Thursday, 4 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તુમને ઇશ્ક કા નામ સુના હૈ, હમને ઇશ્ક કી આહેં (gUJARATI)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તુમને ઇશ્ક કા નામ સુના હૈ, હમને ઇશ્ક કી આહેં!
જય વસાવડા
 


આખો સમાજ અકથ્ય ઘુટન, પ્રશ્નો અને મુંઝવણમાં પીસાય છે. જેમ તેમ કરી એડજેસ્ટમેન્ટ ની મથામણ કરે છે.
 


આ જે છોકરીઓને બંધનો ફગાવી બિન્દાસ થઈને જીવવું છે. ઘરના મેમ્બર્સ એને સમજી નથી શકતા હોતા. શરમ કરે એ સ્યુસાઇડ કરે એવો એમનો એટીટયુડ હોય છે.
 

એમને સીધી લીટીના વેલ સેટલ્ડ ભણેલા છોકરાઓ પછી અંકલ જેવા પકાઉ લાગે છે. એમને સ્ટાઈલિશ કૂલ ગાયઝ ગમે છે, એમની કરિઅરની ક્લેરિટી નથી હોતી. એ વળી કમિટમેન્ટ ફોબિક હોય છે.
 

ખ્યાલ આવે છે કે આની સાથે તો આગળ જીવનનો પ્રવાસ ઉબડખાબડ છે. પણ વળી મસ્તી માણવાની મજા એમની દીવાનગીમાં આવે છે. એમની સોબતમાં હોર્મોન્સ હિલોળા લે છે. તર્ક બંધ થાય છે ને તન કસમસાય છે.
આપણે ત્યાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં જેના ઉઘાડેછોગ વર્ણન થયા એ દૈહિક આકર્ષણના કાર્નેલ લવની આભડછેટીયો સમાજ ચર્ચા જ નથી કરતો. સેકન્ડોમાં શાંતનુને સત્યવતી માટે દીકરાની વારસદારી મૂકાવીને જે થાય, જેના માટે એવી જ રીતે પલવારમાં ઋષિ પરાશરને ય થયેલું એ કામુક આવેગનો હણહણતા ઘોડાની જેમ આવતો ઉછાળો.

 

આપણે ત્યાં વિક્ટોરિયન- ઇસ્લામિક- શ્રમણ- મરજાદી અભિગમમાં એ કુદરતે મુકેલ સેક્સ તો રહયો જ. ને કાયમ જીત્યો જ. પ્રકૃતિ સામે માણસ પામર જ હતો, છે અને રહેશે. પણ એની મોકળાશ જતી રહી.
 

ધીરે ધીરે આવે છે, પણ સંસ્કૃતિ અને મર્યાદાની દંભી વ્યાખ્યાઓના નકાબ- ઓઢેલાઓને એમનું ઝડપી લીધેલું પૂંછડુ સમાજ સામે છોડવું નથી હોતું. જો કે, ફટાફટ ભાગતી જનરેશન હવે 'દુનિયા જાય તેલ લેને, એશ તુ કર'ના 'હુ કેર્સ'વાળા નફકરા અભિગમમાં આવી ગઈ છે.
 

ત્યારે આવા શારીરિક કાર્નેલ લવ, જેના ચિત્રણ તો મુનશીની નવલકથા અને નરસિંહની કવિતામાં ય છે - એ બાબતે પ્યોર સાયન્ટિફિક ટ્રુથ જરાક વાંચો. અમેરિકામાં ટ્વિન્કલ ખન્નાની જેમ વર્ષોથી સ્માર્ટ હ્યુમરવાળી કોલમમાં પોતાના ઓબ્ઝર્વેશન માટે ફેમસ એવા સેલિબ્રિટી લેખિકા છે
 

સિન્થિયા હેમેલ. રિલેશનશિપ એક્સપર્ટ પુસ્તકો ય છે એમના. એમનું એક જેની પાચનશક્તિ સારી હોય એમને જ માફક આવે એવું ક્વોટ છે એનો ય જરાક ચતુરાક્ષરી 'એફ વર્ડ' ગાળીને કરેલો અનુવાદ વાંચો : ''માણસનું મુખ્ય કામ છે સેક્સ. સમાગમ. જીવનો આ જ મુખ્ય હેતુ છે. (જીવનની શરૃઆત જ ત્યાંથી થાય છે!) અને આપણી બધી જ બીજી એક્ટિવિટીઝ જેમ કે વાજુ વગાડવું, ગીતો ગાવા, ફરસ પર પોતા કરવા, ચાદર પાથરવી, રહસ્યકથાઓ વાંચવી, ચોકલેટ કેક ખાવી (આ લિસ્ટ તો લંબાવી જ શકાય... નેટફ્લિક્સ પર સિરિયલો જોવી, ક્રિકેટ રમવું, પોલિટિક્સની ચર્ચા કરવી, હોસ્પિટલે જવું, ભણાવવું, વગૈરાહ વગૈરાહ...) -

 

આ તમામ પ્રવૃત્તિઓ ખરેખર તો બીજી વાર તમે શય્યાસુખ માણી શકો એ વચ્ચે ટાઇમપાસ કરવાની રમતો છે! પીપલ આર સપોઝ્ડ ટુ...''
 

આ ખાલી જગ્યા ભરી શકો, એટલા તો બધાના દિમાગો ભરાયેલા છે જ. પણ આ મુદ્દે ખૂલીને ઝટ વાતો નથી થતી. હવે જો કે જનરેશન ચેન્જ થઈ છે નવી પેઢીને સતત પાછળ પડીને છેડતી કરનારા કે પરાણે બળજબરીથી છેતરપિંડી કે દબાણથી બળાત્કાર કરનારા નથી જ ગમતા પણ ઘણાખરાને જેને ભોગવિલાસ કહી તુચ્છકારવામાં આવી એવી મજાઓ માણવી ગમે જ છે.


મુખ મેં રામ, બગલ મેં છોરીની લોટાગીરી કરનારી આ જવાન જનરેશન નથી. એમને લાઇફ એની વસંતમાં હોય ત્યારે પાનખર પહેલા જીવી લેવી હોય છે. એમની 'પ્યાર'ની વ્યાખ્યા ભલે 'મનમર્ઝિયા' ફિલ્મની લેખિકા કનિકા ઢિલ્લોંએ લખ્યું એવી 'ફ્યાર' (ફ્યાર એટલે પેલા ચતુરાક્ષરી એફ વર્ડ પ્લસ પ્યાર, સંધિ યુ નો!) થતી હોય - એ નશામાં ય એ લોકો સૂધબૂધ ખોઈ નાખે છે.
 

અલબત્ત એની ય એક ઉંમર હોય છે. હોર્મોન્સના વેગીલા વેવ્ઝ હિલોળા લઈ ઘુમરાતા હોય એવી જવાની. કોઈના માટે એ કાળ નાનો હોય, કોઈના માટે મોટો. પણ હોય જ નહિ એવું કહેનાર તો કાં મૂરખ, કાં ખોટો!
 

'મનમર્ઝિયાં' આમ તો પ્રોડયુસર આનંદ એસ. રાયની 'તનુ વેડ્સ મનુ'નું જ વધુ એક વર્ઝન છે. એમાં નાયિકા તાપસી પન્નુ એક્ઝેટ તબુના જ કેરેક્ટરમાં છે પણ અનુરાગ કશ્યપની ટ્રીટમેન્ટને લીધે એમાં ઘણા સટલ પંચીઝ આવે એ જોવાનો જલસો પડે છે, પણ કેવળ સુજ્ઞા ધૈર્યવાન ભાવક હોય એમને જ!
બાકી રિચાર્ડ લિન્કલેટરની 'બિફોર' સીરિઝને ટ્રિબ્યુટ હોય એવો ક્લાઇમેક્સનો એન્ડ સીન પણ ઘણાખરા દર્શકો માટે આઠમાની પરીક્ષામાં ટી.વાય.ના પેપર જેવો નીવડયો છે. એક રોમકોમને છાજે એવું યાદગાર મેલોડિયસ મ્યુઝિક આપવામાં વધુ એકવાર સરિયામ નિષ્ફળ નીવડેલા ઓવરરેટેડ અમિત ત્રિવેદીના રિજેક્શનનો વધુ એક પુરાવો એનો બોક્સ ઓફિસ પર ધબડકો છે.

 

બાકી, એકની એક વાર્તા શું - સાવ વાર્તા જ ન હોય એવી 'આશિકી' કે 'બેવફા' કે 'ધડકન' જેવી ફિલ્મો કેવળ કર્ણપ્રિય સંગીતને લીધે જ નહોતી ચાલી ગઈ?
 

જેમ ઘણાં હથોડાને હાથકંકણ સમજનારાઓને આ અમિત ત્રિવેદીની ટીકા નહિ ગમે, એમ જ ફિલ્મની બીજી વિક લિંક વિશે ય એ સંમત નથી થવાના. એ છે વિકી કૌશલ. જાવેદ જાફરી '૮૦ના દાયકામાં ભજવતો એવું કેરેક્ટર કરવામાં એણે જાત નીચોવી ને એ બધું બરાબર.
 

પણ સમહાઉ એનું કેરેક્ટર અધવચ્ચે કેરિકેચર થઈ જાય છે, અને વિકીમાં રો પેશનનો એ નેચરલ ચાર્મ નથી, જે 'રહેના હૈ તેરે દિલ મેં'ના માધવન કે 'હમ દિલ દે ચૂકે સનમ'ના સલમાનમાં હતો. એને લીધે ઇન્ટરવલ સુધીમાં આવું બધું ન સમજતો દર્શક પણ એના પાત્ર સાથે કનેક્ટ થતો બંધ થવા લાગે છે.
એને ચીઅર નથી કરી શકતો. કારણ કે એનો કાર્નેલ લવ- ન્યુસન્સ ને એના કન્ફ્યુઝન ઇરિટેટિંગ થઈ જાય છે. આ સાથે જ લવ ટ્રાયેંગલની કોન્ટેસ્ટ અડધી ફિલ્મે પૂરી થઈ જાય છે. માટે સેકન્ડ હાફ લથડિયા ખાતો લાગે છે. કારણ કે ત્રિકોણ બે છેડાવાળી રેખા બની જાય છે, પછી એના બે બિંદુઓ વચ્ચે ઓગળતું અંતર કેમ વર્તુળ રચે એ જ જીજ્ઞાાસા બાકી રહે!

 

એની વે, ફિલ્મ તો ય જોવા જેવી લાગી. ઘણા વખતે લવ પર થોડાક વિચારો વગર કહ્યે મૂકાય તેવી. ઓબ્ઝર્વ કરો તો ઇશ્કવાલા લવ અને સેક્સવાલા લવની થીમ એમાં આવ્યા જ કરે છે. (આગળ ઉપર નાના નાના જરા તરા સ્પોઇલર્સ કહાનીના આવશે પણ લેખની મૂળ થીમ પૂરતા જ) એક સીનમાં પ્રાણીઓમાં મેટિંગ માટેના નર-માદાના આકર્ષણની વાત છે એકમાં - પથારીમાં સહશયન વખતે જોડેના પાર્ટનર સાથે જોડાવાના બદલે મનોમન બીજાને કલ્પવાની ઇન્ટીમેટ સેકસ્યુઅલ ફેન્ટેસીની વાત છે.
 

'સેક્સ, લાઇઝ એન્ડ વિડિયોટેચ'થી 'ક્લોઝર' જેવી ફિલ્મોની છાંટ દેખાય એમાં. જેમાં પાત્રોમાં એક આંતરિક સંઘર્ષ હોય, આવેગો અને લાગણીઓ વચ્ચેનો માણસમાં એનિમલ ઇન્સ્ટિંક્ટસ પણ હોય છે. ભય, ભૂખ, ચીસ, ઉત્તેજના, આકર્ષણ વગેરે અને હ્યુમન ફીલિંગ્સ પણ છે :ક્ષમા, દયા, કરૃણા, ઉદારતા, સંયમ વગેરે. બેઉ વચ્ચે એક તુમૂલ કુરુક્ષેત્ર કાયમ મંડાયેલું રહે છે.
 

'મનમર્ઝિયાં' નામ મુજબ આ દિશામાં ફોક્સ થાય છે. જરાક ખચકાતા અચકાતા, માસ અપીલના અને સેન્સરની કાતરના પ્રેશર સાથે પણ ફૂલ લાઇટ નહિ તો ટોર્ચ લાઇટ તો ફેંકે જ છે. ઓસ્કાર વાઇલ્ડ એવુંકહેતા કે, 'માણસે હંમેશા પ્રેમમાં રેહવું જોઈએ એટલે જ માણસે લગ્ન ન કરવા જોઈએ!'
 

પોઇન્ટ. પ્રેમ કરવો અને એક છત નીચે સાથે રહેવું બે તદ્દન અલગ અલગ ઘટનાઓ છે, એવું સમજ્યા પછી સાલોથી પોકારી પોકારીને કહ્યું છે. લવ એન્ડ લિવિંગ ટુ ગેધર ઇઝ ડિફરન્ટ થિંગ. બેશક, લવના કેફમાં સતત જોડે રહેવાની ઇચ્છા જાગે પણ મોબાઇલની ચેટમાં કે ડિનર- ડાન્સ મુવીમાં કે ઇવન અડધી કલાકની સેક્સમાં જે કોમ્પેટિબિલિટી હોય, કમ્ફર્ટ હોય એ વર્ષો સુધી સતત કાયમ સાથે રહેવામાં ન યે હોય.
 

(મતલબ, હોય પણ ખરી અને ન યે હોય. કશુ ખાતરીથી કહ ન શકાય) એ યંગથીંગ્સને ઘણી વખત નથી સમજાતું અને સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય છે. તો વડીલોને એ નથી સમજાતું કે માત્ર સારા ઘર, નોકરી,સુવિધા, સંસ્કાર, પરિવાર વગેરે વગેરેથી જ મેરેજની ક્વોલિટી નક્કી કરવાનો જમાનો ગયો. ફિઝિકલ કોમ્પેબિલિટી, સેક્સ્યુઅલ ખેંચાણનું બોન્ડિંગ ને એ માટેના બેઉના અભિગમનું મેચિંગ પણ જોઈએ. ડિવોર્સ રેટ વધી રહ્યા છે, એમાં આ ય મેજર ફેક્ટર છે પણ ખુલીને કોણ કહે?
 

આખો સમાજ અકથ્ય ઘૂટન, પ્રશ્નો અને મૂંઝવણમાં પીસાય છે. જેમ તેમ કરી એડજસ્ટમેન્ટની મથામણો કરે છે. ઇચ્છા ન હોય તો ય અફેર આમ જ થઈ જાય છે. દેહ અને દિલનો ઝઘડો છે આ. વિચાર વર્સીસ વાસના. એક બાજુ જાત પર કાબૂ જ ન રહે એવું કોઈને વળગવાનું, એને બાહુપાશમાં કચડવાનું, એના પર સવાર થઈ એની ભીતર ઓગળવાનું કશીશવાળું નમકીન ખેંચાણ છે.
 

મેગ્નેટિક એટ્રેક્શન. બીજી બાજુ સલામતીની, સાથની, સુખદુઃખના શેરિંગની, કોઈ મજબૂત સહારા અને ખભાની, ઘરને સ્થિરતા આપતા આધારસ્તંભની પણ તલાશ છે. નીડ ફોર સ્ટેબિલિટી. બેઉ જીન્સમાં છે. બે ય ડીએનએમાં ગૂંથાયેલી ડિમાન્ડ છે અને કાયમ બે ય માટેના પાત્રો એક નથી હોતા.
 

જેની આંગળીઓ વાળમાં ફરતી હોય ને ગમે એ પુરુષ અને જેની હાજરીમાં સુરક્ષિત મહેસૂસ થાય એમ પ્રતિષ્ઠા અને કમાણી આપતો પુરુષ જુદો હોઈ શકે છે. મધરાતે પણ ગરમ રસોઈ કરી વ્હાલથી કોળિયા ભરાવતી સ્ત્રી અને જેના ડિજીટલ ફોટામાં કર્વ્ઝ જોઈને ય મદહોશ ઘાયલ તરફડાટ થાય એ સ્ત્રી અલગ હોઈ શકે છે. ને કશ્મકશ એ હોય છે કે બેઉ પોતપોતાની રીતે ગમે છે.
 

પણ અહીં વાત કેવળ શારીરિક નથી. નહિ તો પ્રોસ્ટિટયુશન ને રેસ્ટોરાંથી તન- તોંદની ભૂખ સમાવવાના ઓપ્શનની વાત કરત. ક્યાંક ભીતરમાં એક તડપ છે, રહી ન શકાય એવી. એકબીજાની જોડે સમય વીતાવવાની. વાત કરવાની. મતલબ ઇમોશન્સ છે એટલે ગૂંચવાડા છે.
 

ઇલેક્ટ્રિસિટી જેવી કોઈ ઇમોશન બંધ કરવાની સ્વીચ તો હોતી નથી. પછી બહુ બહુ તો સેલ્ફ કન્ટ્રોલ શીખો. માસ્ક પહેરો. પણ જ્યારે ખુદની સામે નગ્ન ઊભા હશો ત્યારે સચ્ચાઈનો સામનો કરવો પડશે એનું શું? કહેવું આસાન છે.
 

ભૂલી જાવ, મૂવ ઓન. પણ કરવામાં ફેં ફાટી જાય છે. ડોળા બહાર આવે ને જીભ લબડી જાય એવું દબાણ વર્તાય છે. મિસિંગનું. ખાલીપાનું. કરેલી ભૂલો રિવર્સ ન થઈ શકવાની ગરોળીની કપાયેલી પૂંછડી જેવી છટપટાહટનું, જાણે એસિડિટીની જેમ કાયમ રૃંવે રૃંવે એક દાહ બળતો રહે છે.
 

સમય જતાં ઉપર ઉપર થોડી રાખ વળે, પણ અંદર અંદર અંગારા જલતા રહે. માંડ માંડ ટાઢા કર્યા હોય ત્યાં કોઈ યાદ, કોઈ વાત, કોઈ મુલાકાત ધક્કામુક્કી કરતા સ્મરણોના ધાડાની ઉષ્માથી એને ચેતનંવતો કરે છે. ફરી અંદર કોઈ લોહીઝાણ કાતર લઈને સીવેલા ટાંકા કાપતું હોય એવી પીડા સમસમીને ખમવી પડે છે. પુરુષો મોટે ભાગે વધુ આમાં ભરમડાની જેમ ચકરાવે ચડે છે.
 

સ્ત્રીઓમાં એ તકલીફ સમય જતા જન્મજાત સમાધાનની સામાજિક આદતને લીધે શરમમાં કુદરતી હાજત દબાવવાની ટેવ પડી હોય એમ ઘટે છે. તો નવી માનસિક મુંઝવણ ઊભી થાય છે! એક બાજુ લવ છે, એક બાજુ સેટલમેન્ટ છે. એક બાજુ એક્સાઇટમેન્ટ હથેળીમાં લઈને પુરુષ ઊભો છે. બીજી બાજુ સ્ટેબિલિટી ખોળામાં લઈને પુરુષ ઊભો છે. કોણ છે કમ્પેનિયન? બતા વિક્રમ, કુંવરી કો કિસકે ગલે મેં વરમાલા ડાલની ચાહિયે?
 

આ તો ઘરના પ્રેશર છે. લોકો વચ્ચે રહેવાનું છે. આર્થિક આઝાદી બધે હોતી નથી, ને એ હોય તો પણ સમાજની સ્વતંત્રતા મળતી નથી. નહિ તો ઘણા અપરિણીત રહેવાનું જ પસંદ કરે છે, દુનિયામાં નોર્મલ હોવા છતાં ય!
 

'મનમર્ઝિયા' જોનારા ઇઝીલી એને 'વો સાત દિન' કે 'હમ દિલ દે ચૂકે સનમ'ના ખાનામાં મૂકી દેવાની ગફલત કરે છે. પણ આ જરાક અલગ છે અહીં ફિલ્મમાં ઓથર બેક્ડ તાપસીથી પણ સુપર્બ એક્ટિંગ કરનાર અભિષેક બચ્ચનનું પાત્ર સૌથી વધુ ધ્યાન ખેંચે છે. સંગમથી સાજન સુધીની ફિલ્મો જોઈ જોઈ આપણને આદત પડી ગઈ છે કે એક ભલો, સજ્જન, ભોળો, આદર્શ, સાચો પ્રેમી એ છે, જે પોતાના પ્રિયજનની ખુશી ખાતર ખુદની ખુશીનો ત્યાગ કરે. હસતા મોઢે એને જે ગમતું હોય એમાં પરાણે રાજી રહેવું એ મહાન પ્રેમ છે.
 

સૉરી, એ એટલું સહેલું એટલે નથી કે જે અકુદરતી જૂઠ છે, જે સંતત્વની સાત્ત્વિકતાના નામે પરાણે ઠસાવાયું છે. મૂવ ઓન થનારા ય જરાક સંપર્ક ફરી રાખે, ને સામો થોડોક રિસ્પોન્સ મળે તો વળી કાબૂ બહાર થઈ શકે છે. આવા 'સતા' થવાની પ્રક્રિયા રિયલમાં ટફ હોય છે. બધા એમ કંઈ ત્યાગમૂર્તિ બનીને જીવી નથી શકતા.સાવ વન વે જ લવ હોય, એની વાત નથી પણ દોનો તરફ આગ લાગી હોય ત્યાં કઠિન અગ્નિ પરીક્ષા છે.
 

સમજજો બરાબર. એકવીસમી સદીની આ ફિલ્મ એ વાત યાદ અપાવે છે કે 'પ્રેમમાં બલિદાન દેવું' એક વાત છે, અને 'પ્રેમનું જ બલિદાન દઈ દેવું' એ જુદી જ વાત છે! અભિષેકના પાત્રમાં એ ખૂબી છે જે વિકી કે તાપસીના પાત્રમાં નથી. એ પ્રેમ ખાતર સામેથી પોતાની મરજી અને જાતને સેકન્ડ પોઝીશનમાં બેકસીટમાં રાખી શકે છે પણ એટલું કર્યા પછી ય એ પ્રેમની કદરરૃપે વળતા પ્રેમને કે એટલીસ્ટ સમજણને બદલે ઉપેક્ષા, દગો અને જૂઠ મળે ત્યારે એનાથી ય એ સહન નથી થતું. એ શાંત અને સંયમિત રીતે, એને આવડે એમ પ્રેમ પામવા ને ગમતી વ્યક્તિનું દિલ જીતવા કોશિષ કરે છે. પણ સાવ દિલ તો પાગલ હૈ નો અક્ષય કે કરિશ્મા નથી.
 

એ હનીમૂન પર પણ કેવળ પત્નીના પ્રેમને સમજવા નંદિનીના વનરાજની જેમ જતો નથી, પણ ખુદના પ્રેમની ઊંચાઈ ને ઊંડાઈ દેખાડવાનો મૌન પ્રયાસ કરે છે. મનમર્ઝિયાના ત્રણેય પાત્રો એક્ચ્યુઅલી જીદ્દી છે.
 

જે એનિમલ લસ્ટની જેમ જ ખુદના લવ માટે ફાઇટ કરે છે. કેરલેસ પણ છે, પણ ઇન્સિક્યોર્ડ છે. કારણ કે, પ્રેમ ગુમાવવાથી ડરે છે. લિમિટેડ કેપેસિટી હોય તો ય લવર્સની બીજાની લવસ્ટોરીની સ્ક્રિપ્ટ બદલવા મહેનત કરે છે.
આ યુનિક છે, ફિલ્મી પડદે પણ રિયલ લાઇફમાં કોમન છે. છેલ્લી ઘડી સુધી પ્રેમ માટે લડવાની તાકાત પ્રેમ જ આપે છે પણ વિચ્છેદ થાય ત્યારે હસતું મોઢું રાખી ગુડી ગુડી બનવાના નાટકને બદલે ભલે મૌન રહીને પણ વિરોધ નોંધાવવો એ ય હૃદયનું જ બ્લડપ્રેશર છે.

 

બધા જ પ્રેમમાં કોઈને કોઈ ભૂલો કરે છે. બધા જ આવડે એવું મેનિપ્યુલેશન, ટ્રિક્સ પ્રેમ પામવા કરતા રહે છે. એ જ પ્રેમ છે. સો, ડોન્ટ જજ લવ. લવ હેઝ એન્ડલેસ શેડ્સ.

 

ઝિંગ થિંગ
ઇશ્ક ચખ લિયા થા ઇત્તફાક સે
જબાં પર આજ ભી દર્દ કે છાલે હૈ!
(શાયર નામાલૂમ)



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsoxN3snEwNNLqy-6t2HU%2BuvxyNFribEhtqabRLysY8kw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment