Saturday 1 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દુ:ખી રહેવાની કળા જાણનાર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દુ:ખી રહેવાની કળા જાણનાર!
રામ મોરી

 

 

 

- યાર, સવાર પડે અને મને એમ થાય કે હે ભગવાન...પાછી સવાર, ફરી એ જ રોજબરોજની રામાણય. એ જ બધી કમઠાણ ને નર્યી હાલાકી
- આ ટ્રાફિક પણ સમય ખાઈ જાય છે, લોકો કેટલા મોટેથી હોર્ન વગાડે છે,  બધાને ઉતાવળ છે બધે પહોંચવાની....
- અરે આ તડકો જીવ લઈ લેશે. ગરમીનો ત્રાસ છે. કોઈ કહેશે કે શિયાળો છે...
- આજકાલ તો ફિલ્મો પણ કોઈ સારી નથી આવતી. પુસ્તકોમાં પણ મજા નથી આવતી. ટીવી જોવાની તો બંધ જ કરી દીધી છે. છાપા ખોલવાનું મન તો મરી જ ગયું છે. કશું સારું આસપાસ છે જ નહીં.
- મજા તો શું હોય...ટેન્શન છે નર્યું ટેન્શન...ખાવાનું કંઈ ભાવતું નથી. ના, કોઈ સાથે વાત નથી કરવી. મને એકલા રહેવું છે. બધા કેટલું જોર જોરથી બોલે છે...ક્યાંય શાંતિ છે જ નહીં
- આખી જીંદગી મેં બધા માટે કેટકેટલું કર્યું ને કોઈ મને ગણતું નથી. બધાએ પોતાનો સ્વાર્થ સાધી લીધો. જગતમાં ક્યાંય સાચી મિત્રતા કે સાચો સંબંધ છે જ નહીં!

આ છે જગતના સૌથી વધુ દુ:ખી લોકો. નવાઈની વાત એ છે કે એમને દરેક વખતે દુ:ખી રહેવા માટેના કારણો પણ તરત મળી જતા હોય છે. એમના મનોમસ્તિષ્ક પર નિરાશા એટલી ચપોચપ ખીચોખીચ ગોઠવાયેલી હોય છે કે મજાલ છે રાજીપાની કે ડોકિયું કરી શકે. આ લોકોને તમે ગમ્મે ત્યારે મળો, ગમ્મે એવા સંજોગામાં મળો, ગમ્મે એ ઋતુમાં મળો પણ એમની પાસે કંટાળો ને નારાજગી જ હોવાની. એમને ઋતુઓ સામે પ્રશ્નો હોવાના, શિયાળામાં કહેશે કે મારી બેટી આ ટાઢએ ભૂક્કા બોલાવ્યા છે...ઉનાળામાં કહેશે કે આ ગરમી જીવ લેશે ને ચોમાસામાં કહેશે કે આ વરસાદે તો હવે બહુ કરી છે. દરેક ઋતુના ફળો સામે પણ એમને વાંધો હોય છે..પેટ ભરીને ખાશે ને તોય બોલશે કે હવેના ફળોમાં પહેલાં જેવી મજા નથી રહી!  અરે એમને તહેવારો સામે પણ વાંધો હોય છે. એમને ફેશન સામે વાંધો હોય છે, એમને ફિલ્મો સામે વાંધો હોય છે, એમને પોતાના સગાસંબંધીઓ ને મિત્રો સામેય વાંધો હોય છે ને જો ભૂલથી અરીસા સામે ઉભા રહ્યા તો એમને એમની સામે પણ વાંધો થઈ જ શકે. આ છે જગતા સૌથી વધુ દુ:ખી લોકો. દુનિયાભરની બિમારી એમને થઈ છે, આખા જગતની મોંઘવારી એમને એકલાને જ લાગુ પડી છે, બધા લોકોએ એની સાથે જ અન્યાય કર્યો છે અને દેશની અર્થવ્યવસ્થા માત્ર એના એકલાનો જ વિચાર નથી કરતી એવી ફરિયાદ હોય છે. આ એવા લોકો છે જેઓ દુ:ખી હોવાની કળા જાણે છે. આ એવા લોકો છે જે જાણે છે કે છાતીમાં એકસાથે ગામ આખાની તકલીફો આપણા એકલાથી કેવી રીતે સંગ્રહી શકાય..તેઓ જગતના સૌથી વધુ દુ:ખી લોકો છે.

     આવા લોકોને તમે મળો તો શું થાય ?  સૌથી પહેલા તો તમારો એ વહેમ દૂર થઈ જાય કે તમે જગતના સૌથી પોઝીટીવ માણસ છો. હા, તમને થતું હોય કે આ નારાજ દુ:ખી માણસ મારો કે મારી મિત્ર છે તો હું એને પોઝીટીવ વાતો કરીને મોટીવેટ કરું પણ અહીં તમે ભીંત ભૂલો છો.તમે એમને મળો અને એમની અસ્ખલિત નકારાત્મક વાતો સાંભળો એટલે તમારી બધી હકારાત્મક વાતો હવા છૂ થઈ જાય. આમ પણ નકારાત્મક વાતોનો પાવર હકારાત્મક વાતો કરતા વધારે સ્ટ્રોંગ હોય છે એટલે એ ન્યાયે એમની નકારાત્મક ને હતાશાજનક વાતો તમારા પર હાવી થઈ જાય. તમે પોતે એની પાસે શું કામ ગયા હતા એ તમે ભૂલી જ જાઓ ને એણે આપેલા દુ:ખો તમારા દિલોદિમાગ પર સરતાજ થઈને બેસી જાય. આ એવા દુ:ખી લોકો છે જેમને સતત સિપ્મથી ઉઘરાવવી ગમે છે. કોઈ એમને કહે કે અરેરેરેરે, તમારી સાથે તો બહુ જ ખોટું થયું કે અરરેરેર તમારા જેવું દુ:ખ તો બીજા કોઈ જીરવી ન શકે. બસ થઈ રહ્યું. એ લોકોના દુ:ખી આત્માને જરૂરી ખોરાક મળી જાય ને ફરી નવા દુ:ખને શોધવાની એમની સફર શરૂ થઈ જાય.
જાણીતા લેખક અને ચિંતનાત્મક લેખોથી લાડીલા એવા કૃષ્ણકાંત ઉનડકટે એકવાર બહુ સુંદર વાત કરી હતી. એમણે કહેલું કે ફેસબુક તમે તમારો કોઈ ફોટો અપલોડ કરો અને એની નીચે બધા લોકો કમેન્ટ કરતા હોય છે. ઓગણપચાસ લોકોએ તમારા ફોટોના વખાણ કર્યા હોય છે પણ તમને તો એક પચાસમા કોઈ અજાણ્યા વ્યક્તિએ ટીકા લખી હોય તો તમને સીધી એ નેગેટીવ કમેન્ટ જ દેખાશે. પેલી ઓગણપચાસ સારી કમેન્ટ નહીં દેખાય. કેટલી બધી સાચી વાત છે આ! મોટા ભાગના ઠગ લોકો જે બાબાઓના સંન્યાસી વેશ લઈને નાના શહેરોમાં ને ગામડામાં સ્ત્રીઓને ઠગતા હોય છે એ લોકો આ  'દુ:ખી' લોકોને તરત પકડી પાડતા હોય છે. હાથ જોઈને લાંબો નિસાસો નાખે અને સ્ત્રીઓને કહે કે '' બહેન, તમને જીવનમાં ક્યારેય જશ નથી મળ્યો. તમે બધા માટે બહુ બધું કર્યું પણ લોકોએ તમને કોઈ દિવસ ગંભીરતાથી ગણ્યા નથી. તમારા પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે પણ એને જોઈ શકનાર કોઈ નથી!'' બસ પછી તો શું ? મારે કહેવાની જરૂર નથી કે એ ઠગ લોકોની થેલીઓ બિચારી ભોળી (દુ:ખી) સ્ત્રીઓ નાણાથી ઠસોઠસ ભરી દે છે. અમુક દુખી મિત્રો એ મૂર્ખ મિત્રોની ગરજ સારે છે.

    આ એવા દુ:ખી લોકો છે જે પોતે જ પોતાના ઘાવને સતત ખોતર્યા કરે છે અને રૂઝની જગ્યાએ લોહીને વહેતું જોઈ સીસકારા નાખ્યા કરે છે. આવા દુ:ખી લોકોને સંબંધમાં તમે ગમ્મે એટલું આપો તો પણ ઓછું જ પડશે. એમને ગમ્મે એટલો પ્રેમ અને હુંફ આપો તો એ આ વાતને એ સ્વરૂપમાં કન્સીડર કરશે કે તમે દયા જતાવી રહ્યા છો. તો બેટર છે, આવા દુ:ખી લોકો કે જેને જગતની સુંદરતા ને સંબંધના રાજીપામાં કોઈ રસ જ નથી એની પાછળ સમય બગાડ્યા કરતા એની બાજુમાંથી હળવેકથી પસાર થઈ જઈએ ને આપણે આપણા રાજીપાની સારસંભાળ લઈએ. તમને થશે કે ભાઈ આ તો સંબંધમાં સ્વાર્થીપણું સાધ્યું કહેવાય. કેમકે કોઈ આ રીતે દુ:ખી હોય તો એને એકલા કેવી રીતે મુકી શકાય તો વાત એમ છે કે સવાર એને જ દેખાડી શકાય જેણે આંખ ખુલ્લી રાખી છે. જેને બે આંખ પર હથેળીઓ દાબી રાખી છે એની આગળ અજવાળું ચિતરવા ન બેસાય. તો આવા દુ:ખી લોકોને સંભાળવામાં ક્યાંક આપણી સુખી રહેવાની કળા ખોવાઈ ન જાય..ધ્યાન રાખજો. કેમકે રાજીપો એક વેંત છેટું હોય છે જો પકડી શકાય તો!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oshp7xuCh8h2Mpbua1-mhPg_F9PKeVEcF9rAN6-2KTm%2BA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment