Thursday, 27 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મહાકુંભના અખાડાઓની અનંત દુનિયા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મહાકુંભના અખાડાઓની અનંત દુનિયા!
ફોકસ-શંભુ સુમન

amdavadis4ever@yahoogroups.com

અલાહાબાદ જે હવે પ્રયાગરાજ કહેવાય છે ત્યાં આગામી ૧૪થી ૧૫ જાન્યુઆરી ૨૦૧૮થી શરૂ થવા જઇ રહેલા કુંભમેળાનું જેટલું મહત્ત્વ ધાર્મિક, આધ્યાત્મિક અને ગંગા યમુના સરસ્વતીના સંગમમાં સ્નાનને કારણે છે અને સદીઓથી તેના માટે આસ્થા છે તેટલું જ આકર્ષણ ત્યાં સાધુ, સંતોના અખાડાને જાણવા, સંન્યાસીના શાહી સામ્રાજ્યને નિહાળવા અને તેના અનોખા અંદાજ રૂબરૂમાં જોવાનું આકર્ષણ પણ છે. દરેક વખતે જુદા જુદા સ્થાનોએ થનારા કુંભમાં દેશ-વિદેશથી જે તીર્થયાત્રીઓ ખેંચાઇને આવે છે તેની પાછળ આ મહત્ત્વપૂર્ણ કારણ હોય છે.

કુંભમાં માનવજીવનની ભવ્યતા અને સકારાત્મકતાનો સહજ અહેસાસ થાય છે, પણ તેના રહસ્યમય ઊંડાણમાં જતા પહેલા આપણે આગામી કુંભ મેળાની કેટલીક વિશેષ તારીખો પર નજર નાંખીએ. ૧૪-૧૫ જાન્યુઆરીથી શરૂ થનારો કુંભ ૪ માર્ચ ૨૦૧૯ સુધી ચાલશે. કુંભમાં બનતા અખાડાઓની શરૂઆત ગયા ૨૮ નવેમ્બરથી થઇ ચૂકી છે. આ દિવસે જૂના અખાડાના સંતોનો હાથી-ઘોડા, બૅંડવાજાં અને લાવ-લશ્કર સાથે નગરમાં પ્રવેશ થયો. ફૂલોની વર્ષાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. લહેરાતી ફરકાતી ધર્મ ધ્વજાઓ અને જૂના અખાડાના આરાધ્ય ભગવાન દત્તાત્રેયની સ્થાપિત મૂર્તિ સાથે શહેરમાં પ્રવેશ કરનારા લાંબા શાહી સરઘસમાં રથો અને ચાંદીની બેઠકો પર મહામંડલેશ્ર્વર સવાર હતા.

આ સરઘસમાં સુવર્ણ આભૂષણોથી લદાયેલા ગોલ્ડન બાબાને જોવા માટે લોકો ઊમટી પડ્યા હતા. હજારો સંતોએ ૨૫૦૦ વર્ષથી વધારે જૂની પરંપરા નિભાવી અને સંગમ ક્ષેત્રમાં અખાડા માટે મેળાની તમામ વ્યવસ્થા સંભાળવાની જવાબદારી ઉઠાવી લીધી. આ ક્રમમાં આ વખતે પ્રયાગ કુંભમાં અખાડાથી સંબંધિત જે બીજી મોટી વાત હશે તે એ છે કે આ વખતે તેમાં નાગા સાધુઓની સંખ્યા વધશે. જૂના અખાડાના કુંભમેળાના વ્યવસ્થાપક મહંત વિદ્યાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે આ વખતે નાગા સંન્યાસીઓ માટે જે વિશેષ છાવણી બનાવવામાં આવી છે તેમાં સંન્યાસીઓ માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ વાત નોંધનીય છે કે મહાકુંભ અને અર્ધકુંભ જેવા આયોજનોમાં વસ્ત્રહીન નાગા સંન્યાસી સામાન્ય લોકોની જિજ્ઞાસાનું સૌથી મોટું કેન્દ્ર હોય છે. આ વખતે કુંભ મેળામાં કમ્પ્યુટર બાબાનું પણ વિશેષ આકર્ષણ રહેશે, કેમ કે ચર્ચિત ધર્મગુરુ કમ્પ્યુટર બાબાએ નવા અખાડા બનાવવાની જાહેરાત કરી છે. તેમને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજનૈતિક મુદ્દા ઉઠાવવાના આરોપમાં દિગંબર અની અખાડા દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. તે આ અખાડાના મહામંડલેશ્ર્વર રહી ચૂક્યા છે અને મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ સરકારમાં તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો હતો. આગામી પ્રયાગના કુંભમાં એક બીજી અનોખી વાત એ જોવા મળશે કે ગંગાની સફાઇની વાત કરનારા અખાડાના સાધુ-સંત આ વખતે બોટલોમાં બંધ મિનરલ પાણી પીશે, કેમ કે આ લેખ લખાયો ત્યાં સુધીમાં આ વખતે કુંભ આયોજન સમિતિ દ્વારા ત્યાંના કુંભાર પરિવારોને ભંડારા સહિત મેળાના કોઇ પણ પ્રયોજન હેતુ માટીના વાસણો બનાવવાનો વિશેષ ઑર્ડર નથી આપવામાં આવ્યો, જ્યારે દરેક વખતે કેટલાયે મહિના પહેલા એ ઓર્ડર આપી દેવાય છે. ગયા કુંભમાં અલાહાબાદના ૧૦૦થી વધુ કુંભાર પરિવારોને દસ લાખથી વધારે કુલડીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. જોકે, પર્યાવરણ મંત્રાલયે કુંભ મેળાને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવાનો દાવો કર્યો છે. પણ કુદરતીવાસણો વગર પ્લાસ્ટિકથી કેવી રીતે મુક્તિ મળશે? હજુ સુધી તેનો કોઇ ચોક્કસ તર્ક નથી મળ્યો.

આ વખતે કુંભમાં કેટલાક વિવાદો પણ ઊભા થશે, કેમ કે બળાત્કારના આરોપમાં ફસાયેલા અને શ્રીપંચાયતી મહાનિર્વાણી અખાડા સાથે જોડાયેલા સંત દાતી મહારાજનેકુંભમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. અખાડાના મુખ્ય મહંત રામસેવક ગિરિના જણાવ્યા અનુસાર તેમનીશિષ્યાનું યૌન શોષણકરવાના આરોપોને કારણે અખાડાએ તેમની પાસેથી મહામંડલેશ્ર્વરની પદવી છીનવીને અખાડાનું સભ્યપદ પણ છીનવી લીધું હતું. જોકે, મુંબઈની વિવાદિત આધ્યાત્મિક ગુરુ રાધે મા ઉર્ફે સુખવિંદર કૌરને માફ કરી દેવામાં આવી છે. તેનું જૂના અખાડામાં પુનરાગમન થઇ ગયું છે. એ વાત જુદી છે કે પહેલા અખિલ ભારતીય અખાડા પરિષદે નકલી બાબાઓની યાદીમાં તેનું નામ શામેલ કરી નાંખ્યું હતું અને તેની મહામંડલેશ્ર્વરની પદવી છીનવી લીધી હતી. પણ કુંભમાં શામેલ થવા માટે તેની પાસેથી લેખિત માફીપત્ર લખાવ્યા બાદ ફરી તેનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

એક બીજા વિવાદિત સંત પાયલટ બાબાને પણ કેટલીક શરતો સાથે માફી મળી ગઇ છે. આ ઉપરાંત જમીન અને કાળાં નાણાંને લઇને કાનૂની વિવાદમાં ફસાયેલા યોગી અને ધર્મગુરુ મહામંડલેશ્ર્વર પાયલટ બાબાને પણ જૂના અખાડાએ કેટલીક શરતો સાથે માફ કરી દીધા છે. તેમના પર ૨૦૧૩માં પ્રયાગ કુંભથી પહેલા જૂના અખાડાની મંશાથી વિરુદ્ધ ૧૩ અખાડાના મહામંડલેશ્ર્વર પદથી વિમુક્ત કરી દેવા સાથે ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૩એ મૌની અમાવસના મુખ્ય શાહી સ્નાનથી પણવંચિત કરી નાંખવામાં આવ્યા હતા. તેમને સ્નાન માટે આવતા રોકવા માટે તેમના પર નજરબંદી રાખીને બહાર સુરક્ષા દળનો સખત પહેરો લગાવવામાં આવ્યો હતો.

આ અખાડાઓ અને તેના બાબાઓ બહુ પ્રખ્યાત હોય છે. કુંભ મેળો હોય ત્યારે તો તેમની ખાસ ચર્ચા થાય છે.

ભારતમાંપુરાતન કાળથી અખાડાઓની બોલબાલા છે. હિન્દુુઓમાં અખાડાઓનું અસ્તિત્વ હંમેશાંથી બીજા ધર્મના લોકો માટે કુતૂહલનો વિષય રહ્યો છે. કેટલાયે લોકો વિચારતા હોય છે કે ધર્મ જેવી દયા, ક્ષમા અને સંવેદનાના સંગમમાં ભાઇ અખાડાનું શું કામ? કેમ કે અખાડાથી જે અર્થ ધ્વનિત થાય છે તેનો અર્થ એક એ દુનિયા સાથે થાય છે જ્યાં મલ્લયુદ્ધ કે કુસ્તીના દાવ-પેચ શીખવાય છે. પણ હિન્દુ ધર્મના અખાડાની ભૂગોળ અને વ્યાકરણ તેનાથી ક્યાંય આગળ છે. આમ તો આ અખાડાનું હંમેશાં અસ્તિત્વ રહે છે, પણ મહાકુંભ દરમિયાન તેને એકસાથે, એક જગ્યાએ જોઇ, સાંભળી કે સમજી શકાય છે.

હિંદુ ધર્મમાં અખાડાઓની હાજરી બીજા ધર્મોના લોકો માટે હંમેશાં કુતૂહલનો વિષય રહ્યો છે. ઘણા લોકો તો એમ વિચારે છે ધર્મ સાથે અખાડાને શું સંબધ? અહીં તો મલ્ લયુદ્ધ કે કુસ્તીના દાવપેચ પણ શીખવાડાય છે તેને દયા,ક્ષમા જેવી ધાર્મિક ક્રિયા સાથે શું લાગે વળગે?

જોકે, આ અખાડાઓના સાધુ-સંતોના પોતાના નીતિ-નિયમો અને માન્યતાઓ હોય છે, જે સમય સમય પર હિંદુ સમાજ માટે ઉપકારક અને નિર્ણાયક સાબિત થયાં છે. સંતોની સર્વસંમતિથી મંડલેશ્ર્વર તરીકે ચૂંટાયેલા સંતો અનૈતિકતા અને અરાજકતા વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં પાછી પાની નથી કરતાં. આ સંતો યુદ્ધ વિદ્યા શીખે છે, અસ્ત્ર શસ્ત્ર ચલાવે છે એ વિશેનો તેમનો તર્ક એવો છે કે જે લોકો શાસ્ત્રથી વાતને સમજી શકતા નથી એ લોકો માટે શસ્ત્રો અનિવાર્ય છે.

આ વર્ષે તો કુંભમાં કિન્નર અખાડાઓ પણ પ્રથમ વાર હાજર રહેશે, જેમાં દેશભરના કિન્નરો આવશે. કિન્નર આર્ટ વિલેજ પણ બનાવવામાં આવશે જેમાં અનેક કળાકારીગીરીના નમૂનાઓ પણ જોઇ શકાશે.

માન્યતા એવી છે કે શંકરાચાર્યે આઠમી સદીમાં પ્રથમ વાર અખાડાઓનું નિર્માણ કર્યું હતું. સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે ભારતની ચાર દિશાઓમાં તેમણે જે ચાર મઠ સ્થાપ્યાં હતાં તેમના રક્ષણ માટે આ ચાર અખાડાઓ સ્થાપવામાં આવ્યા હતા. શરૂઆતમાં ફક્ત ચાર અખાડા હતા,પણ પછી વૈચારિક મતભેદોને કારણે વધુને વધુ સંખ્યામાં વહેંચાતા રહ્યા. અત્યારે શૈવ, વૈષ્ણવ અને ઉદાસની પંથ પરંપરાઓના સંન્યાસીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત કુલ ૧૩ અખાડાઓ છે જે કુંભમેળા સમયે શાહી સ્નાન કરવા પધારે છે.

આ અખાડાઓના પાયામાં ભારતીય સંસ્કૃતિ, સનાતની મૂલ્યોનું અધ્યયન,સંયમયુક્ત જીવન અને શિસ્ત સામેલ છે. પ્રત્યેક અખાડાઓના એક મુખ્ય મહંત હોય થે અને બાકીના સંતો તેમના કાર્યને અનુરૂપ જવાબદારીઓ નિભાવતા હોય છે. કુસ્તી દાવપેચ અને તલવારબાજી તેમ જ યોગના આસનોના પ્રદર્શનની જગ્યા એટલે અખાડા એવા અર્થમાં ન સમજતા અખાડાને વિસ્તૃત અર્થમાં સમજવાની જરૂર છે. આશ્રમનું જ વિસ્તૃત સ્વરૂપ એટલે અખાડા. આ અખાડાના ઘણા અર્થ નીકળે છે. કોઇ એને સાધુ સંતોના અક્કડ વલણને સાંકળીને અખાડા નામ પડ્યું હશે તેવું માને છે, તો કોઇ અખાડા એટલે જ્યાં સાધુસંતો અલખ (અહાલેક) જમાવીને બેસે છે તે સ્થળ એવું પણ સમજે છે. કોઇ વળી એવું પણ માને છે કે આ અખાડો શબ્દ મોગલોની દેણ છે.

અખાડા વર્ષોથી ધર્મ સંસદ અને જ્ઞાનવિજ્ઞાનથી ભરેલ વિદ્વાન સાધુપુરુષોનો સમૂહ રહ્યા છે, જ્યાં તેમના પોતાના નિયમ અને કાયદા છે. જોકે, તેઓ ભારતીય સંવિધાનનું સહર્ષ પાલન કરે છે. અહીં નાની નાની ભૂલો કરનારા સાધુ-બાવાઓને ગંગામાં પાંચથી એકસો આઠ વાર ડૂબકી લગાવવાની કે ભીના કપડામાં દેવસ્થાન પર આવીને માફી માગવી જેવી સજા કરવામાં આવે છે, પણ વિવાહ, હત્યા કે અન્ય મોટા દુષ્કર્મ કરવા બદલ અખાડામાંથી નિષ્કાસિત કરવામાં આવે છે. તેમને કોઇ પદવી આપી હોય તો એ પાછી લઇ લેવાય છે. ત્યાર બાદ તેમના પર ભારતીય કાનૂન પ્રમાણે કાર્યવાહી થાય છે.

કુંભમેળા દરમ્યાન મહામંડલેશ્ર્વર રથ પર સવાર થઇને શાહી સ્નાન કરવા આવે છે અને તેમની આસપાસ અખાડાના બીજા સાધુ-સંતો ચાલતા હોય છે. આ મહામંડલેશ્ર્વર બનવું સહેલું નથી હોતું. કડક બ્રહ્મચર્ય, સંન્યાસ અને ઘર સાથે કોઇ સંબંધ નથી રાખ્યો તેના પુરાવા આપવા પડે છે. વેદ-પુરાણના નિપુણ તેમ જ કથા પ્રવચનમાં પારંગત થવું પડે છે. અખાડાઓ દ્વારા લેવામાં આવતી કઠોરમાં કઠોર પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovnpid1%3DZvXmGUMaHpXMRPmiLa15d-woH8-i2LWtJSWOA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment