Monday, 3 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોણ હતી એ... ?’ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોણ હતી એ.... ?
અશોક દવે

 


 


જે સવાલનો જવાબ આપીને જગતભરના અબજો હસબન્ડોઝ હલવઈ ગયા છે, એ જવાબ મારે ય નહતો આપવો. રસ્તામાં તમને કોક મળી, એ હકીકત છે - ઓળખિતી કે અજાણી, એ મહત્ત્વનું નથી, પણ મળી ને... ? એમાં હાળું દેવાઈ જઈએ છીએ. મોટા ભાગે તો સાચું કહી દેવાય એવું હોતું નથી ને ખોટું બોલવામાં તમારે ૨૩,૪૬૭ બહાનાં, ૩૪૫-ખોટી જુબાની આપી શકે એવા મિત્રો અને જેને તમે મળીને આવ્યા હો, એ સ્ત્રી નંગ એક હોવી આવશ્યક છે.


''કોણ હતી એ... ?'' ગયા અઠવાડીયે લિફ્‌ટમાં હું નિરાધાર એકલો ફસાઈ ગયો હતો, એ બાતમી ગુપ્ત રાખવાને બદલે કોઈ ઈર્ષાળુએ મારી વાઈફને કહી દીધી હશે. (''ચાડીયા ચાડીયા, તને શું મળ્યું... ?'' એનો જવાબ અમારા ખાડીયાવાળા બધાને આવડે છે... ભલે અમે બોલીએ નહિ!)


સત્ય જરૂરી છે, પણ યુધિષ્ઠિરે કીઘું હતું કે, 'સત્ય એવું ય કોકના ઘેર જઈને ના કહી અવાય કે એના ઘરમાં ભડકા બળે.' ગુજરાતના ૭૫-લાખ વાંચકો જાણે છે કે, ચોક્કસ હું એક મનમોહિની સાથે લિફ્‌ટમાં એકલો... આઈ મીન, અમે બન્ને એકલા હતા ને લિફટ અધવચ્ચે બંધ પડી ગઈ, પણ અમારી વચ્ચે કાંઈ થયું નહોતું... એ તો ઉપરથી જતા જતા મને 'થેન્ક યૂ, દાદાજી...' કહેતી ગઈ હતી. સુંદર સ્ત્રીઓમાં અક્કલ હોતી નથી, એનો એક આ નવો પુરાવો. શું મેં એને વળતા હૂમલા તરીકે, ''જે શી ક્રસ્ણ, બા... !'' કીઘું હોત તો એનાથી સહન થાત?  (જવાબ તમામ વાચકોએ ''ના''માં આપવાનો છે... જવાબ પૂરો)


એ મને દાદાજી કહેતી ગઈ, એનો અફસોસ નથી, પણ ઘ્યાન ના રાખીએ તો બધીઓ દાદાજી કહેવા માંડે તો આપણે તો સમાજમાં રહેવું કે નહિ ? કહે છે કે, પુરૂષની ઉંમર ત્યારે થઈ ગઈ કહેવાય, જ્યારે એની પત્ની એની ઉપર શક કરવાનું બંધ કરી દે... ચિંતા તો પેસે ને કે, ઘેર જઈને આપણે ય આવો પ્રોબ્લેમ નહિ થાય ને? ઘણા ગોરધનો વાઈફ શક કરતી હોય, એમાં ડિસ્ટર્બ થઈ જાય છે. હજારો પુરાવા વાઈફોના ચરણોમાં ધરી દે છે, મંગળવાર ફક્ત દુધ-ભાત ખાઈને કાઢે છે ને ઘરમાં બાની સલાહો લેવા જાય છે.


ડોબાઓ... આપણે હજી શક કરવા જેવા છીએ ને માર્કેટમાં આપણું હજી ય કાંઈ ઉપજે છે, એવો ખૌફ વાઈફોના મનમાં હોય ત્યાં સુધી ચિંતા-ફિંતા નહિ કરવાની. ચિંતા કરવાથી મન ઢીલું પડે, ખરાબ વિચારો આવે અને વાઈફોઝમાં આપણી છાપ બગડે ને, ''આમનામાં હવે શક કરવા જેવું છે ય શું... ?'' એવા તાના મારતી થઈ જાય... કોઈ પંખો ચાલુ કરો! પણ હું પાછો એવો નહિ, એટલે ખુમારીથી વિચાર્યું કે, જે બન્યું જ નથી, તે સાચું કહી દેવામાં ખોટું શું છે? આપણું મન સાફ.


''કોણ હતી એ... ?''નો જવાબ જો હું સાચો આપવા જઉં, તો એ માનવાની નથી. બંધ લિફટમાં બીજા કોઈ માણસો જ ન હોય ને તમે બે એકલા હો... ને એમાં ય તમે કાંઈ કર્યા વિના પાછા આવો, એવી શુદ્ધ છાપ તો તમારી છે નહિ ! બીજો ડર એ પેસી જાય કે, આ એક નિર્દોષ બનાવ પછી મારે તો લાઈફ ટાઈમ લિફટોમાં બેસવાનું... આઈ મીન, ઊભવાનું બંધ થઈ જાય. (દુનિયાભરની લિફટોમાં બેસી કે સુઈ શકાતું નથી... માત્ર ઊભા ઊભા જ પ્રવાસ ખેંચવો પડે છે... એકલી લિફટમાં એકલી મનમોહિની સાથે તમે એકલા જ હો, તો પણ... !)


''કોણ હતી એ... ?''નો જવાબ જો હું ખોટો આપવા જઉં કે, (૧) એવું તો કાંઈ બન્યું જ નથી. હું એ લિફટમાં હતો જ નહિ. (૨) લિફટમાં બીજા ૬૦-૭૦ માણસો હતા... હું એકલો નહતો, તો એ માનવાની નથી. (૩) હા. લિફટ બંધ પડી હતી ને અમે બન્ને એકલા જ હતા... પણ જે થવું જોઈતું'તું... એવું કાંઈ થયું જ નહિ ! તો ય એ માને નહિ ને? (હજી મારા ઉપર શક કરવા જેટલી મારી સિદ્ધિ મેં જાળવી રાખી છે!... જય અંબે!)


તો ''કોણ હતી એ?''નો જવાબ શું આપવો ?


''તારી મા હતી... !''


''સુઉં... ? તમને ગાયળું બોલતાં સરમે ય નથ્થી આવતી... ? કાંય નંઈ ને મારી મા ને વચમાં લાઈવા... ?''


''ડાર્લિંગ, આઈ લવ યૂ... પણ સાચ્ચે જ લિફટમાં તારી મા જ મારી સાથે હતી...''


''અસોક... ખોટા વાયડા સુઉં કામ થાઓ છો... ? મારી માને ગૂજરી ગયે શત્તર વરસ થિયાં...''


''તું સમજી નહિ, ડીયર... મારી સાથે લિફ્‌ટમાં તારા કિલ્લુ માસી હતા, જેને તું કાયમ તારી મમ્મી સમજે છે... એ !''


''અસોક, હજી ખોટું બોલો મા... કિલ્લુ માસીને તો લિફટું ચલાવતા આવડતી ય નથી... એ કે'દિ લિફટમાં બેશવા જાવાના હતા... ?''


એકચ્યુઅલી... આ 'તારી મા હતી' વાળો સંવાદ થયો નહતો, પણ મેં એક બહાના તરીકે ધારી લીધો હતો ને હું આવા બહાના કાઢીશ ને એ આવા તર્ક પૂછશે, તો હું વધારે ભરાઈ જઈશ, એટલે મેં વાપર્યો નહતો.


''અસોક... તમે સાચું બોલી જાશો, તો મને ખોટાં નહિ લાગે... મને ખાલી એટલું કિયો કે ઈ હતી કોણ? તમે જે 'દિ થી લિફટમાં ભરાણાં છો, એ 'દિ થી મારૂં મન ક્યાંય લાગતું નથી... આત્મહતીયાના વિચારૂં આવે છે... માટે જી હોય ઈ, સાચું કઈ દિયો, તો મારા જીવને ધરપત રિયે... !''


ખોટું બોલવાના આવા સર્જનાત્મક પરિણામો આવી શકતા હોય તો સાચું બોલવું જ નહિ, એવું ૯૯ ટકા ગોરધનોને મનમાં ગલીપચી કરતો જે વિચાર આવે, એ મને ન આવ્યો, કારણ કે હું ૯૯ ટકાવાળો નહિ, એક ટકા વાળો જેન્યુઈન હસબન્ડ છું. મારી તો સહુને સલાહ છે કે, વાઈફો સામે કદી ખોટું બોલવું નહિ અને બોલીએ તો પકડાવું નહિ. સુઉં કિયો છો?


મને ગભરાતા બહુ ફાઈન આવડે છે. વાતવાતમાં ગભરાઈ જવાની હવે તો મને ઓલમોસ્ટ હોબી થઈ ગઈ છે, પણ આ વખતે હું ગભરાઈશ ને ગભરામણમાં જે કાંઈ બોલીશ ને પેલી મારી વાત માની લેશે, તો પેલો પતિ ઉપર શક પતિઓએ જ ચાલુ રાખવો, એ લાભ મળતો બંધ થઈ જશે અને એ નહિ માને તો જે વાસ્તવમાં બન્યું નથી, એ એ માનતી થઈ જશે. મારે તો લેવા-દેવા વગર બન્ને બાજુથી ટીચાઈ જવાનું આવે. એક તો પેલી મને ''બાપુજી''નો દરજ્જો આપતી ગઈ ને બીજી બાજુ આવી આ જીવનભર માનતી રહેશે કે, એકલી સ્ત્રી સાથે લિફ્‌ટમાં મેં કલાક ગાળ્યો હતો.


સંસ્થા વાચકો પાસે જાણવા માંગે છે કે, આવા તબક્કે તમે શું કરો? કહે છે કે, સાચું એક જ વાર બોલવું પડે ને જુઠ્ઠું વારંવાર... ! પણ આ સલાહ તો કાયર, બુદ્ધિના લઠ્ઠ અને આવડત વિનાના ગોરધનોને લાગુ પડે. જે જન્મજાત જ ચતુર પતિ છે, જે અક્કલનો બારદાન નથી અને જે એકાદવાર નહિ, રોજેરોજ બંધ પડેલી લિફટમાં અનેક સુંદરીઓ સાથે (કે પછી... તમારાવાળી એકની એક... !) સાથે ઝડપાતો હોય, છતાં વાઈફોને કન્વિન્સ કરાવી શકે, એવા તંદુરસ્ત બહાનાઓ કાઢતો રહે ને પકડાય નહિ, એવા સ્માર્ટ ગોરધનો તો હવે થાય છે ય ક્યાં... ? યૂ સી... તમે નિર્દોષ હો, એ કાંઈ જાહોજલાલીનો વિષય નથી. નિર્દોષ હો, એટલે વાઈફ માની જવાની છે, એવા ભ્રમમાં ય ન રહેશો. દુનિયાભરની વાઈફોની આ તાસીર છે કે, સાચા અર્થમાં નિર્દોષ ગોરધન જેટલા સાચા પુરાવાઓ પેશ કરતો જાય, એમ એમ પેલીને મજા પડતી જાય અને એનો શક બુલંદ થતો જાય. ગમે તેવી ડોબી વાઈફ ઉપાડી લાવ્યા હોય ને... એક મુદ્દે સાલી બધી વાઈફો સ્માર્ટ હોય છે... આપણાં જુઠ્ઠાણાં પકડી પાડવાનો મુદ્દો! વાઈફો ગોરધનના મોબાઈલના મેસેજો કે ખિસ્સા તપાસે કે ન તપાસે, તમે ગમે તેટલા પુરાવાઓ નાશ કરો... ગોરધનને પકડી પાડવાની એ લોકોને સાલી 'સિકસ્થ સેન્સ' ભગવાને આપી હોય છે... આજે નહિ તો કાલે, એ પકડી તો પાડે જ છે. ધણી ધંધામાં ગમે તેટલો સ્માર્ટ હોય, વાઈફને ઉલ્લુ બનાવવામાં એ વાઈફ જેટલો સ્માર્ટ કદી હોતો નતી.


...અને જે દિવસે પકડાઈ જાય છે, એ દિવસે એવો ઢીલો થઈ જઈને વાઈફના ચરણકમળોમાં ઢળી જાય છે, જાણે ભદ્રકાળીના મંદિરની બહારનો ભિખારી. બસ. વાઈફે એક જુઠ્ઠાણું પકડી પાડ્યું, એમાં બાકીની આખી જીંદગી ગોરધને ગુલામ બનીને કાઢવાની હોય છે. પેલાના ગિલ્ટી-કોન્શ્યસનો પેલી જીંદગીભર લાભ ઉઠાવતી ફરે છે.


તો શું કરવું ? મેં કર્યું એમ કરી જુઓ.


''હા બોલ... ! હતી એ મારી ફ્રેન્ડ... ! મેં જ અધવચ્ચે લિફટ બંધ કરાવી દીધી હતી... વચમાં શું બન્યું હોય, તે તું સમજી શકે છે... હવે તને ખબર પડી ગઈ છે, તો 'આઈ ડોન્ટ ગીવ એ ડેમ ટુ ઈટ, ઓકે?' (અનુવાદઃ મને કાંઈ પડી નથી.)'' આમ કીધા પછી, આજ સુધી એણે મારી ઉપર શક કર્યો નથી... કે સાલો બીજીને લિફટમાં બંધ કરી શકે છે તો ત્રીજીને ય કરે એવો છે... મારા હાથમાંથી હવે ગયો... ! એ આજે મને બમણાં પ્રેમથી પ્રેમો કરે છે. ભય વિના પ્રીતિ નથી.


... પણ આ ઉપાય તો તમે ખરેખર નિર્દોષ હો તો કામમાં આવે... ! બાકી 'ડૂંગરે ડુંગરે કાદુ તારા ડાયરા' હોય તો... મરવાના થયા છો, કૂંવરજી !


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvVCkadOLAp3ax7gDAB9oEkqgZoR1Z2M2TvWsB3%2BsnDvA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment