Sunday, 2 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કાશ્મીરી યુવતીના હાથમાં રગ્બીનો બૉલ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાશ્મીરી યુવતીના હાથમાં રગ્બીનો બૉલ!

 

 

વાત કાશ્મીરી યુવાનોની આવે એટલે આપણી કલ્પનામાં તો ભારતીય લશ્કર સામે પથ્થરમારો કરતાં યુવકોનું જ ચિત્ર ઊપસી આવે. જોકે, હિંસાના ખપ્પરમાં હોમાઇ ગયેલા કાશ્મીરનું એક અલગ ચિત્ર પણ જોવા મળે છે. કાશ્મીરમાં કેટલાય એવા યુવાનો છે જેમનો હાથ તો ઊઠે છે, પણ એ હાથમાં પથ્થર નહીં, ક્રિકેટનો કે રગ્બીનો બોલ હોય છે. શ્રીનગરની સૌથી યુવાન રગ્બી કોચ ઇર્તિકા અયુબ પણ એમાંની એક છે. રગ્બી એ એવી રમત છે જે ભારતમાં એટલી બધી પ્રખ્યાત નથી. આપણા દેશમાં ક્રિકેટ પાછળ યુવાનોને જેટલી ઘેલછા હોય છે એટલી અન્ય રમતો પાછળ હોતી નથી. પણ આ કાશ્મીરી યુવતી ઇર્તિકાએ રગ્બી રમવામાં રસ લીધો અને કાશ્મીરનું નામ પણ રોશન કર્યું. જોકે, થોડાં વર્ષો પહેલા તો ઇર્તિકાને આ રમત માટે કોઇ રસ ન હતો કે ન તો આ રમતનું કોઇ જ્ઞાન હતું. રગ્બીનો બોલ કેવો હોય છે એની પણ તેને ખબર ન હતી. હા, તેને રમતગમતમાં રસ જરૂર હતો અને શ્રીનગરની સાંકડી શેરીઓમાં તે ફૂટબોલ જરૂર રમતી, પણ તેની શાળાના કોચે તેને રગ્બી રમવા પ્રેરિત કરી. એક વાર તેણે આ રમત રમવાનું શરૂ કર્યું પછી તો તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.


૧૬ વર્ષની ઉંમરે તેણે રગ્બી રમવાનું શરૂ કર્યું અને આજે ૨૩ વર્ષની આ અયુબની ગણના દેશની સૌથી યુવા રગ્બી કોચ તરીકે થાય છે. અલબત્ત આ મંઝિલ સુધી પહોંચતા એને ખૂબ સંઘર્ષ તો કરવો જ પડ્યો હતો. તેના પિતાને તે રગ્બી રમે એ પસંદ ન હતું એટલે તેમના તરફથી જોઇએ એવો સહકાર મળતો ન હતો. આટલું ઓછુ હોય એમ આસપાસના લોકો પણ મશ્કરી કરીને કે મહેણા-ટોણાં મારીને બળતામાં ઘી હોમતા હતાં. જોકે, અયુબ જેનું નામ લોકોની ટીકાઓ સાંભળીને પણ આ રમત રમવાનું ચાલુ રાખ્યું અને એક દિવસ એવો આવ્યો કે લોકોના મોં સિવાઇ ગયા જ્યારે એણે કેટલીયે જિલ્લા સ્તરની અને રાજ્ય સ્તરની મેચોમાં મેડલ જીતી બતાવ્યાં. મનની મક્કમતા હોય તો પછી કોઇ પણ કામમાં સફળતા મેળવવા આડે કોઇ વિધ્નો ન આવે એ વાત તેણે પુરવાર કરી. એક વાર તો એક મેચ દરમ્યાન તેના નાકનું હાડકું પણ ભાંગી ગયું હતું. આ ઘટના પછી તેણે જોયું કે આસપાસના લોકો તો હજી પણ તેના વિશે નકારાત્મક વાતો જ કરતા હતાં. ઘણા લોકો તો એમ કહેતા કે એ તો અખબાર કે ટી.વી જેવા મીડિયા જગતનું ધ્યાન આકર્ષિત કરવા જ એ આ રમત રમે છે. હા એક સકારાત્મક પરિવર્તન જરૂર આવ્યું હતું. તેના પિતા હવે તેનો રગ્બી પ્રત્યેનો અથાગ પ્રેમ સમજવા લાગ્યા હતા અને તેને જરૂરી તમામ સહકાર આપ્યો. બસ, એક દીકરીને આથી વિશેષ જોઇએ પણ શું?


જોકે, જ્યારે તેને કુટુંબ તરફથી સહકાર નહોતો મળતો ત્યારે તેને દેશ વતી રમવાની તક મળી હતી એ વેડફાઇ ગઇ હતી, પણ આજે અન્ય કાશ્મીરી યુવતીઓને આ રમત અંગે પ્રશિક્ષિત કરવાની જે તક મળી છે એનાથી પણ એ ખુશ છે. એ કહે છે કે ઘણી કાશ્મીરી છોકરીઓમાં આ રમતમાં પ્રવીણતા મેળવી શકે એવી ઘણી બધી પ્રતિભા છુપાયેલી છે, પણ જરૂર છે એમના ઘરવાળાઓનો અને સરકારનો પૂરતો સાથ-સહકાર તેમને મળી રહે. દરેક માબાપ માટે એ મહત્ત્વનું છે કે તેઓએ પોતાનાં સંતાનો ખાસ કરીને દીકરીઓને રમતગમતના જે પણ ક્ષેત્રમાં એ જવા માગતી હોય તે ક્ષેત્રમાં જવા માટે એમને પૂરતું પ્રોત્સાહન આપવું જોઇએ.


જ્યાં સુધી સરકારને લાગેવળગે છે ત્યાં સુધી તો ઇર્તિકા કહે છે કે સરકાર તરફથી તો સંપૂર્ણ સહકાર મળી રહે છે. આ માટેનોે યશ તે જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલના સેક્રેટરી વહીદ પારાને આપે છે જેમણે તેને અને અન્ય છોકરીઓને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા પૂરતુંં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અયુબ હવે પોતાની ક્લબ ચલાવે છે જેમાં તે છોકરીઓને આ રમત અંગે પ્રશિક્ષણ આપે છે. ભવિષ્યમાં તે આમાંની ઘણી છોકરીઓને દેશની ટીમમાં જોવા માગે છે. અલબત્ત એ વાતનો ખ્યાલ પણ તેને છે કે આજે કાશ્મીરમાં જે રીતનો રાજકીય માહોલ છે, હજુ પણ સમાજના ઘણા વર્ગો તરફથી પ્રોત્સાહનનો અભાવ છે તેમ જ યોગ્ય સાધન-સંસાધનોની ઉણપ છે એ જોતાં આ કામ ઘણું જ વિકટ છે, પણ મક્કમ ઇરાદાઓથી ભરપૂર આ કોચને પૂરી આશા છે કે રગ્બીની આ રમત કાશ્મીરીઓમાં લોકપ્રિય તો થશે જ, સાથે સાથે કેટલીય છોકરીઓ આ ક્ષેત્રને કારકિર્દી તરીકે લઇ પોતાનું અને દેશનું નામ પણ રોશન કરશે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtKyLXFfOxqpQ8yNv38CbWqQOa5Bp1Vt5zUZ4Sj5cF1kw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment