ગુજરાતી હોવાનો ગર્વ લઈએ એ ખરેખર ગર્વની વાત છે, ગુજરાતીઓને વેપાર માટે આખું વિશ્વ ખેડવાની સાહસિકતા ગળથૂથીમાં જ મળી જાય છે. એટલે જ દુનિયાનો કોઈ દેશ એવો નથી જ્યાં ગુજરાતી ન પહોંચ્યા હોય અને સમૃદ્ધ ન થયા હોય! ગર્વ લેવા જેવી આપણી બીજી ખૂબી છે જગતનો ખૂણેખૂણો ખૂંદી લેવાનું ઝનૂન! આ ઝનૂન ગજબ છે. વિશ્વના કોઈપણ પર્યટન સ્થળે જાઓ તમને ઓછામાં ઓછો એક ગુજરાતી અચૂક જોવા મળી જશે. આપણા દેશમાં પણ સૌથી વધુ પ્રવાસ ખેડનાર પ્રજા ગુજરાતી છે. એટલા માટે જ દક્ષિણના રાજ્યોમાં જ્યાં ઘઉં જોવા મળતા નથી, ત્યાં પણ ઘઉંની રોટલીઓ મળતી થઈ ગઈ છે. થેપલા અને ખાખરાના પેકેટ મળતા થઈ ગયા છે. માત્ર ભારતના રાજ્યોમાં જ નહીં યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન કે ચીનમાં પણ ગુજરાતીઓને અનુકૂળ આવે એવી વાનગીઓ પીરસવાની શરૂઆત થઈ ચૂકી છે. આપણો સૂકો નાસ્તો આપણું આઈડી પ્રૂફ બની ગયું છે. અત્યારે દિવાળીના તહેવારોમાં પણ જાતજાતના ટૂર પેકેજની જાહેરાતો જોશો તો એમાં લખ્યું હશે, સીડનીમાં ખમણ અને પેરિસમાં પાત્રા ગુજરાતી ભોજન સાથે વિશ્વની યાત્રા!
આવું બધું જોઈને ગર્વ થાય છે. કોઈને પણ થાય જ!
સાથે જ થોડી ગ્લાનિ પણ થાય છે. વિષાદ પણ થાય છે. આપણે તો આખા વિશ્વમાં પહોંચી ગયા, પરંતુ આખું વિશ્વ આપણું ગુજરાત જોવા આવે એવું આપણે શું કર્યું? અમિતાભ બચ્ચને સમગ્ર વિશ્વને આમંત્રણ આપી દીધું, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં…! માનો કે એ વાત માનીને કોઈ વિદેશી ગુજરાત આવી જાય તો એને યાદ રહી જાય એવું કયું પર્યટન સ્થળ છે આપણી પાસે? ગીરનું જંગલ, ઈડરિયો ગઢ, સોમનાથનું મંદિર, માંડવીનો દરિયાકિનારો, સાપુતારાની પર્વતમાળા, પોલો ફોરેસ્ટ વગેરે…! આવા બધા સ્થળોની મુલાકાત લેવાની, માંડવીમાં પીઝા અને સાપુતારામાં બર્ગર…! એવી જાહેરખબરો વિદેશી અખબારોમાં ક્યારે છપાશે?
ગુજરાતની ઉપર જણાવેલી જાણીતી જગ્યાઓમાંથી કઈ કઈ જગ્યાએ તમે ગયા છો? એ જગ્યાએ તમે વિદેશ ફરી આવ્યા અને જોઈ આવ્યા એવી કઈ કઈ સગવડો જોવા મળે છે? ધાર્મિક સંસ્થાન સાથે સંકળાયેલા સ્થળોએ પ્રમાણમાં થોડી વધારે સગવડ છે, પરંતુ સરળતા, સ્વચ્છતા, મોકળાશ ખરી? બાકીના સ્થળોએ તો પૂરતી સગવડ જ નથી! વાહનવ્યવહાર માટે રોડ-રસ્તા કેવા?
સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા રાજયમાં આવીને વિદેશી નાગરિકને દરિયાકિનારે ફ્રવા આવવાનું આકર્ષણ થાય એવા સ્થળ કેટલા? દીવ અને દમણ વિકસિત ખરા પણ તેમની ગણના ગુજરાતમાં નથી થતી. એ યુનિયન ટેરીટરીમાં આવે. ગુજરાતમાં માધવપુરનો દરિયાકિનારો, પાટડીનું રણ, સોમનાથ-પોરબંદર-દ્વારકા કોસ્ટલ હાઈ-વે, મીની આફ્રિકા લાગતું જાંબુર, જામનગરનો મરીન પાર્ક વગેરે સ્થળો અજોડ ખૂબીઓ ધરાવે છે. એને સરસ વિકસાવીને વિશ્વના પ્રવાસીઓ સામે મૂકવાની જરૂર છે. તો દેશવિદેશના પ્રવાસીઓ ખરેખર ખુશ્બૂ ગુજરાત કી માણી શકે, કુછ દિન ગુજરાતમાં વીતાવી શકે!
અત્યારે તો હોટેલ ઇન્ડસ્ટ્રીના આંકડા કહે છે કે ગુજરાત આવનાર મોટાભાગના ટૂરિસ્ટ ગુજરાતમાં સેમિનાર, બિઝનેસ મિટિંગ, સ્પર્ધાત્મક પરીક્ષા અથવા ટ્રેનિંગના હેતુથી આવે છે. માત્ર એક-બે દિવસ રોકાય છે અને જતા રહે છે. એમની મુલાકાત માત્ર મોટાં શહેરોની જ હોય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા વિકસાવી હોય તો હોટેલવાળા એમને ગુજરાતના ખાસ ખાસ સ્થળો જોવા જેવા છે…! કહીને પ્રોત્સાહિત કરી શકે! આખા જગતમાં ગુજરાતીઓ પહોંચી ગયા, હવે આખા જગતને ગુજરાત આવવું પડે એવું કશુંક કરવાની જરૂર છે. વિશ્વમાં ક્યાંય ન હોય એવી વિરાટ સરદાર વલ્લભભભાઈ પટેલની પ્રતીમા નિશંકપણે એવું જોરદાર આકર્ષણ સર્જશે. પરંતુ માત્ર એક જ આકર્ષણથી કામ નહીં ચાલે બીજા સ્થળો પણ વિકસાવવા જરૂરી છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot1YkEGiE%2BVpUa0hMzCgaN5ha7ymRPRav5Drb1HWK6QTw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment