ચંદન ઝડપથી પગથિયાં ચડીને ઉપરના રૂમમાં પહોંચી ગયો. આમ તો માંડ એ દસેક પગથિયાં હતાં તેમ છતાં હમણાં હમણાં તેને એવું લાગતું તે કોઈ પર્વત ચડી રહ્યો છે. જાણે પગથિયાં ખૂટવાના જ નથી. કાશ એવું પણ બને કે આ પગથિયાં જ ન હોત. અરે ! આ રૂમ જ ન હોત. પણ ચંદનને એ ખબર હતી કે રૂમ છે, તેને પગથિયાં છે, પોતાને રોજ ચડવાના છે. અને ..... અહીં આવીને ચંદન અટકી જતો. ગળું રુંધાઈ જવું એટલે શું તેની શિક્ષકે આપેલી સમજની અનુભૂતિ થતી. તેને લાગતું કે ઉપરના રૂમમાં આવી ગયા પછી નીચે પણ કંઈક રહી જાય છે, જે પોતાનું છે, જેના પર મારો પણ હક છે.
બે બેડરૂમ વાળા ફ્લેટની ઉપર ચંદનના પપ્પાએ એક રૂમ બનાવરાવ્યો. એ રૂમ બનતો હતો ત્યારે જ તેમણે જાહેરાત કરી દીધી હતી કે એ રૂમ ચંદનને વાંચવા માટે છે. જોકે ત્યારે ચંદન આઠમું ધોરણ ભણતો હતો. ચંદનના પપ્પા એવું માનતા કે એકલું જ સારી રીતે વાંચી શકાય. એકલું વાંચેલું સારી રીતે યાદ રહી જાય. ચંદનને નવમાં ધોરણથી ઉપરના રૂમમાં વાંચવાની સુચના મળી ગઈ હતી. જોકે તે વખતે તેના પપ્પા પણ ઓફીસનું કામ ઉપર લઈ આવતા કે ચંદનનો નાનો ભાઈ લક્ષ્ય ક્યારેક લખવા વાંચવાનું ઉપર લઈ આવતો. ચંદન ઉપર વાંચતો હોય ત્યારે લક્ષ્ય પોતાના વીડીઓ ગેમના હેન્ડ સેટથી રમ્યા કરતો. ચંદનને આ જોઈને ક્યારેક બહુ જ મુંઝારો થતો. તે વીડીઓ ગેમ રમવામાં રત્ત થઈ ગયેલા લક્ષ્યને જોયા કરતો. તેને લક્ષ્યના હાથમાંથી વીડીઓ ગેમ છીનવી અંદરથી રૂમ બંધ કરી દેવાનું મન થતું. તરત તેને માના શબ્દો યાદ આવતા. લક્ષ્ય તેનાથી નાનો છે. પાંચ વર્ષ નાનોભાઈ !
હવે સ્થિતિ જુદી છે. છ મહીના થઈ ગયા છે. ઉપર જ સુવાનું, ઉપર જ નાહવાનું, ઉપર જ વાંચવાનું. ફક્ત ખાવા સમયે નીચે આવવાનું. ચંદનના પપ્પા તેને વારંવાર યાદ અપાવતા કે "આ વર્ષ બહુ જ કિમતી છે. એક મીનીટ પણ બગાડવાની નથી" દસમા ધોરણનું વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી હવે ચંદનને ઉપર રહેવું ફરજિયાત જ હતું.
ચંદનનું ઘર સોસાયટીને છેડે. તેમાં વળી સોસાયટી શહેરને છેડે. ઉપરના રુમમાંથી ચારેબાજુ દેખાય. દેખાય એટલું જ નહીં, ગમી જાય એવું દેખાય. ત્રણ દિશામાં ફેલાયેલી સીમના અવનવા ચિત્રો દેખાય. ટેકરીઓથી શોભતી ક્ષિતિજ, થોડાક પટ્ટામાં ફેલાયેલી વાડીઓ, પશ્ચિમ દિશામાં અણીદાર ટેકરી ઉપર શોભતું મંદિર, મંદિર ઉપર ફરકતી ધજા, એ મંદિરની બરાબર પાછળ લપાઈ જતો સૂરજ, નારંગી થઈ જતું આકાશ, પંખીઓના ટોળાં, વરસાદ પછી શ્યામલ શ્યામલ દેખાતી ટેકરીઓ પર છવાઈ ગયેલી હરિયાળી અને આકાશના જાત જાતના રંગ. આ બધું છ મહિનામાં ચંદનની આંખો વાટે તેના મનના કેન્વાસ ઉપર છપાઈ ગયું. માત્ર દિવસના જ નહીં, રાતોના કેટલાય રૂપ તેને યાદ છે. ચંદન ધારે તો એ બધાંનું ચિત્ર બનાવી શકે એટલું તાજું છે તેના મનમાં !
કોઈને ખબર ન હતી કે બારણાંને સ્ટોપર ચડાવી ચંદન ઉભો રહીને બારી બહાર જોયા કરે છે. તેની મમ્મીને એમ કે ચંદન વાંચે છે. તેના પપ્પા એવી કલ્પના જ ન કરી શકે કે ચંદન વાંચવાને બદલે વાદળાંને જોયા કરે. તેમ છતાં હકીકત એ હતી કે ચંદન બારી બહાર દેખાતાં દશ્યોમાં ખોવાઈ જતો અને પુસ્તકોના પાના તેજ ફરતા પંખાની હવાથી ફર ફર થયા કરતા.
જોકે ચંદનને એ પણ ખબર હતી કે તેના પપ્પાએ ઉપરનો રૂમ અમસ્તો નથી બનાવરાવ્યો.
એ ઓરડામાં ચંદન માટે એક ખાસ કબાટ હતો. એ કબાટમાં જાત જાતના પુસ્તકો અને નોટબુક્સની થપ્પીઓ હતી. ચંદનના પપ્પાને જાણતા હતા કે કયાં પુસ્તકનો ચંદને શો ઉપયોગ કરવાનો છે. કંપાસબોક્ષથી માંડીને ઈરેઝર સુધીની વસ્તુઓ યોગ્ય રીતે કબાટમાં ગોઠવાઈને બેઠી હતી.
ચંદનના પપ્પા પાસે એક ખાસ પ્રકારની નોંધપોથી પણ હતી. જેમાં ચંદનના કલાક અને મીનીટ્સ વહેંચાયેલા હતા. એ કલાકો અને મીનીટ્સના એક માત્ર માલિક ચંદનના પપ્પા જ હતા. ચંદનને લાગતું કે પપ્પા પાસે ન દેખાતી એક વસ્તુ પણ છે જેનાથી પોતે મપાય છે અને દરેક વખતે માપ ઓછું જ નીકળે છે.
મોટા ભાગે રાતના જમ્યા પહેલા આવું બનતું. ચંદનની નોટબુકના કોઈ પાના પર પંખીનું ચિત્ર જોઈને તેના પપ્પાની આંખો ફરી જતી. જાણે એ ઉડતા પંખીએ પાંખ વિંઝી હોય તેમ તે ગુસ્સે થઈ જતા. ચંદનને લાગતું જાણે પપ્પાની ચશ્માના કાચમાં તડ પડી જશે. જાત જાતના સવાલોનો ઢગલો થઈ જતો. ચંદનને એકેય સવાલનો જવાબ સુઝતો નહીં. તેની જીભ સ્ટેચ્યુ થઈ જતી. બરાબર તે સમયે જ ચંદનનો નાનો ભાઈ દફ્તર લઈને શેટી પર બેસી જતો. થોડીવાર પછી લક્ષ્ય ઉભો થતો. તે પુસ્તક લઈને પપ્પા પાસે આવતો અને ધીરેથી કોઈ પ્રશ્ન કરતો. પપ્પા તેની પીઠ પર હાથ ફેરવી જવાબ આપતા. લક્ષ્ય ખુશ થઈને ફરી શેટી ઉપર બેસી જતો. તે વખતે ચંદનનું ગળું સુકાતું. ઓરડાની હવા ગરમ થઈ જતી. ચંદનની મમ્મી રસોડામાં ચાલી જતી.
અઠવાડિયામાં એકાદ બે વાર આવું અચુક બનતું. ચંદન ટેવાઈ ગયો હતો.
ચંદનને ખબર છે કે તે દસમાં ધોરણમાં ભણે છે. તેનું આ વર્ષ અગત્યનું છે તે પણ જાણે છે. છતાં તેને એવું લાગે છે કે પોતા કરતાં પપ્પાને આ વાતની વધારે ખબર છે. એટલે જ લગભગ અઠવાડિયે એકવાર રાતે જમવાના ટેબલ ઉપર એના પપ્પા દસમાં પછી શું તેની ચર્ચા કાઢે છે. તે સમયે અચાનક ચંદનનું ગળું સાંકળું થઈ જાય છે. તે બળ કરીને કોળિયાં ઉતારવા મથે છે. તેને ઉપરના ઓરડાનો કબાટ યાદ આવે છે. જાણે તે કબાટમાંથી બિહામણા ચહેરા બહાર નીકળી તેને ઘેરી વળ્યા હોય તેવો કંપ અનુભવે છે. તે માંડ માંડ ખાવાનું પૂરું કરે છે.
ચંદન રોજ રાતે એક નિશ્ચય કરે છે. ડરામણી દુનિયામાં વટભેર પ્રવેશ કરી એ દુનિયાને તાબે કરી લેવાનો નિશ્ચય !
પણ તેવું થતું નથી. જેવો તે પેલી દુનિયામાં પ્રવેશ કરે છે તેવી જ તેની શક્તિ હરાઈ જાય છે. પુસ્તકમાં છપાયેલા અક્ષરો શબ્દોમાંથી છુટા પડીને ગોકીરો મચાવી મુકે છે. ચિત્રો અટ્ટહાસ્ય કરે છે. શબ્દોના અર્થો રાક્ષશી માયા રચી ચંદનને બીવડાવે છે. ચંદન ખરેખર બી જાય છે. તે પુસ્તક પડખે રાખીને આંખો બંધ કરીને બેસી રહે છે. તે સાથે બધો શોરબકોર શાંત થઈ જાય છે. ચંદનને હાશકારો થાય છે. તે પલંગ પર આડો પડી આંખો ઉપર બાં નાખીને સુઈ રહે છે. આવું કરે છે ત્યારે તેને ગમે ત્યારે ઊંઘ આવી જાય છે.
થોડીવાર પહેલા એવું જ થયું છે.
ચંદન પલગ પર આડો પડ્યો. છાતી ઉપર મુકેલું પુસ્તક પડખે રાખી પગ સીધા કર્યા. આવું કરવાની સાથે હંમેશની જેમ બરફનો પાટ ટપકે તેમ મનમાં ભરાયેલી તાણ પીગળવા માંડી. તેણે આંખો મીંચી દીધી.
તેની આંખો સામે અજબ ગજબ દશ્યો રચાવા લાગ્યાં.
જાણે તેના ગાલ ઉપર કોઈ સુંવાળું પીછું ફેરવી રહ્યું છે. તેને ગમવા માડે છે. જે દુનિયા દેખાઈ રહી છે તે તેણે આ પહેલા જોઈ નથી. દશ્યો આંખોમાં સમાતા નથી.
તે એક વિશાળ આલિશાન બંગલાના ગેઇટ પાસે ઉભો છે. મેદાન જેવડા પ્લોટ પર બનાવેલા બંગલાની ખુલ્લી જમીન ઉપર ચાઈનીઝ લોનની લીલોતરી દેખાય છે. બાઉન્ડરી વૉલ પર લગાવેલી જાળી ઉપર જાંબલી રંગના ફૂલોવાળી વેલ છવાઈ ગઈ છે. જાત જાતના રંગોવાળા ફૂલછોડની શોભા જોનારને ઉભો રાખી દે છે. એક માળી ફૂલછોડને પાણી પાઈ રહ્યો છે. ચંદને આવા બંગલા ફિલ્મોમાં જોયા છે. તેને નવાઈ લાગે છે. પોતે અહીં કઈ રીતે આવી ચડ્યો છે.
થોડીવારે કાળા રંગની ચમકતી એક લાંબી કાર આવે છે. કારના કાળા કાચને કારણે અંદર કોણ બેઠું છે તે દેખાતું નથી. ગેઇટ પાસે ઉભેલો વોચમેન કારને ઓળખી સેલ્યુટ મારી ગેઇટ ખોલે છે. કાર બંગલાની પોર્ચમાં ઉભી રહે છે. શોફર ઝડપથી બીજી તરફનો દરવાજો ખોલે છે. કારમાંથી એક યુવાન ઉતરીને ડોક ઘુમાવી આમ તેમ જુએ છે. એ યુવાનની ચાલમાં રુઆબ છે. તેણે થ્રી પીસ સ્યુટ પહેર્યો છે. નોકર દોડી આવીને યુવાનના હાથમાં રહેલી પાતળી બ્રીફકેશ લઈ છે. પેલો યુવાન બંગલામાં પ્રવેશતા પહેલાં પાછળ જુએ છે. ચંદનની આંખો ફાટી રહે છે !
અરે ! અરે ! આ તો લક્ષ્ય છે. મારો નાનો ભાઈ ! પણ લક્ષ્ય આટલો મોટો માણસ ક્યારે થઈ ગયો ? અને વળી એવું તે એણે શું કર્યું કે તે અમીર બની ગયો ! ચંદન હરખનો માર્યો બૂમ મારે છે. પણ તેના ગળામાંથી અવાજ નીકળતો જ નથી. તે જોર જોરથી અવાજ કાઢવા પ્રયત્ન કરે છે, પણ જાણે તે મૂગો થઈ ગયો હોય તેમ એકે શબ્દ નીકળતો નથી. ચંદન છેવટે હાથ હલાવી લક્ષ્યનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે. લક્ષ્ય ગોગલ્સ ઉતારી એ તરફ જુએ છે પણ જાણે તેને ચંદન દેખાયો જ ન હોય તેમ બંગલાની અંદર પ્રવેશી જાય છે. ચંદનનું ગળું રુંધાય છે. તેની છાતીમાં ડચૂરો બાઝે છે. તેને સમજાતું નથી કે પોતાને હજુ મૂછોય ફૂટી નથી અને તેનાથી પાંચ વર્ષ નાનો લક્ષ્ય યુવાન કેવી રીતે થઈ ગયો. એ તો ઠીક તેની પાસે આ બંગલો, કાર બધું ક્યાંથી આવ્યું ?
અચાનક ચંદનને યાદ આવ્યું કે મમ્મી – પપ્પા ક્યાં ?
જાણે ચંદનને થયેલા પ્રશ્નનો જવાબ જ આપવો હોય તેમ તેના મમ્મી અને પપ્પા બંગલાની બહાર આવે છે. ચંદન તો જોઈ જ રહ્યો. કોઈ રાજવી પરિવારના સભ્ય હોય તેવા લાગતા હતા તેના મમ્મી પપ્પા. ચંદનને કંઈ જ સમજાતું નથી. અરે ! મમ્મી તો ઠીક ગોરી છે. પણ, પપ્પા તો શ્યામળા હતા. અને આ પપ્પા તો એકદમ અંગ્રેજ ! વાળ પણ સોનેરી ! તેમણે કપડાંય જુદી જાતના પહેર્યા છેં. પપ્પાની આંખો ઉપર સોનેરી ફ્રેમવાળા ચશ્મા શોભી રહ્યા છે. મમ્મીએ કિંમતી ઘરેણાં પહેર્યાં છે. બન્ને જણ એક બીજા સામું જોતાં જોતાં ધીમે પગલે લોન તરફ આવે છે. લોનમાં ચારેક ખુરશીઓ અને ટીપોય ગોઠવાયેલા છે. મમ્મી અને પપ્પા ખુરશી ઉપર બેસે છે. એક નોકર જ્યુસના બે મોટા મગ ટીપોય ઉપર મૂકી જાય છે. મમ્મી પપ્પા વાતો કરતા કરતાં જ્યુસ પીએ છે. બન્ને ખૂબ જ પ્રસન્ન દેખાય છે. ધીમે ધીમે સાંજ ઢળે છે.
ચંદન પોતાના મમ્મી પપ્પા તરફ દોડી જવા પગ ઉપાડે છે. પણ આ શું ? તેના પગ જમીન સાથે ચોંટી ગયા છે. એકાએક તેની છાતીમાં ભરાયેલી રુંધામણ બહાર આવે છે. તે જોર જોરથી રડવા માંડે છે. તેનું રડવું કોઈ સાંભળતુ નથી. બાજુમાં ઉભેલો વોચમેન પણ નહીં. તે ઓશિયાળી આંખે જોઈ રહે છે.
બંગલાની અંદર લક્ષ્ય છે, મમ્મી છે, પપ્પા છે. પોતે બહાર ઉભો છે. તેને અંદર જવું છે પણ પગ જમીન સાથે ચોંટી ગયા છે.
તેને થાય છે કે મમ્મી પપ્પા મને ભુલી ગયા ? શું તેમને ખબર જ નથી કે ચંદન નામનો એક બીજો છોકરો પણ છે !
કોઈ ભારેખમ્મ વસ્તુ પોતાના ઉપર પડી હોય તેમ ચંદન બેઠો થઈ જોઈ રહ્યો. થોડીવાર પહેલા દેખાયેલો બંગલો ક્યાંય નથી. તેની આંખો પલકારા મારવા લાગી. અચાનક તેને સ્થિતિ સમજાઈ. તેની આંખો ઝુકી ગઈ. તેના પપ્પાની આંખોમાં હંમેશનો ગુસ્સો દેખાતો હતો. તેણે પોતાના ચરચરતા ગાલ ઉપર હાથ ફેરવી યંત્રવત પડખે પડેલું પુસ્તક ઉપાડ્યું. પુસ્તકમાં છપાયેલા અક્ષરોની શાહી પ્રસરીને કાળા ધબ્બામાં ફેરવાઈ ગઈ. ચંદનની આંખો એ કાળા ધબ્બાને જોઈ રહી. જેને ઉકેલવાનું તેનું ગજું ન્હોતું.
તેણે માંડ માંડ પોપચાં ઉંચકી પોતાના પપ્પા સામે જોયું. તેના પપ્પાની છાતી ધમણની જેમ ફૂલતી - સંકોચાતી હતી.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsV7eGRC34Y5eOHjCccFdW2CGUUWSG4snNm1krbxCK5WQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment