વાજબી કારણોસર રોષનો સ્થાયી ભાવ ધરાવતા ડો. આંબેડકરે ભલે કહ્યું હોય કે મહાત્માઓ ધૂળ ઉડાડતા આવે ને જાય, તેનાથી સમાજને કશો ફ્રક નથી પડતો. વાસ્તવમાં, ફ્રક તો પડે છે. શરત એટલી કે 'મહાત્મા' તરીકે ઓળખાયેલા માણસો બધી માનવીય મર્યાદાઓ સાથે સન્નિષ્ઠ-સત્યનિષ્ઠ-લોકનિંદાથી અલિપ્ત અને જીવ હોડમાં મૂકીને લોકકલ્યાણનું કામ કરનારા હોવા જોઈએ. એવા નામમાં ગાંધીજીની સાથે અને કાળક્રમની દ્રષ્ટિએ તેમની પહેલાં જોતિરાવ ફુલેનું નામ લેવું પડે. ગાંધીજી કરતાં બે પેઢી (૪૨ વર્ષ મોટા) અને ગુજરાતી પાઠયપુસ્તકોમાં ન આવતા ફુલેએ જે જુસ્સાથી સમાજસુધારાનું કામ કર્યું, તે પાઠયપુસ્તકોમાં આવતા બંગાળના-મહારાષ્ટ્રના બધા સુધારકો ઝાંખા પાડી દે એવું હતું. ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને ૨૦૧૮માં ત્રણ શબ્દોનું એક પોસ્ટર હાથમાં પકડવાનું કાઠું પડી ગયું ને સોશિયલ મીડિયામાં રાજ કરતી ટ્વિટર જેવી કંપનીએ નાકલીટી તાણવી પડી. તેનાથી અનેક ગણાં આકરાં નિવેદનો જ નહીં, સુધારાનાં નક્કર કામ જોતિરાવ ફુલેએ પોણા બે સદી પહેલાં કર્યાં હતાં–અને એ પણ રૂઢિચુસ્તોના ગઢ ગણાતા પૂનામાં.
ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી રહેલા વર્તમાન સમયમાં જોતિબાની કઠણાઈ વિશિષ્ટ છેઃ જન્મે માળી સમાજના જોતિબા દલિતોને સમાનતા અપાવવા ઝઝૂમ્યા, એટલે સ્ત્રીશિક્ષણની પહેલથી માંડીને ધર્મના નામે ચાલતા પાખંડના વિરોધ જેવાં તેમનાં અનેક કામ વિસારે પાડી દેવાયાં. તેમની ઓળખ 'દલિતોના નેતા' તરીકે સીમિત કરી દેવામાં આવી. બાકી, ભારતમાં જેમ ગાંધીજીની સરખામણી ભાગ્યે જ બીજા કોઈની સાથે થઈ શકે, તેવું જોતિબા માટે પણ કહી શકાય. એ બંને પ્રત્યેના પ્રેમાદરને કારણે, તેમની વચ્ચેનાં મારીમચડીને નહીં, પણ સહજતાથી તરી આવતાં સામ્ય પણ નોંધવાનું મન થાય.
ગાંધીજી જેના માટે જીવનભર મથતા રહ્યા એ, તેમના જીવનનું કેન્દ્રબિંદુ એટલે સત્ય. ગાંધીજીના એક અભ્યાસી ટી. કે. મહાદેવને એટલે સુધી લખ્યું હતું કે અનેક વિષયો પરના ગાંધીવિચારને એકસૂત્રે પરોવનાર સત્ય છે. એ ન હોય તો ગાંધીજીના અનેકવિધ વિચાર માળામાંથી છૂટા પડીને વેરવિખેર થઈ ગયેલા મણકા જેવા લાગી શકે. જાહેર જીવનમાં અને પોતાના વર્તનમાં સત્યની પ્રતિષ્ઠા કરવામાં જોતિબા(૧૧ એપ્રિલ, ૧૮૨૭-૨૮ નવેમ્બર,૧૮૯૦) ગાંધીજીના સિનિયર હતા. ગાંધીજી મોહન તરીકે ભાંખોડિયાં ભરતા હશે, ત્યારે જોતિબાએ આચરણમાં તો ખરું જ, પણ પોતાના લેટરહેડના મથાળે 'સત્યમેવ જયતે'નું સૂત્ર મૂક્યું હતું.
ભારતીય પ્રજાજનોની સાચી સ્થિતિ દર્શાવવા માટે ગાંધીજી બ્રિટનના શહેનશાહને મળવા પોતાના રાબેતા મુજબના પોશાકમાં ગયા, તેના ચારેક દાયકા પહેલાં જોતિબા ફુલે શાહી પરિવાર સમક્ષ ગામઠી પોશાકમાં રજૂ થયા હતા. માર્ચ, ૧૮૮૮માં ડયુક અને ડચેસ ઓફ કોનોટ ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે પૂનામાં તેમના માનમાં ભવ્ય મેળાવડો યોજાયો. તેમાં ભપકાદાર માહોલની વચ્ચે જોતિબા ગામઠી પોશાકમાં પહોંચ્યા, ત્યારે તેમને દરવાજે રોકવામાં આવ્યા. દરવાન સાથે રકઝક થઈ. પછી કોઈનું ધ્યાન પડતાં તેમને માનપૂર્વક અંદર લાવવામાં આવ્યા.
બીજા આમંત્રિતો અંગ્રેજભક્તિમાં મશગૂલ હતા, ત્યારે જોતિબાએ ડયુકને સંબોધીને કહ્યું હતું, 'અહીં બેઠેલાં લોકો રાણી વિક્ટોરિયાશાસિત ભારતના નાગરિકોના ખરા પ્રતિનિધિ નથી. ખરું ભારત ગામડાંમાં વસે છે, જ્યાં સેંકડો લોકો પાસે શરમ ઢાંકવા પૂરતાં પણ કપડાં નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છાપરું નથી ને ગજવામાં ફૂટી કોડી નથી…આપનાં માતાજી રાણી વિક્ટોરિયાને કહેજો કે તેમની પ્રજા અત્યંત ગરીબીમાં જીવી રહી છે અને તેને શિક્ષણની બેહદ જરૂર છે.' 'ખરું ભારત ગામડાંમાં વસે છે' એવું જોતિબાએ અંગ્રેજ શાસકોને કહ્યું હતું. ગાંધીજીના ભાગે એ જ વાત પોતાના દેશવાસીઓને સમજાવવાનું આવ્યું.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે મીર આલમ નામના એક પઠાણે અધકચરી સમજણ અને ઉશ્કેરાટમાં તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાચી સ્થિતિ સમજાતાં એ જ માણસ ગાંધીજીનો સાથી બન્યો. એક સભામાં ગાંધીજી પર હુમલો થવાની સંભાવના હતી, ત્યારે મીર આલમ ખુલ્લી સભામાં 'ગાંધીભાઈ'ના બચાવમાં ઊભો રહી ગયો. તેના થોડા દાયકા પહેલાં જોતિબાએ સત્યનારાયણની કથાના નામે ચાલતી પાખંડી પ્રવૃત્તિની ટીકા કરતું એક નાટક લખ્યું હતું. તેનાથી પૂનાના કેટલાક બ્રાહ્મણો એટલા ઉશ્કેરાયા કે તેમણે ગરીબ અને નીચલી ગણાતી જ્ઞાતિના બે જણને રૂપિયાની લાલચ આપીને જોતિબાની હત્યાનું કામ સોંપ્યું.
હત્યારાઓ મધરાતે જોતિબાના ઘરમાં દાખલ થયા, પણ ખખડાટ થતાં જોતિબાની આંખ ખુલી ગઈ. તેમણે નિર્ભયતાથી પૂછયું, એટલે હત્યારાઓએ કહ્યું કે એ લોકો તેમને મારવા આવ્યા છે ને બદલામાં તેમને રૂપિયા મળવાના છે. મારવા આવનારા નીચલી ગણાતી જ્ઞાતિના છે, એ જાણ્યા પછી જોતિબાએ સામેથી પોતાની ગરદન ઝુકાવી અને કહ્યું, 'મારા મૃત્યુથી તમને ફયદો થતો હોય તો મારું માથું હાજર છે.' એ સાંભળીને બંને મારાઓ ખોડાઈ ગયા. પછી જોતિબાના પગમાં પડયા અને કહ્યું કે 'તમે હુકમ આપો. અમે કામ સોંપનારાને જ ખતમ કરી નાખીએ.' ત્યારે જોતિબાએ આપેલો જવાબ પછીના દાયકાઓના ગાંધીજીની યાદ તાજી કરાવે એવો છે. તેમણે કહ્યું, 'એ લોકો શું કરી રહ્યા છે એની તેમને ખબર નથી. ભગવાન તેમને લાંબું આયુષ્ય આપે. અત્યારની ઘટના વિશે એ લોકોને તમે કંઈ કહેશો નહીં.'
પત્નીને સાથે રાખવાની બાબતમાં જોતિબા ગાંધીજી કરતાં પણ બે ડગલાં આગળ રહ્યા. તેમણે પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં, સમાજનો વિરોધ વેઠીને સ્ત્રીઓ તથા દલિતો માટેની નિશાળના કામમાં સાથે રાખ્યા, એ માટે પિતાનું ઘર છોડવાનો વારો આવ્યો તો એ પણ વિના ખચકાટે છોડયું. કસ્તુરબાની જેમ (અને તેમના કરતાં વધારે સક્રિયતાથી) સાવિત્રીબાઈ આજીવન પતિનાં સહચરી બની રહ્યાં.
ગાંધીજી ધીમી ધારે અને રૂઢિચુસ્તો પર ઉગ્રતાપૂર્વક પ્રહાર કરવાને બદલે સમજાવટથી સુધારામાં માનતા હતા, જ્યારે જોતિબા લેખન અને વર્તન દ્વારા બ્રાહ્મણવાદી માનસિકતા પર સીધા અને આકરા પ્રહારો કરતા હતા. ડો. આંબેડકરની જેમ જોતિબાના મિત્રો-શુભેચ્છકોમાં રૂઢિચુસ્ત-ભેદભાવગ્રસ્ત માનસિકતાથી મુક્ત એવા બ્રાહ્મણો પણ હતા. ફુલે-આંબેડકરનો વિરોધ બધા બ્રાહ્મણો સામે નહીં, બ્રાહ્મણોની સર્વોપરિતામાં રાચતી ને બીજા લોકોને નીચા ગણતી માનસિકતા ધરાવનારા સામે હતો. એમ તો ગાંધીજીએ પોતાની પૂરેપૂરી ધાર્મિકતા જાહેર કર્યા પછી એકેય જાહેર કામમાં મુહૂર્ત-ચોઘડિયાં જોવડાવ્યાં હોય કે વિધિવિધાન-કથાઆખ્યાન કરાવ્યાં હોય કે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પોષી હોય એવું જાણમાં નથી.
જોતિબાને કે આંબેડકરને ગાંધીજીની સામે મૂકીને છેદ ઉડાડવાને બદલે, તેમને સાથે મૂકીને ભેદભાવના વિરોધનો સરવાળો કે ગુણાકાર ન થઈ શકે?
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ouhaj6aqKw_CxQ9ZbvDA2voF4DX7TYM7VJ5RJeOHOD8qw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment