૨૬મી નવેમ્બર, ૨૦૦૮ની એ ગોઝારી રાત મુંબઈગરો ક્યારેય નહીં ભૂલી શકે અને તેમાંય એ વખતના મુંબઈના એસીપી સદાનંદ દાતે તો હરગિઝ નહીં, કારણ કે આપણી બધાની યાદો તો મગજમાં સંઘરાયેલી છે પણ તેમણે ઝીલેલા જીવંત ગ્રેનેડની એક કરચ તો હજી તેમની આંખમાં તે દિવસની ઘટનાઓને હરદમ તાજી રાખતી હોય એમ મોજૂદ છે.
જી, હા ગઇ કાલે એ ગોઝારા દિનને ૧૦ વર્ષ પૂરાં થયા જ્યારે લશ્કરે તોયબાના ૧૦ ત્રાસવાદીઓએ પૂરા દક્ષિણ મુંબઈને દહેશતમાં ફેરવી દીધું હતું. અત્યંત અત્યાધુનિક શસ્ત્રો અને ગ્રેનેડથી સજ્જ દરિયાઈ માર્ગેથી મુંબઈમાં પ્રવેશેલા આ આતંકવાદીઓ છત્રપતિ શિવાજી ટર્મિનસને ધમરોળી રહ્યા હતા ત્યારે માંડ ડ્યૂટી પતાવીને ઘરે પહોંચેલા દાતેનો ફોન રણકી ઊઠ્યો. તે ઘરે પહોંચ્યા ત્યારે તેમને ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલી પિસ્તોલ તેમની પાસે હતી નહીં. એટલે જેવા તેમણે સીએસએમટી સ્ટેશને થયેલા ફાયરિંગના સમાચાર સાંભળ્યા તેવા તેઓ મલબાર હિલની નજીકની પોલીસ ચોકીએ પહોંચી ગયા. તેમનો ઇરાદો ત્યાંથી એકે-૪૭ એસોલ્ટ રાઇફલ લેવાનો હતો, પરંતુ અફસોસ તેમને ત્યાંથી માત્ર જૂની ૯ એમએમની કાર્બાઇન જ મળી. ચાલો જે મળ્યું તે લઈ, થોડા કોન્સ્ટેબલોને ભેગા કરી સી.એસ.એમ.ટી. સ્ટેશન તરફ ધસી ગયા જ્યાં ત્રાસવાદી અજમલ કસાબ અને અબુ ઇસ્માઇલ નિર્દોષ નાગરિકો પર બેફામ ગોળીબાર કરી રહ્યા હતા.
પરંતુ દાતે અને તેમની ટીમ સ્ટેશને પહોંચે એ પહેલાં જ ત્રાસવાદીઓ સ્ટેશન છોડીને, મેટ્રો સામે આવેલી કામા હૉસ્પિટલ સુધી પહોંચી ગયા હતા. આ જાંબાઝ ઇન્સ્પેક્ટર દાતે અને તેમની ટીમ ત્યાં પહોંચી ગઈ. અહીં કાળો કેર વર્તાવીને કસાબ અને ઇસ્માઇલ પાછા ફરી રહ્યા હતા ત્યાં જ દાતે અને તેમની ટીમ તરફથી ફાયરિંગ શરૂ થઇ ગયું હતું. જોકે, તેમની પાસે પરંપરાગત શસ્ત્રો હતાં, જ્યારે સામે વ્યવસ્થિત તાલીમ પામેલા આધુનિક એકે-૪૭ રાઇફલથી સજ્જ ત્રાસવાદીઓ હતા. એટલું જ નહીં તેમની પાસે હેન્ડ ગ્રેનેડ પણ હતા. દાતે અને તેમની ટીમને પડકારરૂપ બનતા જોઇ તેમણે હેન્ડ ગ્રેનેડ ફેંક્યો અને તે ફૂટ્યો પણ ખરો. દાતેની ટીમના કૉન્સ્ટેબલો તો ઘાયલ થયા, સાથે તેમના હાથ-પગ અને આંખમાં પણ બૉમ્બની કરચો ઘૂસી ગઈ. તેમના શરીરમાંથી ધડ ધડ લોહી વહેવા લાગ્યું. આ અવસ્થામાં પણ તેઓ વળતો ગોળીબાર કરતા રહ્યા. સાથે સાથે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ હેમંત કરકરે અને આસિસ્ટન્ટ કમિશનર અશોક કામટેને પોતાના સ્થળ વિશે માહિતી આપતા રહ્યાં. દરમિયાન દાતે અને તેમની ટીમ લગભગ કલાક સુધી આ બે ખૂંખાર શસ્ત્રસજ્જને રોકી રાખવામાં સફળ થયા. પણ ત્યાર બાદ વધુ પડતું લોહી વહી જવાને કારણે દાતે બેભાન થઈ ગયા. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર તો કરવામાં આવી પણ એક કરચ હજી તેમની આંખમાં રહી ગઈ છે તે હવે ઓપરેશનથી બહાર કાઢવાનું મુશ્કેલ છે.
બીજી બાજુ કરકરે, કામટે અને કૉન્સ્ટેબલ ઓંબળેએ પોતાના જીવની આહુતિ આપીને પણ એક ત્રાસવાદીનું ઢીમ ઢાળી દેવામાં અને કસાબને જીવતો પકડવામાં મુંબઈ પોલીસને ભારે સફળતા અપાવી.
અહીં સુધીની વાતો તો કદાચ તમને ખબર હશે, પરંતુ આપણે તો અહીં વાત કરવી છે અનેક યાતનાઓ બાદ સાજા થયેલા સદાનંદ દાતેની, જેમણે છેલ્લાં દસ વર્ષમાં પોલીસની ખાસ કરીને ત્રાસવાદીઓ સાથેની લડતની બાબતમાં શિકલ બદલી નાખી.
૨૦૦૮ની ગોઝારી દુર્ઘટના બાદ જોઇન્ટ કમિશનર ઓફ પોલીસની ફરજ નિભાવતા સદાનંદ દાતેએ ૨૦૧૨માં સ્થપાયેલા એન્ટિ ટેરરિસ્ટ સેલને એવા નવા વાઘા પહેરાવ્યા કે ત્યાર બાદ મુંબઈમાં ત્રાસવાદના નામે ચકલુંય ફરકી શક્યું નથી. તેમણે જોયું કે ત્રાસવાદીઓ હંમેશાં ગુમનામ રહેતાં-બનાવટી દસ્તાવેજોના આધારે ફોનનું સીમકાર્ડ મેળવતા, ઓળખ છતી થવાના ભય વગર હવાલાથી પોતાના આકાઓ સાથે આર્થિક વ્યવહાર (હવાલા) કરતાં- અધિકૃત દસ્તાવેજો વગર ભાડેથી જગ્યા મેળવતા પણ પોલીસ સુધી તેમના નામ ક્યારેય પહોંચતા નહીં. સ્થાનિક એજન્સીઓ ત્રાસવાદીઓ અંગેની છૂપી બાતમી આપવામાં પાછી પડી હતી. દાતેએ સ્થાનિક દુકાનદારો, એસ્ટેટ એજન્ટો, હોટેલવાળાઓ અને હાઉસિંગ સોસાયટીના નાગરિકો સાથે મળીને અદ્ભુત માહિતીનું નેટવર્ક ગૂંથ્યું છે, જેથી જરા જેટલી શંકા ધરાવતી વ્યક્તિ પણ પોલીસની રડારમાં આવી જાય છે. પરિણામે કોઈ બહારની અજાણી વ્યક્તિ શહેરની કોઈ હોટેલ કે ઘરમાં પાકી ઓળખાણ વગર આશરો પામી શકતી નથી. સમગ્ર શહેરના બાતમીતંત્રને મજબૂત બનાવવાનું શ્રેય સદાનંદ દાતેને જાય છે. જોકે, દાતેને આટલેથી જ સંતોષ ન હતો- તેમને એ યાદ હતું કે પોતાને કેવી જૂની કાર્બાઇન વડે અત્યાધુનિક શસ્ત્રો ધરાવતા આતંકવાદીઓ સામે ઝઝૂમવું પડ્યું હતું. તેમણે પોલીસના પરંપરાગત શસ્ત્રોને આધુનિક સ્પર્શ આપવામાં, પોલીસની પદ્ધતિઓને સુધારીને ત્રાસવાદીઓને હંફાવી શકે તેવી તાલીમ આપવામાં અને તેમને મળેલી શંકાસ્પદ ગુપ્ત માહિતીને રાજ્ય તેમજ કેન્દ્રીય એજન્સીઓને પણ અધિકૃત રીતે એકસાથે મળી જાય તેની કાળજી લીધી.
આટલું જ નહીં, ૨૬/૧૧ની ઘટના પછી જાંબાઝ કમાન્ડો ધરાવતું ફોર્સ-વન નામનું નવું યુનિટ સરકાર દ્વારા રચવામાં આવ્યું હતું. તેમને ઘનિષ્ઠા તાલીમ આપવાનું કામ પણ ખૂબીપૂર્વક પાર પાડ્યું. જર્મન ફેડરલ પોલીસના જીએસજી-૯ એકમ દ્વારા ખાસ તાલીમ મેળવીને દાતેએ ફોર્સ-વનના કમાન્ડોને અત્યાધુનિક શસ્ત્રો અને લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ કર્યા છે. આ ફોર્સ-વન નામની જાંબાઝોની ટીમ રાજ્યના દરેક શહેરોમાં સ્થાપવામાં આવી છે.
પુણેમાં જન્મેલા સદાનંદ દાતે ગરીબ મધ્યમવર્ગ પરિવારમાં ઊછર્યા છે. આઇપીએસની પરીક્ષા આપતા પહેલાં નાના-મોટા કામ કરી મા-બાપને ઘર ચલાવવામાં પણ મદદ કરતા રહેતાં હતાં. ૧૦ વર્ષ સુધી સવારના પહોરમાં લોકોના ઘરે ઘરે જઈ છાપાં પણ પહોંચાડ્યાં છે. ૧૯૯૦ના આઈપીએસ બેચમાંથી બહાર નીકળેલા સદાનંદ દાતેએ કોમર્સમાં ડબલ સ્નાતક થઈ પુણે યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી પણ મેળવી છે. સીબીઆઈમાં પણ કામ કરી ચૂકેલા દાતે એક સારા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ પણ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં હમ્ફ્રી ફેલોશિપ યોજના હેઠળ વાઇટ-કોલર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (શાહુકાર જેવા દેખાતા પણ ઠંડે કલેજે યોજનાબદ્ધ ગુનો કરતા લોકો)ને કેવી રીતે નિયંત્રણમાં રાખવા તેનો થિયરી અને પ્રાયોગિક બેઉ અભ્યાસ કર્યો છે. ત્યાંથી પાછા ફર્યા ત્યારે તેમની નિયુક્તિ મુંબઈના એ.સી.પી. (અતિરિક્ત કમિશનર ઓફ પોલીસ) તરીકે થઈ હતી. ૨૦૦૭માં તેમને પ્રતિષ્ઠિત પ્રેસિડન્ટ્સ મેડલ પણ મળ્યો છે.
ભારત અને પશ્ર્ચિમના દેશો,બેઉની પોલીસ સિસ્ટમનો બહોળો અનુભવ મેળવી ચૂકેલા દાતેએ એક વાર જાહેરમાં કહ્યું પણ હતું કે મેં બેઉ સિસ્ટમમાંથી જે શ્રેષ્ઠ હતું એ લેવાનો પ્રયત્ન કર્યો છે. અમેરિકાના શહેરોમાં ખાનગી વ્યક્તિઓ પાસે પણ બંદૂકો હોય છે એટલે ત્યાં ખાનગી ગોળીબારનું પ્રમાણ વધુ હોય હોય છે એટલે ત્યાંની પોલીસ આવા કિસ્સાઓમાં મુંબઇ પોલીસ કરતા વધુ અનુભવી અને ઘડાયેલી હોય છે. ૨૦૦૮ના આવા ગોઝારા અનુભવ બાદ ઇઝરાયલના સુશિક્ષિત કમાન્ડોની તાલીમ પણ ભારતીય કમાન્ડોને અપાવી. ઇઝરાયલ પણ ભારતની જેમ જ પડોશી દુશ્મન દેશથી ઘેરાયેલો છે.
ભારત-પાક્સ્તિાનની જેમ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે પણ અવારનવાર છમકલા થયા કરે છે. ઇઝરાયલી કમાન્ડોની પ્રતિભા અને અનુભવનો લાભ મહારાષ્ટ્રના કમાન્ડોને પણ મળ્યો. હાલમાં મહારાષ્ટ્રનું ફોર્સ-વન નામે ઓળખાતું આ દળ કોઇ પણ પરિસ્થિતિને પહોેંચી વળવા સમર્થ છે.
૨૦૦૮માં તેઓ ૨૬/૧૧ની મુંબઈની ગોઝારી ઘટનાના સાક્ષી બન્યા. જોકે, હાલમાં તો તેઓ કેન્દ્રમાં યુનિયન લૉ મિનિસ્ટ્રીના ન્યાયિક વિભાગમાં સિનિયર અધિકારીની ભૂમિકા નિભાવે છે. પણ મહારાષ્ટ્રમાં તેમની મેનેજમેન્ટ અને ખબરીઓનું નેટવર્ક ગૂંથવાની અપ્રતિમ કળાને કારણે એવું એન્ટિ ટેરરિસ્ટ સેલ નિર્માણ પામ્યું કે આ દુર્ઘટનાને ૧૦ વર્ષ થયા પછી મુંબઈનો નાગરિક તેમની આંખમાં સપનાં સજીને નિરાંતે સૂઈ શકે છે, ભલે સદાનંદ દાતેની આંખમાં આ દુર્ઘટનાની કરચ કાયમ માટે વસી ગઈ હોય.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou1UYtzEX9SrnV1Fbr1%2BOAqkpAbMZKS2bAqsfaAZFRbTg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment