મોડી રાત્રે તમારું માથું બહુ દુખવા લાગ્યુ. તમે તમારા દવાના ડબ્બામાંથી કે કબાટમાંથી માથાના દુખાવાની ગોળી (દા.ત.એસ્પિરીન )વાળી સ્ટ્રીપ બહાર કાઢો છો. અચાનક તમારી નજર સ્ટ્રીપ પર લખેલી એક્સપાયરી ડેટ પર જાય છે. આ તારીખ પ્રમાણે તો આ દવાની એક્સપાયરી ડેટ છ મહિના પહેલા જ વીતી ચૂકી હોય છે. તો શું દવાની અસરકારકતા ખરેખર ખતમ થઇ જાય છે? તમે આ દવા લેશો કે નહીં? તમે આ દવા લેશો તો એ તમારી ભૂલ હશે? શું દવા ન લઇને તમે માથાનો દુખાવો સહન કરી લેવાનો નિર્ણય કરશો?
આવા અનેક પ્રશ્ર્નો એક યા બીજી રીતે આપણને દરેક જણને સતાવતા હોય છે. ચાલો આપણે તેનો ઉત્તર શોધવાનો પ્રયત્ન કરીએ.
'એક્સપાયર' શબ્દ મૂળે જ અંત આવવો કે ખતમ થવું કે મોત થવું જેવા અર્થમાં વપરાતો હોવાથી આ શબ્દ સાંભળીને જ આપણા મનોવિશ્ર્વમાં એક જાતની નકારાત્મકતા આવી જાય છે. મારા કે તમારા ૮૦ વર્ષના દાદા-દાદી પણ કોઇના મોતનાં સમાચાર આવે ત્યારે આટલું ઇંગ્લિશ તો બોલી જ લેતા હોય છે કે ફલાણા ભાઇ કે ઢીંકણા બેન એક્સપાયર થઇ ગયા. દવાઓ પર લખેલી એક્સપાયરી ડેટ ખતમ થઇ જાય એ બાદ તેના ઉપયોગ અંગે આપણનેય અમંગળ વિચાર પહેલાં આવે છે. આવી દવાઓનો નાશ કરવાનું જ આપણે યોગ્ય સમજીએ છીએ. માત્ર સામાન્ય જનતા જ નહીં, દવાની દુકાનવાળાઓ, હોસ્પિટલો બધા મળીને વાર્ષિક અબજો રૂપિયાની દવાઓનો નાશ કરે છે. જોકે, એક સારા સમાચાર એ છે કે મોટા ભાગની દવાઓ પર જે એક્સપાયરી ડેટ લખેલી હોય છે એના પછી એ દવાઓની અસર સંપૂર્ણ ખતમ થઇ જતી નથી, એમ અમેરિકામાં થયેલું હાલનું સંશોધન કહે છે.
સંશોધન શું કહે છે?
આ સંશોધનની પ્રેરણા કઇ રીતે મળી એ પણ રસપ્રદ છે. અમેરિકન લશ્કરને તેમના લાખો સૈનિકોને તંદુરસ્ત રાખવા માટે ખરીદેલી દવાઓનો અમુક જથ્થો એક્સપાયરી ડેટ વીતી ગયા પછી કાઢી નાખવો પડતો હતો. આ પ્રક્રિયાને કારણે સરકારને ઘણું જ આર્થિક નુકસાન થતું હતું. અંતે સરકારની વિનંતીને લઇ અમેરિકન મેડીકલ એસોસિએશને ૨૦૦૧માં દવાઓની એક્ચ્યુઅલ સેલ્ફ લાઇફ (આયુષ્ય) કેટલું હોય છે તે શોધી કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા. સંશોધનના અંતે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે એવી ઘણી બધી દવાઓ છે જે લેબલ પર લખેલી એક્સપાયરી ડેટ કરતાં ઘણું લાંબુ આયુષ્ય ધરાવતી હોય છે. આ સંશોધનના બે હેતું હતાં એક તો લશ્કરી કેમ્પોમાં તારીખ વીતી ચૂકેલી હોય તેવી દવાઓની વાસ્તવિક અસરકારકતા વિશે સંશોધન કરવું અને તેમ કરીને સરકારી ખર્ચમાં બચત કરી શકાય કે કેમ એ શોધી કાઢવું. આ સંશોધનમાં ૧૨૨ જેટલી જુદી જુદી જાતની દવાઓના લગભગ ૩૦૦૦ જેટલા નમૂનાઓ તપાસવામાં આવ્યા હતાં. આમાંથી ૮૨ ટકા દવાઓ એવી હતી જે તેની એક્સપાયરી ડેટ કરતાં પણ ઘણા લાંબા સમય સુધી વાપરી શકાય એમ હતી. જેમ કે એમોક્સિસિલિન, સિપ્રોફ્લોક્સેસિન, ડાયફેનહાઇડ્રામાઇન,મોર્ફાઇન વિગેરે દવાઓ એવી હતી કે એક્સપાયરી ડેટ વીતી ગયા પછી પણ આ દવાને વપરાશ માટે એક વર્ષથી લઇને ૧૫ વર્ષ સુધી ઉપયોગ માટે લંબાવી શકાય. જોકે ૧૮ ટકા દવાઓ એવી પણ હતી જે એક્સપાયરી ડેટ વીત્યા પછી કામ ન આપે. જેનો નિકાલ કરવો જરૂરી બની જાય. એનો ઉલ્લેખ આપણે પછીથી કરશું.
શું તમે એક્સપાયર થયેલી દવાઓ લઇ શકો?
એક વાત ધ્યાનમાં રાખવી કે એક્સપાયરી ડેટ ન વીતી હોય એવી દવાઓ સો ટકા ક્ષમતા સાથે કામ કરે છે. એટલે લાંબા વખતથી ચાલતી હોય તેવી ચીકણી કે ગંભીર બીમારીઓ જેવી કે હૃદય સંબંધી બીમારી કે કેન્સર જેવા રોગ માટે ધ્યાન દઇને એક્સપાયરી ડેટ ખતમ થાય તે પહેલા તેનો નવો સ્ટોક લાવીને રાખી દેવો જોઇએ. છતાંય સાધારણ બીમારીઓ જેવી કે લેખની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો એવો માથાનો દુખાવો, સામાન્ય તાવ-શરદી કે શરીરમાં અન્યત્ર થતાં દુખાવા માટે દવાની જરૂરત હોય, નવી દવા એ જ સમયે ખરીદીને લાવી શકાય એવી સ્થિતિ ન હોય, ઇમર્જન્સી હોય, તો મોટા ભાગના કેસમાં આ દવાનો ઉપયોગ અસલામત તો સાબિત નથી જ થયો. પણ હા તેની પોટેન્સી ( ક્ષમતા) સંપૂર્ણ ૧૦૦ ટકા ન હોઇ ૮૦થી ૯૫ ટકા હોઇ શકે. બહુ બહુ તો શરીરને ફાયદો થતા થોડી વધારે વાર લાગે,પણ નુકસાન તો ન જ થાય. આ દવાની ક્ષમતાનો આધાર એક્સપાયરી ડેટ વીતી ગયાને કેટલો સમય વીતી ગયો છે. દવા કેવા ઉષ્ણતામાનમાં,કેવા વાતાવરણમાં, કેવા પેકિંગમાં રાખવામાં આવી છે એની પર રહે છે. કઇ દવાઓ એક્સપાયરી ડેટ વીતી ગયા પછી અસલામત ગણાય છે?
- ઇન્સ્યુલીન, જે ડાયાબિટીસના દર્દીઓ માટે, લોહીમાં સાકરના પ્રમાણને નિયંત્રિત રાખવા માટે ઉપયોગમાં લેવાય છે તે એક્સપાાયરી ડેટ ખતમ થયા પછી પોતાની અસરકારકતા ગુમાવતી જાય છે. -મોઢેથી લેવાતી નાઇટ્રોગ્લિસરીન જે એન્જાયના (છાતીના દુખાવા) માટે વપરાય છે એ એક વાર બોટલનું ઢાંકણુ ખોલ્યા પછી ઝડપથી તેની અસર ગુમાવવા લાગે છે. - ટેટ્રાસાઇક્લિન તો એક્સપાયરી ડેટ ખતમ થયા પછી વિષદ્રવ્યો પણ ઉત્પન્ન કરે છે તેવું એક સંશોધન કહે છે. જોકે, આમાં નવા સંશોધનો અને વાદવિવાદ હજુ ચાલ્યા કરે છે. -દવાઓ જે ક્ષીણ થઇ ગઇ હોય, જેનો પાઉડર બની રહ્યો હોય કે બની ગયો હોય, તીવ્ર ગંધ આવતી હોય કે સૂકાઇ ગઇ હોય (ખાસ કરીને શરીર પર લગાડવાના મલમ કે ક્રીમની ટયૂબ્સ), આવી દવાઓનો સત્વરે નાશ કરી દેવો જોઇએ. આપણું આયુષ્ય વધારવામાં મદદરૂપ એવી દવાઓનું આયુષ્ય વધારવા શું કરશો?
દવાઓના વ્યવસ્થિત સંગ્રહથી તેનું આયુષ્ય વધારી શકાય છે. ભેજ અને ગરમીની ખરાબ અસર દવા પર થતી હોય છે માટે બાથરૂમ કે કબાટ એ દવાઓ રાખવા માટે યોગ્ય સ્થળ નથી. આ જ રીતે દવાઓને કારની અંદર કોઇ પણ ઠેકાણે મૂકી રાખવી ઉચિત નથી. એકદમ સૂકા, ઠંડા અને પ્રકાશ ન આવતો હોય એવી જગ્યાએ દવાઓ રાખવી સહી સલામત છે. શક્ય હોય તો ફ્રિજમાં રાખવી જોઇએ. દવાઓનો વપરાશ થયા પછી પેકેટની અંદર કોઇ ગોળી ખૂલ્ લી તો નથી રહી ગઇને કે પછી પ્રવાહી દવા કે મલમની ટ્યૂબનું ઢાંકણ અધખુલ્લુ રહી નથી ગયુંને તેનું ધ્યાન રાખો. આ બધી ચીજો નાના બાળકોની પહોંચથી દૂર રાખો. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os0L6qj540yRLZEP7sc7jGC8rMQ695s%2BLhm-9GVwNrdDA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment