Saturday 1 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સુખ એટલે નક્કી શું હોય છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુખ એટલે નક્કી શું હોય છે?
પુરુષ વાત- પુરુષ જાત-પરેશ શાહ

 

 

આસપાસમાં, લોકલ ટ્રેનોમાં, બસોમાં કેટલાય પુરુષો 'સાલી જીવનમાં મજા નથી', 'આનંદ નથી', 'સુખ તો શોધ્યુંય જડતું નથી', 'આયમ નોટ હૅપી', આય વોન્ટ ટુ બી હૅપિયર', એવું કહેતા તમે-અમે, સૌ સાંભળીએ જ છીએ ત્યારે એમ થાય કે ખરેખર 'બી હૅપી' કેમ કરીને રહેવું, એ તો મનનો વિષય છે. આ મુદ્દો એક પાર્ટીમાં થતી ચર્ચામાંથી હાથ આવ્યો, કોઈ એકે પૂછ્યું કે, "હૅપિનેસ એટલે ખરેખર શું? હાઉ ટુ બી મોર હૅપિયર, પાલ? લગભગ દરેક બીજો માણસ હૅપિયર નથી, એવું આસપાસમાં નજર નાખતા સમજી શકાય છે. સુખ એટલે ખરેખર શું એ નક્કી કરવું મુશ્કેલ છે. ડિક્શનરીમાં હૅપી શબ્દનો અર્થ 'નસીબદાર, ભાગ્યવાન, સંતુષ્ટ, ખુશ, આનંદી, સુખી, યોગ્ય, ઉચિત, સમર્પક' એવા મળે છે તો હૅપિનેસનો અર્થ 'પ્રસન્નતા, આનંદ, સુખ' એવો જોવા મળે છે. મજાની વાત એવી છે કે, હૅપી શબ્દનો એક જ શબ્દમાં અર્થ જોઈતો હોય તો ગુજરાતીમાં છે, ખુશ. હિન્દીમાં પણ ખુશ અને મરાઠીમાં આનંદી એવો અર્થ મળે છે. તમે જુઓ ગુજરાતી ખુશ રહેવાને સુખી હોવું માને છે. આ ખુશ હોવું, સુખી હોવું કે આનંદી હોવું એટલે ખરેખર શું? મરાઠી રંગમંચના ધુરંધર કલાકાર પ્રશાંત દામલેનું એક નાટક 'એકા લગ્નાચી ગોષ્ઠ'માં પ્રશાંત પોતે જ એક ગીત ગાતો કે, "મલા સાંગા સુખ મહણજે નક્કી કાય અસતં, કાય પુણ્ય અસલં કી તે ઘર બસલ્યા મિળત... ઘરે બેઠાં સુખ મળે એ માટે કેવા પુણ્ય હોવા જોઈએ, એમ એ પૂછે છે... વ્યાપક પરિવેશમાં જોઈએ તો દરેક માણસ કોઈને કોઈ ભાષામાં જાતને-સ્વને આ સવાલ પૂછતો જ હોય છે. જોકે ડાહ્યા લોકો કહે છે એમ સુખ, ખુશી, આનંદ, પ્રસન્નતા એ માનસિક છે. (માનો તો સૂકા રોટલામાં ય સુખ હોય છે, એવું 'કમાઈ બેઠેલા' વડીલો કહેતા હોવાનું જેણે ન સાંભળ્યું હોય એવો કોણ મળશે?) તો પણ કોઈને કોઈ તો રસ્તો હશે કે જેની અજમાયશથી ખુશ રહી શકાય, હૅપિયર હોવાની લાગણી પામી શકીએ, જોઈએ...


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ-હુ)ના જણાવ્યા પ્રમાણે માનસિક આરોગ્યના મુદ્દાઓ માંદગી કે બીમારીના મુખ્ય કારણો છે. સંસ્થાએ વધુમાં જણાવ્યા અનુસાર ચારમાંથી એક વ્યક્તિ એના જીવનકાળમાં માનસિક અથવા ન્યૂરોલોજિકલ ડિસઑર્ડરથી પીડાતી હોય છે. હવે તો આ માટેનો ઉપચાર અને મદદ પણ વ્યાપકપણે ઉપલબ્ધ છે. ચલો માની લઈએ કે, આ તો ખરેખર માનસિક રીતે માંદા થયેલા લોકોની વાત છે, પણ બાકીના લોકોનું શું? એમાંના ઘણાં લોકો કોઈને કોઈ માનસિક તકલીફથી પીડાતા હોય છે, પછી ભલે તેમને ક્લિનિકલી ડિપ્રેસ્ડ કે મેન્ટલી ઈલ (તબીબી રીતે માનસિક બીમાર) ન કહેવાયા હોય. આવા લોકો તેમની એનર્જી (શક્તિ) અને મોટિવેશન (પ્રેરણા-કારણ) બાબતે થોડા નીચોવાઈ ગયેલા હોવાનું અનુભવે છે. એક સંશોધનમાં જણાવાયા અનુસાર ૭૫ ટકા એવા લોકો છે જેમને તેમનું કામ ગમતું નથી કે તેમના અંગત સંબંધો તણાયેલા રહે છે.


જોકે, હવે સારા સમાચાર છે કે, છેલ્લા ૨૦ વર્ષમાં થયેલા પ્રચંડ સંશોધન અને અભ્યાસ બાદ એવું જાણવા મળ્યું છે કે આપણી પાસે આપણાં માનસિક આરોગ્ય પર વધુ નક્કર નિયંત્રણ છે, જેને વિશે આપણે સભાન નથી અથવા જેની આપણને ખબર નથી. આપણે જેમ શારીરિક માંદગી કે ઈજાને ટાળવા સારું, ઉત્તમ ખાઈએ છીએ અને સારી રીતે કવાયત-કસરત-વ્યાયામ કરીએ છીએ એવી જ રીતે આપણે આપણા માનસિક આરોગ્યનું ઘડતર કરી શકીએ છીએ.


માનસિક આરોગ્યના નક્કર ઘડતર માટે શું હોવું જોઈએ? જૂની તંગદિલી, હતાશા અને અણગમા કે કંટાળાની સંવેદનશીલતા ઘટવી જોઈએ. જિંદગીમાં પડકારનો સામનો કરવા ખરેખર મજબૂત હોવું જોઈએ. સારામાં સારી રીતે વાતચીત કરતા આવડતું હોવું જોઈએ. નેતાગીરીનો ગુણ હોવો જોઈએ. ટીમ મૅમ્બર તરીકે અસરકારક રીતે ટીમનું નેતૃત્વ કરવાનો ગુણ જરૂરી છે. સંબંધો ઉત્તમ હોવા જોઈએ. અંગત, કારકિર્દી અને શારીરિક તંદુરસ્તીના લક્ષ્યો સહેલાઈથી પાર પાડવા જોઈએ. આટલું મુશ્કેલ તો છે જ, પણ અશક્ય તો નથી જ! આ ગુણો, વૃત્તિ મેળવવા માટે આપણે ફક્ત પાંચ મુદ્દા જોઈએ. આ પાંચ પગલાં તમે ભરી શકો તો તમે જગતમાં સૌથી વધારે સુખી હોવાના. જોઈએ આ પાંચ પગલાં...


આભાર કે કૃતજ્ઞતા વિશે લખો: આપણને હવે પછી શું જોઈએ છીએ કે શું મેળવવું છે એ મામલે લક્ષ્ય કેન્દ્રિત કરવા ભણી ઉતાવળે દોડવું સહેલું હોય છે અથવા જે મળ્યું છે તે આપણા ધાર્યા પ્રમાણેનું નથી એ તરફ ધ્યાન આપવું સરળ છે. આ બાબત ખરેખર જીવનમાં જે સકારાત્મક છે તે તરફ જોવાની ક્ષમતા ઘટાડે છે તેથી આપણે વધુને વધુ નકારાત્મક બાબતો જોવાનું શરૂ કરીએ છીએ અને આપણા જીવનમાં રહેલી સારી બાબતોને માણવાનું ચૂકી જઈએ છીએ. આવું ન થાય માટે દરરોજ રાતના ઊંઘવા જવા પહેલા વીતેલા દિવસમાં જે બાબતો માટે તમે આભારવશ હો, ઉપકારવશ હો, તમને કૃતજ્ઞતા વ્યક્ત કરવા જેવી લાગતી હોય એવા ત્રણ મુદ્દા કે પ્રસંગને લખવાની ટેવ પાડવાનો આરંભ કરો.


કમસે કમ એક વાત, એક પ્રસંગ, એક મુદ્દો યાદ કરો અને વિચારો કે તમે એ બાબતે કેમ આભારવશ છો? એ બન્યું ત્યારે તમને કેવી લાગણી થઈ અને તમે કેમ કૃતજ્ઞ છો એ વિશે શક્ય એટલું વિગતવાર લખો. તમારા માથાં પર છાપરું છે કે તમને કોઈ અજાણી છોકરીએ સ્માઈલ આપ્યું હતું કે તમને બપોરે કેન્ટીનમાં આજે મસ્ત ભોજન મળ્યું હતું જેવી નાની વાતો માટે આભારવશતાનો કે કૃતજ્ઞતાનો અનુભવ કરવાથી તમે નાના નથી બની જતાં. કોઈને કોઈનો કે કોઈ પણ બાબતનો આભાર મનોમન વ્યકત કરવા માટે દરેકની પાસે કોઈ વાત તો હોય જ છે!


અન્યો સાથે વધુને વધુ કનેક્ટ થાઓ: તાજેતરના સંશોધનમાંથી જાણવા મળ્યા પ્રમાણે, એકલા પડવાની કે જુદા-વેગળા પડવાની બાબત આપણા આરોગ્ય કે આપણી સુખાકારી પર બીજી કોઈ પણ બાબત કરતાં ઘણી વધારે અસર કરે છે. તમે સામાજિક રીતે સંકળાયેલા, જોડાયેલા ન હો તો તેનાથી તમારી ઊંઘની ભૂરજી થઈ જશે, કહોને કે ઊંઘ તૂટક રહેશે અને સવારના તાણ-તણાવ વધશે. ઉપરાંત નિરાશા-હતાશા વધવાનું જોખમ ઊભું થશે તથા સુખાકારીની લાગણી નબળી પડશે.


એકલાપણું કે એકલવાયાપણું એ શારીરિક આરોગ્ય માટે ધુમ્રપાન જેટલું જ જોખમી છે. અન્યો સાથે કનેક્ટ થવામાં રોજ જ થોડો સમય ફાજલ પાડો... આ કંઈ ફેસબુક પરના 'લાઈક' જેવું નથી! તમે ક્યારેક રિક્ષાચાલક સાથે કે બૅંકના કેશિયર સાથે કે રેલવે ટ્રેનમાં પાસે બેઠેલા કોઈની સાથે બે-પાંચ-પંદર વાક્યોની વાતચીત કરી છે? ક્યારેક પાંચ મિનિટનો સમય ફાળવીને મિત્રને મળવા એની મુલાકાત લીધી છે? કદાચ તમે રૂબરૂમાં મિત્રને કે સંબંધીને મળવાનો સમય ન ફાળવી શકતા હો તો સેલફોન ઉપાડો અને ટેક્સ્ટ મેસેજ કે વ્હોટ્સ એપ કરવાને બદલે એનો નંબર ડાયલ કરો અને બે-પાંચ મિનિટ વાત કરો. આમ કરવાથી તમને સમાજ સાથે જોડાયેલા હોવાની લાગણી થશે જે તમને એક ઊર્જા આપશે.


સ્ટ્રેચિંગ કરવાની ટેવ પાડો: તાજેતરના એક અભ્યાસે જણાવ્યું હતું આપણી દિનચર્યામાં સ્ટ્રેચિંગને સાંકળી લેવાની બાબત આરોગ્ય અને માનસિક સુખાકારી માટે મહત્ત્વની છે. સ્ટ્રેચિંગ એટલે શરીરને તાણવું અને પછી ઢીલું છોડી દેવું. તમને ક્યારેક આળસ ચડે ત્યારે બે હાથ ઊંચે લઈ જઈને ડોક અને કમરનો તાણો છોને... એ જ સ્ટ્રેચિંગ છે. શરીર હળવું થશે. નિયમિત કાર્યોની વચ્ચે દિવસમાં બેથી પાંચ વાર આ સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે, એમ અભ્યાસ જણાવે છે. દિવસમાં બે-ચાર વાર સ્ટ્રેચિંગ કરવાથી નિરાશા ઘટાડવામાં મદદ કરે છે, શક્તિમાં કમી આવતી હોવાની લાગણીને રોકે છે, તંદુરસ્ત પાચનશક્તિ માટે મદદગાર થાય છે. ઉપરાંત ઊંઘનાં ચક્રમાં સુધાર લાવે છે. સાંધા અને કરોડરજ્જૂને તંદુરસ્ત રાખે છે. આમાં તમારે ખાસ મહેનત નથી કરવાની કે કશું જટિલ કરવાનું નથી. માત્ર તમારા બેઉ હાથ પકડી તમારા માથાની ઉપરની તરફ લઈ જાઓ અને ડાબે તથા જમણે એમ બે બાજુએ તાણો સાથે કમરથી ઉપરના શરીરને પણ ડાબે-જમણે વાળીને તાણો. બસ, આટલું બસ છે!


દિમાગને બળતણ આપો: આપણે બધા જ આપણી કસરતની વધારે અસર થાય અથવા વજન ઘટાડવા માટે કે પછી આપણી પાચનશક્તિને ટેકો મળી રહે એ માટે સારું ખાવાનો વિચાર કરતા રહીએ છીએ, પણ એક સચ્ચાઈ વિશે જવલ્લેજ વિચારીએ છીએ કે, આપણો ખોરાક દિમાગ માટેનું બળતણ છે. કાર્બોહાઈડ્રેટ વધારે ધરાવતો (સાબૂત અનાજ અને શાકભાજી), જરૂરી ચરબીવાળો (શિંગદાણા જેવા નટ્સ, તૈલી માછલી) અને એમિનો એસિડ ધરાવતો (ઈંડાં, ટર્કી અને કેળાનો) આહાર મગજની સુખાકારી કે તંદુરસ્તી માટે આવશ્યક છે. શરીરને માટેનું ૯૦થી ૯૫ ટકા જરૂરી સેરોટોનિન પાચન માટેના અંગોમાં પેદા થાય છે. આ સેરોટોનિન ઉત્તમ મૂડ સાથે સંકળાયેલું મગજનું ન્યૂરોટ્રાન્સમીટર છે એમ સમજો. એથી જ પાચનશક્તિ તંદુરસ્ત રાખો એમ વારંવાર કહેવામાં આવે છે તેમાં ખરે જ કશો દમ તો છે જ!


વધારે સાવધ રહો અથવા વધુ ધ્યાન રાખો: માઈન્ડફૂલનેસ (સાવધપણું કે સચેતન) એટલે વર્તમાનમાં જ રહેવા માટે જાતને ટેવ પાડવી અથવા એવી તાલીમ આપવી. ટૂંકમાં વર્તમાનમાં રહેવા જેટલાં સાવધ કે સચેત રહેવું. ઘણાં લોકો ભૂતકાળના કે ભવિષ્યના વિચારોમાં ઊતરી પડતા હોય છે. આપણને બધાને જ આવી કુટેવ પડી હોય છે. વર્તમાનમાં રહેવાની ટેવ પાડવાથી તંગદિલી ઘટે છે, સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા-આવડતમાં વધારો કરે છે, પ્રતિકારશક્તિને મજબૂત બનાવે છે. ઊંઘનું ચક્ર ઉત્તમ કરે છે અને લાંબું તેમજ સારું અને તંદુરસ્ત તથા ખુશાલ કે સુખી જીવન જીવવામાં મદદ કરે છે. મોબાઈલ ફોનમાં ટાઈમર લગાડો અને ફક્ત ત્રણ મિનિટ માટે તમને ફાવતાં સ્થાનમાં પલાંઠીવાળીને આંખો બંધ કરીને બેસો. તમારા શ્ર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરો અને એને અનુભવો, એ અનુભૂતિને નોંધો. તમારું મન ભટકવા નીકળે (મોટા ભાગે એ ભટકવા નીકળે જ છે) તો નોંધો કે મન ભટકવા નીકળી પડ્યું છે. તમારું ધ્યાન ફરી તમારા શ્ર્વાસોચ્છ્વાસની અનુભૂતિ પર લાવો. ફક્ત ત્રણ મિનિટ માટે આટલું કરો. તમારું ટાઈમર તમને દિવસના બીજા કામો વિશે તમને સાવધ કરશે.


આટલું કર્યા પછી તમને સુખાકારીનો, આનંદનો, ખુશીનો, પ્રસન્નતાનો અનુભવ ન થતો હોય તો તમારી અપેક્ષાઓ ઘટી નથી એમ માની લેવું અને એ દિશામાં કામ કરવું. "સુખનું રહસ્ય ઓછામાં ઓછી અપેક્ષામાં રહેલું છે, એમ અમેરિકન સાઈકોલોજિસ્ટ બૅરિ શ્ર્વાર્ત્ઝે કહ્યું છે. એ પણ ન થાય તો ગાંધીજીએ કહ્યું છે એમ કરો. એમણે કહ્યું છે કે, "તમારું વિચારવું, તમારું બોલવું અને તમારું આચરણ પરસ્પરનાં સુમેળમાં હોય તો તમારે સુખ જ સુખ અને ખુશી હોય છે. હવે તો સુખ એટલે ખરેખર શું, એ સમજાઈ જવું જોઈએ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otm-Pu1TaPsrTvjFzeA20d3sApps-TQTzVeJ3%2Bt1%2B78QA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment