Friday, 5 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નવજાત બાળકોને થતું કૅન્સર ન્યુરોબ્લાસ્ટોમા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નવજાત બાળકોને થતું કૅન્સર ન્યુરોબ્લાસ્ટોમા એટલે બાળકના ચેતાતંત્રમાં ઉદ્ભવતું કૅન્સર!
જિગીષા જૈન

 

 

હાલમાં એક ૬ વર્ષના ગરીબ મજૂરના દીકરાને આ કૅન્સર થવાને કારણે છાતીમાં મોટી ગાંઠ ઉદ્ભવી હતી જેનું મુંબઈમાં પેચીદું ઑપરેશન થયું હતું. પરંતુ આ છોકરાનું કૅન્સર ચોથા સ્ટેજ પરનું હોવાને કારણે હજી પણ તેના બચવાની શક્યતા ઘણી ઓછી છે. ૯૦ ટકા કેસમાં આ કૅન્સરનું નિદાન  પાંચ વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે. જ્યારે નિદાન કરવામાં મોડું થઈ જાય છે ત્યારે તકલીફ ઊભી થઈ શકે છે. આજે જાણીએ આ કેસ વિશે અને બાળકોમાં થતા કૅન્સર વિશે...

 

તાજેતરમાં કોલ્હાપુર પાસે આવેલા નાનકડા ગામમાં રહેતા એક ૬ વર્ષના દીકરાને છાતીમાં સતત દુખાવાની ફરિયાદ રહેતી હતી. તેને તાવ આવ્યા કરતો હતો અને માતા-પિતાના કહેવા મુજબ તેનું વજન છેલ્લા એક મહિનામાં અચાનક જ ખૂબ ઘટી ગયું હતું. આ સિવાય બાળકને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. બાળકનાં મા-બાપ મજૂર હતાં. બાળકની તકલીફને સમજવાની કે યોગ્ય ડૉક્ટર સુધી પહોંચાડવાની તેમની હાલત નહોતી. સદ્નસીબે તેઓ બાળકને ખરેખર શું તકલીફ છે એ માટે ડૉક્ટરોનો સંપર્ક કરતાં-કરતાં મુંબઈ પહોંચ્યાં અને અહીં તેમને જાણ થઈ કે બાળકને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કૅન્સર છે. આ બાળકને છાતીની ડાબી બાજુએ એક મોટું ટ્યુમર હતું જે કરોડરજ્જુ સુધી વિસ્તરી ગયું હતું. એ ટ્યુમર કે ગાંઠને કારણે એને શ્વાસમાં પણ તકલીફ પડતી હતી. 13 X 9 X 7 સેન્ટિમીટરની સાઇઝની આ ગાંઠ છાતી, પીઠ અને પેટ સુધી ફેલાયેલી છે એવી CT સ્કૅન અને ન્યુક્લિયર મેડિસિન બોન સ્કૅન દ્વારા ખબર પડી હતી. આટલી મોટી ગાંઠનું ઑપરેશન કરવું ખૂબ અઘરું જણાતું હતું એટલે ડૉક્ટર્સ દ્વારા નક્કી થયું કે પહેલાં બાળકને કીમોથેરપી આપવામાં આવે. કીમોથેરપી બાળક પર ખૂબ અસરકારક સાબિત થઈ અને એના થકી ગાંઠની સાઇઝને ઘણી હદે ઓછી કરી શકાઈ. કીમો ચાલતી હતી ત્યારે જ બાળકને ચાલવામાં જે તકલીફ હતી એ જતી રહી. હાલમાં જ બાળકની સર્જરી થઈ છે, જે ખૂબ જ કૉમ્પ્લેક્સ સર્જરી હોવા છતાં ઘણી જ સક્સેસફુલ રહી હતી. પરંતુ દુ:ખની વાત એ છે કે બાળકનાં હાડકાં સુધી આ કૅન્સર ફેલાઈ ગયું છે અને એને કારણે તેની લાંબું જીવવાની શક્યતા ઘણી ઓછી છે. બાળકને કોઈ પણ જાતનો રોગ હોય એ જ એકદમ સંવેદનશીલ વાત છે અને એમાં પણ જો કૅન્સર હોય તો ભલભલી વ્યક્તિઓ સાંભળીને હલી જતી હોય છે.

 

આ કેસ વિશે વાત કરતાં આ બાળકની સર્જરી કરનારા ફોર્ટિસ એસ. એલ. રાહેજા હૉસ્પિટલ, માહિમના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક સર્જ્યન ડૉ. રાજીવ રેડકર કહે છે, 'આ બાળકના શરીરમાંથી ૭૫૦ ગ્રામની ગાંઠ અમે કાઢી છે. મહત્વની વાત એ છે કે આ એક અત્યંત ઝડપથી વિકસતી કૅન્સરની ગાંઠ હતી જે ખૂબ વધારે પ્રમાણમાં શરીરમાં ફેલાઈ ચૂકી હતી. બાળકનાં અમુક હાડકાંઓ અને પેટ સુધી એ વિસ્તરેલી હતી. આ કેસ ખરેખર રિસ્કી હતો અને સર્જરી ખૂબ પેચીદી હતી. પરંતુ ખુશીની વાત એ છે કે એ પાર પડી અને બાળકને નવજીવન મળ્યું.'

 

બાળકોમાં કૅન્સર
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચના આંકડાઓ અનુસાર ભારતમાં આજથી ૧૦ વર્ષ પહેલાં જેટલા પણ કૅન્સરના દરદીઓ છે એમાંથી અઢી ટકા દરદીઓ બાળકો હતાં. આજે એ આંકડો સાડાપાંચ ટકા જેટલો વધી ગયો છે. એનો અર્થ એ કે પાછલાં ૧૦ વર્ષમાં બાળકોમાં કૅન્સરનું પ્રમાણ બમણું થઈ ગયું છે. એક અંદાજ મુજબ મુંબઈની તાતા મેમોરિયલ સેન્ટર હૉસ્પિટલમાં એક વર્ષમાં ૨૦૦૦ નવાં બાળકોના કૅન્સરના કેસ આવે છે. વયસ્ક વ્યક્તિઓને જે કૅન્સર થાય છે અને બાળકોને જે કૅન્સર થાય છે એ કૅન્સરની ફિઝિકલ કન્ડિશન સરખી જ હોય છે; પરંતુ એના થવાનાં કારણો, એનો ઇલાજ અને ઇલાજને લીધે થતી શરીર પર અસર જુદી-જુદી હોય છે. બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતા કૅન્સરમાં લ્યુકેમિયા એટલે કે લોહીનું કૅન્સર, મગજ અને બીજાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનાં ટ્યુમર, ન્યુરોબ્લાસ્ટોમા કૅન્સર (નર્વ સેલ્સને લગતું કૅન્સર), વિલ્મ્સ ટ્યુમર (કિડનીનું કૅન્સર), લિમ્ફોમા (રોગપ્રતિકારક શક્તિના અમુક કોષોમાં થતું કૅન્સર), રેટિનોબ્લાસ્ટોમા (આંખનું કૅન્સર), હાડકાના કૅન્સરનો સમાવેશ થાય છે.

 

ન્યુરોબ્લાસ્ટોમા
અમુક આંકડાઓ મુજબ આ બધા જ પ્રકારોમાં એક વર્ષથી નીચેનાં બાળકોમાં ન્યુરોબ્લાસ્ટોમા સામાન્ય જણાય છે. બાળકોને થતાં બધાં કૅન્સરમાં ફક્ત અમેરિકાની વાત કરીએ તો દર વર્ષે ત્યાં ૭૦૦ જેટલાં નવાં બાળકો ન્યુરોબ્લાસ્ટોમાનો ભોગ બને છે. આ રોગ બાળકને જન્મથી જ હોય છે અથવા તો એમ કહીએ કે જન્મ પહેલાંથી જ માના ગર્ભમાં એની શરૂઆત થઈ ચૂકી હોય છે. પરંતુ એ એકદમ શરૂઆત જ હોય છે. ઘણી વાર અલ્ટ્રાસાઉન્ડ દરમ્યાન ગર્ભમાં જ આ કૅન્સરનું નિદાન શક્ય બની શકે છે. પરંતુ ૯૦ ટકા કેસમાં આ કૅન્સરનું નિદાન પાંચ વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે. એક બાળકમાં આ કૅન્સરનું નિદાન થવાની ઍવરેજ ઉંમર ૧-૨ વર્ષ ગણી શકાય. આ રોગ ૧૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે એ જન્મજાત હોય છે એટલે જલદી જ સામે આવી જાય છે. સામે આવવામાં કે શરીરમાં ફેલાવા માટે એ સમય લેતું નથી.

 

સંપૂર્ણ ક્યૉર શક્ય
કૅન્સરના ઇલાજની વાત કરીએ તો એક વયસ્કનું શરીર મોટું હોય છે અને બાળકનું નાનું. શરીરના કેટલા ભાગમાં રેડિયોથેરપી કે કીમોથેરપી આપવાની છે એ મુજબ નક્કી થાય કે ઇલાજનો કેટલો ખર્ચો થશે. બાળકનું શરીર નાનું છે અને તેને કીમોથેરપી કેટલી આપવાની છે એના પરથી ઇલાજનો ખર્ચ નક્કી થાય. આમ વયસ્ક કરતાં બાળકનો ખર્ચ ઓછો થાય છે. એક વયસ્ક માણસ કૅન્સર જેવી બીમારી સામે લડે, પરંતુ એક નવજાત બાળક કઈ રીતે લડી શકે? પરંતુ હકીકત એ છે કે કૅન્સર સામે ટકવાની કે ઝઝૂમવાની ક્ષમતા ભલે બાળકમાં ઓછી હોય, પરંતુ એના ઇલાજની અસર એક વયસ્ક કરતાં બાળકને વધુ થાય છે. એ વિશે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના મેડિકલ ઑન્કૉલૉજિસ્ટ ડૉ. બમન ધાબર કહે છે, 'કૅન્સરની ટ્રીટમેન્ટમાં અપાતી થેરપી જેમ કે રેડિયોથેરપી કે કીમોથેરપીને એક બાળકનું શરીર ખૂબ સારી રીતે સર્પોટ કરે છે. એને કારણે બાળકોને થતા કૅન્સરને ક્યૉર કરવું શક્ય બને છે. ફક્ત બ્લડ-કૅન્સર એટલે કે લ્યુકેમિયાની જ વાત કરીએ તો વયસ્કમાં સંપૂર્ણ ક્યૉર થવાની શક્યતા ૩૦-૪૦ ટકા જેટલી રહે છે, જ્યારે બાળકોમાં આ ટકાવારી ૭૦-૮૦ ટકા છે. ફક્ત વીસ ટકા બાળકોને જ આપણે ઇલાજ થવા છતાં બચાવી શકતા નથી, બાકીનાં ૮૦ ટકા બાળકોને આપણે સંપૂર્ણ રીતે સાજાં કરી શકીએ છીએ જે કૅન્સર જેવા રોગ માટે મોટી ઉપલબ્ધિ કહેવાય.'



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuLaE_MV28U4MqGK7WytYViyVwYF%3DyvRr8TEMgmG6JbWg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment