'આખો દિવસ મોબાઈલ ને મોબાઈલ' સાસુએ તાડુકીને કહ્યું… 'તો…એમાં વાંધો શું છે?' વહુએ સામો પ્રશ્ન કર્યો.
'ઘરના કામોમાં ઠેકાણા પડતાં નથી ને…!' સાસુએ બળાપો કાઢયો.
'ઘરના કામો- રસોઈ વગેરે પતાવીને બેઠી છું. TV જોઈએ તો કે TV જુએ છે.
મોબાઈલ હાથમાં લઈએ તો કે મોબાઈલમાં ગેમ રમે છે, ફ્રેન્ડસ સાથે વાત કરીએ તો કે છે કે આખો દિ' વાતો જ કર્યા કરે છે. તમારી માથી તો તોબા…તોબા….!' પતિ સાંભળે એમ વહુએ મોટેથી સંભળાવ્યું. લગભગ દરેક ઘરમાં આ યુદ્ધ ચાલે. કોઈને ત્યાં કોલ્ડવોર તો કોઈને ત્યાં એકદમ હોટ. જે કુટુંબ અપવાદ હોય તે ખરેખર નસીબદાર ગણાય. દીકરો બે વર્ષનો હતો અને સાસુજી વિધવા થઈ ગયેલા. દીકરાની દેખભાળ અને આર્થિક જવાબદારીઓ સાસુજીના માથે ખૂબ નાની ઉંમરે આવી પડેલી. દીકરાના લગ્ન થયા ત્યારે શાંતિ મળવાની આશા જાગી હતી; પરંતુ હવે પહેલાં કરતાંય વધુ ચિંતા સતાવવા લાગી હતી. 'આવતીકાલે તું મારી સાથે ચાલજે, પંડિતજી પાસે જવું છે.' સાસુજીએ દીકરાને આદેશ કર્યો. પંડિતજીએ ખૂબ જ શાંતિથી સાસુજીની વાત સાંભળી. સાસુ-વહુની સંતાકુકડીથી કોણ અજાણ હોય? વહુના વર્તનથી કેવી કેવી મુશ્કેલીઓ પડે છે તેનું વિગતે વર્ણન સાસુજીએ કર્યું. પંડિતજીએ ખૂબ જ ધ્યાનપૂર્વક બધી વાતો સાંભળી. દીકરો આ તાયફાથી મનોમન અકળાતો હતો. પણ કશું બોલી શક્યો નહિ. સાસુજીએ કહ્યું, 'પંડિતજી, મહેરબાની કરીને મને એવો કોઈ ઉપાય બતાવો જેથી હું આ ત્રાસમાંથી બહાર નીકળી શકું.' પંડિતજીએ કુંડળી પર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને બોલ્યાં, 'હમ્મ…, ગ્રહો હાનિકારક દશા બતાવી રહ્યાં છે. તમારી સમસ્યા ઘણી ગંભીર છે. એ દૂર થઈ શકે એમ છે, પણ એના માટે તમારે, હું જે કંઈપણ કહું એનું ચુસ્તે પણે પાલન કરવું પડશે.' સાસુએ હકારમાં માથું ધુણાવ્યું. દીકરો શંકાશીલ બની આ બધું જોઈ રહ્યો હતો. 'હું તમને એક મંત્ર આપીશ. તમારે સવારે બે કલાક અને સાંજે બે કલાક એનો અખંડ જાપ કરવાનો રહેશે. ગૃહશાંતી માટેનો આ અદ્ભુત મંત્ર છે. આજીવન કરશો તો તમામ સમસ્યાઓનો અંત આવી જશે.' દીકરો ક્યારેક પોતાની મા તરફ તો ક્યારેક પંડિતજી તરફ જોઈને અકળામણ અનુભવતો હતો. એકાદ મહિના બાદ દીકરાએ નોંધ્યું કે સાસુ-વહુ વચ્ચેની દલીલો ખરેખર ઓછી થઈ ગઈ હતી. એ દોડીને પંડિતજી પાસે ગયો. 'પંડિતજી, તમને પણ ખબર છે કે એવો કોઈ મંત્ર નથી જે સાસુ-વહુની સમસ્યાનો ઉકેલ લાવી શકે તો પછી આ ચમત્કાર થયો કેવી રીતે?' દરેક વ્યક્તિ પોતાની એક 'સ્પેસ' ઈચ્છે છે. પછી તે સાસુ હોય કે વહુ. હવે તો વિવિધ એજન્સીઓ તમારો ઓર્ડર સ્વીકારી માત્ર ગણતરીની મિનિટોમાં ઓર્ડરની હોમડિલિવરી આપતા હોય છે. આજે ડિજિટલયુગમાં જીવવા માટે અપડેટ રહેવું અનિવાર્ય બન્યું છે. વહુ માટે રસોઈ બનાવવી અગત્યની છે અને મોબાઈલમાં છેલ્લા સ્ટેટસને લાઈક કરવું પણ જરૂરી છે. ગૃહકંકાસના વિષયો ભલે બદલાયા પણ સાસુ-વહુના પાત્રો એ જ છે. વહુના વર્તનને સુધારવા સાસુજી જાપ કરવા બેસે છે. દરેક મંત્ર શક્તિશાળી જ છે, પરંતુ અહીં આ સમસ્યામાં મંત્રએ કોઈ કામ કર્યું નહોતું. પંડિતજી વ્યવહારુ માણસ હતા તેઓ સમજી ગયા હતા કે સમસ્યાનું મૂળ સાસુ-વહુનું પરસ્પરનું વર્તન છે. એમણે સાસુજીને સવારે બે કલાક અને સાંજે બે કલાક વ્યસ્ત કરી દીધા. રોકટોક ન હોવાથી વહુ રસોઈ-ઘરકામ વગેરે ખૂબ શાંતિથી કરવા લાગી. બે કલાકના મંત્ર જાપ પછી સાસુજીને વહુ સાથે ઝઘડવામાં કે માથું મારવામાં રસ રહ્યો નહિ. કોઈપણ પ્રકારની દખલગીરી ન થતી હોઈ વહુએ કુશળતાપૂર્વક ઘરભાર સંભાળી લીધો હતો. ઘરના કામો સુંદર રીતે થતાં જોઈ સાસુજીને વહુ પ્રત્યે પ્રેમ અને વહુને સાસુ પ્રત્યે આદર ઊભો થયો. 'નવરો બેઠો નખ્ખોદ વાળે' આ કહેવત દરેક ક્ષેત્રમાં અસરકારક રીતે પુરવાર થતી હોય છે. અતિશય નવરાશ અને અતિશય વ્યસ્તતા ઘરકંકાસને જન્મ આપે છે. ઘરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જવાની જવાબદારી કુટુંબના દરેક સભ્યની છે. ઘરનો કંકાસ શાંત થતો હોય તો કુટુંબના સભ્યોએ વારાફરથી 'મંત્ર જાપ' સ્વીકારવો જ રહ્યો! મિસરી જિંદગીમાં થોડી મીઠાશ હોવી જોઈએ, હૈયામાં થોડી મોકળાશ હોવી જોઈએ. જેના માટે જીવો છો તે તમને કહી શકે, એટલી સંબંધોમાં હળવાશ હોવી જોઈએ. – (અજ્ઞાત) |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oucc_Z-RP_9jcC1MsuFa0sv65sONArGnYChMAX%3DOg-r%3Dw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment