Thursday, 27 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જિંદગીના વર્ષોના પીળાં થયેલાં પાન અને અતીતનાં પાનાં (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જિંદગીના વર્ષોના પીળાં થયેલાં પાન અને અતીતનાં પાનાં!
કવિતાની કેડીએ-નલિની માડગાંવકર

amdavadis4ever@yahoogroups.com

કવિ શ્રીકાન્ત શાહ... હથેળી સાથે જોડાયેલી પાંચ આંગળીઓની જેમ જેમણે પાંચ સાહિત્યસ્વરૂપની ઉપાસના કરી છે; કવિતા, નવલકથા, એકાંકી, ટૂંકી વાર્તા અને નાટક. આ બધાં સ્વરૂપો સર્જકની સ્વપ્રતિભાને વિહરવાની ભૂમિકા પૂરી પાડનારાં તો છે જ ઉપરાંત દશાંગુલ ઊર્ધ્વ રહેતી કવિ પ્રતિભાનું દર્શન પણ આપણને કરાવે છે, જેની પ્રતીતિ કરાવે છે આ રચના. નગરજીવનનો નક્શો સ્થળના સ્થાન - આકારને ધ્યાનમાં રાખી નગરના સંચાલકો કરતા હોય છે, પણ એક અસલી ચહેરો સર્જનાર કવિ - નગરજન છે. એ ચહેરો એના હૃદયમાં છે. આ રચનામાં સિત્તેર વર્ષની યાદની વણજાર છે. જેનો વિસ્તાર છે પાછલે પગે શૈશવ સુધી પહોંચતી સ્મૃતિ. કવિ પાસે ગત વર્ષોનું એક દર્પણ છે, જેમાં વીતેલા કાળનું અને જિંદગીનું દર્શન કરે છે.

કાવ્યને પ્રારંભે જ 'અમથો અમથો' શબ્દપ્રયોગ છે. મુંબઈ શહેરમાં અમથા અમથા ફોન પણ ક્યાં મળે છે? ઘંટડી વાગે અને દોડીને જાઓ ત્યાં તમારા પર કામોની, સંવેદનાની એક યાદીનો ભાર પડતો હોય છે. આ ભાર ક્યારેય ઠલવાઈને આપણને મુક્ત કરનારો નથી. વીતેલાં વર્ષોના પડછાયાથી અળગાં થવું એ કંઈ સહેલું કામ નથી. કવિ જિંદગીનાં વર્ષોનાં પીળાં થયેલાં પાન ખંખેરીને આવતી કાલની કૂંપળને સાચવવાનો પ્રયત્ન કરે છે, પણ એ પહેલાં અતીતનું પાનું ઉકેલે છે. જિંદગીની 'કોક' સવારે નિરાંતજીવી બની નગરવાસી વીત્યાં વર્ષોની ગાથા શબ્દ - વાણીમાં ઉતારે છે. વૃદ્ધાવસ્થાને પગથિયે બેસી ઉકેલાતી આ જિંદગીની સ્મૃતિઓ છે.

દાદરાને ભલે તમે નિર્જીવ માનતા હો પણ એ પગથિયાં સુધ્ધાં તમારા સ્પર્શને પામી જતાં હોય છે. જીવનની લીલીસૂકીની આ ચડઊતર છે. વિષાદ અને સ્મિતની કેટલીક ક્ષણો સંવેદનાસભર થઈ અહીં ઊતરી આવી છે. અહીં 'કે'નો પ્રયોગ ખૂબ માર્મિક રીતે કવિ કરે છે. દૃશ્ય બદલનારી આ 'સ્વીચ' છે. શહેરનો 'હાઈવે' પસાર કર્યા પછીની શ્ર્વાસની લીલા છે.

જાતે ડ્રાઈવ કરતાં હો ત્યારે ગાળ પચાવવાની આદત શહેરવાસીઓએ કેળવવી પડે છે, પળે પળે એ પોતાના માણસ તરીકેના અસ્તિત્વને સાચવી નથી શકતો. આ 'પગથોભ' શબ્દ મૌલિક છે, સુંદર છે, શૈશવ ભાંખોડિયાભેર ચાલતાં ધીમે ધીમે પગભર થાય અને વૃદ્ધત્વ ખોડંગાતું, ખોડંગાતું પોતાના ઘૂંટણને સાચવે છે. જાણે કે બાળકની ક્રિયા વૃદ્ધત્વમાં પુનરાવર્તન પામે છે.

યૌવન એને નગરજીવન તરફ વાળતું જણાય છે, પણ અનેક માણસોની ભીડમાં શૈશવ ખોવાઈ જાય છે તો પછી શૈશવની બાળક્રીડાના સાક્ષી ઝાડ અને પહાડ ક્યાંથી રહેવાનાં? સામે તો જડત્વનો, દીવાલનો અવરોધ છે. આંખોનાં સપનાં એમાં 'ખોડી' દેવાનાં છે. કાવ્યમાં અકળાયેલા કવિ સપનાંને 'જડી' દેવાને બદલે 'ખોડી' દેવા શબ્દ પ્રયોજે છે. વાસ્તવમાં આ તો જાત સાથે કરેલી વાતો છે.

પોતાને હેતથી પસવારવાની મજા કંઈક જુદી જ હોય છે. પોતાના જ શબ્દો જાણે પ્રેમથી પડઘાઈને પોતાની પાસે આવતા હોય છે. આવું કવિતામાં જ સર્જાય છે. કોઈ વાર છાંયડે બેસવાની નિરાંત તો કોઈ વાર ભરતડકાનો રઝળપાટ. આ બંને પ્રકારના જિંદગીના જ અનુભવો છે. આ અનુભવોની ફલશ્રુતિ એક એવી પણ હોય છે કે માણસ વીતેલા કાળને જોઈ રહે છે. એ પણ કૅલેન્ડરનાં ફરતાં પાનાંમાં ઘૂમતા દિવસોની જેમ. ઊગવું અને આથમવું એ દિવસ સાથે જોડાયેલી એક પ્રાકૃતિક ક્રિયા છે. માણસોની વચ્ચે વીતતો કાળ છે. એ બધામાં કાવ્યનાયકની હાલત તારીખનાં ફાટેલાં પાનાં જેવી છે. કવિ પોતાની વાત કરે પણ એ સ્વમાંથી સર્વની બને છે. કવિ આ રચનામાં 'આપણે'નું સંબોધન સવિશેષ વાપરે છે, એ નગરવાસી માટેની

સહાનુભૂતિ છે.

આગળ વધતી રચના કવિ સાથે આપણને પણ જિંદગીના સહયાત્રી બનાવે છે. સગાંસંબંધીઓ અને મિત્રોને જન્મ આપનાર છે ઘર - ઑફિસ. શહેરના રસ્તાઓ અને શૉપિંગ-મોલ. જીવન સંબંધોની પરંપરામાં જાળની જેમ અટવાય છે. તેથી જ કવિ સગાં-સંબંધીઓથી માંડી મિત્રોનો સંદર્ભ આપે છે. કોઈ વાર સ્વજન અને પારકાં જીવનસરિતાના બે કિનારા બને છે. બંને વચ્ચે આવ-જા ચાલુ જ હોય છે અને ધર્મ-કર્મની પણ અદલાબદલી થતી હોય છે. મિત્રો જ્યારે સ્વજનોનું હેત આપે એવી જિંદગીને કવિ 'ખુશનુમા જિંદગી' શબ્દપ્રયોગથી નવાજે છે. આ કાવ્યમાં હૃદયનો એવો અંશ કે હિસ્સો આપણે જોઈ શકીએ છીએ કે જેના આનંદને કવિ શિલાલેખ કે જન્મકુંડળીના ડિપોઝિટ-વૉલ્ટમાં સાચવવા ઈચ્છે છે, પણ એ બધાં તો જીવનની આનંદની ક્ષણોનાં ડોકિયાં છે.

જીવનની સિત્તેર વર્ષની લીલીસૂકી એ તો જીવનની હરિયાળી કે વેરાનભૂમિની અનુભવગાથા બની શકે છે. આ પ્રકૃતિસર્જિત નથી; માનવસર્જિત છે. શિલાલેખમાં કોતરાયેલી તારીખને પણ પ્રકૃતિના ઝંઝાવાતનો સામનો કરવો પડે છે.

માણસનાં કર્મો જ જન્મ-પુનર્જન્મની આવ-જા સર્જતા હોય છે અને એનું નિરીક્ષણ કરતા કવિ છે. બીજી એક મજાની વાત છે કે આ સમગ્ર રચનામાં બિંબ-પ્રતિબિંબની આવનજાવન છે, એટલે શબ્દ વિરોધી કે શબ્દ-અનુકૂળ જોડકાં મળે છે.

'ઝાડ-પહાડ', કૅલેન્ડરના ઊગતા દિવસો અને 'ફાટતાં પાનાં', 'ઘર-ઑફિસ', 'સગાંસંબંધી-મિત્રો', 'અરધી કાચી - અરધી પાકી' લાગણીઓ, 'વિચારોના લાંબા - ટૂંકા હલનચલન', 'શિલાલેખ - ડિપોઝિટ વૉલ્ટ', 'જન્મ-પુનર્જન્મ' ઈત્યાદિ...

પોતાની જિંદગીનાં વીતેલાં વર્ષોને ઉકેલવા એ સ્મૃતિનો આધાર લે છે. આ કોઈ ઝંખના કે સંવેદનામાં રાચતી કવિતા નથી પણ સત્યના આધારે રચાયેલી અનુભવ કથા છે. કવિની મને ગમતી પંક્તિઓ;

"દરેક જિંદગીને, યાત્રાને, સંબંધને...

માત્ર અને માત્ર

શરૂઆત હોવી જોઈએ...

સમાપ્તિ નહીં.

-----------------------------

જીવતરનાં સપનાં

(શ્રીકાન્તને,

અમથી અમથી કોક સવારે

અમથો અમથો યાદ કરું છું.)



સિત્તેર વર્ષનો દાદર ચડી કે

હાઈવે પસાર કરી કે

છાનીમાની ઘટનાઓ તરી કે

સિત્તેર વર્ષના શ્ર્વાસની ચડ-ઊતર સંઘરી...



સહેજ પગથોભ કરી લેતી નજરને ટેકે

ઊભો રહેલો હું... અને



મારામાં દેખાતું એક શહેર

એક શૈશવ, એક ઝાડ... એક પહાડ...

અનેકાનેક માણસોની ભીડભાડ અને

આંખની દીવાલ ઉપર ખોડી દીધેલાં

થોડાંક સપનાંઓ...



ક્યારેક આપણે આપણને જ પસવારતા...

આપણા જ છાંયડે બેઠા હોઈએ છીએ...



તો ક્યારેક... આપણે પોતે જ બની જઈએ છીએ

ઢગલોએક રઝળપાટ...



ક્યારેક માણસો વીણતી આંખમાં

કૅલેન્ડરના એકસામટા દિવસો ઊગી નીકળે છે... તો

ગઈ કાલની તારીખનાં ફાટેલાં પાનાં જેવા

ક્યારેક આપણે...

* * *

તેમ છતાં... ઘર - ઓફિસ - સગાંસંબંધીઓ -

મિત્રો... અને શોપિંગ-મોલના રાબેતા

મુજબના રસ્તા ઉપર કે...



અરીસાના એકધારા પ્રતિબિંબ ઉપર કે



અરધી કાચી - અરધી પાકી લાગણીઓ કે

વિચારોના લાંબા - ટૂંકા હલનચલન ઉપર



ક્યારેક આપણે એક ખુશનુમા જિંદગીનો



શિલાલેખ કોતરી... કે

જન્મકુંડળીના ડિપોઝિટ - વૉલ્ટ જેવાં ખાનાંઓ

ખોલી...



જ્યારે આપણે આપણામાં જ ડોકિયું કરીએ

છીએ ત્યારે લાગે છે કે-



આપણામાં... વાવી દીધેલાં... આપણાં જ

સિત્તેર વર્ષોએ



કેટકેટલા જન્મ - પુનર્જન્મની

આપણામાં જ

આવ-જા કરી છે!!!

શ્રીકાન્ત શાહ


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oux6DSwSy0RsfjeHUZCD9dZZB43CFKyhm68yKJCVMdPAg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment