Saturday 1 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જગત ઉદ્ધારક અવલોકિતેશ્ર્વર બુદ્ધ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જગત ઉદ્ધારક અવલોકિતેશ્ર્વર બુદ્ધ!
સુમન કુમાર સિંહ

 


ગુજરાતમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા બની પછી સિક્કિમમાં પણ અવલોકિતેશ્ર્વર બુદ્ધની વિશાળ મૂર્તિ બની છે. હવે મહારાષ્ટ્રમાં પણ છત્રપતિ શિવાજીની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની યોજના છે


વિશ્ર્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા- સ્ટેચ્યૂ ઓફ યુનિટી અનેક વિશેષતાઓના કારણે ચર્ચામાં છે બેશક વર્તમાન દોરની આ અતિ મહત્ત્વાકાંક્ષી યોજના હતી, જેને લઇને ભાતભાતના વિવાદો પણ થતા રહેતા હતાં. 31 ઑક્ટોબરે સરદાર પટેલની 143મી જન્મજયંતી પર આ પ્રતિમા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. આ પ્રતિમાને દેશના સુપ્રસિદ્ધ મૂર્તિકાર રામ વી. સુતારે મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આના બીજે જ દિવસે એટલે કે 1 નવેમ્બર, 2018ના દિવસે સિક્કિમના પેલિંગ નામક વિસ્તારમાં 98 ફીટની એક વધુ પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. આ રીતે સિક્કિમના પર્વતો પર એક વધુ યાત્રાસ્થળ પણ નિર્માણ પામ્યું. આ પ્રતિમા બુદ્ધનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે એવા ચેનરેજિંગ અર્થાત્ ભગવાન અવલોકિતેશ્ર્વરની છે, જેનું ઉદ્ઘાટન સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ દ્વારા કરવામાં આવ્યું. મૂળ પ્રતિમા તો 98 ફીટ છે. પણ નીચેના આધારથી લઇને મસ્તક સુધી માપવામાં આવે તો એ 137 ફીટની બની જાય છે. કારણ કે અવલોકિતેશ્ર્વરની આ મૂળ પ્રતિમા એક વિશાળ આસન પર વિરાજમાન છે.

પશ્ર્ચિમ સિક્ક્મિમાં આવેલા પેલિંગમાં આ ધર્મસ્થળ બન્યા બાદ એ આ રાજ્યનું ત્રીજું મહત્ત્વનું ધર્મસ્થળ બની ગયું છે જે 7200 ફીટની ઊંચાઇ પર આવેલું છે. આની પહેલાં સિક્ક્મિના દક્ષિણ ભાગમાં બે અન્ય બૌદ્ધ તીર્થયાત્રા સર્કિટ યોજનાનું નિર્માણ થઇ ચૂક્યું છે, જેમાં એક જગ્યા નામચીમાં ગુરુ પદ્મસંભવની 135 ફીટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે અને બીજી છે રાવલંગામાં લાગેલી ભગવાન બુદ્ધની 130 ફીટ ઊંચી પ્રતિમા.

ધ્યાન રહે કે મહાયાન બૌદ્ધ ધર્મમાં સૌથી લોકપ્રિય બોધિસત્ત્વોમાંથી એક અવલોકિતેશ્ર્વરને માનવામાં આવે છે. આ જ કારણસર બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ અને ગુરુ પદ્મસંભવની સાથે સાથે અવલોકિત,લોકનાથ,પદ્મપાણી, લોકેશ્ર્વર વિગેરે નામોથી ઓળખાતાં બોધિસત્વ અવલોકિતેશ્ર્વરનું ખૂબ મહત્ત્વ છે.

અવલોકિતેશ્ર્વર માટે એવી પણ માન્યતા છે કે જગતના સર્વ પ્રાણીઓના ઉદ્ધાર બાદ તેઓ ખુદ પરિનિર્વાણ પ્રાપ્ત કરશે. સાથે જ તેઓ પોતાના ભક્તોના દુ:ખના નિવારણ માટે કોઇ પણ સમયે, ક્યાંય પણ ઉપસ્થિત થતાં હોય છે. તેમને અત્યંત દયાવાન અને કરુણામય દેવતાના રૂપમાં જોવામાં આવે છે. ચીની યાત્રી ફાહિયાને ચોથી સદીમાં પોતાની ભારત યાત્રા દરમ્યાન પૂરા ભારતીય ઉપમહાદ્વીપમાં અવલોકિતેશ્ર્વરની પૂજા-અર્ચના થતી હોવાનું નોંધ્યું છે. બૌદ્ધ ધર્મમાં બુદ્ધની પ્રતિમા અસ્તિત્વમાં આવ્યા બાદ અન્ય બૌદ્ધ દેવતાઓની પ્રતિમાઓનો પ્રચાર પ્રસાર પણ થવા લાગ્યો. બૌદ્ધ કથાઓના આંકલનમાં જ્યાં પહેલાં બ્રહ્મા,ઇન્દ્ર, કામદેવ,નાગની પ્રતિમાઓ બનતી ત્યાં પાછળથી બોધિસત્વ, અવલોકિતેશ્ર્વર, ધ્યાની બુદ્ધ વિગેરેના મૂર્તિ સ્વરૂપ સામે આવવા લાગ્યા. અવલોકિતેશ્ર્વરને ધ્યાની બુદ્ધ અમિતાભ અને દેવી પાંડરાથી સંબંધિત માનવામાં આવે છે અને તેઓ વર્તમાન કલ્પના બોધિસત્ત્વ છે.

ભગવાન બુદ્ધે પોતાને હંમેશાં માનવરૂપમાં જ પ્રગટ કર્યા, સાથે લોકોને સદાય એ વાત પર પ્રેરિત કર્યા કે તેમના બતાવેલ માર્ગનું જ અનુસરણ કરે. પરંતુ એવું સમજવામાં આવે છે કે કાળાંતરે બૌદ્ધ ધર્મ પોતાને બ્રાહ્મણ ધર્મની પ્રચલિત માન્યતાઓ અને પરંપરાઓથી પ્રભાવિત થયા વિના રહ્યો નહીં. ફળસ્વરૂપે અહીં પણ સંસારની સમસ્ત ઉત્પત્તિને બોધિસત્ત્વ સાથે જોડીને જોવામાં આવી. અહીં અવલોકિતેશ્ર્વરની આંખોમાંથી સૂર્ય-ચંદ્ર,ખભેથી બ્રહ્મા, હૃદયથી નારાયણ, દાંતોથી સરસ્વતી, મુખથી વાયુ, પગથી પૃથ્વી,પેટથી આકાશ અને ભ્રમરમાંથી શિવની ઉત્પત્તિ થઇ હોવાની માન્યતા છે.

બૌદ્ધ ગ્રંથોમાં આ અવલોકિતેશ્ર્વરના 108 રૂપોની પરિકલ્પના મળે છે. જેમાંથી કેટલાક મહત્ત્વપૂર્ણ રૂપની પરિકલ્પના આ પ્રકારે છે.

------------------------------------------------

ષડક્ષરી લોકેશ્ર્વર

શ્ર્વેત વર્ણવાળા આ અવલોકિતેશ્ર્વર ચાર ભુજાઓથી યુક્ત છે. જેમાંથી આગળના બે હાથ નમસ્કાર મુદ્રામાં જોડાયેલા રહે છે, જ્યારે પાછળના બે હાથમાં ક્રમશ: માળા અને કમળ શોભાયમાન છે. ગુપ્તકાળથી જ આ ષડક્ષરી લોકેશ્ર્વરની પ્રતિમાઓ મળવા લાગી હતી.

સિંહનાદ લોકેશ્ર્વર

મહારાજલીલા આસનમાં સિંહ પર બિરાજમાન સિંહનાદ પણ સફેદ વર્ણવાળા છે. એમની જમણી તરફ સ્થિત ત્રિશૂળમાં સર્પ લપેટાયેલો રહે છે, જ્યારે ડાબી બાજુ કમળ પર રાખેલી તલવાર જોવા મળે છે. આ પ્રતિમાને કળાની દૃષ્ટિએ અતિ ઉત્તમ માનવામાં આવે છે.

ખષર્પણ લોકેશ્ર્વર

સફેદ વર્ણના આ લોકેશ્ર્વર વરદ મુદ્રામાં લલિતાસન પર બિરાજમાન છે. તેમનું ચિન્હ કમળ છે. તેમની આસપાસ તારા, સુધનકુમાર,ભૃકુટી તથા હયગ્રીવ રહે છે. લોકનાથ ખષર્પણ અને લોકનાથના સ્વરૂપમાં ઘણી બધી સમાનતા જોવા મળે છે. એમાં કોઇ મુખ્ય તફાવત હોય તો એ છે કે લોકનાથ જ્યાં તારા અને હયગ્રીવ સાથે જોવા મળે છે ત્યાં લોકનાથ ખષર્પણ સાથે તારા અને હયગ્રીવ ઉપરાંત સુધનકુમાર અને ભૃકુટી પણ જોવા મળે છે. લોકનાથની એક અતિસુંદર ગુપ્તકાલીન પ્રતિમા સારનાથ સંગ્રહાલયમાં જોવા મળે છે.

સુખાવતી લોકેશ્ર્વર

સફેદ વર્ણવાળા આ અવલોકિતેશ્ર્વર ત્રણ મુખ અને છ હાથોથી યુક્ત છે જેમની સાથે તારા બિરાજમાન છે. લલિતાસન પર બેઠેલા આ લોકેશ્ર્વરની પ્રતિમાઓ નેપાળમાં વધારે જોવા મળે છે.

(લેખક પટના કલા મહાવિદ્યાલયના પૂર્વ શિષ્ય અને કલા સમીક્ષક છે)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OurfVuwx1Ej8yeb0Ete%2BOxFW446CcW8QjU-vndjq91mfw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment