- સ્ત્રી અતિ સુંદર હોય તો ધીરે ધીરે ચીમળાઇ જાય. તેં કૈકેયીનો ઇન્ટરવ્યૂ કરેલો એટલે તેં તો એને ધારીને જોઈ હશે, કેટલી બધી કરચલીઓ હતી તેના ચહેરા પર! - તારું વિદેશી કુળ ભરતને નડે છે, તે રાજા બને એવું નેવ્યાસી ટકા પ્રજા નથી ઇચ્છતી, આ ગુપ્તચરખાતાનો અહેવાલ છે. (રામાયણના યુદ્ધ માટે કોને જવાબદાર ઠેરવી શકાય? રાવણને? શ્રીરામ યા સીતાજીને? કૈકેયીને કે પછી જેનું નાક લક્ષ્મણે વાઢી નાખ્યું એ રાવણની બહેન શુર્પણખાને કે જેનાં કપાયેલ નાકને નાકનો સવાલ બનાવવામાં આવેલો? જોકે એક મહત્ત્વના પાત્રનું નામ અહીં વિસરી જવાયું છે એ સુશ્રી મંથરાને આ લખનાર કેવી રીતે ને શા માટે ભૂલે? દિવાળી નિમિત્તે આજે આપણે મંથરાનો ટીવી ઇન્ટરવ્યૂ જોઈશું...) 'નારીશક્તિ' અંતર્ગત અમે વિવિધ ક્ષેત્રે માથાભારે સ્ત્રી લેખે નામ કાઢનાર સબળાઓની અમારી 'કલ સે પરસોં તક' ટીવી શ્રેણીમાં અગાઉ અમે શ્રીમતી કૈકેયી, શ્રીમતી મંદોદરી તેમજ સુશ્રી શુર્પણખા વગેરેનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એ શ્રેણીમાં આજે અમે તમારી મુલાકાત પ્રસારિત કરવા ઇચ્છીએ છીએ મંથરાબાઈ... 'એ ચીબાવલી, મોઢું સંભાળીને બોલ, તું બાઈ કોને કહે છે વારુ?'
'માઠું ન લગાડશો, પણ અમારે ત્યાં ઘરકામ કરનાર સ્ત્રી-નોકરોને 'બાઈ' તરીકે ઓળખવામાં આવે છે એટલે...'
'એકવાર બોલી એ બોલી, હવે મને 'બાઈ' કહીશ નહીં, હું કંઈ એંઠવાડ-લૂગડાં ને કચરા-પોતાં કરનારી નોકરડી નહોતી. હું તો રાજરાણી કૈકેયીની સારસંભાળ લેનાર તેની ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ હતી, સમજી મારી બૈ?'
'સોરી, તમને બાઈ કહેવા બદલ દિલગીર છું... પણ એક વાત કહું? વાલ્મીકિ રામાયણની એક ખૂબ જ જૂની પ્રતમાં મેં તમારો ફોટો જોયો હતો, એ વખતે તમે દેખાતાં હતાં એવાં જ આજેય લાગો છો એની પાછળનું રહસ્ય જણાવશો? અમારી સ્ત્રીદર્શકો રાજી થશે.'
'કદરૂપી સ્ત્રીઓનું એક સુખ એ છે કે કાયમ તે એક સરખી જ લાગે, મેઇક-અપ નહીં કરવાનોને! સ્ત્રી અતિ સુંદર હોય તો ધીરે ધીરે ચીમળાઈ જાય. તેં કૈકેયીનો ઇન્ટરવ્યૂ કરેલો એટલે તેં તો એને ધારીને જોઈ હશે, કેટલી બધી કરચલીઓ હતી તેના ચહેરા પર! એમાંય તમે પાછો એના મોઢા પર સેંતકનો પાઉડર છાંટેલો. કૈકેયી ઘરે આવી ત્યારે તેના ચહેરા પરની કરચલીઓમાં ભરાઈ ગયેલ પાઉડર મેં ખંખેર્યો તો પોણોથી એક કિલો જેટલો પાઉડર નીકળેલો, આમ તો પાઉડર શેનો? શંખજીરુ જ હતું. મારી આપવડાઇ કે પબ્લિસિટી માટે નહીં, પણ ટીવી દર્શકોની જાણ કાજે જણાવું છું કે રામાયણકાળમાં અયોધ્યા ખાતે 'મિસ અગ્લી યુનિવર્સ' (વિશ્વની સૌથી કુરૂપ કુમારિકા)ની જે હરીફાઇ યોજાઇ હતી એમાં એ વર્ષનો એવોર્ડ મને મળેલો. કિંગ દશરથના વરદહસ્તે.' 'અગ્લી' તો 'અગ્લી', પણ તમે મિસ યુનિવર્સ બન્યાં તો પછી તમે લગ્ન કેમ ન કર્યાં?
'છોકરી, જે સવાલ તેં મને આજે પૂછ્યો એ સવાલ એ વખતે ભરાયેલ પત્રકાર પરિષદમાં 'અયોધ્યા ટાઇમ્સ', 'અયોધ્યા પોસ્ટ' તેમજ 'કિષ્કિંધા ન્યૂઝ'ના પત્રકારોએ પણ મોંમાં આંગળાં ઘાલીને આ એક જ સવાલ મને પૂછેલો, જેના જવાબમાં મેં કહેલું કે દશરથ જેવા, દાદા કહેવાનું મન થાય એવા બુઢ્ઢાને કૈકેયી પરણે મંથરા નહીં.' 'લગ્ન કરવાનો વિચાર તમને કદી આવેલો ખરો?'
'ઘણીવાર સવારે ઊઠી દર્પણમાં જોઇ હું બોલી ઊઠતી કે ચાલો, પરણી નાખીએ, ત્યાં જ સામેથી પ્રશ્ન પુછાતો કે-પણ આપણને પરણશે કોણ?'
'પીડા થાય છે આ સાંભળીને મંથરાબહેન, પણ કૈકેયીબેન દશરથને કેમ પરણ્યાં?'
'પરદેશગમનનો મોહ, બીજું શું! આજની જેમ એ જમાનામાં પણ છોકરીઓ પરદેશ જવાની લાલચે નાની-મોટી ખોટખાંપણની અવગણના કરી દેતી ને પરણી જતી. બહેન, તું તો ટીવીની બહારનું કશું જોતી નહીં હોય એટલે તને માહિતી આપવાની કે જ્યાં ધરતીકંપ થયો એ અફઘાનિસ્તાનને અડીને, વિપાશા નદીનેય પેલે પાર કૈકેયી જેવા દૂરના વિસ્તારના કૈકેયરાજની પુત્રી કૈકેયી. કૈકેયી માટે અયોધ્યા જેમ પરદેશ ગણાય તેમ દશરથ માટેય કૈકેય વિદેશ ગણાય. જમાઇ એટલે વગર વિઝાએ ત્યાં જઇ શકે. વિદેશના મોહમાં બંને ફસાયાં. કૈકેયીની આંગળીએ હું પણ અયોધ્યા આવી એટલે તો હુંય વિદેશી. પણ વિદેશી શબ્દ સાંભળીને બહેન, તું તારા નાકનું ટીચકું ન ચડાવીશ...' 'એવું જરા પણ નથી મંથરાબહેન, આ તો શું કે મારા નાક પાસે મચ્છર આવી ગયો એટલે-'
'બચાવ ન કર છોકરી, મને ખબર છે કે વિદેશી મૂળની વાત આવે ત્યારે જ તમારા નાક પાસે મચ્છર ધસી આવતા હોય છે. પણ કોઇવાર તમે વાલ્મીકિને ટીવી પર બોલાવો ત્યારે પૂછજો, એ વિગતે બધી વાત કરશે. પણ એને તમે પાછા મફતમાં સવાલો ન પૂછી નાખતા. એ તો બાપડો ભલો ભોળો છે, ઘરનો બળેલો છે. આજેય તેને ખબર નથી પડતી કે તે વાલિયો લૂંટારો હતો ત્યારે વધારે સુખી હતો કે આજે વાલ્મીકિ થયા પછી વધારે સુખ પામ્યા છે.'
'એવું કેમ કહો છો મંથરાબહેન?' 'પૂર્વાશ્રમમાં તે બધાને લૂંટતો હતો, આજે લોકો તેને લૂંટી રહ્યા છે. આ બધા છાપાવાળાઓ તેની રામાયણના હપ્તા ફોગટમાં છાપીને હપ્તે હપ્તે તેને લૂંટે છે. કથાકારો તેની જ લખેલી કથાનો મનસ્વીપણે છૂટા મોંએ ઉપયોગ કરે છે. એક ફદિયાનીય રોયલ્ટી પરખાવ્યા વગર જ પ્રકાશકો જલસા કરે છે ને પેલા ફિલમવાળા રામાનંદ સાગરે તો રામાયણના સાગરને ઉલેચીને એમાંથી ટેન્કરે ટેન્કરે નાણાં ઉસેટી લીધેલા તોપણ આ બધામાંથી કોઇનેય વાલ્મીકિએ શાપ નથી આપ્યો, પરંતુ ક્યારેક વાલ્મીકિને તારી ચેનલ પર બોલાવીને પૂછવાથી તું તેમજ તારા દર્શકો જાણી શકશો કે રાજા દશરથ જ્યારે જાન જોડીને સાજનમાજન સાથે કૈકેયીને પરણવા આવ્યો ત્યારે કૈકેયીના બાપે, દશરથ માંયરામાં બેસે એ પહેલાં જ તેની આગળ, તમે એમઓયુ કે મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જે કહેતા હો એ ધરીને કહી દીધેલું કે આમાં પહેલાં સહી કરો, પછી આપણે લગ્નવિધિ શરૂ કરીએ.
દસ્તાવેજની એ કલમ મોટેથી વાંચી સંભળાવેલી કે મારી કકુડીને (કૈકેયીને અમે લાડમાં કકુડી કહેતાં.) પેટે કુંવર અવતરે તેને જ અયોધ્યાનો રાજા બનાવવો પડશે. આ શરત મંજૂર હોય તો જ મારી લાડકીનો હાથ પકડો, બાકી તમે તમારા ઘરે ને મારી દીકરી તો અમારા ઘરે છે જ. લીલા તોરણે પાછા ફરવાની કલ્પનાથી જ ધ્રૂજી જતાં દશરથે, 'હા... હો...' કહી દીધું. ઉમેર્યું પણ ખરું કે મુહૂર્ત વીતી જાય એ પહેલાં લગ્નવિધિ તો આટોપીએ, જાનૈયા ભૂખ્યા ડાંસ થઇ ગયા છે એમને જમાડી લઇએ, તમે કહી એવી નાની નાની બાબતો પાછળ સમય બરબાદ કરવાની અત્યારે શી જરૂર છે? રાજા દશરથે એકવાર ખોંખારીને હા પાડવાને બદલે 'હા.. હો' કહી દીધું એટલે લગ્નવિધિ ચાલતો હતો ત્યારે જ મેં કૈકેયીના બાપુજી કૈકેયીરાજને શંકાથી કાનમાં કહી દીધું કે આ બુઢ્ઢાએ જે સ્ટાઇલથી ને જે લઢણમાં તમારી શરત સ્વીકારી લીધી એ પરથી મને લાગે છે કે આપણી કકુડી સાથે તે ગમે ત્યારે બદમાશી કરશે. કકુડીના બાપુએ મને ધીમા અવાજે કહી દીધું કે એવું કશું બને ત્યારે તું બાજી સંભાળી લેજે, હું તને એની જોડે જ મોકલવાનો છું, આમેય તે દાધારંગી છે એની તો તને ખબર છે.' 'એક અંગત સવાલ પૂછવાનું મન થાય છે મંથરાબહેન, કે કૈકેયીબહેનના તાતશ્રીએ તેમની સાથે સાસરવાસમાં કોઈ અતિ સુંદર છોકરીને બદલે તમને જ મોકલવાનું કેમ પસંદ કર્યું એ મારા દર્શકોને જાણવું છે...' 'કૈકેયીના બાપુ જમાનાના ખાધેલ હતા. એમને ખબર હતી કે સિંહાસન (કે ખુરસી) પર બેઠેલ માણસનો ક્યારેય વિશ્વાસ ન કરાય. વખત આવે જાત પર ગયા વગર એ ન જ રહે, આ વાતનીય પાકી સમજ હોવાથી કોઈ પણ શાણો બાપ પોતાની દીકરીના પગ પર કુહાડી મારવાનું ક્યારેય ન વિચારે. દીકરી જોડે સુંદર નોકરડી મોકલવી એ દીકરી જોડે ઝેરી સાપનો કરંડિયો મોકલવા જેવું કહેવાય, રાજાઓ લપસણા હોય છે. તારા પેલા કલાપીનો કિસ્સો તો તને યાદ છે ને?'
'પછી તમે શી મદદ કરી રાણીસાહેબાને?'
'તમારા મિનિસ્ટરોની પેઠે રાજા ફરી ગયો. રાજગાદી આપવાનો વખત આવ્યો ત્યારે કૈકેયી-પુત્ર ભરતને બદલે પોતાના પાટવીપુત્ર રામના માથાના માપનો મુગટ રાતોરાત તૈયાર કરાવ્યો, એને રાજા બનાવવાનો કારસો કર્યો. પછી હું તે કંઇ ઝાલી રહું? મેં તો આખો મહેલ ગજવી નાખ્યો. કકુ તો બાપડી પહેલેથી જ આધાપલિત. એને મેં ધમકાવીને સમજાવ્યું કે ભોળુડી, તારામાં અક્કલ ન હોય તો મારા જેવી પાસે ઉછીની લે. એકવાર જો રામ રાજા બની જશે તો પછી એનાય દીકરા-દીકરી ને એનાય વંશજો અયોધ્યાના સિંહાસન પર વરસો સુધી ચીટકી જશે. ઉખડવાનું નામ નહીં લે, ઇક્ષ્વાકુ પરિવારમાં જન્મ્યા એને જ મોટી લાયકાત ગણશે. ને ઇક્ષ્વાકુ કુળે ભૂતકાળમાં કેવા કેવા ભોગ આપેલા એનાં જ ગાણાં ગાયા કરશે. પછી તો કકુડી એવું બનશે કે જતા દહાડે ભરતને ને એના વસ્તારને પેલા લોકોના વરઘોડામાં બેન્ડવાજાં વગાડવાનો વખત આવશે. આમાં સારું એ થયું કે બેન્ડવાજાં વગાડવાની વાતથી કકુડીના કાનમાં ધાક પડી ગઇ. એ તો પૂરેપૂરી સ્ત્રી બનીને હઠે ભરાઇ કે રાજા તો મારો ભરત જ થશે. કોઈ ખરાબ ચોઘડિયે રાજાએ તેને આપેલાં બે વચનો એક્સપાયરી ડેટ વટાવી જાય એ પહેલાં જ યાદ કરાવ્યાં. પાછું મહેણું માર્યું કે રઘુકુળની પૂંછડી હો તો પાળો તમારાં બેય વચનો. રામને વનમાં રઝળપાટ ને મારા ભરતને રાજપાટ... પેલો બુઢ્ઢોય આમ તો ગાંજ્યો જાય એવો નહોતો. દશરથે સોગઠી મારવા પ્રયત્ન કર્યો કે તારું વિદેશી કુળ તારા ભરતને ય નડે છે, તે રાજા બને એવું નેવ્યાસી ટકા પ્રજા નથી ઇચ્છતી, આ ગુપ્તચરખાતાનો અહેવાલ છે, પણ મેં કૈકેયીને આપેલી ચાવી કામ કરી ગઇ. રાજા ઢીલોઢસ થઈ ગયો.' 'કૈકેયીની ચડવણી કરવા બદલ શત્રુઘ્નએ તમને ટીચી નાખેલાં એ વાત સાચી?'
'હા, એ સાચું છે. એ તો કકુડી એ વખતે વચ્ચે ન પડી હોત તો મારા તો રામ રમી જાત...'
'કૈકેયીબહેન સિવાય બીજું કોઇ વચ્ચે પડેલું?' 'ના, બીજું કોઇ નહીં, અમારા વખતમાં માનવઅધિકાર પંચવાળા નહોતા જન્મ્યા, એ હોત તો ચોક્કસ કૂદી પડત, એમનો એ ધંધો છે.'
'હવે છેલ્લો સવાલ એ છે કે કૈકેયીજીની તમે કરેલ કાન ભંભેરણીને લીધે રામ-સીતાને વનવાસ મળ્યો, રાવણને વહેલું મરણ મળ્યું, વિભીષણને લંકાનરેશ બનવા મળ્યું, પણ તમને શું મળ્યું એ જરા કહેશો?'
'ગાંડી રે ગાંડી, મારે ક્યાં કશું જોઇતું'તું? જોકે બધાંને લડતાં-ઝઘડતાં જોઇને મને બહુ સારું લાગતું'તું ને મારામાં મંથરાવૃત્તિ ન હોત તો તમને રામાયણ જેવો મહામૂલો ગ્રંથ મળ્યો હોત?- બોલ મારી બૈ...'
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYcWCFXS4a-kSPBNogytkzhyO2y0pPmkRwQQEnqb3Ltw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment