Sunday, 2 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આત્મહત્યા – આખરી ઉકેલ ન જ ગણાય (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આત્મહત્યા – આખરી ઉકેલ ન જ ગણાય!
રવિ ઈલા ભટૃ

 

 

 

આપણી પાસે જન્મ લેવાની કે તેનો સમય નક્કી કરવાની શક્તી નથી. તો પછી આપણને આપણું જીવન પૂરું કરી નાખવાનો કે તેનો અકાળે અંત લાવવાનો અધિકાર આપ્યો જ કોણે. દુનિયામાં નજર કરીએ તો ક્યાંય કોઈ સંપૂર્ણ સુખી અને સમૃદ્ધ વ્યક્તિ જોવા મળતી જ નથી. (પેટા)


અખબાર હાથમાં લઈએ કે પછી ટીવીમાં ન્યૂઝ ચેનલ ચાલુ કરીએ એટલે બે-ચાર સમાચાર તો જોવા મળે જ કે, પ્રેમી પંખીડાઓએ મોત વહાલું કર્યું, પરિણિત પ્રેમીઓએ ગળાફાંસો ખાંધો, એકતરફી પ્રેમમાં આત્મહત્યા, નાપાસ થવાના ભયે યુવતીનો આપઘાત, સાસરીયાથી કંટાળેલી યુવતીનું અગ્નિસ્નાન, દેવાતળે દબાયેલા પરિવારનો આપઘાત વગેરે વગેરે... આ વાત આજે એટલા માટે કરવી પડી કે, 10 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ એન્ટી સ્યુસાઈડ ડે કે પછી વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે. વાત એટલી છે કે, લોકો વાસ્તવિક દુનિયાથી થાકીને, કંટાળીને કે પછી હારીને અથવા તો જે દુનિયા જોઈ કે જાણી જ નથી તેને પામવા માટે જીવનનો અંત આણે છે તે કેટલા અંશે યોગ્ય છે.

મૃત્યુ એક અફર સત્ય છે. આપણે બધા જાણીએ જ છીએ કે એક દિવસ તો બધાને મરવાનું જ છે પણ તેવું બોદું કારણ રજૂ કરીને આજે જ જીવનનો અંત આણી દેવો ક્યાંની સમજદારી કહેવાય. આપણે મૃત્યુની વાસ્તવિકતાને જાણીએ છીએ અને સ્વીકારીએ છીએ તો તેના માટે મળેલા જીવનને આનંદથી પસાર કેમ નથી કરી શકતા. આપણે એટલું પણ નથી વિચારતા કે જે સ્વજન કે પછી આપણે પોતે એક ક્ષણમાં આંખ મિચી દઈશું પછી શું થવાનું છે તેની ખબર છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે પછી તેની સાથે શું થાય છે તેનો આપણને કોઈ અંદાજ નથી છતાં સ્વર્ગની પ્રાપ્તની અને મોક્ષની પ્રાપ્તી માટે આપણે મથ્યા કરીએ છીએ.

ટીવીમાં કે ફિલ્મોમાં બતાવાય છે તેવી રીતે આત્મહત્યા ક્યારેય ગ્લેમરસ કે અમેઝિંગ કરી શકાય તેવી હોતી નથી. ઘડી-બેઘડીનું દબાણ અને આત્યાંતિક પગલું... બસ આપણા સ્વજન સાથેનો આપણો સંપર્ક પૂરો. આંખો મિચાઈ જાય છે અને બધું જ ત્યાં જ અટકી જાય છે. ખરેખર આત્મહત્યા કરવા માટે જેટલી હિંમત જોઈ તેના કરતા તે ન કરવા માટે વધારે હિંમત જોઈએ છે. ગમે તેવી વિકટ સ્થિતિમાં આત્મહત્યા ન કરનારા વ્યક્તિ જ સાચી હિંમતવાન હોય છે. ઘણી વખત લોકો સ્વજન મૃત્યુ પામે તેના દુઃખમાં આત્મહત્યા કરતા હોવાના પણ કિસ્સા બહાર આવે છે.

સામાન્ય રીતે આપણે એ નથી વિચારતા કે આત્મહત્યા કરવી કે તેના વિચારો આવવા તે ખરેખર એક મનોરોગ છે. મનોચિકિત્સક પાસે તેની સારવાર કરાવવી જોઈએ. સૌથી વિચિત્ર માનસિકતા તો એ છે કે, મારી સમસ્યાઓ કે મને પડતી તકલીફો અત્યંત આકરી છે અને તેનો ઉકેલ લાવી કે આવી શકે તેમ જ નથી. સ્વજન ગયાનું દુઃખ બધાને હોય છે પણ આખી જિંદગી તેની સાથે જીવી શકાય જ નહીં. અભાવ લાગે તે સ્વાભાવિક છે પણ તેને સ્વભાવ સાથે જોડીને જીવવું અશક્ય અને અયોગ્ય છે. આપણે એ વિચારતા નથી કે આપણને રાત્રે ઉંઘ આવી જાય છે અને સવારે આંખો ઉઘડી જાય છે. ભુખ લાગે છે, તરસ લાગે છે, આપણે ખાઈએ-પીએ છીએ. થોડા સમય પછી ફરીથી ભુખ લાગે છે, થાક લાગે છે આ બધા જ અનુભવો કેટલા અદભુત છે. ઈશ્વરની રચના કેટલી અદભુત છે. ગર્ભમાં બાળકનો જન્મ, નવ મહિના સુધી અંદર રહેવાનું છતાં શ્વાચ્છોશ્વાસ ચાલુ, પોષણ મળતું રહે અને બધું જ નોર્મલ રીતે ચાલે. બાળક સાત મહિને જન્મ લેશે કે નવ મહિને તે પણ આપણે કળી શકતા નથી. બાળક જન્મ લીધા પછી બે ઘડી, બે કલાક, બે દિવસ બે મહિના કે બે વર્ષ અથવા તો સો વર્ષ જીવશે તેની સમજ કે માહિતી આપણી પાસે નથી.

આપણી પાસે જન્મ લેવાની કે તેનો સમય નક્કી કરવાની શક્તી નથી. તો પછી આપણને આપણું જીવન પૂરું કરી નાખવાનો કે તેનો અકાળે અંત લાવવાનો અધિકાર આપ્યો જ કોણે. દુનિયામાં નજર કરીએ તો ક્યાંય કોઈ સંપૂર્ણ સુખી અને સમૃદ્ધ વ્યક્તિ જોવા મળતી જ નથી. કોઈની પાસે પૈસો છે તે સંતાનો નથી, સંતાનો હોય તો કહ્યામાં હોતા નથી, ભાઈઓ વચ્ચે કુસંપ હોય છે. કોઈને ગરીબી નડતી હોય છે, કોઈને બેકારી નડતી હોય છે. કોઈની આવક ઓછી હોય છે કોઈની જાવક વધુ હોય છે. આવી તમામ સમસ્યાઓ સતત ચાલતી રહે છે અને તેમાંથી બહાર આવવા માણસ ઝઝુમતો રહે છે. તેને જ આપણે જિંદગીની અસલી વાસ્તવિકતા કહીએ છીએ. આ વાસ્તવિકતા સ્વીકારીને તેની સાથે જીવવું અને તેમાંથઈ બહાર આવવા મહેનત કરવી તે જ આપણું કર્મ છે. ફળ શું મળશે કે ક્યારે મળશે તેની ચિંતા કરીને કામ કરીએ તો ક્યારેય કશું ધાર્યું થતું જ નથી. માણસની જરૂરિયાત અનંત છે, ઈચ્છાઓ અસીમ છે અને આવા સંજોગોમાં જો આપણે માત્ર ગણતરીઓ કરીને જીવતા રહીએ અને જે જોઈએ તે પામવા દોડીએ તો નિરાશા થવાની જ છે. આ નિરાશાના કારણે જીવન ટૂંકાવી દેવું તે માત્ર મૂર્ખતા છે.

મહાભારતમાં બાણશૈયા ઉપર રહીને સમગ્ર યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી જીવીત રહેનારા ભીષ્મને ઈચ્છા મૃત્યુ મળ્યું હતું. આપણે આ ઈચ્છામૃત્યુને આજે આત્મહત્યામાં રૂપાંતરિત કરી દીધું છે. ઈચ્છા મૃત્યુ અને આત્મહત્યા બંનેમાં ખૂબ જ મોટું અંતર છે. આત્મહત્યા ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકી જ નથી. તેના કારણે પાછળ રહેનારાઓની મુશ્કેલીઓ વધી છે, પીડા વધી છે. માત્ર સમસ્યાના ઉકેલ તરીકે આત્મહત્યાને અંતિમ પગલું ગણીને ભરી લેવું તે મૂર્ખામીથી વિશેષ કંઈ જ નથી. જિંદગીને મક્કમતાથી જીવવી તેમાં સાચું સાહસ છે નહીં કે અકાળે મૃત્યુને વહાલું કરવામાં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvbrcMCOv7gVCiGCun0Zb8NdD%2Bk-L1Up_JatVr-g5O9sA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment