સવાલ: હું ૩૪ વર્ષની છું. લગ્નને ચાર વર્ષ થયાં છે. બંને નોકરી કરીએ છીએ, સુખી છીએ. હમણાં પરિસ્થિતિ એવી સર્જાઈ કે મારા પતિની ટ્રાન્સફર દૂર શહેરમાં થઈ છે. તેઓ ત્યાંની ઓફિસિયલ જવાબદારી મૂકી ચાર-છ મહિના બાદ જ ઘેર આવી શકશે. અમે દૂર કેમ રહીશું? તે મને મૂંઝવે છે. એક વર્ષની બેબી સાથે હું પણ તેમની સાથે જાઉં તો મારે નોકરી છોડવી પડશે. અહીં રહું તો બેબીની બધી જવાબદારી મારા પર આવશે, તેઓ તો તેને નહીં લઈ જાય. સમજાતું નથી શું કરવું?
--------------------------- બહેન, સૌપ્રથમ તો આપ બંને સાથે બેસી આ મુદ્દા પર ચર્ચા કરો, ભવિષ્યમાં તમારાં બંનેના જે સપના છે તે પૂરાં કરવાં, તમારી ઘરબાહ્ય કારકિર્દી, તમારા બંનેના દૂર રહેવાથી તમારા બંનેના જીવનમાં આવનાર ખાલીપો - પડકાર, નાની બાળકીના વર્તમાન- ભવિષ્ય જેવા મુદ્દાઓ માટે એકમેક સાથે વિચારોનું આદાનપ્રદાન કરો. હાલ બાળકી નાની છે, તેને તમારી વધુ જરૂરત છે જ. આપણા સમજમાં બધું સમુસૂતરું ચાલતું હોય ત્યારે પણ નોકરી માટે અલગ રહેતાં દંપતીમાં બાળકો હંમેશાં માતાની જવાબદારી જ ગણાય છે. ઉપરાંત તમારી બાળકી તો ખૂબ નાની છે તેને તમારી પાસે જ રાખવાનું વિચારજો. તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો તમે નોકરી છોડવાનું વિચારી શકો. તમે ત્યાં જઈ બાળકી થોડી મોટી થાય ત્યારે નોકરી લઈ શકો. તમે નોકરી ના જ છોડવા માગતાં હોય તો બાળકીની જવાબદારી સાથે એકલા રહેવા માનસિક રીતે સજ્જ થઈ જાવ અબઘડીથી. દુનિયામાં ઘણી સ્ત્રીઓ આ રીતે રહે જ છે. તમે પણ રહી શકશો. પતિ દૂર જાય પછી તમે માતા-પિતા, સાસુ-સસરા કે અન્ય કોઈ નજીકના સંબંધીને તમારી પાસે રહેવા નિમંત્રી બાળકીનો ઉછેર કરવા વિચારી શકો. તેવું શક્ય ન હોય તો બાળકીને દિવસ દરમિયાન સારા બાળઉછેર કેન્દ્રમાં રાખી શકો અથવા ઘરમાં કોઈ સારાં બહેનને આયા તરીકે રાખી શકો. આ થઈ બાળકીની વાત. હવે કરીએ તમારા બંનેની વાત. તમારા જીવનમાં લોંગ ડિસ્ટન્સ રિલેશનનો નવો જ તબક્કો શરૂ થઈ રહ્યો છે. તમારે તે માટે પણ મનને તૈયાર કરવું પડશે ને? રોજ સાંજે-રાતે આખા દિવસની દોડધામ બાદ જે વિસામો તમે એકમેકમાં પામતાં હતાં તે હવે દૂર રહીને એકબીજાને માત્ર જણાવવો પડશે. શરૂમાં ખૂબ આકરું લાગશે પણ થોડા સમય બાદ આદત પડશે, હકીકત સ્વીકારવાની. આજકાલ ટૅક્નોલૉજી દૂર રહેતા સાથીઓ માટે વરદાનરૂપ છે. મોબાઈલ, ઈમેલ, વૉટસઅપ જેવા વિવિધ માધ્યમોથી તમે સતત એકબીજા સાથે જોડાયેલાં રહી જ શકો છો. બંને મળીને કોઈ એક સમય નક્કી કરો કે આ સમયે એકમેકને કોલ-વીડિયોકોલ કરવાનો. રોજ તમારી બાળકી પણ આ સમયે તેના પપ્પાને જોશે - સાંભળશે તો તેનો પણ પિતા સાથે મજબૂત સ્નેહસંબંધ બંધાશે. બંનેમાં અલગ થતાં પહેલા એ સમજણ કેળવજો કે નજરથી દૂર થઈ રહ્યા છીએ. દિલ-દિમાગ - જીવનથી નહીં. રોજ સંપર્ક સૂત્ર જાળવી રાખવા બંનેએ પ્રયત્નશીલ રહેવું. તમારે બંનેએ રોજેરોજની મહત્ત્વની વાતોથી એકબીજાને વાકેફ રાખવા. તમારે બાળકી સંબંધી લગભગ બધી જ વાત તેમને કહેવી, જેથી તેના વિકાસના વિવિધ તબક્કા તે ભલે જોઈ ના શકે પણ અનુભવી શકે. દૂર થયા બાદ મનોકલ્પિત વિચારોથી એકમેક માટે અનુમાન લગાવી તમારા સંબંધમાં તિરાડ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું. વિશ્ર્વાસ લોંગ ડિસ્ટન્સ રિલેશનમાં અત્યંત મહત્ત્વનું તત્ત્વ છે, તે હંમેશાં રાખજો એકબીજા માટે. માનસિક રીતે સજ્જ હશો તો તમે એકબીજાંથી ગમે તેટલાં દૂર હશો, સારા-નરસા પ્રસંગે એકબીજાનો અહેસાસ જરૂર કરશો, તમારું દૈહિક દૂર થવું તમારા અસ્તિત્વને અકળાવશે નહીં. વીશ યુ બેસ્ટ લક. --------------------------- ભાવિ પતિને એકલી મળવા જાઉં તો તેને કેવી રીતે ઈમ્પ્રેસ કરું? સવાલ: હું છવ્વીસ વર્ષની યુવતી છું. ચાર મહિના પહેલા મારી સગાઈ નક્કી થઈ છે. અમે બંને એક સંબંધીના ઘેર અડધો કલાક એકબીજાં સાથે વાતચીત કરી એકમેકને પસંદ કર્યાં હતાં. તે પછી ફોન/ચેટથી વાત કરીએ છીએ. આ ચાર મહિનામાં ચારેક વખત મારા અને તેમના ઘરે મળ્યા છીએ. હવે દસ દિવસ બાદ અમે એકલાં બહાર જવાબ પ્રોગ્રામ બનાવ્યો છે. પહેલીવાર અમે એકલાં હોઈશું. મારે ધ્યાન રાખવા જેવી કઈ વાતો હોય તો જણાવો. આ મુલાકાતમાં તેમને ઈમ્પ્રેસ કરવા માટે હું શું કરું? ભાવિ ભરથાર સાથે પહેલીવાર ફરવા જવાનું છે. તમારી વ્યાકુળતા સમજી શકાય છે. તમારા જીવનના અત્યંત મહત્ત્વના સંબંધની શુભ શરૂઆત કરવાનાં છો. મારો મત એવો છે કે સૌથી પહેલાં તમારા સાથીને ઈમ્પ્રેસ કરવા માટે આ આઉટિંગને હથિયાર ના બનાવો. તમે જેવા છો તેવા જ સહજ રહેવાનો પ્રયત્ન કરશો તો તે લાંબે ગાળે ફાયદાકારક રહેશે. તમે છો તેવા જ તે તમને ગમાડશે તો જ આજીવન તેની સાથે ખુશ રહી શકશો. તમે ક્યાં સુધી જે નથી તે બની રહી શકો તેની સામે જે હરપળ સાથે રહેવાના છે. માટે તેને અભિભૂત કરવાનો ઈરાદો રાખવાનો બદલે આ આઉટિંગને તમારા સંબંધની પ્રથમ ઈંટ સમજી મજબૂત બનાવવા વિચારો. સૌથી પહેલાં તો નક્કી કરેલા સમય મુજબ, રાઈટ સમયે જ જે-તે સ્થળે પહોંચી જાવ. મુલાકાત સમયે તમને અનુકૂળ હોય, તમને આકર્ષક બનાવી અને અંગપ્રદર્શન ના કરે તેવા કપડાં પસંદ કરજો. એકદમ ટાઈટ કે લૂઝ વસ્ત્રો તમને ઊઠબેસમાં અસહજ કરી શકે. લગ્ન પહેલાંના આઉટિંગમાં આપણને તક મળે છે. જીવનસાથીને જાણવાની તેના ગમા-અણગમા. સ્વભાવની વિશિષ્ટતા વગેરે જાણવા-સમજવા પ્રયત્ન કરજો અને તમારા વિશે તેને જણાવશો. પણ મળો કે છૂટાં પડો ત્યાં સુધી તમે જ બોલબોલ ના કરતાં. તેને પણ બોલવાનો ચાન્સ આપજો. ધ્યાનથી સાંભળજો તે જે કંઈ બોલે તે. તમારા સાથીને માનથી બોલાવજો તેનું અપમાન થાય તેવા કોઈ શબ્દો કે સંબોધન આ મુલાકાતમાં વાપરતા નહીં. અત્યંત મહત્ત્વના ફોન આવે તો જ તમારી વાતચીત દરમિયાન રિસીવ કરવાના. શક્ય હોય તો મોબાઈલ ફોન સાયલન્ટ મોડ પર રાખજો. તમારા વિશે તે જે કાંઈ પૂછે તે માત્ર સત્ય જ બોલવાનું. તમે આ વખતે કંઈક ખોટું બોલશો. તમારા જ વિશે તો તમારે જિંદગીભર જે-તે બાબતે ખોટું બોલતા રહેવું પડશે. મોટી - મોટી ડંફાશ મારવાથી પણ દૂર રહેવું. તમે જૂઠું બોલીને લાંબો સમય તેને વળગી રહી નહીં શકો માટે પૂર્ણ સત્ય બોલજો અને ભૂલી જજો કે તેને કેવું લાગશે? મહત્ત્વની વાત એ પણ ધ્યાન રાખજો કે તેના કોઈપણ કુટુંબીજન વિશે ખરાબ અભિપ્રાય ના આપતાં. જે-તે તમારી સંબંધી કે ઘરની વ્યક્તિએ મને આમ કે તેમ કહ્યું જેવી નેગેટિવ વાતોથી દૂર રહેજો. તમારા બંનેનો મનમેળ હશે તો તમે ઘર-બહાર બધા જ લોકો વચ્ચે રહી સામંજસ્ય સાધી શકશો. પહેલી જ મુલાકાતમાં તમારે તેના વિશે અથથી ઈતિ જાણી લેવું છે કે તમારા વિશે જાણી દેવું છે તેવો પ્રભાવ તેના ઉપર ના પડે તે પણ જરૂરી છે. આરામથી વાતમાંથી સહજ વાત નીકળે અને જે-તે મુદ્દો વિસ્તરે તેમ વાતચીતનો દોર જાળવવો. મનમાં લેશમાત્ર ગભરાટ રાખ્યા વિના સહજતા જાળવજો. બધું ઠીક જ થશે. આ મુલાકાત માટે બપોર-સાંજનો સમય ગોઠવાય તેવો આગ્રહ રાખવો. જેથી તમારે રાત્રે ઘેર જતાં મોડું ના થાય. વાતચીત દરમિયાન એકમેકના હાથનો આછો અછડતો સ્પર્શ થઈ જાય તો ઈટસ ઓકે. પણ તેની વધુ પડતી નજીક જવા માટે આખી જિંદગી છે. તેના તરફથી એવો કોઈ પ્રયાસ થાય તો તેને ખરાબ ના લાગે તેમ રોકીને કહેવું કે નેક્સ્ટ ટાઈમ. તમે જ્યાં હરો-ફરો, જમો તે દરમિયાન તેનું નિરીક્ષણ મનમાં કરતાં રહો. તેની વાતચીત, વર્તણૂંક વગેરે નોંધતા રહો. આટલી વાતો ધ્યાનમાં રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીંં આવી બહેન, વીશ યુ બેસ્ટ લક. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou39eW5vh9ejJ4w3CYeSZMUWE1FZ%3DtA76EgE1Zj76n9bw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment