભળતા આવડવું એ કોઈ કુદરતી બક્ષિસ નથી, પણ ધ્યાન દઈને સાંભળતાં શીખવા માટે તાલીમની જરૂર પડે છે. મનુષ્યે કેળવવો પડે એવો એ સંસ્કાર છે. ધ્યાનથી સાંભળીને જરૂરિયાત જેટલું જ બોલનાર માણસ જ્ઞાની હોય છે. તમે જ્યારે ધ્યાનથી સાંભળો છો ત્યારે બીજાને આનંદ આપી શકો છો અને અનેક મુશ્કેલીઓ તથા ગેરસમજથી બચી શકો છો. આમ છતાં, ધ્યાનથી સાંભળવાનો અર્થ એવો નથી કે સામી વ્યક્તિ જે કંઈ કરે તે બધું જ સ્વીકારી લેવું. કાનમાં જે કંઈ રેડાય તેમાંથી કચરો દૂર કરતા રહેવાની સતત તકેદારી તો રાખવાની જ છે. ભાષણોમાં જે કંઈ કહેવાય કે જાહેર ખબરોમાં જે કંઈ બોલાય એ બધું કંઈ સ્વીકારી લેવા જેવું હોતું નથી. દરેકે એમાંથી પોતાની રીતે તારવણી કરતા રહેવાનું હોય છે. ધ્યાનથી સાંભળવાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ સંભાળીને બોલવાની ટેવનું છે. બાળપણથી જ એની કેળવણી જરૂરી છે. ક્યારે બોલવું? શું બોલવું? કેટલું બોલવું? એની તાલીમ માણસને ઘણી મુશ્કેલીઓથી બચાવે છે. નિષ્ણાત ડોક્ટરોએ પ્રયોગો કરીને તારણ કાઢયું છે કે બહુ બોલનાર વ્યક્તિને હાયપર એસિડિટી અને હોજરીમાં અલ્સર જેવા રોગો થાય છે. સ્વરપેટીના રોગો થાય છે. લોહીના ઊંચા દબાણ માટે અનેક કારણો છે, પરંતુ બહુ બોલનારનું બ્લડ પ્રેશર ઊંચું જાય છે અને લોહીનું ઊંચું દબાણ બીજા અનેક રોગોને જન્મ આપે છે ફેફસાં, યકૃત, મગજ, હૃદય, કિડની જેવાં બીજા અંગોને એથી નુકસાન થાય છે. જેમ્સ લીન્ચ અને તેના સહાયકોએ કરેલા પ્રયોગો ઉપરથી એવું તારણ નીકળ્યું છે કે વાતચીત કરતી વખતે વ્યક્તિનું બ્લડ પ્રેશર અચૂકપણે વધે છે, પણ બીજાને સાંભળતી વખતે ફરી પ્રેશર ઓછું થઈ જાય છે. આ પ્રયોગોનો સાર એ છે કે, સતત બોલવું, ઉશ્કેરાઈને બોલવું, ઉત્તેજિત થવું એ આરોગ્ય માટે નુકસાનકારક છે. શાંત રહેવું, બીજાની વાત ધ્યાનથી સાંભળવી, મૌન રહેવું, ઓછું બોલવું એ આરોગ્ય માટે ફાયદાકારક છે. જાપાનમાં કહેવાય છેઃ 'મૌન માનવી હંમેશાં સાંભળવા લાયક હોય છે.' પરંતુ આપણે તો મૌન રહેવા ટેવાયેલા જ નથી હોતાં. એટલું જ નહિ કેટલાક તો એવા માણસો આપણને જોવા મળે છે કે જે વિશે તેઓ ઓછામાં ઓછું જાણતા હોય છે એ વિશે પણ તેઓ વધારેમાં વધારે ચોક્કસ રીતે બોલતાં હોય છે. બીજી એક ઉપયોગી કહેવત પાળવા જેવી છે. બે વખત માપીને એક વખત કરવત મૂકજો. જિંદગીમાં આ નિયમ રાખશો તો પસ્તાશો નહિ. એને જરા જુદી રીતે જોઈએઃ બે વખત સાંભળીને એક વખત બોલજો, જિંદગીમાં આ નિયમ રાખશો તો પસ્તાશો નહીં. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osjct_Ga%2BadNmmWBQn7xCmZ%3DfE1XDP1PSAWhmRWP%3Dc%2BMg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment