Sunday, 2 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મર્ડર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મર્ડર!
મહેશ યાજ્ઞિક

 

 

 

 

સાધારણ દેખાવનો શેઠિયો પૈસાના જોરે આરસની પૂતળી જેવી પદમણીને પરણે, એમાં પ્રોબ્લેમ તો થાય જ!

 

"ગણાત્રા, ગૂડ મોર્નિંગ. ફટાફટ ઊભો થઈને સીધો ગુજરાત કૉલેજ પાસે પહોંચી જા. ત્યાં જયભારતી સોસાયટીના પાંચ નંબરના બંગલાવાળા શેઠિયાનું મર્ડર થઈ ગયું છે. હું પંદર મિનિટમાં પહોંચું છું." .

 

સબઈન્સ્પેક્ટર ગણાત્રાને આદેશ આપતી વખતે ઈન્સ્પેક્ટર તખુભાના અવાજમાં અધિકારી તરીકેના રૂઆબને બદલે આત્મીયતા છલકાતી હતી. "તને ફોન કરતાં પહેલાં પાઠકને રવાના કરી દીધો છે. અત્યાર સુધીમાં તો ત્રણ કોન્સ્ટેબલ સાથે એ ત્યાં ધંધે લાગી ગયો હશે." .

 

પોલીસ સ્ટેશનમાં તખુભાના હાથ નીચે ચાર સબઈન્સ્પેક્ટર હતા. એ છતાં, ગણાત્રા સાથે એમને વધારે ફાવતું હતું. સબ ઈન્સ્પેક્ટર તરીકેની તાલીમ પૂરી કરીને પાઠક હજુ દસેક દિવસ અગાઉ અહીં મૂકાયો હતો. એ યુવાન પૂરોપૂરો ઘડાય એ માટે તખુભા એને વધુ દોડાવતા હતા.

 

આખી ઘટના કંઈક આવી રીતે બનેલી. સાધારણ દેખાવના વિનોદની પત્ની રસીલા અત્યંત રૂપાળી હતી. બે જિગરી દોસ્તાર લતેશ લંબૂ અને જ્યોતિષ જાડિયાની સાથે વિનોદે રાત્રે દારૂની મહેફિલ ગોઠવી હતી. રાત્રે બાર વાગ્યા સુધી રસિલા, વિનોદ, લંબૂ અને જાડિયો ચારેય સાથે હતા. ત્રણેય પુરુષો રાજાપાઠમાં હતા. બાર વાગ્યે જાડિયો ઊભો થઈને પોતાના ઘેર ગયો. રસિલા અને વિનોદ સાથે વાતોના તડાકા મારવા માટે લંબૂ રોકાયો હતો. એ પછી એ એક વાગ્યે એ ઊભો થયેલો. વધારે પડતો ઢીંચ્યો હોવાથી એ કાર ચલાવી શકે એમ નહોતું. વિનોદે એને રોકાઈ જવાનું કહ્યું, પણ એને ઘેર જવું હતું એટલે વિનોદ પોતાની કારમાં એને એના ઘેર મૂકવા ગયો હતો. એને મૂકીને વિનોદ તરત પાછો આવ્યો, ત્યાં ખૂની એની રાહ જોઈને બેઠો હતો. કારમાંથી ઊતરીને એ બંગલાનો ગેટ ખોલતો હતો એ જ વખતે ખૂનીએ ગળા ઉપર છરો એવી રીતે માર્યો કે ધોરી નસ કપાઈ ગઈ. બીજા ચાર ઘા પેટમાં એવી ક્રૂરતાથી મારેલા હતા કે આંતરડાં બહાર આવી ગયાં હતાં.

 

કાયદેસરની બધી વિધિ પતાવીને બપોરે ત્રણ વાગ્યે ત્રણેય પોલીસ સ્ટેશને આવ્યા અને તખુભાની ચેમ્બરમાં નાસ્તો મંગાવીને એના ઉપર તૂટી પડ્યા.પાઠકને વ્યવહારુ જ્ઞાન આપવા તખુભાએ સમજાવ્યું. "અત્યારે કોઈ આવે તો આપણને જોઈને એમ માને કે મારા બેટા પોલીસ સ્ટેશનમાં નાસ્તા-પાણીના જલસા કરે છે. એ ડફોળને ખબર ના હોય કે સવારે આઠ વાગ્યાથી ધંધે લાગેલા તો છેક અત્યારે ખાવા મળ્યું છે. એટલે યાદ રાખો, પાઠકજી, આપણે સાચા હોઈએ તો દુનિયાની પરવા નહીં કરવાની.".

 

પાઠકે હકારમાં માથું હલાવ્યું. એ પછી તખુભાએ આગળ સમજાવ્યું.

 

"પોસ્ટમોર્ટમ પછી લાશ મળશે એટલે સાંજે અગ્નિસંસ્કાર કરશે. આપણું કામ કાલે બપોરથી શરૂ થશે. રસિલાબહેનને પૂછેલું કે તમને કોના ઉપર શંકા છે? તમારા પતિ વિનોદને આવી દુશ્મનાવટ કોની સાથે હતી? એ રૂપાળી અત્યારે આઘાતમાં હતી એટલે એણે સરખો જવાબ ના આપ્યો. કાલે શાંતિથી પૂછીશું તો કંઈક તાળો મળશે." એમણે પાઠક અને ગણાત્રા સામે જોયું. "તમે બંને પોતપોતાની રીતે તપાસ શરૂ કરીને આગળ વધો. આજુબાજુના બંગલાવાળાને ખોતરશો તોય ઘણું જાણવા મળશે."

 

ત્રીજા દિવસે રાત્રે તખુભા અને ગણાત્રા ચર્ચા કરતા હતા. પાઠક ચૂપચાપ સાંભળતો હતો. "એ રૂપસુંદરી મગનું નામ મરી નથી પાડતી. એના ગોળ ગોળ જવાબ સાંભળીને મને તો આ કારસ્તાન એનું જ લાગે છે."

 

અનુભવના આધારે તખુભાએ આત્મવિશ્વાસથી કહ્યું." ક્લિયરકટ કેસ છે. સાધારણ દેખાવનો શેઠિયો પૈસાના જોરે આરસની પૂતળી જેવી પદમણીને પરણે, એમાં પ્રોબ્લેમ તો થાય જ! પેલીએ કોઈ મનના માણિગરને મધલાળ ચટાડીને સકંજામાં લઈ લીધો હોય. એ પ્રેમથી આદેશ આપે એટલે પેલો પરિણામની પરવા ના કરે. પેલીના પતિદેવને પતાવી દે. એ પછી આપણી ઝપટે ચડે ત્યારે એને એની મૂર્ખામીનું ભાન થાય. એ જેલના સળિયા ગણે એ દરમિયાન પેલીએ તો કોઈ બીજો આશિક શોધી લીધો હોય. જે બૈરું એના સગા ધણીનું નથી થયું, એ મને શું લાટો આપશે? એટલું વિચારવાની અક્કલ એ અડબંગને ના હોય!"

 

એમની વાત સાંભળીને ગણાત્રાએ પૂછ્યું."સાહેબ,આ રમતમાં બે ખેલાડી મેદાનમાં છે. એક લતેશ લંબૂ અને બીજો જ્યોતિષ જાડિયો.તમને વધુ શંકા કોના ઉપર છે?" "શંકા નહીં,મને તો પૂરેપૂરી ખાતરી છે કે આ ખેલ લતેશ લંબૂનો જ છે.જ્યોતિષ પેલીનો આશિક છે એ કબૂલ પણ એ જાડિયાની જિગર નથી ખૂન કરવાની.તું સમજ.બાર વાગ્યા સુધી ચારેય સાથે હતા.બાર વાગ્યે જાડિયો જતો રહ્યો અને લંબૂ રોકાયો હતો.રાઈટ?" આટલું કહીને એમણે બંનેની સામે જોયું એટલે બંનેએ હકારમાં માથું હલાવ્યું.

 

"એ પછી લંબૂના સ્ટેટમેન્ટ મુજબ એક વાગ્યે વિનોદ પોતાની કારમાં એને એના ઘેર મૂકીને પાછો ગયેલો.એણે કહ્યું એ ગળે નથી ઊતરતું.એ બદમાશ ઉપર વિશ્વાસ મૂકવાની બેવકૂફી ના કરાય, ગણાત્રા! મેં એના વિશે તપાસ કરી તો ખબર પડી કે બદરીનાથ જવાનું કહીને બેંગકોક પહોંચી જાય એવો એ ગિલિન્ડર છે! આ નોકરીમાં બત્રીસ વર્ષ થયાં. ક્યા ભડભડિયા ઉપર કેટલો ભરોસો મૂકાય એ તો એનું થોબડું જોઈને કાચી સેકન્ડમાં ખ્યાલ આવી જાય. " તખુભાએ ખુમારીથી ઉમેર્યું. "કાળા ડગલાવાળા વકીલો અને કોર્ટને બદલે ન્યાય કરવાની સત્તા સીધી અમારા જેવાને આપવામાં આવે તો ક્રાઈમ રેટ ઝીરો થઈ જાય. અડબોથની ઉધારી ના હોય એમ ફટાફટ ફેંસલો કરવાની સરકાર સત્તા આપે તો ગાભા કાઢી નાખું.એકેય ગુંડો કે મવાલી મેદાનમાં ના રહે."

 

"બાપુ, બૈરાની બાબતમાં તો જ્યોતિષ જાડિયાની મથરાવટી પણ મેલી છે." ગણાત્રાએ હળવેથી કહ્યું."હું એની પાછળ કોન્સન્ટ્રેટ કરું છું. એના પડોશીઓએ જાણકારી આપી કે એનાં લફરાંને લીધે એના ઘરમાં કાયમ ઝઘડા થાય છે. એ મીંઢી ઘોને પણ રિમાન્ડ ઉપર લેવાની જરૂર છે.""એ પણ કરીશું.." ગણાત્રાને જવાબ આપીને તખુભાએ પાઠક સામે જોયું."પાઠકજી,તમારું લશ્કર ક્યાં લડે છે? ઈન્વેસ્ટિગેશનમાં એકલા ફાવે એવું ના હોય તો ગણાત્રાની સાથે જોડાઈને પેલા જાડિયાની ઝીણામાં ઝીણી વિગત ભેગી કરો."

 

"જી."પાઠકે નમ્રતાથી કહ્યું."પ્રયત્ન ચાલુ છે. તમારું જોઈને ધીમે ધીમે શીખું છું."

 

બીજા ચાર દિવસ સુધી તખુભા લતેશ લંબૂની લેફ્ટરાઈટ લેતા રહ્યા અને ગણાત્રા જ્યોતિષ જાડિયાની જાણકારી માટે દોડતો રહ્યો. સાંજે એ બંને ચાની ચૂસકી સાથે ચર્ચા કરતા હતા એ વખતે જીપનો અવાજ આવ્યો અને પાંચ મિનિટ પછી પાઠક ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે એના ચહેરાની ચમક જોઈને ગણાત્રા અને તખુભાને આશ્ચર્ય થયું.

 

"ગેમ ઈઝ ઓવર." ઉત્સાહથી આટલું કહીને એણે તખુભા સામે જોયું. "બાપુ! આજે રાત્રે તમારે પાર્ટી આપવી પડશે." એણે હસીને ઉમેર્યું. "તમે ના પાડશો તો હું પાર્ટી આપીશ. તમારા આશીર્વાદથી કેરિયરના પહેલા કેસમાં પાસ થઈ ગયો છું. વિનોદના હત્યારાઓને પકડી લાવ્યો છું."

 

"હત્યારાઓ ?"ગણાત્રાએ ચોંકીને પૂછ્યું.

 

"જી."પાઠકે સમજાવ્યું."લાશને પહેલી વાર જોઈ ત્યારે જ ખ્યાલ આવી ગયેલો કે આ કામ કોઈ બે માણસે સાથે મળીને કર્યું છે. એકલો માણસ આ રીતે મારી ના શકે. એક વ્યક્તિએ વિનોદને પકડી રાખ્યો હશે અને બીજાએ કચકચાવીને ઘા કર્યા હશે એવું મને લાગેલું. એને લીધે મગજમાંથી લંબૂ અને જાડિયાની બાદબાકી કરી નાખેલી." આંખોમાં અચરજ સાથે તખુભા અને ગણાત્રા એની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યા હતા.એ બંનેની સામે જોઈને પાઠક નમ્રતાથી બોલતો હતો.

 

"આપ બંને તો મારાથી સિનિયર છો,એ છતાં રસિલાના ચક્કરમાં ગોથું ખાઈ ગયા. ત્યાં પીન ચોંટી ગઈ એટલે બીજી દિશામાં વિચારવાને બદલે પેલા લંબૂ અને જાડિયા માટે જાળ ગૂંથવામાં પરોવાઈ ગયા. મેં અલગ વિચાર્યું. વિનોદને એની બેવફા બૈરીએ મરાવી નાખ્યો કે એના ખુદના લખ્ખણમાં જ કંઈક ખામી હતી? એક માણસ આટલી ક્રૂરતાથી બીજાને ક્યારે મારે? હૈયામાં હડહડતો ધિક્કાર હોય એ જ આવું હિચકારું કામ કરવાની હિંમત કરે એ ધારણાના આધારે વિનોદની કુંડળી મેળવીને મેં એની ઑફિસના કર્મચારીઓને ખોતરવાનું શરૂ કર્યું, એમાં એક છેડો મળ્યો એ પકડીને આગળ વધ્યો."

 

પોતાની સામે તાકી રહેલા બંને અધિકારીઓ પાસે એણે પાનાં ખુલ્લાં કર્યાં. "જે માણસ પૈસાના જોરે રૂપાળી પત્ની મેળવી શકે, એના માટે પોતાને ત્યાં કામ કરતી પંદર હજારની પગારદાર યુવતીને પટાવવાનું કામ તો ડાબા હાથના ખેલ જેવું ગણાય. વિનોદને ત્યાં વંદના નોકરી તો દસ વર્ષથી કરતી હતી.એ સમયે પિતાના અવસાન પછી ઓગણીસ વર્ષની એ યુવતીએ પોતાની મા અને નાના બે ભાઈઓ માટે થઈને પરણવાનો વિચાર માંડી વાળીને કમાવાનું શરૂ કર્યું હતું. ઑફિસમાં અગાઉ કાકાનો વહીવટ ચાલતો હતો.ત્યારે દાણા નાખવાનું કામ વિનોદ માટે શક્ય નહોતું. બે વર્ષ અગાઉ એમના અવસાન પછી વિનોદે કારોબાર સંભાળી લીધેલો. કંઈક આંબા-આંબલી બતાવીને વિનોદે વંદનાને લપેટમાં લીધી હતી. ઑફિસમાં પણ એમના સંબંધની ચર્ચા થતી હતી. વંદના પ્રેગ્નન્ટ થઈ ગઈ ત્યારે પારાવાર પસ્તાવા સાથે રાત્રે એ પંખે લટકવા જતી હતી ત્યારે એની બા જાગી ગઈ અને એ પરિવારમાં ધરતીકંપ આવ્યો. વંદનાએ રડીને જે કબૂલાત કરી એ સાંભળીને માતા તો માથું કૂટીને રડતી હતી, પણ આ કથા સાંભળીને વીસ અને બાવીસ વર્ષના વંદનાના બે ભાઈઓના મગજમાં એક રાક્ષસી વિચાર આવ્યો. સતત અભાવમાં ઉછરેલા એ બંને ભાઈઓએ આ આફતને અવસર બનાવવાનો કારસો કર્યો. ઑફિસમાં જઈને વિનોદને ધમકાવીને એક કરોડ રૂપિયાની માગણી કરી. નફ્ફટ વિનોદે એબોર્શન કરાવવાની સલાહ સાથે વીસ હજાર આપીને એ બંને બેવકૂફને ઑફિસમાંથી ભગાડી મૂક્યા. ધૂંધવાયેલા એ બંને હીરાઓ રાત્રે વિનોદના બંગલે આવ્યા. અંદરથી હાહા-હીહીના અવાજ આવતા હતા એટલે ધીરજથી રાહ જોઈને ગેટ પાસે સંતાઈને બેસી રહ્યા. લતેશને મૂકીને વિનોદ એકલો પાછો આવ્યો ત્યારે એમણે તક ઝડપી લીધી. ગેટ ખોલવા માટે વિનોદ કારમાંથી બહાર નીકળ્યો એ જ વખતે એ બંને તૂટી પડ્યા.."

 

પૂરી સ્વસ્થતાથી પાઠક સમજાવતો હતો.

 

"ચોથા બંગલાના ચોકીદારે બાતમી આપેલી કે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ એણે બે યુવાનોને બંગલા પાસે જોયેલા. એણે જે અલપઝલપ વર્ણન કરેલું એ સાંભળીને શકમંદની યાદીમાંથી લંબૂ અને જાડિયાનાં નામ મેં કાઢી નાખેલાં. એ પછી મારી રીતે ઑફિસ સ્ટાફને ખોતરીને છેડા મેળવી લીધા અને વંદનાના ભાઈઓ સુધી પહોંચી ગયો. આપણી ભાષામાં રિમાન્ડની બીક બતાવી કે તરત એ લોકો ઢીલા થઈ ગયા. એ બંને હીરાઓને અત્યારે લાવીને લોકઅપમાં નાખી દીધા છે. હવે આગળની કાર્યવાહી આપ સંભાળી લો."

 

એ બોલતો હતો.ગણાત્રા અને તખુભા આશ્ચર્ય અને આદરભાવથી એની સામે તાકી રહ્યા હતા.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuvDdpvY%3DmE%2BW5S3S6914YndCC714GkKhhxUx3XGcsvtg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment