Saturday 1 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ માણસના વ્યક્તિત્વ પર તેના નામનો પ્રભાવ કેટલો પડે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માણસના વ્યક્તિત્વ પર તેના નામનો પ્રભાવ કેટલો પડે?
અભિમન્યુ મોદી

 

 

 


ચંગીઝ ખાન અને (તૈમુર નહિ) તીમુર લંગને ઈતિહાસના સૌથી ક્રૂર જલ્લાદ તરીકે ઓળખાવતી વાતો તો ઘણાં વર્ષોથી આપણે સાંભળતાં જ આવીએ છીએ. એ ઈતિહાસ સાચો કે ખોટો તેનું પૃથ્થકરણ નથી કરવું પણ હકીકત એ છે કે ગઝની હોય કે ચંગીઝ ખાન કે તીમુર લંગડો- આ બધા શાસકોના નામમાત્રને મોટાભાગના ભારતીયો નફ્રત કરે છે. આટલી નેગેટિવ ઈમેજ ધરાવતું એક નામ એટલે કે તૈમુર એક હીરો-હિરોઈનના નવજાત શિશુનું રાખવામાં આવ્યું અને સોશિયલ મીડિયા કે ન્યૂઝમાં ફુલણજી લખનારાઓ સહિત બધા તે સેલિબ્રિટી કપલની આકરી ટીકા કરવા ઉપર ટોળાશાહી શૈલીથી ઉતરી આવ્યા. આજે થોડાક જ મહિના પછી પરિસ્થિતિ એ છે કે પાપારાઝીની દુનિયામાં સૈફ પુત્ર તૈમુર અલી ખાનનો નવો-ફ્રેશ-ઓરિજિનલ ફેટો લાવનાર ફેટોગ્રાફ્રને બીજા કોઈપણ સેલિબ્રિટીના ર્વિજન ફેટો કરતાં વધુ રૂપિયા મળે છે!

 

દંતકથા મુજબ પ્રથમ પુરુષ અને સ્ત્રી ગણાતાં આદમ અને ઈવનું નામ કોણે પાડયું હશે તે સવાલ છે. જીનેસીસ ૩:૨૦ મુજબ આદમે તેની સ્ત્રીને ઈવ નામજોગ બોલાવી તો આદમને કોણે કહ્યું કે વડીલ, તમારું નામ આદમ છે, એ સવાલ કાયમ ઊભો રહેશે. નામ પાડવાની પ્રથા પણ ક્યારથી ચાલુ થઈ અને પહેલી નામધારી વ્યક્તિ હોય તેનો કોઈ જ નામોલ્લેખ કોઈપણ નામચીન સંશોધક શોધી શક્યા નથી. નામાંકિતોએ લખેલા ઈતિહાસમાં નામપ્રકરણ ઓલમોસ્ટ ખાલી છે. નામનિર્દેશન વિશેનો ભૂતકાળ પ્રાચીન ઈજિપ્શિયન નામપત્રોમાંથી કદાચ મળી આવે છે. પરંતુ સૌથી પહેલા નોંધાયેલા નામો તો બાઈબલ જેવા ધર્મગ્રંથોમાં અજાણતાં જ અપાઈ ગયેલી નામવારીમાંથી જ પડયા છે. વ્હાઈટ, બ્રાઉન જેવી જૂની સરનેમ જ કહી આપે છે કે નામસંસ્કાર જે તે માણસના લક્ષણ ઉપરથી થતા. મિડલ નેમની પ્રથા થોડી મોડેથી આવી પણ સરનેમનું નામકર્મ તો મોટે ભાગે વારસાગત ઓક્યુપેશનથી જ થતું. માટે જ જાન લઈ લેનારા આક્રમણને જાનલેવા હુમલો કહેવાય એમ જ વારસદારો 'નામલેવા' કહેવાયા. હવે આ નામલેવાઓમાંથી કેટલા નામબોળું હતા એ તો જે તે કુટુંબનો આંબો બનાવનાર નામવરને જ ખબર.

 

'નામમાં શું રાખ્યું છે?' આવું કહીને નીચે પોતાનું જ નામ લખીને પોતાનું નામ સાહિત્યની દુનિયામાં ઊંચે ચડાવનાર નામદાર શેક્સપીયરના પોતાના ઈંગ્લેન્ડમાં જ તે સમય દરમિયાન પિસ્તાલીસ હજાર નામ/અટકો હતી. શેક્સપીયર પોતે સાહિત્યરસિકોના વર્તુળોમાં બાર્ડના સાહિત્યિક નામથી પ્રચલિત થયો. નામદાર અકબર તેની જિંદગી દરમિયાન જલ્લાલુદીન મોહમ્મદ તરીકે જ ઓળખાયો ને. વર્ધમાન નામના નામવીરને બધા મહાવીર તરીકે ઓળખતા થયા. બાહુબલિ હોય કે કૃષ્ણ, આવી નામાંકિત વિભૂતિઓ ફ્ક્ત નામને બદલે નામકર્મથી ઓળખાયા. ખુદ પરમેશ્વર પોતાને નામોમાં અનામિક એટલે કે નામનામિકથી ઓળખાવાનું પસંદ કરે છે. વિષ્ણુના એક અવતારે તો પોતાનું નામકરણ જ નામનીલ નામે કરેલું. નામફેરની ઘટનાને ફ્ક્ત આપણી સંસ્કૃતિમાં જ નહિ પણ સર્વત્ર નામના મળેલી છે.

 

નામ એક એવી વિભાવના છે કે તેના હોવાથી પણ મોટો ફ્રક પડે છે અને ન હોવાથી પણ બહુ મોટો ફ્રક પડે છે. રામના નામસ્મરણ માત્રથી નામના મળી શકે છે તો સામે પક્ષે સુયોધન ગમે તેટલા નામયજ્ઞા કરાવે તે ઓળખાશે દુર્યોધનના નામે જ. સિલોનનું શ્રીલંકા થાય કે બર્માનું મ્યાનમાર થાય, પર્શિયાનું ઈરાન થાય કે કમ્પુચિયાનું કમ્બોડિયા, આ દેશો તરફ દુનિયાનું ધ્યાન ક્યાં હોય જ છે? નામનિક્ષેપોના અસંખ્ય ઉદાહરણો આપણે ત્યાં જોવા મળે છે. પાકિસ્તાનમાં પાક-પવિત્ર કેટલું છે એની પણ આપણને ખબર છે અને ટ્રમ્પ શાસિત અમેરિકામાં કેટલા રાજ્યો યુનાઈટેડ છે તે પણ આપણે જાણીએ છીએ. એક સમયનું નામી યુએસએસઆર પણ પડી ભાંગે ત્યારે નામબદલો કરીને રશિયામાં સમાય જાય છે. પોતાની નામરાશિ વાળા માણસ સાથે સાત જનમ સુધી લાસ્ટ નેમ જોડવાની મહેચ્છા રાખનારા યુગલોના પણ છૂટાછેડા પછી નામહરણ થાય છે. પણ નામમંત્રની લેટેસ્ટ ફેશન કર્મનિષ્ઠા ઉપર હાવી થતી જતી હોય એવું કેમ લાગે છે?

 

એક ફૂટબોલપ્રેમીએ એની નવજાત દીકરીનું નામ લેન્સરા રાખ્યું. બે વર્ષ પછી દીકરીની માને ખબર પડી કે તેનો તોફની બાપ આર્સેનલ ફૂટબોલ ટીમનો ફેન છે એટલે આર્સેનલનો ઊંધો સ્પેલિંગ કરીને એની દીકરીનું નામકરણ કરી નાખ્યું. આવા હટેલા મગજ વાળા નામડુબાઉ ફ્ક્ત ફૂટબોલ ફેન જ નથી હોતા, ઊંચી પોસ્ટ ઉપર બિરાજતા નામસેવકો પણ હોય છે. વિજ્ઞાન કહે છે કે નામ તેવા ગુણ કુદરતી રીતે આવી જાય. એન્જલીના જોલીનું નામ એમિલી કે ઐશ્વર્યાનું નામ શ્યામા હોત તો તે આટલી ખૂબસૂરત ન હોત, એવું વિજ્ઞાનનું કહેવું છે. પણ ઓપ્રાહ વિન્ફ્રેનું ઓરિજિનલ નામકરણ ઓર્પાહ થવાનું હતું, અનાયાસે થયેલા નામપરિવર્તન પછી પણ કંઈ ફ્રક પડયો ખરો?

 

ખેર, નામમાલા જપતા લોકોને નામલેણાંનો મનોરોગ (કે નામોરોગ) લાગુ પડી ગયો હોય છે. માત્ર નામથી જ થતું હોત તો તો લાદેનને સિંહ અને કસાબને સુંદર કહેવો પડે કારણ કે બંનેના નામ-અર્થ અનુક્રમે તે જ થાય છે. સાહિત્ય અને કલાજગતમાં એક આખો દરિયો એવી કૃતિઓનો ભરેલો પડયો છે જે નામર્વિજત છે અને અજ્ઞાત/એનોનીમસથી ઓળખાય છે અને તે શ્રેષ્ઠ છે. પણ જો ફ્ક્ત નામમુદ્રાઓથી જ બધું થતું હોત તો આજ સુધી આટઆટલાં નામ ડૂબ્યા ન હોત. નવજાત અનામી બાળકથી શરૂ કરીને નનામી સુધીની સફ્રમાં કેટકેટલા નામપૃષ્ઠો ફેરવવા પડે છે! વિશ્વમાં એક એવો દેશ છે જે ત્રણ નામ ધરાવે છે. એ દેશના આપણે વતનીઓ છીએ. દેશનું નામ અચળ રહે એવી પ્રાર્થના આપણી ખરી, પણ માણસ નામથી નહિ કામથી ઓળખાય એવું માનનારા આપણે નામ પાડવાને પણ એક કામ કેમ નથી ગણતાં?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OthnonMcYb%3D1WBmVSdgibk7a%3DZpggLxBSJbvFWtqrmiFw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment