Thursday, 4 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તો આપણે મિસાઈલ વિકસાવવામાં પ્રથમ હોત (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તો આપણે મિસાઈલ વિકસાવવામાં પ્રથમ હોત!
પોઈન્ટ બ્લેન્ક : એમ.એ. ખાન

આપણા દેશની મધ્યમાંથી છેક દક્ષિણ સુધી જતી વેસ્ટર્ન ઘાટ કહેવાતી પર્વતમાળા દક્ષિણમાં કર્ણાટક સુધી પહોંચે છે. કર્ણાટકના વેસ્ટર્ન ઘાટની ધોધ વરસાવતી ખીણોના તીવ્ર ઢોળાવો ઉપર વસ્યો છે શિમોગા જિલ્લો. આ જિલ્લાના નગારા ગામમાં એક ખેડૂતે પોતાની બાપ-દાદાની વારસામાં ચાલી આવતી જમીનમાં આવેલા એક અવાવરૂ કૂવાને રીચાર્જ કરવાનો વિચાર કર્યો.  ૨૦૦૨માં તેણે એ કૂવો ખોદીને ઊંડો કરવાની શરૂઆત કરી. થોડાક ફૂટ માટી ખોદતાં જ એની કોદાળી કોઈ નક્કર વસ્તુ સાથે અથડાઈ. એથે થોડે દૂર ત્રિકમ મારી તો ત્યાં પણ કશુંક નક્કર અથડાયું. એને લાગ્યું કે મોટી સાઈઝના કાંકરાનો થર આવી ગયો છે. એણે થર ખોદી ખોદીને કાઢયો તો એને નવાઈ લાગી. એ પથ્થરના ટુકડા કે ગોળ કાંકરા નહોતા. એ તો લગભગ એક એક ફૂટ લાંબા ધાતુના ટુકડા જણાતા હતા. એ ખેડૂતે આખો થર ખોદ્યો તો એમાંથી ૧૬૦ નંગ આવા ધાતુના ટુકડા નીકળ્યા.

ખેડૂત માટે એ નકામી વસ્તુ હતી, પરંતુ એણે બધા ટુકડા સાચવી રાખ્યા. એને થયું કે ધરતીમાં આટલે બધે ઊંડે આ ધાતુના કટકા શી રીતે આવ્યા હશે! મારે કોઈ જાણકારને આ વસ્તુ બતાવવી જોઈએ. ૨૦૦૭માં જ્યારે એના એક ઓળખિતાના મિત્રએ પુરાતત્ત્વ વિભાગના કર્મચારી એચ. એમ. સિધ્ધાનાગોદર સામે આ ટુકડા રજુ કર્યા. એમણે કહ્યું આ વસ્તુ મૂકી જાઓ, હું તપાસ કરીને કહીશ. સિધ્ધાનાગોદરે ધાતુના એ કટકાને બરાબર સાફ કરી અભ્યાસ કર્યો. આ શું હશે? એ સવાલ પર મંથન કરતાં અચાનક એમને ટિપુની ઘટના યાદ આવી ગઈ અને એમણે  એની નવેસરથી સફાઈ કરી અને આખરે જે પરિણામ આવ્યું તે અહીં તસ્વીરમાં બતાવ્યું છે.
સિધ્ધાનાગોદરે તરત જ પોતાના વડાઓને આ વિષે જાણ કરી અને પુરાતત્ત્વ  વિભાગની આખી ટીમ નગારા પહોંચી ગઈ. આ નિષ્ણાતોએ કૂવામાં અને એની આસપાસના વિસ્તારમાં ખોદકામ કરીને કુલ ૧૦૦૦ નંગ ધાતુના ટુકડા ખોદી કાઢયા. એ સાથે જ અત્યાર સુધી જે લોકવાયકા અથવા માત્ર ઐતિહાસિક નોંધ હતી એ નક્કર વાસ્તવિકતા બનીને પુરાતત્ત્વવિદે અને ઈતિહાસકારો પાસે આવી ગઈ.

ઈતિહાસમાં ૧૭૮૦માં પોલ્લીલુરનું યુદ્ધ ખાસ આલેખાયું છે, કારણ કે એ યુદ્ધમાં એ સમયના મૈસૂરના રાજા હૈદરઅલીની સેના અને પુત્ર ટિપુએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જબરજસ્ત લશ્કરનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના બ્રિટીશ લશ્કરે શરણાગતિ સ્વીકારીને પ્રાણ બચાવવા પડયા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સૈનિકો અને લશ્કરી વડાઓ એક જ હથિયારથી ડઘાઈને શરણે આવ્યા હતા. એ હથિયાર હતું અગન્યાસ્ત્ર! આગ વરસાવતું અસ્ત્ર!

સ્વાભાવિક છે કે કદી જોયું જાણ્યું જ ન હોય એવું શસ્ત્ર દુશ્મન લશ્કર વાપરે તો હરીફ સૈન્યએ મેદાન છોડવું જ પડે. જેમ ૧૯૪૫માં અમેરિકાએ જાપાનના બે શહેરો ઉપર અણુબોમ્બ ઝીંક્યા તો આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું. કારણ કે જોતજોતામાં આખા શહેરનો નાશ કરી દે એવું શસ્ત્ર દુનિયાના કોઈ લશ્કરે કદી જોયું જ નહોતું. એટલે તરત જાપાને શરણાગતિ સ્વીકારવી પડી અને અમેરિકા આખા વિશ્વમાં મોટાભા થઈ ગયું!

એવું જ મૈસૂરના ટિપુના અસ્ત્રથી થતું હતું. ઈતિહાસકારો કહે છે કે ટિપુએ ૫૦૦૦ સૈનિકોની ખાસ ટુકડી તૈયાર કરી હતી. એ લોકો આ અગ્ન્યાસ્ત્ર છોડવામાં નીષ્ણાત હતા. આજની ભાષામાં આપણે તેને રોકેટ કહીએ છીએ. પોણાથી એક ફૂટ લાંબા અને સાડાત્રણથી પાંચ સેન્ટીમીટર પહોળા ધાતુના નળાકારને મજબુત વાંસ સાથે બાંધીને નળાકારમાં દારૂગોળો ભરવામાં આવતો હતો અને પછી એ દુશ્મન સૈન્ય ઉપર છોડવામાં આવતું હતું. દુશ્મન સૈન્ય પર પડતાં ત્યાં આગ લાગી જતી. ઘણી વખત તો આ શસ્ત્ર દુશ્મનો પર પડીને ફાટતું હતું. રોકેટ છોડનારા ૫૦૦૦ સૈનિકો હોય તો સ્વાભાવિક છે કે રોકેટ પણ હજારોની સંખ્યામાં બનાવાયા હશે. પરંતુ સેરિંગપટ્ટમને ઘેરો ઘાલીને ટિપુને પરાસ્ત કરીને એની હત્યા કરવામાં આવી ત્યાર પછી ખુબ ખાંખાખોળા કર્યા પછી માંડ અડધો ડઝન રોકેટ હાથ આવ્યા હતા. એમાંના ત્રણ  બેગાલુરૂ મ્યુઝિયમમાં છે અને ત્રણ બ્રિટીશરો પોતાની સાથે લઈ ગયા હતા એ વૂલવિચ ખાતે આવેલા રોયલ આર્ટિલરી મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યા છે.

ઈતિહાસકારો કહે છે કે એ જમાનાના આ સૌથી શક્તિશાળી રોકેટ હતા. નવાઈ એ વાતની છે કે એ માત્ર દક્ષિણ ભારતમાં જ શી રીતે વિકસ્યા હશે? ચીનના લોકો એ જમાનામાં યુદ્ધમાં રોકેટ વાપરવાનો પ્રયોસ કરતા હતા, પરંતુ એમના રોકેટ વાંસમાંથી બનાવેલા હોવાથી એવા ખતરનાક નહોતા બનતા. જર્મનીમાં વાસના નળાકાર ઉપર ખાસ જાતનું કપડું અને સળગે નહીં એવા ગુંદરનું પડ ચઢાવીને રોકેટ બનાવાના પ્રયોગ ચાલતા હતા. પરંતુ કોઈએ ધાતુના નળાકાર બનાવવાનો વિચાર કે પ્રયોગ એ જમાનામાં કર્યો જ નહોતો. તો માત્ર ટિપુના લશ્કરને એ વિચાર શી રીતે આવ્યો. ધાતુના નળાકારના કારણે જ એ લોકો સૌથી સફળ રહ્યા.

બીજો સવાલ એ પણ થાય છે કે એ લોકો દારૂગોળો શામાંથી બનાવતા હશે. આજે નિષ્ણાતો રોકેટના અવશેષોનો અભ્યાસ કરીને કહે છે કે આટલા વજનદાર નળાકારને ધારી દશમાં લઈ જવા માટે દારૂગોળો ખુબ બારીક વાટેલો હોવો જોઈએ. દારૂગોળો એટલો બારીક વાટવો અને તેને રોકેટમાં ભરવો બંને જોખમી કામ છે. એમાં અકસ્માત થવાની પુરેપુરી શક્યતા રહે છે. ત્યારે ટિપુનું લશ્કર એમાં સફળ શી રીતે થઈ ગયું હશે? આ સવાલોના જવાબ નથી, પરંતુ એક વાત નક્કી છે,

આજના મિસાઈલ આ રોકેટની ડિઝાઈન ઉપરથી જ વિકાસ પામ્યા છે. જો ટિપુના રોકેટ અને તેના દારૂગોળા પર એ જમાનામાં ધ્યાન અપાયું હોત તો આપણે મિસાઈલ વિકસાવવામાં પ્રથમ હોત!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsSQhzJZoD3WKp5z8EO_qEkM_Q1x3Q_7S-AV%2B3pQ3J0Kg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment