અયોધ્યા જેવી 'રામનગરી'માં શ્રી રામચરિતમાનસના માધ્યમથી 'કામગગરી' ગણાતી ગણિકાને પ્રતિષ્ઠા બક્ષવાનો અદ્વિતીય મનોરથ શ્રી મોરારિબાપુ સિદ્ધ કરી ખરા અર્થમાં લોકશિક્ષક પુરવાર થયા છે. જોકે, એમને કશું પુરવાર કરવું નથી પણ મનમાં જે ઊગે તે મંગલ કરી જવું છે. ઇશ્વર કેટલાંક વ્યક્તિત્વો દ્વારા બધું જ હટકે કરાવવા ઇચ્છતો હોય છે અને ઇશ્વર ઇચ્છે પછી કશું ક્યાંથી બાકી રહે?! એ માત્ર કથાકાર નથી, પણ એક પ્રાથમિક શિક્ષક પહેલાં છે અને એટલે જ છેવાડાના વંચિતો માટે વ્યાસપીઠ પરથી કથાગાન એ બાપુનો અદ્વિતીય 'કેળવણી પ્રયોગ' છે. 'માનસ-ગણિકા'એ કથા માત્ર નથી, આપણાં માનવ-માનસની વાસ્તવિકતા છે!! તમે શ્વાસ ચૂકી જાવ ને બે કલાક તમારા ગળે ડૂમો સતત રોકાયેલો રહે તેવી સ્ટોરી!
ચૂંટણી વખતે પ્રચલિત થયેલું સૂત્ર અહીં સાચું લાગે છે કે 'દેશ બદલ રહા હૈ!' ધર્મશાસ્ત્રોમાં વિચરતિ જાતિ-કિન્નર-અઢાર વરણ-ગણિકા જેવા વિષયને કેન્દ્રમાં રાખી કથાગાન કર્યાના કોઇ દાખલા નોંધાયા નથી. આપણા સનાતન હિન્દુ ધર્મના તથાકથિત ધર્માચાર્યોએ આભડછેટને બરકરાર રાખવાની બરાબર કાળજી લીધી છે ત્યારે રામનગરી અયોધ્યામાં 'સેક્સ વર્કર'ને માનભેર નોતરીને 'માનસ-ગણિકા કથાગાન' એ ધવલ ધર્મ જ્યોતિનો દીપપ્રાગટ્ય છે.
ગત જુલાઇ મહિનામાં ગુજરાતી નાટ્ય જગતના માઇલસ્ટોન કલાકાર-લેખક-દિગ્દર્શક અને મૂળે તો અધ્યાપક સૌમ્ય જોશીનું બેજોડ નાટક માણ્યું... ઉપરાઉપરી બે શો જોઇ નાખ્યા તો ય ધરવ ન થયો. બે જ પાત્રો, એક પોલીસ અને એક ગણિકા-સેક્સ વર્કર. ટ્રેનનો ડબ્બો સ્ટેજ પર અને બે કલાક પ્રેક્ષક સતત સાવધાનની અદામાં રહે તેવું મંચન. ક્યારેક તો તમે શ્વાસ ચૂકી જાવ ને બે કલાક તમારા ગળે ડૂમો સતત રોકાયેલો રહે તેવી સ્ટોરી! એ નાટકનું શીર્ષક હતું:
'આજ જાને કી જિદ્દ ના કરો.'! પ્રોસ્ટિટ્યુટ એટલે કે વેશ્યા (જોકે, આ ગુજરાતી શબ્દ ઉચ્ચારવાનું મોરારિબાપુ ક્યારેય પસંદ નથી કરતા!)નું પાત્ર જિજ્ઞા વ્યાસ અને પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર જયેશ મોરે એટલી બખૂબી ભજવે છે કે દર્શક બંનેના પ્રેમમાં એકસાથે પડી જાય. નાટકના અંતમાં ગણિકા પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછે છે: 'આજ જાનેકી જિદ્દ ના કરો' એવી વિનંતી કોઇ ગણિકા ગ્રાહકને કરે ખરી??
એ સમયે કરડાકીભર્યો પોલીસ ભાંગી પડે છે ને પોતાનું બાળપણ વર્ણવી વિસ્ફોટ કરે છે કે પોતાની માતાને ગ્રાહક પાસે જવા માટે તેની દલાલી કરતો આ જીવ આજે એ ભૂલનો પ્રશ્ચાતાપ કરી રહ્યો છે!! ગુજરાતી રંગમંચ પર ભજવાયેલ 'માનસ-ગણિકા શ્રી રામકથા' જ હતી, જાણે! શ્લોકને લોક સુધી પહોંચાડનાર સમર્થ કથાકારને પ્રણામ અને નાટકને જીવનસ્પર્શી બનાવનાર ઉત્તમ કલાકારને સલામ! મૂળે તો બંને શિક્ષક જ ને?!
એક સમય હતો જ્યારે ગણિકાનો સમાજમાં દરજ્જો હતો. આપણી સમાજ વ્યવસ્થાએ ગણિકાને બજારુ ચીજ બનાવવામાં બહુ ભાગ ભજવ્યો છે. 'ઉત્સવ' ફિલ્મમાં વસંતસેનાનું પાત્ર એક સ્થાનનો અહેસાસ કરાવે છે, તો શુક્ર-શનિ-રવિમાં સુરત-અમદાવાદ-રાજકોટ-વડોદરાથી ફ્લાઇટમાં મુંબઇ તરફ ભાગતા ધનાઢ્યોની વાસના 'પ્રોસ્ટીટ્યુટ'ની માર્કેટ વેલ્યુ ઉંચકાવવામાં જવાબદાર છે.
સ્ત્રીને પુરુષ ભોગવે એ તો ગઇકાલની વાત છે પણ પુરુષની માંગ સ્ત્રીઓ દ્વારા થાય એવું વરવું સમાજરૂપ આપણે આજે ઘડી બેઠા છીએ ત્યારે 'માનસ ગણિકા કથા' એક માનસિક બદલાવની પહેલ છે: 'જે મારું નથી તે પણ ભોગવી લેવું' એ ગણિકાવૃત્તિ છે અને તેમાં માત્ર નર કે માદાને ભોગવી લેવાની વાત પતતી નથી. આપણા નાના મોટા પ્રત્યેક કૃત્યમાં વાસના નથી હોતી શું? અને એ આજનું નથી, શાસ્ત્રકાળથી ચાલ્યું આવે છે. ગીતામાં ભગવાન શિષ્યને કહે છે:
'મનની કામના સર્વે, છોડીને આત્મામાં જજે...'! આ મનની કામના એટલે માનવ-માનસની વાસ્તવિક ગણિકા! વર્ષો પહેલાં Sex Education વિષય પર ડોક્ટરેટ કર્યું ત્યારે તારવેલી કેટલીય હાયપોથિસીસમાંની એક આ પ્રમાણે છે: Mind has Sex. Body has Sexuality... પ્રત્યેક મન જે અવશ્ય નોંધે છે તે Sex છે, પણ આ સેક્સ નેચરલ છે... પરંતુ કેટલાં બધાં મનને જે દોરે છે તે Sexuality છે, ને તે નરચર્ડ છે. 'પ્રકૃતિદત્ત સેક્સ' મારી ઓળખ છે તેથી તેનો સહજ સ્વીકાર છે. 'માનવસર્જિત સેક્સ્યુઆલિટી' મારી અભિવ્યક્તિ છે તેથી તેનું શિક્ષણ-તેની કેળવણી-તેના સંસ્કાર શક્ય છે. જે શક્ય છે તેના માટેનો એક વ્યાસપીઠીય પ્રયોગ તે 'માનસ-ગણિકા કથા...' વિરલ પ્રયાસ પ્રિય હો!!
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov-9_n4DrOCfp%2Bd1306EBUzd2QNOii7P8aurZzMNNvA2w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment