ફ્રાન્સના બર્નાડ આર્નોલ્ટે ફક્ત દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર યુરોપ તથા અમેરિકા, ચીન સહિત વિશ્ર્વના અન્ય દેશોમાં લક્ઝરી બ્રાન્ડની ઈમેજ બનાવી. બાંધકામ - રિયલ એસ્ટેટના બિઝનેસથી પ્રારંભ કર્યા બાદ અનેક ઉતાર-ચઢાવ વચ્ચે કેવી રીતે વિશ્ર્વવિખ્યાત થયા તે જાણવું રસપ્રદ થશે. જોખમી અને સાહસિક પગલાં લેવામાં તેમને આનંદ આવતો હતો. ફ્રાન્સની દેવાળિયાં ટેક્સટાઈલ કંપની ખરીદીને તેને મજબૂત કરી.
૩૬માં વર્ષે વિશ્ર્વભરનું ધ્યાન ખેંચે તેવા પગલાં લીધાં. લક્ઝરી બ્રાન્ડની કંપની એલબીએમએચમાં રોકાણ વધારતા રહીને મોટા શેરધારક અને માલિક બન્યા. ફક્ત દશ વર્ષમાં આ કંપનીને વિશ્ર્વની સૌથી મોટી મલ્ટિનેશનલ લક્ઝરી ગૂડ્ઝ કંપની બનાવી.
વિશ્ર્વની ચોથી શ્રીમંત વ્યક્તિ તરીકે સ્થાન મેળવ્યું. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ તેમની કામગીરીથી પ્રભાવિત થઈને તેમને વિશ્ર્વના ગ્રેટમેન ગણાવ્યા. ફ્રાન્સમાં જ્વલંત સફળતા મેળવનાર આર્નોલ્ટે બે વાર દેશ છોડવાનો પ્રયાસ કર્યો, જેમાં નિષ્ફળ રહ્યા. ફ્રાન્સમાં રાજકીય કારણોસર તેમણે અમેરિકામાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો હતો. જોકે તે પાછા સ્વદેશ ફર્યા હતા. બીજી વાર બેલ્જિયમ જવાનો વિચાર કર્યા બાદ નિર્ણય બદલ્યો હતો. બર્નાડ આર્નોલ્ટનો જન્મ ફ્રાન્સના રૂબેક્ષમાં ૫ માર્ચ, ૧૯૪૯માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ રૂબેક્ષની સ્કૂલમાં લીધા બાદ ઈકોલ પોલિટેક્નિકમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. પરિવારની આર્થિક સ્થિતિ એકંદરે સારી હતી. પિતાની ફેરેટ સેવીનેલ નામે સિવિલ એન્જિનિયરિંગની કંપની હતી.
બર્નાડ ગ્રેજ્યુએટ થયા બાદ ૨૧માં વર્ષે પિતાની કંપનીમાં જોડાયા. ચાર-પાંચ વર્ષ કામ કરીને બિઝનેસ શીખ્યા. તેમના લોહીમાં જ બિઝનેસ હતો. તેમનું સ્વપ્ન નવી ઉડાન ભરવાનું હતું. યુવા વયથી જ તેમણે કંપનીની વૃદ્ધિ-વિસ્તરણ માટે આયોજન કરવા માંડ્યું હતું. રિયલ એસ્ટેટ તે સમયે તેજીમાં હતો. તેમણે આ ક્ષેત્રે વળવા પિતાને સમજાવ્યા. પિતાની કંપનીમાં ૧૯૭૪માં ડિરેક્ટર, ૧૯૭૭માં સીઈઓ બન્યા બાદ ૧૯૭૮માં પિતાના સ્થાને પ્રમુખ બન્યા. ફક્ત છ વર્ષમાં ઉચ્ચ હોદ્દા પર આવી ગયા.
૧૯૮૧-૮૨માં ફ્રાન્સમાં રાજકીય ચિત્ર બદલાયું, ત્યાં સમાજવાદી વિચારધારાની સરકાર આવી. એટલે આર્નોલ્ટ સહિતના અમીર બિઝનેસ વર્ગ પર વેરાબોજ વધવાની સાથે અન્ય મુશ્કેલી વધી ગઈ. સરકાર તરફથી હેરાનગતિ પણ વધી તેથી તેઓ પરિવાર સાથે અમેરિકાના ફ્લોરિડામાં શિફ્ટ થયા, ત્યાં તેમણે ત્રણ વર્ષમાં સારી પ્રગતિ કરી. આ બાજુ ફ્રાન્સમાં રાજકીય ચિત્ર ફરી બદલાયું. સરકારે ઉદારીકરણ વલણ અપનાવ્યું અને ઉદ્યોગપતિઓને આવકાર્યા તેથી આર્નોલ્ટ ફ્રાન્સ પરત ફર્યા.
૧૯૮૫ બાદ તેમણે સાહસિક પગલાં લેવાના શરૂ કર્યા. દેવાગ્રસ્ત ટેક્સટાઈલ કંપની બોસેક જેની પાસે ક્રિસચન ડાયોરની માલિકી હતી. આ કંપનીને કોઈ બચાવે તે માટે ફ્રાન્સ સરકારે પ્રયાસ કર્યા તેના પ્રતિસાદરૂપે આર્નોલ્ટે મોટી કંપનીમાં ખરીદી માટે રસ દર્શાવ્યો. સમયાંતરે આ કંપનીમાં અંકુશ મેળવી લીધો. આ કંપનીને સ્ટેબલ કર્યા બાદ અમુક હિસ્સો વેચી નાખ્યો.
૧૯૮૫માં ક્રિસચન ડાયોરમાં સીઈઓ બન્યા. ત્યારબાદ લૂઈસ વુઈટોન અને મોએટ હેનેસી (એલવીએમએચ) કંપનીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. બે વર્ષમાં ૪૩.૫ ટકા શેરમાલિકી સાથે આ કંપનીમાં અંકુશ મેળવી લીધો. આ કંપનીમાં ૧૯૮૯માં ચેરમેન બન્યા. સીઈઓ પણ તેઓ જ છે.
બે કંપનીના મર્જર બાદ અસ્તિત્વમાં આવેલ એલવીએમએચ હાલ વિશ્ર્વની સૌથી મોટી મલ્ટિનેશનલ લક્ઝરી ગૂડ્ઝ કંપની ગણાય છે. તેમના ગ્રુપમાં વિશ્ર્વવિખ્યાત ૭૦ બ્રાન્ડનું પ્રભુત્વ છે, જેમાં પરફ્યુમ, જ્વેલરી, વૉચ, કોસ્મેટિક, ફેશન વૅર સહિત અનેક આઈટમ છે.
લૂઈસ ગ્રુપે યુરોપ, અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્ર્વના અનેક દેશમાં પાંખ ફેલાવી છે. હાલ બધું મળીને ૨૪૦૦ રિટેલ સ્ટોર છે અને ૮૩૦૦૦ કર્મચારી છે.
જાપાનમાં સૌથી સારું વેચાણ થાય છે. જાપાનની ૮૫ ટકા મહિલા લૂઈસ પ્રોડક્ટને પસંદ કરે છે. એલવીએમએચ વૉલમાર્ટ બીજા નંબરના મોટા રિટેલ સુપર માર્કેટ લીડર ગણાય છે. આ ગ્રુપના પ્રમુખ બન્યા બાદ આર્નોલ્ટે અમેરિકામાં બે મોટા યુનિટ ઊભા કર્યા. તેઓ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. તેઓ આર્નોલ્ટની પ્રગતિ અને સાહસથી પ્રભાવિત થયા હતા. ડોનલ્ડ ટ્રમ્પે તેમને વિશ્ર્વના ગ્રેટમેન ગણાવ્યા છે.
એલવીએમએચમાં જામી ગયા બાદ તેમણે અનેક કંપની હસ્તગત કરવા માંડીને તેમનું સામ્રાજ્ય વિશાળ બનાવ્યું, જેમાં મોટી પરફ્યુમ કંપની, વૉચ-જ્વેલરી બ્રાન્ડ, ઈટાલિયન જ્વેલરી બ્રાન્ડ બલ્ગેરી તથા થોમસ પીન્ક, સેફિરાનો સમાવેશ છે. અમુક કંપની હસ્તગત કર્યા બાદ નિષ્ફળતા પણ મળી, ખોટ પણ સહન કરવી પડી. ૧૯૯૮-૨૦૦૧ દરમિયાન અનેક વેબ કંપનીમાં રોકાણ કર્યું. ફ્રાન્સનું આર્થિક અખબાર ટ્રિબ્યૂન ખરીદીને થોડા વર્ષ બાદ વેચી નાખ્યું. બિઝનેસમાં સફળતા મેળવનાર અખબાર ક્ષેત્રે પણ સફળ થાય એવું ભાગ્યે જ બને છે.
પિતાની કંપનીનું નામ ફેરેટ સેવીનલનું નામ બદલીને ફેરીનેલ કર્યું હતું અને હોલીડે રિસોર્ટ બનાવવા માંડ્યા હતા. ફ્રાન્સની લક્ઝરી બ્રાન્ડ ચેનલ ખરીદવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
૧૧ વર્ષમાં એલવીએમએચની માર્કેટ વેલ્યૂ ૧૫ ગણી વધી છે. વેચાણ-નફો નોંધપાત્ર વધ્યા છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, વોરેન બફેટ, સ્ટીવ જોબ, જેફ બેઝોસની હરોળમાં આર્નોલ્ટ આવી ગયા હતા.
કોસ્મેટિક, પરફ્યુમ, ફેશન સહિતની લક્ઝરી બ્રાન્ડમાં આ ગ્રુપનું આગવું નામ છે. આર્નોલ્ટ ફક્ત ફ્રાન્સના જ નહીં યુરોપના શ્રીમંત વ્યક્તિ ગણાય છે. યુરોપના ફેશન મોડલનું નામ અપાયું છે. ફોર્બ્સની યાદી પ્રમાણે વિશ્ર્વની ચોથી મોટી અમીર વ્યક્તિનું સ્થાન મેળવી ચૂક્યા છે.
એક તબક્કે તેઓ વિશ્ર્વની ટોપ ટેનની યાદીની બહાર થઈ ગયા હતા. બાદમાં ૮૦ અબજ ડૉલરની સંપત્તિ સાથે ટોપ પાંચમા આવી ગયા હતા. વિશ્ર્વવિખ્યાત કંપની ઝારા કરતાં તેઓ આગળ નીકળી ગયા હતા. આર્નોલ્ટે વિશાળ ગ્રુપને ડીસેન્ટ્રલાઈઝડ કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે અનેક ઉતાર-ચઢાવ જોયા, નિષ્ફળતાનો સામનો પણ કર્યો. તેમ અનેક કાનૂની કેસનો સામનો કર્યો. અમુકમાં જીત્યા પણ ખરાં. ૨૦૦૪માં પડકારોનો સામનો કર્યો હતો. ટૂરિસ્ટોનું પ્રમાણ ઘટતા લક્ઝરી માર્કેટે સંઘર્ષના દિવસો પણ અનુભવ્યા હતા. ૨૦૦૮ની વૈશ્ર્વિક નાણાકીય કટોકટીનો સામનો પણ કર્યો હતો. ૧૯૮૭માં એલવીએમએચના શેરભાવ તૂટ્યા ત્યારે તેમણે સાહસ કરીને મોટા પ્રમાણમાં ખરીદી લીધા હતા અને બે વર્ષમાં મોટા શેરધારક બની ગયા હતા, ત્યારબાદનું ચિત્ર આપણી નજર સામે છે.
તેમને આર્ટ કલેક્શનનો સૌથી વધુ શોખ રહ્યો છે તેથી તેમણે વિશ્ર્વવિખ્યાત આર્ટિસ્ટ/પેઈન્ટિંગના ખાં એવા પાબ્લો પિકાસો, હેન્રી મૂર, એન્ડી વોરહોલ, ડેમાઈન હર્સ્ટ સહિત અનેકના આર્ટ્સ ભેગા કરીને એક વિશાળ આર્ટ કલેક્શન સેન્ટર બનાવ્યું છે. તે ઉપરાંત પેરિસમાં સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું છે. ૧૩૫૦ લાખ ડૉલરના ખર્ચે લૂઈસ વુઈટન મ્યુઝિયમ ઊભું કર્યું છે, જે જોવા/માણવાલાયક છે. આર્નોલ્ટ પોતાને ફ્રેન્ચ હેરીટેજ-સંસ્કૃતિના એમ્બેસેડર માને છે.
આજે ઈ-મેઈલ ઈન્ટરનેટનો જમાનો છે, પરંતુ તેઓ ઈ-મેઈલનો ઉપયોગ કરતાં નથી. ફોન/મોબાઈલથી ઑફિસનું કામ ચલાવે છે અને તેનાથી મોટી બિઝનેસ સફળતા પણ મેળવી છે.
તેમના ગ્રુપમાં નવી ટેલન્ટને ભરતી કરતા રહે છે. તેમની અપેક્ષા પ્રમાણે જે કર્મચારી કામ કરતાં નથી તેમને તુરત છૂટા કરે છે. તેઓ બિઝનેસ જગતમાં કડક ટાસ્ક માસ્ટર ગણાય છે. બર્નાડ આર્નોલ્ટનું એલવીએમએચ ફાઉન્ડેશન અનેક પરોપકારી પ્રવૃત્તિ કરે છે. ઊભરતા સંગીતકારોને લોન ઉપરાંત અન્ય તમામ મદદ કરે છે. મેડિકલ રિસર્ચ - હૉસ્પિટલ સેવા તથા બાળકોની સુરક્ષા - આરોગ્ય વિશેના પ્રોજેક્ટમાં મદદ કરે છે. સ્ટાર્ટ અપના સાહસિકોને ઊભા કરવામાં ટેકો આપે છે. તેમના ગ્રુપના બોર્ડમાં મહિલાઓને વધારે પ્રતિનિધિત્વ આપે છે. આર્નોલ્ટની આત્મકથાના પુસ્તકે સૌથી વધુ વેચાણ કર્યું હતું. તેમણે યાટ (નૌકા) બિઝનેસમાં મોટું રોકાણ કર્યું છે. ત્રણ યાટની માલિકી ધરાવે છે. બહામાસમાં ૧૩૩ એકરના ઈન્ડીગો ટાપુની માલિકી તેઓ ધરાવે છે. જોખમી સાહસ કરવામાં તેમને આનંદ આવે છે. તેમણે ફ્રાન્સ છોડી દેવાનો બે વાર પ્રયાસ કર્યો હતો. એક વાર અમેરિકામાં ત્રણ વર્ષ માટે શિફ્ટ થયા હતા, પરંતુ પછી ફ્રાન્સ પરત ફર્યા હતા. થોડા વર્ષ બાદ બેલ્જિયમનું નાગરિકત્વ મેળવવા અરજી કરી હતી, જેનો વિરોધ-વિવાદ થયા બાદ અરજી પાછી ખેંચીને જાહેરાત કરીને જણાવ્યું હતું કે તેઓ ફ્રાન્સ ક્યારે પણ છોડશે નહીં. તેમણે બે વાર લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન ૧૯૭૩માં કર્યા હતા જે ૧૭ વર્ષ ટક્યા હતા. બાદમાં ૧૯૯૧માં બીજા લગ્ન કર્યા હતા. તેમના પિતા, પત્ની તથા પુત્ર તમામ પિયાનીસ્ટ રહ્યા છે. હાલ તેમનાં સંતાનો ગ્રુપનું સંચાલન કરી રહ્યાં છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3D0Uw%3DiHXYfOO_PssZUYB1BFaZdfhbs3WgTcUGRSi4zQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment