Friday, 5 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પૈસા ધર્યા વિના પ્રસાદ લેવાય? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પૈસા ધર્યા વિના પ્રસાદ લેવાય?   

વર્ષા પાઠક

ગણેશોત્સવ મારા ફેવરિટ તહેવારોમાંનો એક છે. ટ્રાફિકજામ થાય, ઠેર ઠેર ભીડ થાય, કાન ફાટી જાય એટલો ઘોંઘાટ થાય, પ્રસાદના નામે દસ દિવસ પેટમાં જાતજાતની વાનગીઓ પધરાવીને વજન વધી જાય કે માંદા પડાય. જે થાય તે, પણ ગણપતિ બાપ્પા મોરયા.... મજા આવી જાય. આ એવા દેવ છે, જેમને જોતાં જ સ્માઇલ આવી જાય. શ્રદ્ધાળુઓ ઘેર કે જાહેર મંડપમાં ગણપતિ લઈ આવે પછી દોઢ, પાંચ કે દસ દિવસ રાખે. જેવી જેની અનુકૂળતા. આપણે ઘેરઘેર દર્શન કરવા જઈએ. એમાં ગણેશોત્સવનો પહેલો અને બીજો દિવસ મોસ્ટ હેક્ટિક હોય. ઘરમાં દોઢ દિવસ માટે ગણપતિ લાવનારા સ્નેહીજનો પાસેથી દર્શન માટે આવવાનું નિમંત્રણ મળ્યું હોય. એ બધાંને ત્યાં જવાની ઇચ્છા હોય. બને તો એક દિવસમાં બધે ફરી વળવાનું નક્કી કરીએ, કારણ કે બીજે દિવસે બપોરે તો બાપ્પા ત્યાંથી વિદાય થઈ જવાના હોય અને પછી સજ્જધજ્જ થઈને ઘરની બહાર નીકળીએ. એમાં પહેલો કોઠો વાહનનો હોય.

સંભવિત ટ્રાફિકજામને લક્ષ્યમાં રાખીને નક્કી કર્યું હોય કે દરેક ઘરમાં 10થી 15 મિનિટ બેસીને નીકળી જવું, પણ આ વળી ચક્રવ્યૂહનો બીજો કોઠો. એક તો જેને ઘેર ગયા હોઈએ એની સાથે વાતોમાં, એમના ગણપતિને નિહાળવામાં જ ઓછામાં ઓછી 15-20 મિનિટ્સ નીકળી જાય. એમને ત્યાં પાર્કિંગ શોધવામાં ઑલરેડી ખાસ્સો સમય તો કાઢી જ નાખ્યો હોય અને પછી એવું થાય કે દર્શન માટે આવેલા મિત્રો, ઓળખીતાં ત્યાં મળી જાય. એમની સાથે ગપ્પાં મારવાની લાલચ ટાળી ન શકાય અને ચા-નાસ્તાની મહેફિલ જામે. ક્યાંક વળી આરતીના ટાઇમે પહોંચીએ તો બીજી 15-20 મિનિટ્સ. ટૂંકમાં, દિવસ ધમધમાટ નીકળી જાય. આશીર્વાદ અને પ્રસાદનો સ્ટોક લઈને મોડી રાતે થાક્યાંપાક્યાં પણ ખુશખુશાલ ઘેર પાછાં ફરીએ ત્યારે એકાદ-બે ગણપતિની વિઝિટ બાકી રહી જ ગઈ હોય. મનોમન એમને અને એ યજમાનને નમસ્કાર કરીને ઘરના ગણપતિને માથું નમાવી લેવાનું. દર વર્ષની આ કહાણી છે. આવતે વર્ષે પણ હોંશભેર દોહરાવશું.

હવે અહીં એક નાનો સવાલ પૂછવો છે. આપણે જ્યાં દર્શન કરવા જઈએ ત્યાં ભગવાનની પૂજા આરતી નમન કરી લીધાં પછી પૈસા મૂકવા જરૂરી છે? અને ન મૂકીએ તો ખરાબ લાગે કે ભગવાનનું અપમાન થયું ગણાય? અને ભગવાનને પૈસા ધરવા એ આપણી પ્રાચીન સંસ્કૃતિનો હિસ્સો છે? આ પહેલાં અનેકવાર કહ્યું છે એમ હું બહુ ધાર્મિક વૃત્તિ નથી ધરાવતી. દરેક તહેવારની પરંપરાગત ઢબે થતી ઉજવણી મને ગમે. હોળીમાં પાણી ન વેડફો, દિવાળીમાં ફટાકડા ન ફોડો, એવી શિખામણો શુભ હેતુથી થઈ હોય તોયે મને બહુ ગુસ્સો આવે. હમણાં ગઈ રક્ષાબંધન વખતે અમુક સ્ત્રીઓએ કહ્યું કે ભાઈને રાખડી બાંધીને એ આપણી રક્ષા કરશે એવું માનનારી નારીઓ પિતૃસત્તાને પ્રોત્સાહન આપે છે અને આનો વિરોધ કરવા માટે એમણે અકેલી, આઝાદ, આવારા એવું કંઈ લખેલી રાખડીઓ વેચવાનું(અલબત્ત મોંઘા ભાવે) શરૂ કરેલું. એની સામે તો મને હિંસક કહેવાય એ હદે ગુસ્સો ચઢેલો. આજકાલ અનેક મોઢે સાંભળવા મળ્યું છે કે આપણે આપણા હિન્દુ તહેવારો મારવા જ બેઠા છીએ, એ ફરિયાદમાં ત્યારે મેં પણ સૂર પુરાવેલો અને સાચ્ચું કહું તો એ વખતે મને મુસ્લિમ તહેવાર બકરી ઈદનો વિરોધ કે ટીકા કરતા લોકો પ્રત્યે પણ પહેલીવાર થોડી નારાજગી ઉપજેલી.
આખું વરસ દેશભરમાં નોનવેજ વાનગીઓ પીરસતી લાખો રેસ્ટોરાં અને લારીઓ માટે લાખો મરઘાં, બકરાં કપાય છે, સી ફૂડ ફેસ્ટિવલ્સમાં નાનાં-મોટાં અનેક જળચર પ્રેમથી ખવાઈ જાય છે. ફિશિંગ એટલે કે માછલી પકડવાની પ્રવૃત્તિને ઘણા સ્પોર્ટ્સ ગણે છે, એની સામે ઝંડા નથી ઉપાડતા, તો એક દિવસ અમુક મુસ્લિમો ધાર્મિક માન્યતા અનુસાર બકરી કાપે, એ જ શું કામ અમુક લોકોને નથી ગમતું? માઇન્ડ યુ, હું શાકાહારી છું(જોકે, દૂધ પીઉં છું એટલે ખુદને શુદ્ધ શાકાહારી કહેવાની ગુસ્તાખી નહીં કરું). એનીવે, ભગવાનને પૈસા ધરવાની વાત પાર પાછા ફરીએ? એની સાથે કોઈ ધાર્મિકતા સંકળાયેલી છે? ગણેશોત્સવ વખતે લોકોના ઘેર જાઉં ત્યારે ગણપતિની મૂર્તિ પર ગુલાલ, ચોખા, ફૂલ ચઢાવીને પૂજા કરી લઉં, પ્રસાદ પણ ખાઈ લઉં, પરંતુ પૈસા નથી મૂકતી. આ ખરાબ કહેવાય?

આર્થિક સ્થિતિ સાવ સાધારણ હોય તોય એ લોકો ક્યારેય અંગત ખર્ચ માટે આ પૈસા નથી વાપરતા. પૂજારીને આપી દે છે અથવા તો ક્યાંય દાન-પુણ્યમાં વાપરી નાખે. આવા સંજોગોમાં કોઈ એમને ત્યાં પધારેલા બાપ્પાને ચરણે પૈસા ધરવાનું ટાળે તો યજમાનને ગુસ્સો ભલે ન આવે, પણ વિચિત્ર લાગે એવું બને? એકેય પૈસો ધર્યા વિના ડબલ પ્રસાદ ખાઈ લેતી મારા જેવી વ્યક્તિને પીઠ પાછળ કંજૂસનું લેબલ મળતું હશે? અને સહુથી મહત્ત્વનો પ્રશ્ન ભગવાન ખરેખર હોય તો આ જોઈને એ મારા વિશે શું વિચારતા હશે? 



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ouqgi9_jhNe30togV_NFS%3DZOkHYYtChXMV-PxNSgtptjw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment