અશુભ ભૂંસાતું નથી, પડછાયાની જેમ. એ માત્ર એંગલ અને આકાર બદલાવતું રહે છે. જ્યાં સુધી શુભનું અસ્તિત્વ છે ત્યાં સુધી અશુભ પણ જીવતું રહેવાનું, જુદી ભ્રમણકક્ષામાં, જુદી તીવ્રતા સાથે. દિલ્હીના ગેંગરેપ-કમ-મર્ડર કેસનો ચુકાદો આવી ગયો છે. ચારેય ગુનેગારોને ફાંસી ફરમાવી દેવાઈ છે. હવે લોકોની દલીલો, રાડારાડ ને લોહીઉકાળા ધીમે ધીમે શાંત પડી રહ્યા છે. કાનૂને ધારો કે બાકીના ચાર ગુનેગારોની જેમ પેલા અન્ડરએજ અપરાધીને ત્રણ વર્ષ માટે અંદર કરી દેવાને બદલે ફાંસીએ લટકાવી દે તો પણ એક કરપીણ સત્ય આપણે સૌ જાણીએ છીએ. આ બધું જ- રેપ, ગેંગરેપ,રેપ વત્તા મર્ડર બધું જ ફરી પાછું થવાનું છે, થતું રહેવાનું છે, ફક્ત પાત્રો બદલાતાં જશે, સ્થળ બદલાતાં જશે, પણ હેવાનિયતનું નર્કનૃત્ય ચાલતું રહેશે. અશુભ ભૂંસાતું નથી, પડછાયાની જેમ. એ માત્ર એંગલ અને આકાર બદલાવતું રહે છે. જ્યાં સુધી શુભનું અસ્તિત્વ છે ત્યાં સુધી અશુભ પણ જીવતું રહેવાનું, જુદી ભ્રમણકક્ષામાં, જુદી તીવ્રતા સાથે. માત્ર સમાજ નહીં, આપણા જેવા 'સારા અને નોર્મલ' માણસોની ભીતર પણ શુભ અને અશુભનું દ્વંદ્વ ચાલતું હોતું નથી શું? દિલ્હીનો ગેંગરેપ કમ મર્ડરનો કિસ્સો અને તે પછીની હો હા બાદ શું બન્યું? ગણતરીના દિવસોમાં દિલ્હી નજીક ફરિદાબાદમાં બારમા ધોરણમાં ભણતી છોકરી પર રેપ કરી ખૂન કરી નાખવામાં આવ્યું (જાન્યુઆરી ૨૦૧૩). ભારત ફરવા આવેલી એક સ્વિસ મહિલા પર મધ્યપ્રદેશમાં આઠ પુરુષોએ એના પતિની સામે ગેંગરેપ કરી નાખ્યો (માર્ચ ૨૦૧૩). હરિયાણાના સાકેત્રીના જંગલમાં ત્રણ યુવાનોએ (જેમાંના બે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હતા) સગીર છોકરી પર ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). ઉત્તરપ્રદેશના રામકોટમાં પાંત્રીસ વર્ષની મહિલા પર ચાર પુરુષોએ ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). બિહારના સમસ્તીપુરમાં ૨૭ વર્ષની એક મહિલા પર બે પુરુષોએ ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). નર્સિંગનું ભણી રહેલી ૧૯ વર્ષની યુવતી પર ત્રણ પુરુષોએ બેંગલોર નજીક ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). જબલપુર નજીક ત્રણ માઇનોર છોકરાએ ૧૨ વર્ષની બાળકી પર ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). છત્તીસગઢમાં એક માઇનોર છોકરી પર ગેંગરેપ થયો (મે ૨૦૧૩). ઓરિસાની ૧૬ વર્ષની છોકરીને ૭૦૦૦ રૂપિયામાં વેચી નાખી એના પર ગેંગરેપ કરવામાં આવ્યો અને આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું (જુલાઈ ૨૦૧૩). ખ્રિસ્તી સાધ્વી બનવાની તાલીમ લઈ રહેલી ઓરિસાની યુવતી પર ત્રણ પુરુષોએ ગેંગરેપ કર્યો, જેમાંના બે એના કઝિન હતા (જુલાઈ ૨૦૧૩). મુંબઈની ફોટોજર્નલિસ્ટ પર પાંચ માણસોએ ગેંગરેપ કર્યો (ઓગસ્ટ ૨૦૧૩).
અહીં અમુક જ કિસ્સા ટાંક્યા છે, પણ નિર્ભયાનો કેસ જે રીતે મીડિયામાં અભૂતપૂર્વ રીતે ઊછળ્યો તે પછી શા માટે એવી અસર ઊપજે છે કે બળાત્કારોના બનાવો પર બ્રેક લાગવાને બદલે ઊલટાના ગેંગરેપના કિસ્સા વધી ગયા? આવું લાગવાનું એક દેખીતું કારણ એ છે કે નિર્ભયા કેસ પછી પોલીસ સ્ટેશનોમાં નોંધાતા મોલેસ્ટેશનના કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. એકલા દિલ્હીમાં ૨૦૧૨માં મોલેસ્ટેશનના ૧૩૯ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૧૩માં ૧૫ એપ્રિલ સુધીમાં જ આવા ૯૩૭ કેસ રજિસ્ટર થઈ ગયા હતા. મીડિયા આવી ઘટનાઓ વિશે વધારે બોલકું બન્યું છે તે બીજું કારણ છે. ધારો કે ઊલટી પરિસ્થિતિ પેદા થઈ હોત, બળાત્કારના કિસ્સા ઘટી ગયા હોત તોપણ અણિયાળું સત્ય એ છે કે આંકડો ક્યારેય શૂન્ય બનવાનો નથી. કેમ આમ બને છે? ગેંગરેપના ભયાનક બનાવો પછી જે રીતે બૂમરાણ મચે છે તેનાથી અધમ માણસને શૂરાતન ચડતું હશે? એની અંદર રહેલી વિકૃતિને એક પ્રકારનું કન્ફર્મેશન મળી જતું હશે? ડરી જવાને બદલે એની હેવાનિયત ટ્રિગર થઈ જતી હશે?અપરાધીઓની વાત જવા દઈએ, પણ અમુક 'નોર્મલ' કહેવાતા લોકોમાં પણ શેતાની કૃત્યની ગંભીરતાને ખંખેરી નાખીને 'ઠીક હવે, સમજ્યા મારા ભાઈ' પ્રકારના એટિટયૂડ શી રીતે આવી જતા હશે? નિર્ભયા કેસ પછી મુંબઈના બોનોબો નામના એક સ્ટાઇલિશ બારના મહામૂર્ખ માલિકોએ 'બલાત્કારી' નામનું ડ્રિંક ઇન્ટ્રોડયુસ કરી નાખ્યું હતું. યો-યો હની સિંહ નામના સિંગરનું 'મૈં બલાત્કારી' ગીત એકદમ પ્રકાશમાં આવી ગયું હતું. વિવાદ થયો એટલે આ ગીત મારું નથી એમ કહીને એ સરકી ગયો, પણ આ થર્ડ રેટ ઘટિયા સિંગરે સ્ત્રી-પુરુષનાં ગુપ્તાંગ માટેની ગાળોને વણી લેતાં, સ્ત્રી સાથે બળાત્કારની કક્ષાની સેક્સ એક્ટ કરવી એ જાણે હીરોગીરીનું કામ છે એવી અસર ઊભી કરતાં બીજાં કેટલાંક ગીતો લખ્યાં છે, ગાયાં છે ને પર્ફોર્મ કર્યાં છે. આ ગીતોની હલકટ કક્ષા સ્તબ્ધ બનાવી દે તેવી છે. સંગીતનું આ કયું તળિયું છે? વધારે અસ્થિર કરી મૂકે એવી વાત તો આ છે - જુવાનિયાઓમાં યો-યો હની સિંહ ખૂબ પોપ્યુલર છે. યો-યોએ હાર્મલેસ ગીતો પણ ગાયાં હશે ભલે, પણ જે 'કલાકાર' આવા એકાદ હલકા ગીતને પણ પબ્લિકમાં મૂકવાની ચેષ્ટા કરી શકતો હોય તે ખરેખર તો ફેંકાઈ જવો જોઈતો હતો. એને બદલે બન્યું શું? વિવાદ પછી એનું સેલિબ્રિટી સ્ટેટસ ઊલટું ઊંચકાઈ ગયું. હાઈ-પ્રોફાઇલ શોઝમાં પર્ફોર્મન્સ આપવા એને આમંત્રણ મળવા લાગ્યું. શાહરુખ ખાન અને અક્ષયકુમાર જેવાઓએ એને પોતાની ફિલ્મોમાં ગીતો ગવડાવીને સ્ટાર બનાવી દીધો. 'મૈં બલાત્કારી' ગીતની કન્ટ્રોવર્સી કોઈકને ઉપર ચડાવી શકે છે એ સફળતાનું ગણિત આજનું વાસ્તવ છે. મજા કરવા માટે રેસ્ટોરાંમાં જઈને 'બલાત્કારી' ડ્રિંક પીતાં પીતાં થ્રિલ અનુભવતા લોકોનું હોવું એ આપણા સુધરેલા સમાજનું વાસ્તવ છે. ગેંગરેપ કરી નાખતા નરાધમોની કક્ષા કરતાં આ કહેવાતા સોફિસ્ટિકેટેડ લોકોની કક્ષા અલગ જરૂર છે, પણ કશુંક નઠારું તત્ત્વ તેમની વચ્ચે કોમન જરૂર છે. માત્ર તીવ્રતા અને અભિવ્યક્તિ જુદાં છે, બસ. નઠારાપણું સમાજમાંથી ક્યારેય જડમૂળથી નાબૂદ થતું નથી. ઊલટાનું એને અનિવાર્ય, અનિષ્ટ ગણીને હળવાશથી સ્વીકારતા જવાની વૃત્તિ સમાજમાં સૂક્ષ્મપણે આકાર લેવા માંડે છે. અપરાધશૂન્ય સમાજ એક કલ્પના છે અને હવે તો આ કલ્પનાનો પણ ભાર લાગે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtCsmfwjwrmnXMP75XNJ_%3D22OjJ1fe8%2BL516izu%3DEG65A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment