Saturday 1 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ૫૨૪૭ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૫૨૪૭!
કવર સ્ટોરી-પ્રફુલ શાહ

 

 


૫૨૪૭. હા, આજે સવારે દસના ટકોરે એ માણસે વાવ્યો હશે પાંચ હજાર બસો સુડતાલીસમો રોપો. જબલપુરમાં ટ્રી-મેન તરીકે ઓળખાતા યોગેશ ગનૌરે ૨૦૦૪ની ૧૭મી જુલાઈથી રોજ (રિપિટ રોજે રોજ) એક રોપો વાવે છે, બરાબસ દસ વાગ્યે. ગમે તે બને. પોતે જ્યાં હોય ત્યાં પણ આ નિયમ તોડવાનો નહિ. આજ સુધી તૂટ્યો નથી. ક્યારેક મુસાફરી કરતા હોય તો સાથે કુંડુ અને રોપા રાખે ને દસ વાગે એટલે...


આ માણસની સમર્પણ ભાવના જુઓ. મોટા દીકરા સમગ્રનું અવસાન થયું. ઠાઠડી તૈયાર હતી. આવા સમયે જુવાનજોેધ બાપના દિલ પર શું વીતતું હશે! યોગેશજીએ બધું ભૂલાવીને દસ વાગ્યે પહેલા રોપો વાવ્યો ને પછી વહાલસોયા પુત્રની અંત્યેષ્ઠિ કરી? વૃક્ષ અને પર્યાવરણની ખરેખર અપ્રતિમ ખેવના કરનારા યોગેશજી વૃક્ષ-પ્રેમમાં કઈ રીતે પડ્યા.


ઈન્ટરવ્યૂમાં ૬૧ વર્ષના યોગેશ ગનૌરે ફ્લેશબેકમાં સરી પડે છે. "અમારી આર્થિક સ્થિતિ ખૂબ સાધારણ. હું નાનો હતો ત્યારે જ માને કાયમ માટે ગુમાવી દીધી. એમના અસ્થિનું વિસર્જન કરવા માટે ગંગા તટે ગયો. હોડીમાં બેસી ગયો. પરંતુ ત્યાંના પંડિતો અને પૂજારીઓએ મને રોક્યો કે અમને દાન આપ્યા વગર તું તારી માના અસ્થિનું ગંગામાં વિસર્જન ન કરી શકે. મેં હાથમાં નાનકડી માટલીને મજબૂતીથી પકડીને જવાબ સંભળાવી દીધો કે ના, માને ગંગાના જળમાં એકરૂપ કરીને જ હું જંપીશ. મને સામી ધમકી મળી કે ગંગા કંઈ તારી માલિકીની નથી, એના પર અમારો હક છે. જો તું અમારી વાત નહિ માને તો તને ય ગંગામાં ડુબાડી દઈશું. સમજ્યો?


યોગેશજી સહેજ પોરો ખાય છે. "હું એકદમ ગભરાઈ ગયો. હોડી કિનારે પહોંચી એટલે દોડીને ઊતરી ગયો. હાથમાં માટલી લઈને ઊંધું વાળીને દોડવા જ માંડ્યો. ખૂબ દૂર જઈને એક વૃક્ષ નીચે બેસી ગયો. હીબકાં ભરી ભરીને રડવા માંડ્યો. અચાનક મને લાગ્યું કે મા, મારી સામે ઊભી છે. એ કહેતી હતી કે તારે મને અમર બનાવવી છે ને? મને આ વૃક્ષ નીચે સુવડાવી દે. હું એનો અંશ બની જઈશ. તારી મા નદી નહિ, તો વૃક્ષ બની જશે અને લીલોતરી બની જશે.


યોગેશ ગનૌરેના મનમાં વૃક્ષ માટેના પ્રેમનું કૂંપળ રોપાઈ ગયું. વરસો પછી એમને પોસ્ટકાર્ડ મળતા કે આમ કરો તો ઈશ્ર્વર રાજી થશે, તેમ કરો તો દેવી ખુશ થશે. આ અંધશ્રદ્ધાના પ્રસારમાંથી યોગેશજીએ પ્રેરણા લીધી. થોડી હટ કે. "મારો બર્થ-ડે આવ્યો. એની ઉજવણી મેં છોડ વાવીને કરી. એ સમયે જ વિચાર આવ્યો કે લાવ હું પણ લોકોને પોસ્ટકાર્ડ લખું. તેઓ વૃક્ષારોપણ થકી વિશ્ર્વ શાંતિ ફેલાવે એ મતલબના પોસ્ટકાર્ડ લખવાનું શરૂ કરી દીધું. મેં સ્કૂલનો સંપર્ક કર્યો. ત્યાં કોઈને કોઈ બાળકનો જન્મદિન હોય જ. એ દિવસ વૃક્ષોરાપણ કરીને ઉજવવા સમજાવ્યા.


"તમે રોપા વાવીને ધરતીને ભાવિ વૃક્ષ સમર્પિત કરતા હતા એમાં કંઈ વાતનું ખાસ ધ્યાન રાખતા હતા?


"રોપાની જાળવણી માટે બાઉન્ડરી કે વાંસ હોય અને પૂરતું પાણી મળે એનું ખાસ ધ્યાન રાખતા. મારે માત્ર જ્ઞાન નહોતું આપવું બાળકોને. છોડ-રોપાને એક પરંપરા, સંસ્કૃતિમાં ફેરવી નાખવા હતા.


"આમાં કોઈ યાદગાર પળ ખરી?


"ઘણી છે. એક વાત કરું. ૨૦૧૦માં અમે જબલપુરના એક લાખ વિદ્યાર્થીઓમાં બીજ વહેંચ્યા. આ બીજ તેઓ પોતાના ઘરે ઊગાડે એવા આગ્રહ સાથે. પછી આ બધા વિદ્યાર્થીઓને પોતે ઊગાડેલા રોપા લઈને એક કમ્પાઉન્ડમાં ભેગા કર્યા. કેવું અદ્ભુત દૃશ્ય હતું એ. જાણે હરતું ફરતું નાનકડું જંગલ. બાળક છોડને ઉછેરે, એને સમજે. એના વિકાસથી ખુશ થાય. છોડ વળી જવાથી ઉદાસ થાય. આ રીતે બાળકો ઘણું શીખે, વૃક્ષ સાથે તાદાતમ્ય-અનુસંધાન સાધે.


"આપે છોડ-રોપણ માટે ઘણું કર્યું છે. સતત કરી રહ્યા છો. પર્યાવરણ અને વૃક્ષ-પ્રેમને એક ઈમોશનલ એંગલ આપ્યો. થોડું વિગતવાર જણાવશો?


"મેં પર્યાવરણની રક્ષાને મિશન બનાવ્યું. સાયન્ટિફિક ઈન્સ્ટ્રુમેન્ટ વેચવાનો ધંધો બંધ કરી દીધો. હવે એક મિત્ર સાથે નાનું કામકાજ કરું છું. હું 'સમગ્ર'માં વિચારું છું. સંસારના પ્રત્યેક કણ પ્રત્યે આપણે જવાબદારી નિભાવીએ, અને સૌના કલ્યાણની ચાહના-ખેવના રાખીએ અને સતત પ્રયત્નશીલ રહીએ. મેં શરૂઆતમાં એક ગ્રુપ બનાવ્યું હતું. સમગ્ર ઉત્તરદાયિત્વ બોધ. મને 'સમગ્ર' શબ્દ ખૂબ ગમે. મારા મોટા સ્વર્ગવાસી દીકરાનું નામ 'સમગ્ર' રાખ્યું હતું. એના ગુજરી ગયા બાદ નાના દીકરાનું નામ પણ 'સમગ્ર' રાખ્યું છે.


"આની વચ્ચે અંશરોપણના કાર્યક્રમની અદ્ભુત કલ્પના ક્યાંથી આવી?


"એક દિવસ મારા જબલપુરના મિત્ર રાજીવ ચતુર્વેદીએ સરસ સૂચન કર્યું. બધાને સમજાવો કે વડીલોની રાખ પાણીમાં વહાવી દેવાને બદલે ખાડામાં મૂકીને એમાં છોડ રોપો. વડીલ સામે જ રહેશે. તમને જોશે, તમે એમને જોશો. વૃક્ષ સાથે માયા-મમતા બંધાશે. આ કાર્યક્રમને અંશ-રોપણ જેવું નામ આપો.


આ સાંભળીને મને


આશ્ર્ચર્ય થયું કે હું માના અસ્થિ દૂર અજાણ્યા વૃક્ષ પાસે મૂકી આવ્યો, ને આજે વરસો પછી મને એવું જ સૂચન મળે એ કેવો યોગાનુયોગ.


"આપને ઓળખનારા વૃક્ષ-પ્રેમના વખાણ કરતા થાકતા નથી. પણ આપના લગ્નજીવનની ઘટનાય માની ન શકાય એવી છે. વાચકોને આપના જ શબ્દોમાં જણાવશો.


"મા-બાપ નહોતા એટલે મોટી બહેન મારું ધ્યાન રાખે. હું મોટો થયો એટલે તેમણે મારા લગ્ન નક્કી કરી લીધા. પરંતુ મેં જોશમાં છોકરીના ઘરે જઈને સૌની સામે કહી દીધું કે મને રસ નથી, હું આ લગ્ન કરવાનો નથી. બધા જોતા રહી ગયા. બહેન ખૂબ જ નારાજ થઈ ગઈ. પણ થોડા દિવસમાં જ આંચકાજનક સમાચાર આવ્યા કે એ છોકરી એટલે અંજુને કેન્સર છે. હવે મારી બહેને પોતે લગ્ન ફોક કર્યાની ઘોષણા કરી દીધી. મને જાણકારી મળી કે અંજુને બ્રેઈન કેન્સર છે, બે વર્ષ પણ કાઢે એવું લાગતું નથી. મેં નિર્ણય ફેરવી તોળ્યાની જાહેરાત કરી કે હું લગ્ન કરીશ. અંજુ સાથે જ. ઘણાં વિચારતા થઈ ગયા. હકીકતમાં મને લાગ્યું કે આ છોકરીને પિતા, માતા, બહેન, ભાઈ અને મિત્ર સખીનો પ્રેમ મળ્યો. હવે ઉંમર થઈ તો પતિના સહવાસનું સપનું હોય જ. એ શમણું હું પૂરું કરીશ. હું એને પતિનો પ્રેમ આપીશ. ૧૯૯૮માં અમે લગ્ન કર્યા. ખૂબ દિલથી એની સારવાર કરી, ઓપરેશન કરાવ્યું. ડૉક્ટરના મતે જે અંજુ બે-અઢી વર્ષ નહોતી જીવવાની એ આજે એકવીસ વર્ષેય મારી સાથે છે.


યમરાજના દૂતો પાસેથી પોતાની સાવિત્રીને છિનવી લેનારા આધુનિક સત્યવાન છેલ્લા ચૌદ વર્ષથી એટલે કે ૨૦૦૪ની ૧૭મી જુલાઈથી વિશ્ર્વ-શાંતિ કાજે રોજ છોડ-રોપણ કરે છે, કરાવે છે અને એમનો આ યજ્ઞ સતત પ્રજ્વલિત રહે છે. આ અદ્ભુત સમર્પણ બદલ એમને દેશ-દુનિયાના માન-અકરામ મળ્યા છે. વધુ તેઓ ભારતના મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દિલ્હી ઉપરાંત અમેરિકાના કેનેડા, રશિયા અને સ્વિડનમાં વૃક્ષ-પ્રેમના પ્રચાર માટે જઈ આવ્યા છે પણ સૌથી વધુ આનંદ ક્યારે અનુભવતા હશે?




રોજ સવારે દસ વાગ્યે છોડ રોપું, ત્યારે, એમ કહેતી વખતે યોગેશ ગનૌરેના ચહેરા પર કંઈક અલગ પ્રકારની જ ચમક આવી જાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov7-4v05bT0Xc4DqTyhws0uwApBeMiz3GNo2HEznXtLcA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment